શ્રાદ્ધના સોળ દિવસ અહીં મળે છે માલપૂઆ, દૂધપાક અને ફૂલવડી

Published: Sep 07, 2020, 15:29 IST | Pooja Sangani | Mumbai

સંતરામ મહારાજના મંદિર માટે જાણીતા નડિયાદમાં ઠેર-ઠેર પૂર્વજોને કાગવાસ નાખવા માટે મળતી તૈયાર મીઠાઈઓની સુવાસ એટલી મઘમઘે છે કે આસપાસના લોકો ખાસ આ ચીજો લેવા નડિયાદ જાય છે

માલપુઆ
માલપુઆ

પ્રખ્યાત તીર્થધામ

ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા... ખાનેવાલે કો ખાને કા બહાના ચાહિએ... એવી ઘણી પંક્તિઓ ભોજનને લઈને બનાવવામાં આવી છે કે જે જીવનમાં ભોજનનું મહાત્મ્ય સમજાવે છે. ભૂખ્યા ભજન ના થાય રે ગોપાલા એટલા માટે કહેવામાં આવે છે કે પ્રભુને પણ તેનો ભક્ત ભૂખ્યો ન રહે અને ભૂખ્યો ન સૂવે એની ચિંતા હોય છે. આથી પહેલાં ભોજન કરવું અને પછી ભજન. બીજી ઉક્તિ ખાનેવાલે કો ખાને કા બહાના ચાહિએ તેમના માટે છે કે જેઓ ભોજનના ભારે શોખીન છે. બસ, અવનવું ભોજન ખાવા જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? પરંતુ ભાઈ આપણે તો ખાઈપીને મોજ જ કરવાની છે એટલે હું તો કહીશ કે ખાવા માટે જીવું છું અને જીવવા માટે પણ ખાઉં છું જ.

અચ્છા બહુ ગપશપ થઈ ગઈ, હવે પૉઇન્ટ પર આવું. તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં દશેરાના દિવસે ફાફડા-કઢી કે ચોળાફળી-ચટણી અને જલેબી, ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી, શ્રાવણ મહિનાની નાગ પાંચમના દિવસે ખાજા અને શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ અને સુરતમાં ચવાણું અને ઘારી ખાવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના મુખ્ય નગર નડિયાદમાં શ્રાદ્ધના સોળ દિવસ દરમિયાન ઠેર-ઠેર માલપૂઆ, ગરમાગરમ તાજો દૂધપાક અને ફૂલવડી કે જેને તેઓ મમરી કહે છે એ મળે છે અને લોકો પોતાના પૂર્વજની યાદમાં એ આરોગે છે.
તમને એમ થશે કે શ્રાદ્ધ દરમિયાન વળી આવું તો કેવું કે લોકો મીઠાઈ અને ફરસાણ ખાય. આ દિવસો દરમિયાન તો પૂર્વજોની પ્રભુને વહાલા થઈ ગયા હોય એ દિવસની તિથિ હોય છે. તો પછી માલપૂઆ, દૂધપાક અને ફુલવડીની વળી ક્યાં વાત આવી. જો નવી પેઢીને ખબર ન હોય તો કહી દઉં કે જે હિન્દુ મહિનાની તિથિના દિવસે સ્વજનનું મરણ થયું હોય એ તિથિના દિવસે શ્રાદ્ધના પંદર દિવસ દરમિયાન તેમને યાદ કરવામાં આવે છે અને કાગવાસ નાખવામાં આવે છે.
કાગવાસ એટલે કે અગાસી ઉપર જઈને કાગડાને બોલાવીને ખીર, દૂધપાક કે બીજું ભોજન આપવામાં આવે છે. એવું કહેવાય છે કે એ ચોક્કસ તિથિએ પૂર્વજો આવે છે અને એ ભોજન આરોગે છે. ખેર, આ તો શ્રદ્ધાનો અને માન્યતાનો વિષય છે, પરંતુ પંડિતો અને શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ એનું ધાર્મિક જ નહીં પરંતુ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. સોળ દિવસના શ્રાદ્ધ એટલે કે ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા સુદ અમાસ સુધીનો સમય તળપદી ભાષામાં ‘સોળ દિવસના સરાદિયા’ કહેવાય છે. દિવંગત પૂર્વજો, મિત્રો અને સ્નેહીઓને ખીર-પૂરી ધરીને તેમનો આભાર માનવામાં આવે છે. તેમને તૃપ્ત કરવામાં આવે છે અને ઋણ અદા કરવામાં આવે છે.
બાર ગામે બોલી બદલાય એમ ભોજનના રીતરિવાજોમાં પણ બનતું હોય છે. નડિયાદમાં અને બીજા શહેરોમાં દૂધપાક બનાવવામાં આવતો હોય છે જે પૂરી તથા બીજા ફરસાણ સાથે આરોગવામાં આવતો હોય છે. આ ઉપરાંત પૂરીના બદલે માલપૂઆ અને બન્ને મિષ્ટાનની સાથે નમકીનમાં ફૂલવડી કે જેણે આણંદ અને ખેડા જિલ્લામાં મમરી કહેવામાં આવે છે. મમરી એટલે મોટા ભાગના ગુજરાતીઓ તીખી બુંદીને કહેતા હોય છે. તીખી બુંદી અને ગળી બુંદી બન્ને બેસનમાંથી જ બને છે. ફરક એટલો છે કે પેલી બુંદીને તળીને ઉપર મસાલા નાખીને તીખી બનાવાય છે જ્યારે એ જ બુંદીને ચાસણીમાં નાખી દો એટલે એ મીઠી બુંદી થઈ જાય છે. મોળી બુંદી પણ બને. એ દહીં મમરી જોડે ખાવા માટે બનાવાય છે.
આ સોળ દિવસ દરમિયાન આખા વર્ષમાં ન વેચાતો હોય એટલી મોટી સંખ્યામાં માલપૂઆ, દૂધપાક અને ફૂલવડી એટલે કે મમરી વેચાય છે. આ સોળ દિવસ દરિમયાન માત્ર ફરસાણની દુકાનો જ નહીં પરંતુ દરેક ગલી, ફ્લૅટ્સ કે સોસાયટી બહાર અને બજારોમાં સુખડિયાઓ દ્વારા મંડપ લગાવીને ગરમાગરમ માલપૂઆ, દૂધપાક અને મમરી વેચવાવાળા મળી જશે. લોકો પોતાના ઘરે દાળ-ભાત-શાક બનાવી લે અને મિષ્ટાન અને ફરસાણમાં આ ત્રણેય વાનગીઓ લઈ આવીને આરોગે છે. દરેક વાનગીનો અલગ-અલગ ભાવ હોય છે. વનસ્પતિ ઘીમાં સસ્તો ભાવ જ્યારે શુદ્ધ ઘીના માલપૂઆનો મોંઘો ભાવ હોય છે. સમગ્ર આણંદ અને ખેડા જિલ્લાના લોકો નડિયાદ આવે તો-તો ખાસ લઈ જાય છે. ઘણા સ્વાદના શોખીનો તો વળી આ વાનગીઓના એટલા આદતી છે કે ખાસ એ ખાવા માટે નડિયાદ આવે છે.
ભૈરવનાથ કેટરર્સવાળા કૈલાસ કુમાર કહે છે કે તેઓ પચીસ વર્ષથી માલપૂઆ, દૂધપાક અને ફૂલવડી વેચે છે. આખા વર્ષમાં માત્ર શ્રાદ્ધના સોળ દિવસ દરમિયાન જ બને અને આખા નડિયાદમાં ઠેર-ઠેર જોવા મળે છે. સવારે સાત વાગ્યાથી બનવાની શરૂઆત થઈ જાય તો છેક સાંજે સાત વાગ્યા સુધી ચાલે છે. ફૂલવડી કિલોએ ૧૪૦ રૂપિયા, માલપૂઆ ૧૨૦ રૂપિયા જ્યારે દૂધપાક ૧૫૦ રૂપિયાની કિંમતે મળે છે. આ ભાવ દુકાનો પ્રમાણે બદલાતો રહે, પરંતુ સરેરાશ આ જ ભાવે મળે છે. જો દૂધપાક જોઈતો હોય તો આગલા દિવસે જ ઑર્ડર આપી દેવાનો રહે છે, કારણ કે એ બગડી જતો હોવાથી જરૂર પૂરતી માત્રામાં જ બનાવાય છે. સંતરામ મંદિરમાં પણ પ્રસાદરૂપે મળે છે. કેટલાક લોકો અગાઉથી જ લખાવીને પ્રસાદરૂપે માલપૂઆ, દૂધપાક અને મમરી એટલે કે ફૂલવડી મેળવે છે.

આની શરૂઆત કેવી રીતે થઈ? 
આ પહેલાં પણ વાત થઈ છે અને અત્યારે પણ કહું છું મને ભોજનના ઇતિહાસમાં કોઈ રસ નથી, પરંતુ એવું લાગે છે કે નડિયાદના પ્રખ્યાત તીર્થધામ સંતરામ મહારાજના મંદિર ખાતે શ્રાદ્ધ દરમિયાન માલપૂઆ, દૂધપાક અને ફૂલવડી પ્રસાદના રૂપે મળતા હતા. જેમ-જેમ લોકોની ભીડ વધતી ગઈ તેમ-તેમ ત્યાંની માગણી વધતી ગઈ હશે. પરંતુ મંદિરમાં મર્યાદિત માત્રામાં અને મર્યાદિત સમય માટે મળતા હોવાથી સ્થાનિક સુખડિયાઓ તેમ જ કેટરિંગનો વ્યવસાય કરનારાઓએ પોતાના ઘરની આસપાસ એનું વેચાણ શરૂ કરી દીધું અને તેઓ પણ લોકપ્રિય થઈ જતાં સીઝનલ ધંધો કરીને આવક રળતા વેપારીઓને પણ આ ધંધામાં નફો અને સેવા દેખાતાં શરૂઆત કરી હશે. બાકી ભૂલચૂક માફ સંતરામ મહારાજ. વર્ષોથી આમનું આમ ચાલ્યું આવે છે.  

અમારા માટે શ્રાદ્ધ દરમિયાના માલપૂઆ, ફૂલવડી અને દૂધપાક ખાવાનો અનોખો મહિમા છે. શ્રાદ્ધના દિવસે તો મંગાવીએ જ પરંતુ એ એટલાં સ્વાદિષ્ટ અને કુદરતી મીઠાશ હોય છે કે નિયમિત ભોજનમાં આરોગવા માટે પણ મંગાવીએ. અમે તો એવા લોકોને પણ જોયા છે કે જેઓ સોળ દિવસ સુધી દરરોજ આ ખાય અને મોજ કરે. હું અલગ-અલગ શહેરોમાં ફરી છું પરંતુ નડિયાદ નજીક સિવાયના ગુજરાતના બીજા કોઈ પણ શહેરમાં આના જેવી લોકપ્રિયતા ક્યાંય જોઈ નથી.
- છાયા પરીખ, નડિયાદની રહેવાસી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK