Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શિયાળાની સામાન્ય શરદી માટે ઘરગથ્થુ નુસખાઓ વધારે ઉપયોગી છે

શિયાળાની સામાન્ય શરદી માટે ઘરગથ્થુ નુસખાઓ વધારે ઉપયોગી છે

02 January, 2019 01:25 PM IST |
જિગીષા જૈન

શિયાળાની સામાન્ય શરદી માટે ઘરગથ્થુ નુસખાઓ વધારે ઉપયોગી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શિયાળો એક એવી ઋતુ છે જેમાં બાળકોની હાલત ખૂબ વધારે ખરાબ થઈ જાય છે. આ ચાર મહિના સખત શરદી, ઉધરસ, તાવ અને વાઇરલ ઇન્ફેક્શન રહે છે અથવા તો વારંવાર આવ્યા કરે છે. બાળકો શું, મોટેરાઓને પણ તાપમાન થોડું નીચું જાય એટલે તરત જ એની અસર દેખાવા લાગે છે. આ જે વાઇરલ ઇન્ફેક્શનનાં લક્ષણો છે જેમાં નાક ગળવું, ઉધરસ આવવી, કફ ભરાઈ જવો, માથું દુખવું, શરીરમાં કળતર થવી, છીંકો આવ્યા કરવી, માથું એકદમ ભારે લાગવું, ઊંઘ આવ્યા કરવી, ઠંડી લાગવી, તાવ આવવો, નબળાઈ આવી જવી વગેરે સામાન્ય છે; પરંતુ આ લક્ષણોને કારણે વ્યક્તિ પોતાનાં રોજિંદાં કામ બરાબર કરી શકતી નથી. શરદીમાં આમ તો આરામ જ એનો બેસ્ટ ઇલાજ છે. બેત્રણ દિવસ આરામ કરીએ તો એની મેળે શરદી ઠીક થઈ જતી હોય છે, પરંતુ આજના સમયમાં જ્યાં માણસને શ્વાસ લેવાનો સમય નથી ત્યાં બેત્રણ દિવસ શરદીને લીધે આરામ કરવા મળે એ શક્ય લાગતું નથી. ઑફિસમાં પણ કોઈને કહો કે શરદી-ઉધરસને કારણે બે દિવસ રજા મૂકી છે તો આપણે હાસ્યાસ્પદ ઠરીએ છીએ. આ પરિસ્થિતિમાં લોકો દવાઓ લેવાનું યોગ્ય સમજે છે. ઘણા છે જે ડૉક્ટર પાસે જઈને દવાઓ લે છે તો ઘણા લોકો ડૉક્ટર પાસે પણ જતા નથી અને સીધા કેમિસ્ટ પાસેથી જ જાતે દવાઓ લઈને ઠીક થઈ જતા હોય છે. પરંતુ આ રીતે ઠીક થતી શરદી કે ઇન્ફેક્શન ૧૫ દિવસમાં લગભગ પાછા આવી જતા હોય છે. શિયાળામાં જ્યારે આવી સીઝનલ બીમારીઓ આવે ત્યારે શું કરવું જોઈએ એ આજે સમજીએ.

તકલીફ સહ્ય હોય ત્યારે દવાઓ ન લો



આ સીઝનમાં જો ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ હોય તો વ્યક્તિ માંદી ઓછી પડે. આમ શિયાળામાં ઇમ્યુનિટી ડેવલપ કરવાની જરૂર પડે જ છે. આ બાબતે વાત કરતાં ફિમ્સ ક્લિનિક માટુંગા અને વિલે પાર્લેનાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘આ દરમ્યાન ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે તમે વગર દવાએ શરદી-ઉધરસ સામે લડી શકતા હોય તો લડો. એટલે કે થોડીક શરદી હોય તો દવા લેવા ન ભાગો. સામાન્ય શરદી કોને કહેવાય એ પણ અહીં વ્યક્તિએ પોતે જ નક્કી કરવું રહ્યું. ઘણાની સહનશક્તિ ખૂબ ઓછી હોય તો તેને થોડામાં લાગે કે ઘણું થયું છે અને ઘણાની વધુ હોય તો તકલીફ વધુ હોવા છતાં સહન કરી લેતા હોય છે. ઇમ્યુનિટી વધારવા માટે જરૂરી છે કે તમે તમારી સિસ્ટમને એ વાઇરસ સામે લડવાનો મોકો આપો. ખાસ કરીને ઍન્ટિબાયોટિક દવાઓથી ખુદને બચાવી શકતા હો તો બચાવો. કોઈ પણ વસ્તુને ક્વિક ફિક્સ કરવાની જે ટેવ છે એ લાંબા ગાળે હાનિકારક છે.’


ઘરગથ્થુ ઉપચાર

શિયાળાના આવા પ્રૉબ્લેમ્સ માટે ઘરગથ્થુ ઉપચારો ઘણા જ અકસીર નીવડે છે. કઈ તકલીફમાં કયો ઉપચાર કામ લાગી શકે છે એ ધ્વનિ શાહ પાસેથી જાણીએ. પરંતુ ઘરગથ્થુ ઉપચાર કરતાં પહેલાં અમુક વસ્તુઓને સમજી લેવી જરૂરી છે, જે વિશે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘ઘણા લોકો આ ઘરગથ્થુ ઉપચાર ૧-૨ દિવસ કરે છે અને પછી થોડો ફરક લાગે એટલે બંધ કરી દે છે. પછી તકલીફ પાછી આવે એટલે કહેશે કે ઘરગથ્થુ ઉપચાર કંઈ કામ લાગતા નથી એટલે તકલીફ પાછી આવી અને પછી ડૉક્ટર પાસે દવા લેવા દોડશે. ઘરગથ્થુ ઉપચારથી તમને ૩ દિવસમાં ઓછામાં ઓછો ૩૦-૪૦ ટકા જેટલો ફરક થવો જોઈએ. જો ન થાય તો તમે ડૉક્ટર પાસે જાઓ. જો થાય તો એને અઠવાડિયા સુધી ચાલુ રાખો. જો તમને એકદમ ઠીક લાગતું હોય તો પણ અઠવાડિયા સુધી એ ચાલુ રાખવું જરૂરી છે. એ અધવચ્ચે છોડશો તો પૂરી રીતે ઠીક નહીં થઈ શકો.’


ડ્રાય કફ

ડ્રાય કફ એટલે કે સૂકી ખાંસી આવતી હોય તો આ રેમેડી ઉપયોગી છે. આ સિવાય જો ગળું ખૂબ દુખતું હોય, પાણી પીવામાં કે કશું ગળવામાં દુખાવો થતો હોય ત્યારે આ રેમેડી ઉપયોગી છે.

હળદર અને ખડી સાકરનો પાઉડર બન્ને સપ્રમાણ લઈને ફાકી જવાનું. આ રેમેડી દિવસમાં કોઈ પણ સમયે લઈ શકાય. દિવસમાં બે વખત એ લઈ શકાય છે. ખાસ કરીને એક વખત દિવસમાં અને એક વાર રાત્રે સૂતાં પહેલાં લો તો એ ઘણું ઉપયોગી બને છે.

ભીનો કફ

જ્યારે ભીનો કફ હોય એટલે કે ગળફા નીકળતા હોય ગળામાંથી ત્યારે એમાં પણ બે પ્રકાર છે. જો કફનો રંગ પીળો કે લીલો હોય તો એનો અર્થ એ થયો કે કફની સાથે પિત્ત પણ છે. તો આ રેમેડી વાપરવી.

તુલસીનો રસ ૧ ચમચી એમાં ૧ ચમચી મધ અને અડધી ચમચી હળદરનો પાઉડર ભેળવીને લઈ શકાય. દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર આ લઈ શકાય છે. જો મધ ન વાપરવું હોય તો એની જગ્યાએ ગોળ વાપરી શકાય.

સફેદ ચીકણો કફ

જો કફનો રંગ સફેદ હોય અને કફ એકદમ ચીકણો હોય તો આ રેમેડી વાપરવી.

એક ચમચી આદુના રસમાં ૧ ચમચી મધ અને અડધી ચમચી હળદર ભેળવીને લઈ લેવું. આ પણ દિવસમાં કોઈ પણ સમયે એક કે બે વાર લઈ શકાય. અહીં પણ જે લોકો મધ ન વાપરે તે ગોળ વાપરી શકે છે.

ગળતું નાક

જો નાક ગળતું હોય તો આ રેમેડી વાપરવી.

મોટા ભાગે શરદી થઈ હોય તો લોકો દૂધ પીતા નથી, પરંતુ ચૉકલેટ દૂધ આ પરિસ્થિતિમાં ખૂબ અસરકારક છે. નાક ખૂબ ગળતું હોય તો રાત્રે દૂધમાં કોકો પાઉડર નાખીને ભેળવો અને પી જાઓ. એમાં ખાંડ પણ નાખી શકાય જો મન હોય તો બાકી ન નાખો તો સારું.

સાંધાની તકલીફ

શિયાળામાં એક બીજો પ્રૉબ્લેમ છે શરીરમાં કળતર અને સાંધાના દુખાવાનો. મોટા ભાગે વડીલોને આ તકલીફ થાય છે. તેમના માટે બે જુદી-જુદી રેમેડી વાપરી શકાય.

અળસીનો પાઉડર અડધી ચમચી લેવો અને એ પાઉડરને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળીને એ પીવું. અહીં ધ્યાન એ વાતનું રાખવાનું છે કે આ અળસીનો પાઉડર પહેલેથી કરીને રાખશો તો નહીં ચાલે. તાજો પાઉડર બનાવવો અને વાપરવો.

કાશ્મીરી કાવો પણ સાંધાના દુખાવામાં ઘણો ઉપયોગી છે. પાણીમાં ૨-૪ પાંખડી કેસર ઉકાળવું. એમાં એક ચપટી ઇલાયચી નાખવી. એક ચપટી સૂંઠ નાખવી અને એને ઉકાળવું. ૧ મિનિટ ઉકાળ્યા પછી કપમાં લઈને એમાં સ્વાદ માટે ખડી સાકર કે મધ ઉમેરી શકાય. ઉપરથી બદામનો ભૂકો નાખી ભેળવી દો. નૉર્મલ ચા કરતાં આ કાવો વધુ ઉપયોગી સાબિત થશે, ખાસ કરીને જેમને આર્થ્રાઈટિસ છે.

આ પણ વાંચો : તમે આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે શું વિચાર્યું છે?

કફનો ભરાવો

નાકમાં કે છાતીમાં જ્યારે કફ અતિ ભરાઈ ગયો હોય ત્યારે એક મહત્વનો ઘરગથ્થુ ઇલાજ છે સ્ટીમ કે બાફ લેવી. ઘણા લોકો એમાં કંઈ ને કંઈ નાખીને બાફ લે છે. જેમ કે બામ. પરંતુ એવું કશું જ નાખવાની જરૂર નથી. જ્યારે કફનો ભરાવો થયો હોય ત્યારે પ્લેન પાણીની જ બાફ લેવી. દિવસમાં બેત્રણ વાર એ લઈ શકાય છે. રાત્રે લઈને સૂઈ જશો તો સારી ઊંઘ આવશે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 01:25 PM IST | | જિગીષા જૈન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK