Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હૃદયરોગના નિદાનનાં પાંચ પ્રાથમિક પરીક્ષણો

હૃદયરોગના નિદાનનાં પાંચ પ્રાથમિક પરીક્ષણો

28 September, 2011 03:24 PM IST |

હૃદયરોગના નિદાનનાં પાંચ પ્રાથમિક પરીક્ષણો

હૃદયરોગના નિદાનનાં પાંચ પ્રાથમિક પરીક્ષણો




- સેજલ પટેલ





હૃદયની બીમારી જબરી ખર્ચાળ હોય છે. પહેલાં તો ખરેખર શું તકલીફ છે એ સમજવા માટેનાં પરીક્ષણો જ મોંઘાં હોય છે અને પછી એની સારવાર પણ. હાંફ ચડતી હોય, ધબકારા અનિયમિત હોય, છાતીમાં ઝીણો દુખાવો થતો હોય કે આવાં કોઈ પણ લક્ષણો લઈને ડૉક્ટરને બતાવવા જાઓ એટલે ડૉક્ટર ટેસ્ટ્સ કરાવવાનું લાંબું લિસ્ટ પકડાવી દે.


હૃદયની તપાસ માટે કરાવવામાં આવતી જાતજાતની પ્રાથમિક તપાસો શું છે, એ કઈ રીતે થાય અને એ પરથી ડૉક્ટર શાનું નિદાન કરી શકે છે એ વિશે થોડુંક જાણીએ. જેમને હાર્ટ-ડિસીઝની ફૅમિલી હિસ્ટરી હોય તેમણે ૪૦ વર્ષ પછી દર બે વર્ષે ઈસીજી અને સ્ટ્રેસ ટેસ્ટ જેવી પ્રાથમિક તપાસો કરાવતા રહેવું જોઈએ.

૧. છાતીનો એક્સ-રે

હૃદય આપણી ડાબી પાંસળીના પોલાણમાં ગોઠવાયેલું હોય છે. એક્સ-રે થકી એનું કદ અને ગોઠવણ તપાસવામાં આવે છે. ફેફસાંમાં પાણી ભરાયું હોય, હૃદય ફેઇલ થઈ ગયું હોય કે એની આસપાસ પ્રવાહી ભરાયું છે કે કેમ એનું નિદાન કરવામાં એક્સ-રે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હૃદયના સ્નાયુઓ પહોળા થઈ ગયા હોય ત્યારે એનું ઓવરઑલ કદ વધે છે અને એ એક્સ-રે કિરણો દ્વારા જોઈ શકાય છે.

૨. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ

આપણે એને ઈસીજીના ટૂંકા નામે જાણીએ છીએ. હૃદયની અંદર વીજતરંગો ઉત્પન્ન થાય છે અને આ તરંગોને કારણે હૃદય સતત ધબકતું હોય છે. દરેક ધબકારો વિદ્યુતસ્પંદનથી શરૂ થાય છે અને એ વખતે હૃદય સંકોચાય છે. હૃદયમાં વિદ્યુતપ્રવાહ જે ગતિએ થતો હોય એ મુજબ હૃદયનું સંકોચન અને વિસ્તરણ થતું હોય છે. ઈસીજી મશીન દ્વારા વીજપ્રવાહનું કાગળ પર રેખાંકન લેવામાં આવે છે. આનાથી હાર્ટને અટૅકથી થયેલું નુકસાન કે હૃદયની તાલબદ્ધતા અને ગતિમાં અનિયમિતતા કેટલી છે એનું વિfલેષણ કરવામાં મદદ થાય છે. ખાસ તો હાર્ટ-અટૅક પછીના થોડાક કલાકો સતત ઈસીજી માપવામાં આવે છે જેથી હૃદયની ગતિવિધિઓથી ડૉક્ટર માહિતગાર થઈ શકે.

૩. સ્ટ્રેસ ટેસ્ટ અથવા ટીએમટી

ટીએમટી એટલે ટ્રેડમિલ ટેસ્ટ. જિમમાં જે ટ્રેડમિલ હોય એની સાથે કમ્પ્યુટર અને ઈસીજી મશીન જોડેલું હોય છે. દરદીને એના પર ચલાવીને તે કેટલું સ્ટ્રેસ લઈ શકે એમ છે એ નોંધવામાં આવે છે. ઘણી વાર હૃદયની કામગીરીમાં કંઈક ગરબડ હોવા છતાં ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં એ પકડાતું નથી ત્યારે આ ટેસ્ટ ખૂબ કામની છે. ટ્રેડમિલ પર દરદીને ક્ષમતા મુજબ ચલાવી કે દોડાવીને સાથે હૃદયનો વિદ્યુતપ્રવાહ માપવામાં આવે છે.

ટેસ્ટ પહેલાં તમારું બ્લડપ્રેશર અને ઈસીજી રેકૉર્ડ કરવામાં આવે છે. એ પછી ટ્રેડમિલ પર તમને ચલાવવામાં આવે છે. શરૂઆતમાં પટ્ટો ધીમે ફરતો હોય છે અને ક્રમશ: પટ્ટાની ગતિ વધતી જાય ને એનો ઢાળ પણ વધે છે. ઢાળ ચડવાને કારણે દરદીના હૃદયને વધુ શ્રમ પડે છે. ચાલવાની કે દોડવાની ગતિ વધતાં ધબકારા અને લોહીનું દબાણ પણ વધતું જાય છે. જેટલું હૃદય વધુ મજબૂત અને નીરોગી એટલું વધુ સ્ટ્રેસ એ સહન કરી શકે છે. ચોક્કસ માપદંડ કરતાં ઓછી વારમાં જ દરદીને હાંફ ચડવા લાગે, બ્લડપ્રેશર વધી જાય કે કાર્ડિયોગ્રામમાં ગરબડ નોંધાવા લાગે તો ટેસ્ટ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવે છે. સ્ટ્રેસ ટેસ્ટ એ હૃદયની સ્થિતિ જાણવા માટેની સુરક્ષિત અને સાદી તપાસ છે. જે તકલીફ સાદા ઈસીજીમાં ન પકડાય એ આમાં ખબર પડી જઈ શકે છે. ï

જે લોકો સ્થૂળતા, ઘૂંટણનો દુખાવો, fવાસની તકલીફ કે અત્યંત હાઈ બીપી કે હાર્ટ વાલ્વના દરદીઓ હોય તો ટ્રેડમિલ ટેસ્ટ સહન કરી નથી શકતા. તેમના માટે થેલિયમ ટેસ્ટ કરવામાં આવે છે.

૪. ઇકો કાર્ડિયોગ્રામ

ઇકો એટલે પડઘો. હૃદય સતત ધકધક-ધકધક ધબકતું રહેતું હોય છે. એને આપણે ફીલ કરી શકીએ છીએ, પણ સાંભળી નથી શકતા. આ હૃદયના ધબકારાનો પડઘો સાંભળવાનું મશીન એટલે ઇકો કાર્ડિયોગ્રામ. આપણે સાંભળી પણ ન શકીએ એવા અવાજના તરંગો માપવા માટે છાતી પર ખાસ સાધન મૂકવામાં આવે છે. જેમ ખીણમાં કે ગુફામાં અવાજના પડઘા પડે એ જ રીતે અવાજના તરંગો વસ્તુ સાથે અથડાઈને પાછા આવે છે એનો પડઘો મશીનમાં રેકૉર્ડ થાય છે. અવાજના આ પ્રતિબિંબને ઇકો કાર્ડિયોગ્રામના મૉનિટર પર જોઈ શકાય છે અને એની વિડિયો કે સી.ડી. બનાવીને રેકૉર્ડ પણ કરી શકાય છે.

અલ્ટ્રાસાઉન્ડ કિરણોની મદદથી આ કામ થતું હોવાથી એને હૃદયની સોનોગ્રાફી પણ કહી શકાય. છાતીનો એક્સ-રે કે ઈસીજી કરતાં વધુ ચોકસાઈભરી માહિતી મળી શકે છે.

૫. હૉલ્ટર મૉનિટર

સાદા ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં એક-બે કે પાંચ મિનિટ માટે હૃદયના વીજતરંગો મપાય છે. ઘણી વાર આ સમય ગાળા દરમ્યાન વીજતરંગો બરાબર હોય તો એનો મતલબ એ નથી થતો કે હૃદય સ્વસ્થ છે. આવા સંજોગોમાં વ્યક્તિનો ૨૪ કે ૪૮ કલાક માટે સતત ઈસીજી મપાતો રહે એવી વ્યવસ્થા એટલે હૉલ્ટર મૉનિટર. આ નાનકડું મૉનિટર છાતી પર અમુક ચોક્કસ જગ્યાઓએ વાયરો સાથે કનેક્ટ કરવામાં આવે છે અને એ સતત વીજતરંગોને રેકૉર્ડ કરે છે. આ ટેસ્ટ માટે એટલા કલાક હૉસ્પિટલમાં રહેવું પડે છે. હૃદયના ધબકારાની સાથે સ્નાયુઓ પૂરતા પ્રમાણમાં લોહી ન મેળવતા હોય તો એ પણ આમાં રેકૉર્ડ થાય છે. Whatsapp-channel Whatsapp-channel

28 September, 2011 03:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK