Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તો હો જાય, ઘરમાં જ આસન કૉમ્પિટિશન તમારી અને તમારાં બાળકો વચ્ચે

તો હો જાય, ઘરમાં જ આસન કૉમ્પિટિશન તમારી અને તમારાં બાળકો વચ્ચે

26 March, 2020 06:41 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તો હો જાય, ઘરમાં જ આસન કૉમ્પિટિશન તમારી અને તમારાં બાળકો વચ્ચે

યોગાસન

યોગાસન


યોગ નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન એમ બધા માટે ઉપયોગી ગણાય છે. અત્યારે જિમ બંધ છે અને બહારથી ટ્રાવેલ કરીને યોગ ટીચરને ઘરે બોલાવવાનું કે પોતે યોગ ક્લાસમાં જવાનું પણ ઉચિત નહીં ગણાય ત્યારે ઘરે જ રહીને સહપરિવાર યોગમાં શું-શું કરી શકાય અને એમાં પણ ફન એલિમેન્ટ કેવી રીતે ઉમેરી શકાય એ વિશે થોડીક વાતો કરીએ આજે.

વૃક્ષાસન અને તાડાસન



એક પગને ઘૂંટણથી વાળીને બીજા પગની ઇનર થાઇઝને ટચ થાય એ રીતે રાખો એટલે વૃક્ષાસન થયું કહેવાય.


પગને એડીએથી ઊંચા કરીને હાથને ઉપરની તરફ ખેંચવા એ તાડાસન થયું ગણાય. હવે આ આસન કરો ત્યારે તમે અને તમારાં બાળકો બન્નેએ સાથે ઘડિયાળમાં ટાઇમ જોઈને આસનમાં સ્થિર રહેવાનું. કોણ વધારે લાંબો સમય રહી શકે એની સ્પર્ધા થાય. જે જીતે તેણે બીજાને એક ફ્લાઇંગ કિસ આપવાની. કેવો લાગ્યો આઇડિયા?

વૃક્ષાસનના લાભઃ આ આસન સંપૂર્ણ શરીરમાં સંતુલન સુધારે છે અને સ્ટેબિલિટી આપે છે. પગના લિગામેન્ટ અને ટેન્ડેનની સ્ટ્રેંગ્થ વધારે છે. પગના તમામ સ્નાયુઓની ક્ષમતા સુધારે છે. સેલ્ફ-એસ્ટીમ અને સેલ્ફ-કૉન્ફિડન્સ વધારવાથી લઈને તમારા જીવનનાં તમામ પાસાંઓમાં સંતુલન લાવવાનું કામ કરે છે.


તાડાસનના લાભઃ બાળકોની હાઇટ વધારવા માટે આ શ્રેષ્ઠ આસન ગણાય છે. નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવાથી લઈને શરીરમાં સંતુલન લાવવાનું, પગના, પેટના અને નિતંબના સ્નાયુઓને સ્ટ્રેન્ધન કરવાનું અને શ્વસનતંત્ર અને પાચનતંત્રની ક્ષમતાઓને બહેતર કરવાનું કામ આ આસન કરે છે.

પશ્ચિમોત્તાનાસન અને હસ્તપાદાસન

આ બન્ને આસનોમાં ટાર્ગેટ તમારા હાથથી પગના અંગૂઠાને ટચ કરવાનો હોય. પશ્ચિમોત્તાનાસનમાં બેસીને અને હસ્તપાદાસનમાં ઊભા રહીને કમરના ભાગથી નીચે ઝૂકીને પગના અંગૂઠાને અડવાના આ આસનમાં કોણ અંગૂઠાને ટચ કરી શકે છે એની સ્પર્ધા રાખી શકાય. ધારો કે તમારું પેટ વધારે છે અને તમારો હાથ અંગૂઠાને ટચ નથી થતો તો તમે કેટલો સમય હોલ્ડ કરી શકો છો એની એક નાનકડી ટાઇમ-કાઉન્ટિંગની સ્પર્ધા થઈ શકે.

પશ્ચિમોત્તાનાસનના લાભઃ તમારી કરોડરજ્જુ, ખભા અને હેમસ્ટ્રિંગ્સ મસલ્સ (સાથળના ભાગના સ્નાયુઓ)ને સ્ટ્રેચિંગ આપે છે. મગજને શાંત કરે છે. લિવર, કિડની અને યુટરસને લાભ કરે છે, ડાઇજેશન વધારે છે, મેનોપૉઝ અને માસિક સ્રાવને લગતી તકલીફોમાં રાહત આપે છે. હાઈ બ્લડ-પ્રેશર, અનિદ્રા અને સાઇનસને લગતી સમસ્યામાં રાહત આપે છે. જઠરાગ્નિ સુધારે છે અને શરીરની વધારાની ફૅટને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

હસ્તપાદાસનના લાભઃ હાઇટ વધારવા માટે આ આસન ઉપયુક્ત મનાય છે. પેટ અને કમર ફરતી ચરબીને દૂર કરવામાં આ આસન ઉપયોગી છે. કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી વધારવા માટે, વાળ ખરતા હોય, મગજના હિસ્સામાં રક્તપરિભ્રમણ વધારવા માટે અને માસિકધર્મને લગતી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે આ આસન.

ઉત્તાનપાદાસન અને પવનમુક્તાસન

જમીન પર ચત્તા પીઠના બળ પર સૂઈને કમર સુધીના હિસ્સાને જમીન પર રાખવો અને પગ પેટને અંદરની તરફ ખેંચીને નેવું અંશ પર લઈ આવવાના આસનને ઉત્તાનપાદાસન કહેવાય. અહીં પગને ઘૂંટણથી વાળીને છાતી તરફ ખેંચવા અને માથાના હિસ્સાને ઘૂંટણથી સ્પર્શ કરવાનો. આ આસન છે પવનમુક્તાસન. આ બન્ને આસનમાં પણ કોણ વધુ સમય હોલ્ડ કરી શકે છે, વધુમાં વધુ ત્રીસ સેકન્ડ એ વિનર.

ઉત્તાનપાદાસનના લાભ ઃ ઍસિડિટી, અપચો અને કબજિયાત જેવી સમસ્યા દૂર કરે છે. પેટના સ્નાયુઓની ક્ષમતા વધારવાનું કામ કરે છે. બૅક, હિપ્સ અને થાઇ મસલ્સની સ્ટ્રેંગ્થ વધારવા માટે ઉપયોગી આસન છે. વજન ઘટાડવામાં અને પેટમાં રહેલા ગૅસને દૂર કરવામાં આ આસન ઉપયોગી છે. શરીરમાં રક્તપરિભ્રમણ સુધારે છે. ડાયા‍બિટીઝ માટે આ આસન ઉપયોગી છે.

પવનમુક્તાસનના લાભ ઃ તમારા પેટના સ્નાયુઓની ક્ષમતા વધારવામાં અને તેમને મસાજિંગ આપવામાં આ આસન ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. બૅક મસલ્સ, શોલ્ડર મસલ્સ અને પગના સ્નાયુઓને ટોનિંગ આપવામાં આ આસન ઉપયોગી છે. નામ પ્રમાણે પેટના ગૅસની સમસ્યાઓ હોય તો આ આસન કારગત મનાય છે. તમારા રીપ્રોડક્ટિવ ઑર્ગન અને પેલ્વિક મસલ્સને મસાજ આપવાનું કામ કરે છે.

ભુજંગાસન અને સુપરમૅન

પેટ તરફ ઊંઘીને નાભિથી નીચેનો હિસ્સો જમીન પર સટોસટ ચોંટેલો રહે અને નાભિથી ઉપરના હિસ્સાને હાથના જોરે ઉપર ઉઠાવો અને કોણીનો હિસ્સો સહેજ વળેલો રાખો એટલે થયું ભુજંગાસન. એને બદલે છાતી, માથું અને પગ બન્ને એકસાથે ઊઠેલાં હોય અને પેટનો જ હિસ્સો જમીન પર હોય તો એ થયું શલભાસન અથવા સુપરમૅન પોઝ. અહીં પણ કોઈ વધુ સમય હોલ્ડ કરી શકે છે એવી સ્પર્ધા તમે કરી શકો.

ભુજંગાસનના લાભઃ કરોડરજ્જુની ક્ષમતા વધારવા, છાતી, ફેફસાં, શોલ્ડર અને પેટના સ્નાયુઓમાં લચીલાપણું લાવવામાં આ આસનની તોલે કોઈ નથી. નકામો સ્ટ્રેસ અને થાક ઉતારવા માટે આ આસન મહત્વનું ગણાય છે. છાતીનો હિસ્સો ઉપરની તરફ ઊઠતો હોવાથી શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં આ આસનની ઉપયોગિતા અફલાતુન મનાય છે. અસ્થમાના દરદીઓ માટે અને અત્યારે શ્વાસોચ્છ્વાસને લગતી સમસ્યા માટે આ આસન કરવું જોઈએ. પ્રાચીન પુસ્તકો પ્રમાણે આ આસનથી શરીરમાં ગરમાટો ઉત્પન્ન થવાથી તમામ રોગોનું નિવારણ કરે છે.

શલભાસનના લાભ ઃ આ આસનથી કમરના નીચલા ભાગના અવયવોમાં ટોનિંગ થાય છે. પેટ અને લિવરની ક્ષમતા વધે છે. બૅકપેઇન, સ્લિપ્ડ ડિસ્ક અને સાઇટિકા જેવી તકલીફમાં રિલીફ થાય છે. પેટના નીચલા હિસ્સાનું ફંક્શનિંગ સુધારે છે.

ૐ કૉમ્પિટિશન

ફૅમિલીના બધા સભ્યો એકસાથે કૂંડાળું વાળીને બેસી જાય પદ્માસનમાં. હવે તમારે સાથે ૐ ચૅન્ટિંગ કરવાનું છે. ઊંડો શ્વાસ ભરીને ૐનું ઉચ્ચારણ કરવાનું અને જેનું ૐ એક જ સ્વરમાં સૌથી લાંબું ચાલે તે વિનર. આવાં દસ રાઉન્ડ કરવાનાં. જે મેજોરિટી વખત જીતે તેને ભાવતી આઇટમ જ સાંજે જમવામાં બનાવવાની અથવા તેની ઇચ્છા પ્રમાણેની એક ઍક્ટિવિટી બધાએ મળીને કરવાની.

ગરબા પ્લસ યોગાસન

મ્યુઝિકલ પિલો ગેમ ખબર છેને? સંગીત વાગે એટલે તકિયો કે કોઈ પણ વસ્તુ ફેરવવાની અને જેવું મ્યુઝિક બંધ થાય એટલે જેના હાથમાં તકિયો કે વસ્તુ રહે તેને પનિશમેન્ટ. જોકે ગરબા પ્લસ યોગાસનમાં આપણે કંઈક નવું ટ્રાય કરી શકીએ. જેમ કે ગરબાનું મ્યુઝિક લગાવીને ગરબા કરવાના અને જેવું મ્યુઝિક બંધ થાય એટલે કોઈ એક યોગ પૉશ્ચરમાં આવીને ૩૦ સેકન્ડ કે એક મિનિટ સુધી પૉશ્ચરમાં રહેવાનું. જે તરત જ પૉશ્ચરમાં ન આવ્યું અથવા જેણે પૉશ્ચર છોડી દીધું તે આઉટ. આમાં ગરબા પણ થઈ જાય અને યોગ પણ.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 06:41 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK