સમજદારીપૂર્વક કરો વાસણોની પસંદગી

Published: 11th December, 2012 09:09 IST

કારણ કે વાસણમાં વપરાયેલી ધાતુ જો શરીરમાં જાય તો એ સ્વાસ્થ્ય માટે અનેક રીતે જોખમી છે. કઈ ધાતુ કઈ રીતે ડેન્જરસ છે અને એને હેલ્થ-ફ્રેન્ડï્લી બનાવવા એનો વપરાશ કેવી રીતે કરવો એ જોઇએ
(ફાલ્ગુની જડિયા-ભટ્ટ)

તંદુરસ્તીની વાત આવે ત્યારે વાસણોને પણ અવગણવાં જોઈએ નહીં. સારી ગુણવત્તાનાં વાસણો હેલ્ધી કૂકિંગનું અવિભાજ્ય અંગ છે. હવેના સમયમાં મોટા ભાગનાં ઘરોમાં રાંધવા માટે વિવિધ મટીરિયલ્સમાંથી બનાવવામાં આવેલાં વાસણોનો ઉપયોગ થાય છે. એમાંનાં કેટલાંક પરંપરાગત હોય છે તો કેટલાંક આધુનિક. આ વાસણોની પસંદગી સામાન્ય રીતે આપણી પસંદ, વાનગી અને સંસ્કૃતિના આધારે કરવામાં આવે છે. હવેના સમયમાં સ્ટેનલેસ સ્ટીલ, ઍલ્યુમિનિયમ તથા ટેફલોન-કોટેડ નૉન-સ્ટિક કુકવેરનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. આ બધામાંથી યોગ્ય પસંદગી કરવા એમની વચ્ચેનો ભેદ તથા આપણા ભોજન અને સ્વાસ્થ્ય પર થતી એની અસરોને સમજી લેવી અત્યંત આવશ્યક છે.

ઍલ્યુમિનિયમ 


આપણાં ભારતીય ઘરોમાં જ્યારે પ્રેશર કુકર કે કઢાઈની વાત આવે ત્યારે પસંદગીનો સૌથી પહેલો કળશ ઍલ્યુમિનિયમ પર ઢોળવામાં આવે. એનું મુખ્ય કારણ એ કે ધાતુ તરીકે ઍલ્યુમિનિયમ વજનમાં હળવું હોવા છતાં મજબૂત છે. એ સરળતાથી ગરમ થઈ જાય છે અને બહુ મોંઘુ પણ નથી.

ઍલ્યુમિનિયમના જોખમો વિશે જાણીતાં ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ ડૉ. યોગિતા ગોરડિયા કહે છે, ‘વ્યવહારિક દૃષ્ટિએ અનેક લાભ હોવા છતાં ઍલ્યુમિનિયમના કેટલાક ગેરફાયદા પણ છે. સ્વભાવે એ અત્યંત સૉફ્ટ અને રીઍક્ટિવ ધાતુ છે. જ્યારે એ ભોજનમાં રહેલા સૉલ્ટ, ઍસિડ્સ તથા આલ્કલીના સંપર્કમાં આવે છે ત્યારે સરળતાથી ઓગળવા માંડે છે. ટામેટાં, આમચૂર તથા લીંબુ જેવાં ઍસિડિક તત્વોના સંપર્કમાં આવતાં એ સરળતાથી ભોજનમાં ઍબ્ર્સોબ થવા માંડે છે. એનાથી માત્ર વાનગીના સ્વાદને જ અસર નથી પહોંચતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નુકસાન થવાનો ભય ઊભો થાય છે.’

ખોરાકમાં ઍલ્યુમિનિયમ ભળે તો એ શરીરમાં આયર્ન તથા કૅલ્શિયમ જેવાં જરૂરી મિનરલ્સના ઍબ્સોબ્ર્શનમાં અવરોધ ઊભો કરી શકે છે, જેનાથી હાડકાં નબળાં થવાની સંભાવના રહે છે. કેટલાંક સંશોધનોમાં યાદશક્તિને અસર કરતા ઑલ્ઝાઇમર્સ નામના રોગના દર્દીઓના મગજના ટિશ્યુસમાં ઍલ્યુમિનિયમ ડિપોઝિટ્સ હોવાનું પણ બહાર આવ્યું છે.

જોકે, હવેના સમયમાં મોટા ભાગનાં ઍલ્યુમિનિયમનાં વાસણોમાં ઍલ્યુમિનિયમ ઑક્સાઇડનું કોટિંગ કરવામાં આવેલું હોય છે એ વિશે વધુ વિગત આપતાં ડૉ. યોગિતા ઉમેરે છે, ‘આ એક એવી ઇલેક્ટ્રૉ-કેમિકલ પ્રક્રિયા છે, જે ઍલ્યુમિનિયમને વધુ મજબૂત, નૉન-સ્ટિક તથા સરળતાથી સાફ થઈ શકે એવું સરફેસ પ્રદાન કરે છે. આ પ્રોસેસ દ્વારા ઍલ્યુમિનિયમને ઢાંકી દેવામાં આવતું હોવાથી ઍસિડિક પદાર્થોના સંપર્કમાં આવવા છતાં એ રીઍક્ટ નથી કરતું અને ભોજનનો સ્વાદ બરકરાર રહે છે.’

નૉન-સ્ટિક કુકવેર 


આધુનિક સમયમાં ઘણાં ઘરોમાં ટેફલોન-કોટેડ નૉન-સ્ટિક કુકવેરનો ઉપયોગ પ્રચલિત બની રહ્યો છે. આવાં વાસણોમાં ભોજન બનાવવા તેલ અને ઘીનો ઉપયોગ નહીંવત્ માત્રામાં થઈ શકતો હોવાથી શરીરમાં આપોઆપ ફૅટનું કન્ઝમ્પશન ઓછું થઈ જાય છે. વધુમાં આ વાસણો સરળતાથી સાફ થઈ શકે છે, જે એની એક વધારાની ખૂબી છે.

નૉન સ્ટિક વાસણો વાપરતી વખતે શું ધ્યાન રાખવું એ વિશે જણાવતાં ડૉ. યોગિતા કહે છે, ‘૫૦૦ ફૅરનહાઇટથી વધુ ઊંચા તાપમાન પર ભોજન બનાવતી વખતે આવાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે તો એ શરીર માટે નુકસાનકર્તા પુરવાર થઈ શકે છે, એથી નૉન-સ્ટિક કુકવેરમાં રાંધતી વખતે ગૅસની આંચ ધીમી રાખવી અત્યંત જરૂરી છે. સાથે આ વાસણોમાં માત્ર લાકડા કે પ્લાસ્ટિકના ચમચા કે ચમચી વાપરવાનું પણ ભૂલવું જોઈએ નહીં. સાફ કરતી વખતે કે પછી મેટલના બનેલા ચમચાનો ઉપયોગ કરવા જતાં જો ક્યાંક આ કોટિંગ ઊખડી ગયું તો શરદી, ખાંસી, તાવ તથા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.’

સ્ટેનલેસ સ્ટીલ 


આમ તો સુરક્ષા અને સગવડ બન્ને દૃિક્ટએ સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ હવે દુનિયાભરમાં પ્રચલિત બની ગયો છે, પરંતુ આ મટીરિયલ ક્રોમિયમ અને નિકલ જેવા વિવિધ પદાર્થોના મિશ્રણથી બનતું હોવાથી જ્યાં સુધી વાસણ સારી કન્ડિશનમાં હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવામાં કોઈ જોખમ નથી.

સ્ટીલ પણ અમુક સંજોગોમાં જોખમી છે એ વિશે ડૉ. યોગિતા કહે છે, ‘વધુ પડતા ઉપયોગ કે અન્ય કોઈ કારણોસર જો એનું પડ ઊખડી ગયેલું જણાય અને એમાં કાળાં ધબ્બાં દેખાવા માંડે તો એનો નિકાલ કરી દેવો વધુ હિતાવહ છે, કારણ કે આ ધબ્બાં બીજું કંઈ નહીં, ક્રોમિયમ અને નિકલ જ હોય છે, જેના ડિપોઝિટ્સ ભોજનમાં ભળવા માંડે તો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ માટે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો ધોતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એમાંથી વધુ પડતી ચીકાશ કાઢવી હોય તો એને ઘસી ઘસીને ધોવા કરતાં બૅકિંગ સોડા નાખેલા ગરમ પાણીમાં થોડી વાર પલાળી રાખવાં જોઈએ. એમ કરવાથી ચીકાશ પણ નીકળી જશે અને વાસણ પણ ખરાબ નહીં થાય.’

કૉપર 


જૂના જમાનામાં હજી સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ પ્રચલિત બન્યો નહોતો ત્યારે મોટા ભાગનાં ભારતીય ઘરોમાં કૉપર એટલે કે તાંબાનાં વાસણો વાપરવામાં આવતાં હતાં, પરંતુ આવાં વાસણોમાં કોઈ ઍસિડિક વાનગી બનાવવામાં આવે તો વાસણમાંનું કોપર ઓગળીને ભોજનમાં ભળી જવાની સંભાવના રહે છે. 

કૉપર શરીરમાં પ્રવેશે તો શું થાય એ વિશે 


ડૉ. યોગિતા કહે છે, ‘કોપરની આ ટૉક્સિસિટી સ્વાસ્થ્ય માટે જોખમી છે, એનાથી એકાગ્રતામાં ખલેલ પડે, પગમાં દુખાવો થાય, ઊલટીજેવું થાય, ચીડિયાપણું રહે, સતત થાક અનુભવાય તથા સાંધામાં દુખાવો થાય જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એથી કોપરનાં વાસણો વાપરવાં હોય તો એવાં જ વાપરવાં જોઈએ, જેમાં અંદરની બાજુ સ્ટેનલેસ સ્ટીલનું કોટિંગ હોય. સાથે જ આવી તપેલી કે કઢાઈમાં બનાવેલી વાનગી તૈયાર થયા પછી તરત બીજા વાસણમાં કાઢી નાખવી, એમાં જ રહેવા દેવી નહીં.’

શરીરમાં કોઈ પણ ધાતુનું પ્રવેશવું સારું નથી, પછી એ સોનું કે ચાંદી જ કેમ ન હોય. આ જ કારણ છે કે જૂના જમાનામાં આપણા રાજા-મહારાજાઓ માટે બનતાં ભોજન પણ સામાન્ય ધાતુનાં બનેલાં વાસણોમાં જ તૈયાર કરવામાં આવતાં હતા. માત્ર એને સુંદર રીતે સજાવીને પીરસવા માટે સોના કે ચાંદીનાં વાસણોનો ઉપયોગ થતો હતો.

હેલ્ધી કુકિંગ ટિપ્સ


(૧) કઢાઈ કે તપેલીને જરૂર કરતાં વધુ ગરમ કરવી નહીં.

(૨) રાંધતી વખતે સતત ગૅસ પાસે હાજર રહેવું અને કોઈ પણ વાસણને ગૅસ પર એમ ને એમ છોડવું નહીં.

(૩) નૉન-સ્ટિક કુકવેર સાથે મેટલમાંથી બનેલા ચમચા કે ચમચીનો ઉપયોગ કરવો નહીં.

(૪) વાસણોને સાફ કરવા સ્ટ્રૉન્ગ કેમિકલ્સનો ઉપયોગ ન કરવો અને કોઈ પણ વાસણને એકબીજાની ઉપર ગોઠવવાં નહીં.

(૫) વાસણ સાથે કંપનીએ આપેલી માહિતીઓની સૂચિ યોગ્ય રીતે અનુસરવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK