અભ્યંગ સ્નાન કરો આરોગ્યપ્રદ રહો

Published: 24th November, 2020 16:02 IST | Bhakti Desai | Mumbai

શિયાળો આવી ગયો છે અને સ્વસ્થ રહેવા માટે દરરોજ સવારે શરીરે તેલમાલિશ કરવાનું આયુર્વેદમાં કહેવાયું છે. એના ફાયદા અને શાસ્રોક્ત પદ્ધતિ જાણશો તો જરૂર તેલચંપી કરવાનું મન થઈ જશે એની ગૅરન્ટી

માલીશના ફાયદા
માલીશના ફાયદા

આયુર્વેદ એક એવી દેણ છે જેમાં ઋતુ પ્રમાણેની દિનચર્યા બતાવીને લોકો કેવી રીતે નીરોગી રહી શકે એ વિશેનું સવિસ્તર જ્ઞાન આપ્યું છે. હાલમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શરીર પર એની સૌથી પહેલી અસર ત્વચા પર પડતી હોય છે. આ શુષ્ક ત્વચાનો પ્રભાવ આપણા સ્વાસ્થ્ય પર પણ પડે છે. ત્વચાથી લઈને આપણા શરીરમાં રહેલાં નસ, હાડકાં અને આખા શરીરને આ ઋતુમાં સ્વસ્થ રાખવામાં તેલમાલિશ એટલે કે આયુર્વેદમાં જેને અભ્યંગ સ્નાન કહેવાય છે એનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ છે. તો આજે નિષ્ણાત પાસેથી જાણીએ અભ્યંગ એટલે શું, એને ઘરે જ કઈ રીતે કરી શકાય અને શિયાળાના દૃષ્ટિકોણથી એનું આગવું મહત્ત્વ.
અભ્યંગ શા માટે શિયાળામાં જરૂરી છે અને એ ક્રિયાનું શું મહત્ત્વ છે એ વિશે ૨૩ વર્ષનો અનુભવ ધરાવતા વિલે પાર્લેનાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સ્વરૂપા કુલકર્ણી અભ્યંગની પરિભાષા સમજાવતાં કહે છે, ‘દક્ષિણ ભારતમાં અને વિશેષ કરીને કેરળના લોકોની ત્વચા તો ખૂબ જ ચમકીલી હોય છે સાથે જ તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું હોય છે. આનું કારણ છે અભ્યંગ સ્નાન. સામાન્ય શબ્દમાં જેને તેલનું માલિશ કરવું એમ આપણે કહીએ છીએ એને સંસ્કૃતમાં અભ્યંગ કહેવાય. અભ્યંગના ૧૪ પ્રકાર છે અને એમાંથી એક પ્રકાર તેલમાલિશનો છે. અભિ અને અંગ મળીને અભ્યંગ શબ્દ બન્યો છે, જેનો અર્થ છે તેલને શોષાવા માટે જે ગતિ કરવામાં આવે એ. આયુર્વેદ મુજબ જ્યારે હેમંત ઋતુ પતવા આવે છે અને શિશિર ઋતુની શરૂઆત થાય છે ત્યારે વાતાવરણ ઠંડું થવા લાગે છે અને શિયાળાની શરૂઆત થાય છે. આ દિવસોમાં આખા શરીરને તેલ લગાડવું કેટલું જરૂરી છે એ વિશે સમજાવ્યું છે. ઘણી વાર લોકોને થાય છે કે તેલ એટલે લગાડવું જોઈએ કે ત્વચા સૂકી ન પડે, પણ વાસ્તવિકતા એ છે કે આ ઋતુમાં ત્વચા જેમ શુષ્ક થાય છે એમ શરીરમાં વાયુ બને છે અને એ ન થાય એ માટે ત્વચાને તેલનું માલિશ કરવું અનિવાર્ય છે. આનાથી શરીરને બળ પ્રદાન થાય છે. આપણા વડીલો પહેલાં નિયમિત શરીર પર તેલ લગાડતા અથવા સમય ઓછો હોય તો પણ નહાવા પહેલાં તેલવાળો હાથ પોતાના હાથ-પગ પર જરૂર ફેરવતા.’
કેટલા સમય સુધી કરવું અને એના લાભ
આજકાલ સ્પા-કલ્ચર વિકસ્યું છે, પણ સ્પાના નામે જે થાય છે એ અને અભ્યંગ સેમ નથી એ વાતની ચોખવટ કરતાં ડૉ. સ્વરૂપા કરતાં કહે છે, ‘તેલમાલિશ આજકાલ સ્પામાં લોકો કરાવે છે એમ કલાકો સુધી નથી કરવાનું હોતું. માત્ર દસ મિનિટથી લઈ વધુમાં વધુ ૪૫ મિનિટ સુધી જ કરવાનું હોય છે. આનું આયુર્વેદના દૃષ્ટિકોણથી એક મુખ્ય કારણ છે કે આપણા શરીર પર જે તેલ લગાડવામાં આવે છે એ શરીરની અંદર રહેલી સપ્ત ધાતુ સુધી પહોંચવું જોઈએ અને ત્યારે એનો લાભ થાય છે. આ સપ્ત ધાતુ એટલે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આનું એક સામાન્ય ઉદાહરણ કહું તો જ્યારે શરીરના કોઈ ભાગમાં હલકી મોચ આવી જાય અને એના પર ફક્ત તેલ લગાડવામાં આવે તો પણ દુખાવામાં તરત રાહત મળે છે. આ એટલે થાય છે કે તેલ માંસ, હાડકાં અને નસમાં ઊતરીને ત્યાં લાભ આપે છે. આવી જ રીતે શિયાળામાં નાના બાળકથી લઈને કેટલીય મોટી ઉંમર સુધીની વ્યક્તિને જો નિયમિત શરીર પર તેલ લગાડવામાં આવે તો એ ત્વચાને સુંદર અને ચમકદાર બનાવે છે, વર્ણ ખૂલે છે અને સાથે જ શરીરમાંથી વાયુ ઓછો કરે છે, શરીરને શક્તિ અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે અને તનાવ ઓછો કરે છે.’
કયું તેલ બેસ્ટ?
તેલ વિશે માર્ગદર્શન આપતાં ડૉ. સ્વરૂપા કહે છે, ‘આપણે ત્યાં અભ્યંગ સ્નાન માટે જે પણ તેલ બને છે એમાં મુખ્ય તેલ તો તલનું જ હોય છે, ફક્ત કેરલા આયુર્વેદમાં મૂળમાં નારિયેળ અથવા તલ આ બન્ને તેલ વપરાય છે. તલનું તેલ શરીરમાં ખૂબ સારી રીતે શોષાય છે અને તમામ ગુણોથી ભરપૂર છે, પણ એની વાસ તીવ્ર હોય છે. જેમને આની ગંધ સહન ન થાય તેઓ ચંદનબલાલાક્ષાદિ તેલ લાવી શકે છે જે કોઈ પણ આયુર્વેદની દુકાનમાં મળે છે, જેમાં તલનું જ તેલ હોય છે પણ એની ગંધ નથી આવતી. જેમના શરીરમાં પિત્ત અથવા ઉષ્ણતા વધારે છે, તેમણે તલનું તેલ ન વાપરતાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો. કોઈ પણ તેલ હોય, થોડું સતપ કરીને પછી જ માલિશ માટે ઉપયોગ કરવું જોઈએ.’
અભ્યંગનો સમય અને યોગ્ય રીત
તેઓ આગળ સમજાવે છે, ‘આપણે ઘરે દરરોજ અભ્યંગ સ્નાન કરી શકીએ છીએ. આને માટે રાત્રે સૂતી વખતે આખા શરીર પર તેલ લગાડવું જોઈએ. આનાથી ઊંઘ સરસ આવે છે અને તેલને શરીરમાં અંદર ઊતરવાનો સમય મળી રહે છે. જો આ શક્ય ન હોય તો સવારે સ્નાનના અડધો કલાક પહેલાં તેલ લગાડી શકાય છે. અભ્યંગની શરૂઆત બે રીતે કરી શકાય છે; એક નાભિથી શરૂ કરીને અનુલોમ રીતે અર્થાત ઉપરથી નીચેની તરફ તેલ લગાડવું જોઈએ. જેમ કે નાભિથી નીચેની તરફ અને સાથળથી લઈને પગનાં તળિયાંની દિશામાં. હાથ પર પણ ઉપરથી નીચેની તરફ કરવું અને ગરદનની મધ્યથી શરૂ કરી ખભા તરફ અને પછી ખભાથી હાથના પંજાની દિશામાં માલિશ કરવું. બીજી રીતમાં પગનાં તળિયાંને પહેલાં માલિશ કરવામાં આવે છે. એમાં પણ માલિશ તો ઉપરના અંગથી નીચેની તરફ જ કરાય છે. માલિશ કરવાના નિશ્ચિત સ્ટ્રોક્સ હોય છે. જ્યાં પણ સાંધાનો ભાગ આવે છે ત્યાં દસેક મિનિટ ગોળાકાર રીતે તેલથી માલિશ કરવું જોઈએ. બાકી જગ્યાએ ઉપરથી નીચેની તરફ માલિશ કરી શકાય છે. એક વાત ધ્યાનમાં રાખવી, ઘરે માલિશ કરતી વખતે ખૂબ વધારે વજન ન આપવું.’
તાળવા માટે શિરોપીચું
માથામાં ફક્ત શિયાળામાં જ નહીં, પણ દરરોજ તેલ લગાડવું જોઈએ. માથામાં તેલ લગાડતી વખતે વાળમાં નહીં, પણ આંગળીનાં ટેરવાંથી સ્કૅલ્પ અથવા તાળવા પર તેલવાળો હાથ ફેરવવો. આનાથી તનાવમાં ઘણો ફરક પડે છે. અઠવાડિયામાં ત્રણ વાર આ રીતે તેલ લગાડવું અને બે વાર વાળ ધોવા યોગ્ય છે. માથામાં તેલ લગાડવા માટે શિરોપીચું નામની એક થેરપી છે. આમાં રૂની ઘડી બનાવી એને સતપ તેલમાં ઝબોળી માથાના મધ્ય ભાગને આવરી લેવાય એવી રીતે માથા પર મૂકવી. આ ઓછામાં ઓછું ત્રણ કલાક અને જો શક્ય હોય તો આખી રાત રાખવું. આનાથી જેમને અનિદ્રાની સમસ્યા હોય તેમને ખૂબ લાભ થાય છે અને સરસ ઊંઘ આવી જાય છે. જે લોકો વાળ ખરવાની ફરિયાદ કરે છે તેમના વાળ આનાથી મજબૂત થાય છે. આને માટે બ્રાહ્મી તેલ ઉત્તમ છે, પણ જો ન હોય તો નારિયેળ તેલ પણ લગાડી શકાય છે.
શું ચહેરા પર અભ્યંગ કરી શકાય?
ડૉ. સ્વરૂપા કહે છે, ‘જેમની ત્વચા ખૂબ તૈલી હોય, ચહેરા પર તેલથી ફોડલી અથવા ઍલર્જી થતી હોય તેમણે આ ટાળવું જોઈએ, પણ જેમની ત્વચા શુષ્ક છે તેમને તેલના માલિશથી લાભ જ થાય છે. ચહેરા પર લગાડવા ઉત્તમ ઔષધી છે શતધૌતઘૃત. જે ચહેરા પર અને હોઠ પર લગાડી શકાય છે. આ સિવાય મલાઈ અને ચપટી હળદર મિક્સ કરી આ ઉબટનને ચહેરા પર લગાડવું અને થોડી વાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈને મસૂર અથવા ચણાના લોટમાં થોડું દૂધ નાખી એને હલકા હાથે ચહેરા પર ઘસીને સાફ કરી લેવું જેથી મલાઈની ચીકાશ નીકળી જાય અને ચહેરો મુલાયમ અને ચોખ્ખો થઈ જાય.’
મુંબઈના વ્યસ્ત જીવનમાં લોકો પાસે પોતાના માટે સમય નથી, પણ શિયાળામાં દરરોજ માત્ર અડધો કલાક જો લોકો પોતાને માટે સમય ફાળવે અને અભ્યંગને પોતાના જીવનનો હિસ્સો બનાવે તો સ્ટ્રેસથી જોડાયેલા તમામ રોગ દૂર થઈ શકે છે. તનાવમુક્ત રહેવા અભ્યંગ જેવો પ્રાચીન અને ઉત્તમ ઇલાજ કોઈ જ નથી.

રોજ રાતે પગમાં તેલમાલિશ કરો
આખા શરીર કરતાં વધુ મહત્ત્વનો હિસ્સો પગનો હોય છે એમ જણાવતાં ડૉ. સ્વરૂપા કહે છે, ‘પગમાં તેલ લગાડવું નિયમિત રીતે ખૂબ જ જરૂરી છે. બન્ને પગનાં તળિયાંમાં અને ઉપરના ભાગમાં દરરોજ રાત્રે પંદર મિનિટ તેલનું માલિશ કરવું જોઈએ. આના માટે નારિયેળ તેલ, નારાયણ તેલ, બલા તેલ વાપરી શકાય છે. સૌથી ઉત્તમ વિકલ્પ શતધૌતઘૃત છે. આ એક પ્રાચીન પદ્ધતિ છે જેમાં પિત્તળના વાસણથી પ્રક્રિયા કરીને ગાયના ઘીને સો વાર ધોઈ એમાંથી દરેક અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે. આ ઘી પીવા માટે પણ ઉત્તમ છે. કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં એ મળી રહે છે. પાદ અભ્યંગથી આંખોમાં બળતરા, આંખ થાકવી જેવી આંખની સમસ્યા દૂર થઈ શકે છે. આનાથી પગ ફાટતાં નથી અને કોઈ પણ ક્રીમ લગાડવાની જરૂર રહેતી નથી. આ માલિશ ફક્ત શિયાળામાં જ નહીં, પણ દરરોજ કરવું જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK