Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ

02 December, 2014 05:25 AM IST |

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ

શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સૂપ



moong dal



જિગીષા જૈન

શિયાળામાં બીજી સીઝન કરતાં ભૂખ ખૂબ વધારે લાગે છે. આ કન્ડિશનમાં જરૂર કરતાં વધુ ખવાઈ જવાની શક્યતા ખૂબ વધી જાય છે. શિયાળામાં ભૂખ પણ સંતોષાય અને વજન પણ ન વધે એ માટે દરરોજ સૂપ પીવાની આદત કેળવવી જોઈએ. જમ્યાના અડધો કે એક કલાક પહેલાં જો સૂપ પીધું હોય તો જમતી વખતે ઓવરઈટિંગ થવાની શક્યતા નથી રહેતી. આજે જાણીએ ચાર હેલ્ધી સૂપની રેસિપી જે શિયાળામાં ખૂબ જ ઉપયોગી છે. આ સૂપ એવા છે જે લોકો વેઇટલૉસ પ્રોગ્રામ પર હોય અને રાત્રે ફક્ત સૂપ પીએ તો પણ તેમની ભૂખ સંતોષાય અને પોષણની સાથે તેમને વેઇટ ઉતારવામાં પણ મદદ મળી શકે એમ છે અને જેમને વેઇટ નથી ઉતારવું પણ હેલ્થ ચમકાવવી છે તેમના માટે પણ આ સૂપ બેસ્ટ છે. જમ્યા પહેલાં કે જમવાની અવેજીમાં કોઈ પણ રીતે આ સૂપ લઈ શકાય છે. શિયાળામાં મળતી અઢળક તાજી શાકભાજીનો ફાયદો ઉઠાવવાનો આ સારો ઉપાય છે. 

મગ-પાલક સૂપ

૧ બાઉલ સૂપ બનાવવા માટે સામગ્રી

૫૦-૬૦ ગ્રામ મગ

૮-૧૦ પાંદડાં પાલક

૫-૭ ટીપાં લીંબુનો રસ

૧ ઇંચ આદું, ૧-૨ કળી લસણ

મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીત

મગને ધોઈને ૧ કલાક પલાળી રાખો અને કુકરમાં બાફી લો. બ્લેન્ડરથી એક સ્મૂધ પેસ્ટ બનાવો. પાલકને ઝીણી સુધારો. આદું અને લસણની કળીઓને પણ ઝીણી સુધારી લો. એક નૉન-સ્ટિક કડાઈમાં અડધી ચમચી તેલ નાખો અને એમાં પહેલાં આદું અને લસણનો વઘાર કરો. ત્યાર બાદ મગનો વઘાર કરો. એમાં મીઠું અને મરી ઉમેરો. લીંબુનો રસ ભેળવો. એક ઊભરો આવે પછી ઝીણી સુધારેલી પાલક ઉમેરો. અડધી મિનિટમાં સૂપને ગૅસ પરથી ઉતારી ગરમાગરમ પીરસો. આ સૂપને લસણ અને આદું નહીં નાખીને પણ બનાવી શકાય છે.

ફાયદો

આ એક સંપૂર્ણ પોષણ આપતી વાનગી છે જેમાંથી પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે. ખૂબ જ શક્તિવર્ધક અને છતાં પચવામાં નરવું છે. અઠવાડિયામાં બે વાર આ સૂપ પી શકાય. 

દૂધી-સરગવાની સિંગનું સૂપ

એક બાઉલ સૂપ બનાવવા માટે સામગ્રી

આશરે ૧૦૦ ગ્રામ દૂધી

બે લાંબી સરગવાની સિંગ

મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીત

દૂધીને છોલીને એના મિડિયમ સાઇઝના ટુકડા કરો અને પ્રેશર-કુકરમાં નાખો. સરગવાની સિંગને છોલીને એના આંગળીની સાઇઝના ટુકડા કરીને એક સ્ટીલના બાઉલમાં પાણી ઉમેરીને એ બાઉલને એ જ કુકરમાં ગોઠવી દો. દૂધી અને સરગવાની સિંગમાં જરૂરત મુજબ મીઠું નાખી કુકરમાં બાફી લો. બફાઈ જાય પછી કુકર ઠંડું પડે એટલે ખોલી પહેલાં સરગવાની સિંગને બહાર કાઢીને મસળી નાખો. ખાસ કરીને એનો ગર એટલે કે સિંગની અંદરનો માવો અને બીજ અલગથી કાઢી લો અને છોતરાં ફેંકી દો. એ માવો અને બીજ દૂધીમાં ઉમેરીને બ્લેન્ડરથી સ્મૂધ પીસી લો. એમાં મરી છાંટીને પીઓ.

ફાયદો

પાચન માટે આ શ્રેષ્ઠ સૂપ છે. જે લોકોને પાચનની તકલીફ હોય, ગૅસ-ઍસિડિટીનો પ્રૉબ્લેમ રહેતો હોય, વેઇટલૉસ કરવા ઇચ્છતા હોય, મેટાબોલિઝમને સ્ટ્રૉન્ગ બનાવવા માગતા હોય એવા લોકો આ સૂપ પી શકે છે. નૉર્મલી અઠવાડિયામાં ત્રણ દિવસ આ સૂપ પી શકાય છે.

ગાજર-બીટ શોરબા

એક બાઉલ સૂપ બનાવવા માટે સામગ્રી

૧ ગાજર

અડધું બીટ

અડધી ચમચી જીરું

૧ ઇંચ આદું

૨ કળી લસણ

૫-૭ ફુદીનાનાં પાન

૧ ચમચી કોથમીરનાં પાન

૧ લીલું મરચું

૫-૭ ટીપાં લીંબુનો રસ

મીઠું સ્વાદ અનુસાર 

રીત

ગાજર અને બીટને છોલીને નાના-નાના ટુકડા કરો. લસણ, આદું અને લીલાં મરચાંને ઝીણાં સુધારો. એક કડાઈમાં અડધી ચમચી ઘી લઈ એમાં જીરું નાખો, જીરું કકડે એટલે લસણ અને આદુંના ઝીણા ટુકડા સાંતળો. લીલા મરચાની સાથે ગાજર અને બીટ નાંખી થોડું પાણી નાખીને ચડવા દો. ગાજર અને બીટ એકદમ બફાઈ જાય એટલે ગૅસ પરથી ઉતારી લઈ એમાં ફુદીનો, કોથમીર અને લીંબુ ભેળવી બ્લેન્ડરથી પીસી લો. ગાળવાની જરૂર લાગે તો ગાળી પણ શકાય. શોરબાને ગરમાગરમ પીરસો. 

ફાયદો

વિટામિન ખ્ અને આયર્નથી ભરપૂર એવો આ સૂપ શિયાળામાં ગરમાટો આપે છે અને પોષક તત્વોથી ભરપૂર છે. આંખ, ત્વચા, વાળ માટે એ ખૂબ જ ઉપયોગી છે. હીમોગ્લોબિનની માત્રા વધારે છે. આ શોરબા અઠવાડિયામાં એક-બે વાર પી શકાય છે.

રાજમા સૂપ

સામગ્રી

૬૦-૭૦ ગ્રામ રાજમા

૧ લીલી ડુંગળી

૨ કળી લીલું લસણ

૧ ટમેટું

૧ ઇંચ આદું

૧ તેજ પત્તું 

૧ લીલું મરચું

મીઠું સ્વાદ અનુસાર

રીત

રાજમાને લગભગ ૫-૬ કલાક પલાળીને એને કુકરમાં મીઠું નાખી થોડા વધુ પ્રમાણમાં બાફી લો જેથી એ થોડા ભાંગી જાય. બ્લેન્ડરથી એની પ્યુરી બનાવો. ટમેટું, આદું, મરચું, લીલી ડુંગળી અને લીલું લસણ બધું સુધારી લો. કડાઈમાં ૧ ચમચી તેલ મૂકીને એક તેજ પત્તાથી વઘાર કરો. આદું, લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લસણને સાંતળો. એમાં લીલું મરચું અને ટમેટું ઉમેરો અને ફરી સાંતળો. એમાં રાજમાની પ્યુરી નાખો અને ચડવા દો. સ્વાદ અનુસાર જો લીંબુ કે ગરમ મસાલો નાખવાની ઇચ્છા હોય તો ઉમેરી શકાય છે. આ સૂપ આદું, ડુંગળી અને લસણ વગર ન બનાવો, કારણ કે રાજમા પચવામાં ભારે હોય છે.

ફાયદો

આ એક રીચ-પ્રોટીન સૂપ છે જે શરીરને તાકાત આપે છે. મસલ્સને મજબૂત બનાવે છે. આ એક એવો સૂપ છે જે એકલો જ પીઓ તો પણ પેટ પણ ભરાશે અને સંતોષ પણ થશે. એના પછી જમવાની જરૂરત જ નહીં રહે. આ સૂપ સામાન્ય રીતે અઠવાડિયામાં ૧-૨ વાર પી શકાય. બને ત્યાં સુધી આ સૂપ સૂર્યાસ્ત પછી લેવો નહીં. ખાસ કરીને જેને પાચનસંબંધિત ગૅસ કે ઍસિડિટીની તકલીફ હોય તેમણે બપોરે આ સૂપ પીવો.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK