ચાલો સાદું, સાત્વિક અને સ્વાદિષ્ટ આયુર્વેદિક-સ્ટાઇલ ભોજન ખાવા

Published: Sep 27, 2019, 17:11 IST | હેલ્ધી-ઇટિંગ - દિવ્યાશા દોશી | મુંબઈ

સહેલાઈથી પચી જાય તેમ જ વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોનું સંતુલન થાય એવી રીતે બનાવેલી વાનગીઓ ખાવી હોય તો મલાડ-વેસ્ટના ભાદરણનગરમાં આવેલા સ્વાદશક્તિમાં જવું પડે.

સ્વાદ અને આરોગ્યનો સંગમ
સ્વાદ અને આરોગ્યનો સંગમ

સહેલાઈથી પચી જાય તેમ જ વાત, પિત્ત અને કફ ત્રણેય દોષોનું સંતુલન થાય અેવી રીતે બનાવેલી વાનગીઓ ખાવી હોય તો મલાડ-વેસ્ટના ભાદરણનગરમાં આવેલા સ્વાદશક્તિમાં જવું પડે. ટમેટાં, આમલી, લીલા મરચા જેવી હાનિકારક ચીજો અહીં વાપરવામાં નથી આવતી, એટલું જ નહીં, આ જગ્યા પણ અેટલી શાંત  કે સ્ટ્રેસમુક્ત વાતાવરણને કારણે ભોજનતૃપ્તિ પણ અદ્ભુત થાય છે.

મુંબઈ શહેરમાં સ્ટ્રેસ એટલે કે તાણ ન હોય એવું બને જ નહીં. આસપાસનું વાતાવરણ એટલું સ્ટ્રેસભર્યું હોય કે એના વાઇબ્રેશનની અસર આપણા પર થતી જ હોય છે. કહેવાય છે કે તાણભર્યા વાતાવરણમાં ભોજન કરવાથી એ પચતું નથી, અપચો કરે છે.   મલાડ (વેસ્ટ)માં સ્ટેશનથી ભાદરણનગર જવું એટલે ટ્રાફિકના દરિયાને પાર કરવા જેવું. દિવસના કોઈ પણ સમયે જાઓ તોય ગાડીઓની કતારો અને હૉર્નનું પ્રદૂષણ તમારા મગજની નસોને તંગ કરવા પૂરતાં છે, પણ જેવા એસ. વી. રોડથી ભાદરણનગરમાં ટર્ન લો કે દુનિયા અચાનક શાંત થઈ જાય. થોડું અંદર જાઓ કે વિચાર આવે કે આપણે અહીં જ છીએ મલાડમાં? બસ, આવો જ અનુભવ અમને પણ થયો. પણ જેવા આયુશક્તિના કમ્પાઉન્ડમાં દાખલ થાઓ કે શાંતિનાં સ્પંદનો તમને ઘેરી વળે. આયુશક્તિ મકાનના તળમજલે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વાદશક્તિમાં શાંત ચિત્તે ખાતા કેટલાક વિદેશીઓ જોઈ શકાય. તમે બપોરે ગયા હો તો વધુ શાંતિ લાગે, પણ સાંજે જો સ્વાદશક્તિનાં બધાં ટેબલ ભરેલાં હોય તો થોડો અવાજ હોય.

નૉન-એસી, ઓપન છતાં બામ્બુના પડદા દ્વારા સુંદર આડશ ઊભી કરી છે. સાદું છતાં લાકડાનું ફર્નિચર તમને ઍસ્થેટિક વાતાવરણ રચી આપે છે. આયુર્વેદના કેટલાક સિદ્ધાંતો આધારિત અહીં દરેક ભોજન બનાવાય છે. ડૉ. સ્મિતા નરમ જે હાલમાં આ કૅન્ટીન-કમ-હોટેલ જેવું સરસ વાતાવરણ ધરાવતા સ્વાદશક્તિનું સંચાલન કરે છે તેઓ કહે છે, ‘આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે - વાત, પિત્ત અને કફ. આ ત્રણે દોષનું સંતુલન કરીને ભોજન કરવામાં આવે તો ભોજન સહેલાઈથી પચી જાય છે. ભોજન ન પચવાને કારણે જ અનેક રોગ આપણને થાય છે એ હવે આધુનિક વિજ્ઞાન પણ માને છે. જોકે આ વાત આપણા આયુર્વેદમાં વરસોથી કહેવામાં આવે છે. આજે જેને જુઓ તે પિત્ત એટલે કે ઍસિડિટીની ફરિયાદ કરશે. એમાં પણ બહારનું ખાઈને તો ખાસ. તો પછી એનો પર્યાય શું એ અમારે આપવો પડે એટલે સ્વાદશક્તિની શરૂઆત કરી. વળી અહીં અમારા કેટલાય દેશવિદેશના પેશન્ટ ડિટૉક્સની ટ્રીટમેન્ટ લેવા આવે ત્યારે તેમણે ભોજનમાં અનેક ચરી પાળવી પડતી હોય છે. એવું ભોજન બહાર મળતું નથી અને ઘરે બનાવવું સહેલું નથી હોતું. એટલે સાદું, સાત્ત્વિક અને સ્વાદવાળું ભોજન જો વ્યક્તિ એક વાર ખાય તો તેને સમજાય અને પછી તે પોતાની લાઇફ-સ્ટાઇલ બદલી શકે છે. જો ભોજન પચે તો શરીરમાં આમ પેદા નથી થતો. અહીં ભોજન કર્યા બાદ કોઈને અપચો નહીં થાય એની ખાતરી છે.’

સ્વાદશક્તિ રેસ્ટોરન્ટના મેનુ પર પણ લખેલું છે કે આયુર્વેદિક ફૂડ જોવામાં તો સુંદર છે, ખાવામાં આરોગ્યપ્રદ છે અને સ્વાદથી ભરપૂર છે જે તમારી સ્વાદેન્દ્રિયને સતેજ કરવામાં મદદરૂપ બને છે. સ્વાદશક્તિના ભોજનમાં આમલી અને ટમેટાંનો ઉપયોગ કરવામાં આવતો નથી. લીલું મરચું પણ નહીં. આદું, મરી-મસાલા જે સ્વાસ્થ્યપ્રદ હોય એનો જ ઉપયોગ કરવામાં આવે છે. રોટલી માગો તો મળે પણ ઘઉંની રોટલી ન ખાતાં જવાર, બાજરી, નાચણી કે ચોખાની રોટલી ખાઓ એવો આગ્રહ રાખવામાં આવે છે. એ ગ્લુટન-ફ્રી છે અને એના અનેક ફાયદા છે. વળી આ રેસ્ટોરન્ટ આટલું બધું આપે છે છતાં મોંઘી નથી એ જોઈને નવાઈ લાગે. હજાર રૂપિયામાં બે વ્યક્તિ પોતાનું પેટ અને મન આરામથી ભરી શકે.

શરૂઆત ઊર્જા કે ડેટ સિરપથી કરી શકાય. બન્નેમાં ખજૂરનો જ ઉપયોગ કર્યો હોય. સાથે વરિયાળી અને એલચીનો સ્વાદ. નૉર્મલ ઠંડો આ જૂસ તમને તાજગી સાથે એનર્જી આપી શકે. દરેક જૂસમાં અહીં સાકર નથી નાખવામાં આવતી. વધારે સાકરની જરૂરત જ નથી હોતી આપણા શરીરને. કુદરતી ફળમાંથી મળતી મીઠાશ અબખે નથી પડતી અને સ્વાસ્થ્યપ્રદ પણ ખરી. મોસમ બહાર જૂસમાં દાડમ, સફરજન તેમ જ અન્ય ફળોનો સ્વાદ પહેલી વાર અનુભવાયો. સાકર ફળના સ્વાદને ઓછો કરી નાખે છે એ સમજાય છે. સ્ટાર્ટર એટલે કે પ્રારંભ કૉર્ન ઍન્ડ પીનટ્સ ચાટ કે મુંગ ચાટથી કરી શકાય. બાફેલા મગ આટલા સ્વાદિષ્ટ અને મકાઈ તેમ જ શિંગનું મિશ્રણ મસાલા સાથે સ્વાદિષ્ટ લાગે. દેખાવમાં પણ સરસ અને હેલ્થમાં બેસ્ટ. થાળી ખાવી હોય તો ચોક્કસ ટ્રાય કરી શકાય. ઘઉં સિવાયની રોટલી સાથે હેલ્ધી ઑપ્શન્સ. દરેક શાકમાં અહીં એનો પોતીકો સ્વાદ બહાર આવે. ન તીખું તમતમતું કે ન તો તેલ કે મસાલેદાર છતાં સ્વાદિષ્ટ તો ખરું જ, પાલક-પનીર હોય કે મિક્સ લીલાં શાક. સાથે દાળ, ભાત કે પછી પુલાવ પણ હોઈ શકે. અહીં દરેક સ્વાદ જુદી જ અનુભૂતિ કરાવે. હેલ્ધી સિઝલર જોઈને નવાઈ લાગે. નો ફ્રાઇડ બટાટા પણ બાફેલી શાકભાજી, બીટ અને કોળાની ગ્રેવીમાં બનાવેલો પુલાવ અને શાકભાજીની કૉર્નવાળી ટિક્કી. અહાહાહા! નો ગિલ્ટ ફૂડ. એની મજા તો ખરી જ કે અહીં કંઈ પણ ખાતી સમયે તમારે સતત કૅલરીની, સ્વાસ્થ્યની ચિંતા પણ નહીં કરવાની. એટલે કે એક ઓર સ્ટ્રેસ નહીં. અહીં મિસળ કે રગડા-પૅટીસ કે પછી પાંઉભાજી કે પછી સેવપૂરી દરેક વસ્તુ હેલ્ધી છે. અહીંની આમલી વિનાની ચટણીનો સ્વાદ પણ કંઈક હટકે છે. ટમેટાં વિનાની સેવપૂરી અને પાંઉભાજી. તમારે વાનગી વિશે કંઈ જાણવું હોય તો શેફ મનોજ ખૂબ પ્રેમથી તમને જણાવશે. કંઈક જુદું ટ્રાય કરવું હોય તો મગના પૂડલામાં સ્પિનૅચ અહીંની સ્પેશ્યલ આઇટમ છે. ટમેટો સૉસ નહીં પણ મીઠી ચટણી અને તીખી ચટણી સાથે ટ્રાય કરી જુઓ. અને હા, ચાના શોખીન હો તો ગુડવાલી મસાલા ચાય ચોક્કસ ટ્રાય કરજો. આટલુંબધું હેલ્ધી ખાધા પછી લાગે કે ઘરે પણ બનાવવું છે તો નો પ્રૉબ્લેમ, અઠવાડિયામાં એક વાર શેફ મનોજ ક્લાસિસ પણ લે છે. આટલા ઓછા મસાલા અને ટમેટાં, આમલી જેવી મસ્ટ આઇટમ વિના પણ સ્વાદશક્તિ સ્વાદિષ્ટ વ્યંજનો પીરસી શકે છે. શુદ્ધ આયુર્વેદિક રેસ્ટોરન્ટ કદાચ મુંબઈમાં આ એકમાત્ર છે.

અમારો અનુભવ કહું તો અહીં ખૂબ ખાધુંપીધું લખવા માટે પણ પેટ ભારે ન થયું કે ન તો ઍસિડિટી થઈ એ તો કબૂલવું જ પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK