બાળક જ્યારે પ્રીમૅચ્યોર જન્મે...

Published: Nov 15, 2019, 13:37 IST | Sejal Patel | Mumbai

સામાન્ય રીતે ૪૦ વીકનો ગર્ભાધાનનો ગાળો હોય છે, પણ જો ૩૭ વીક પહેલાં બાળક માતાના ગર્ભમાંથી બહાર આવી જાય તો તેનો પૂરતો શારીરિક વિકાસ થતો નથી. એ નિમિત્તે આજે જાણીએ કઈ રીતે પ્રીમૅચ્યોર બર્થ વખતે શું કરવું અને એ પ્રિવેન્ટ કરવા શું થઈ શકે...

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સામાન્ય રીતે ૪૦ વીકનો ગર્ભાધાનનો ગાળો હોય છે, પણ જો ૩૭ વીક પહેલાં બાળક માતાના ગર્ભમાંથી બહાર આવી જાય તો તેનો પૂરતો શારીરિક વિકાસ થતો નથી. આવાં પ્રીમૅચ્યોર બાળકોને યોગ્ય સારવાર યોગ્ય સમયે મળી રહે એની જાગૃતિ માટે આ રવિવારે વર્લ્ડ પ્રીમૅચ્યોરિટી ડેની ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે આજે જાણીએ કઈ રીતે પ્રીમૅચ્યોર બર્થ વખતે શું કરવું અને એ પ્રિવેન્ટ કરવા શું થઈ શકે...

કોઈ વ્યક્તિ જીવનભર કેટલી સ્વસ્થ રહેશે એનો આધાર તેનો જન્મ થયો ત્યારે કેવી સ્થિતિ હતી એના પર ઘણે અંશે આધારિત છે. રાધર, માના પેટમાંથી બાળક બહાર આવે એ પહેલાંથી તેનું અસ્તિત્વ આકાર લઈ રહ્યું હોય છે. માના ગર્ભમાં કેવા સંજોગો નિર્માણ થયા હતા એ પણ લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે બહુ મહત્ત્વનું પરિબળ બની રહે છે. જોકે ગર્ભાધાન દરમ્યાનનાં કૉમ્પ્લીકેશન્સની વાત વધુ કૉમ્પ્લેક્સ છે. આપણે તો બાળક જન્મે એ પછી શું થઈ શકે એની ચિંતા કરી શકીએ. રવિવારે અગિયારમો વર્લ્ડ પ્રીમૅચ્યોરિટી ડે લગભગ ૧૧૦ જેટલા દેશોમાં ઊજવાશે. શરૂઆત તો યુરોપિયન સંસ્થા દ્વારા થઈ હતી, પરંતુ એ પછી એનો પ્રસાર ઑસ્ટ્રેલિયાના નૅશનલ પ્રીમી ફાઉન્ડેશન, અમેરિકાનું માર્ચ ઑફ ડાઇમ્સ અને આફ્રિકાની લિટલ બિગ સોલ્સ નામની સંસ્થાઓએ ખૂબ સારી રીતે કર્યો અને આજે સેંકડો દેશોમાં કસમયે જન્મેલા નવજાત શિશુઓના સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ આવી રહી છે.

સંખ્યા વધી અને જાગૃતિ પણ

વૈશ્વિક આંકડા તપાસીએ તો આઠથી બાર ટકા બાળકોનો જન્મ પ્રીમૅચ્યોર હોય છે. એની વૈશ્વિક સરેરાશ કાઢીએ તો ૧૦ ટકા બાળકોની છે. પહેલાં કરતાં પ્રીમૅચ્યોર બાળકો પેદા થવાનું પ્રમાણ વધ્યું છે એવું કહેવાય છે, પરંતુ હકીકત એ છે કે આ બાબતે જાગૃતિ વધુ આવી છે. પહેલાં પણ કસુવાવડ થઈ જવાનું પ્રમાણ વધુ જ હતું, પરંતુ એ વખતે સર્વાઇવલ રેટ ઘણો ઓછો હતો. આજે મેડિકલ વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે એકદમ એક્સ્ટ્રીમ પ્રીમૅચ્યોર બાળકનો પણ સર્વાઇવલનો ચાન્સ પહેલાંની સરખામણીએ સુધર્યો છે.

પ્રીમૅચ્યોરિટીનાં કારણો શું?

લગભગ બે દાયકાનો અનુભવ ધરાવતા પીડિયાટ્રિશ્યન અને નીઓનૅટોલૉજિસ્ટ ડૉક્ટર સુરેશ બિરાજદાર કહે છે, ‘આજકાલ ટ‍્વિન અને ટ્રિપ્લેટ્સ બર્થનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ફર્ટિલિટીની તકલીફ વધી હોવાથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દ્વારા બાળક મેળવનારી મહિલાઓમાં વહેલી પ્રસૂતિ થઈ જાય એવી શક્યતા લગભગ નિશ્ચિત હોય છે. આઇવીએફ દ્વારા બાળક પેદા થતું હોય ત્યારે યુગલે મનોમન પ્રીમૅચ્યોરિટી માટે તૈયાર રહેવું જરૂરી બની જાય છે. દરેક વખતે આઇવીએફથી જ નહીં, જિનેટિક કારણસર અથવા નૅચરલી પણ ટ‍્વિન કે ટ્રિપ્લેટ્સ પ્રેગ્નન્સી રહે છે. આવા સંજોગોમાં પણ કુદરતી રીતે જ ૪૦ વીક સુધી પ્રેગ્નન્સી ખેંચાતી નથી અને બાળક વહેલું ડિલિવર થાય છે અથવા તો સિઝેરિયન દ્વારા બર્થ કરવવો પડે છે. આવા સંજોગોમાં બન્ને બાળકો નબળાં હોય અથવા તો બેમાંથી કોઈ એક બાળક નબળું હોય એવું બની શકે છે. બીજું, પ્રીમૅચ્યોરિટીનું કારણ છે માતાની ઉંમર. એવું જોવા મળ્યું છે કે જો માની ઉંમર કુમળી હોય તો તેનું પોતાનું શરીર બાળકને પોષવા માટે સક્ષમ નથી હોતું. કુપોષણ અને અવિકસિત મા હોય ત્યારે બાળકને પૂરતું પોષણ નથી મળતું અને એને કારણે વહેલી પ્રસૂતિ થઈ જાય અને પ્રસૂતિ બાદ બાળક નબળું હોય એવું સંભવ છે. ત્રીજી સંભાવના એનાથી સાવ જ વિપરીત છે. આજકાલ મહિલાઓ બાળકને જન્મ આપવાનું ડિલે કરે છે. કરીઅર સેટ કરીને પછી બાળક મેળવવા માગતી મહિલાઓ ૩૦-૩૨ વર્ષ પછી જો પહેલી પ્રેગ્નન્સી કરે ત્યારે પણ કસમયે પ્રસૂતિ થઈ શકે છે. આનું કારણ એ છે કે મોટી વય પછી સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરટેન્શન અને જેસ્ટેશનલ ડાયાબિટીઝની સંભાવના વધે છે. આને કારણે ગર્ભમાં બાળકનું કદ વધવાની સાથે સમસ્યા વધે છે અને વહેલી પ્રસૂતિ થઈ શકે છે. આજકાલ ફર્ટિલિટી પિરિયડની મહિલાઓમાં ઓબેસિટીનું પ્રમાણ વધ્યું છે. જોકે એ પ્રીમૅચ્યોરિટીનું ડાયરેક્ટ કારણ નથી. મેદસ્વિતાને કારણે પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ વધે છે જે ઇનડાયરેક્ટલી પ્રીમૅચ્યોરિટીની શક્યતા વધારે છે.’

શું પ્રિવેન્શન થઈ શકે?

બાળકની પ્રસૂતિ સમય કરતાં વહેલી ન થાય એ માટે શું કરવું? સીધેસીધું પ્રિવેન્શન સરળ નથી એમ સમજાવતાં ડૉ. સુરેશ કહે છે, ‘આ લાખ રૂપિયાનો સવાલ છે જેનો જવાબ શોધવા માટે પશ્ચિમના દેશો પણ મથી રહ્યા છે. પ્રીમૅચ્યોરિટી એ માત્ર લિમિટેડ રિસોર્સિસવાળા દેશની જ સમસ્યા છે એવું નથી. વિકસિત અને વિકાસશીલ દેશોમાં પણ પ્રીમૅચ્યોરિટીનો રેટ લગભગ સરખો જ છે. એનું કારણ એ છે કે કસમયે પ્રસૂતિ થઈ જવા પાછળ એક નહીં, અનેક પરિબળો કારણભૂત હોય છે. એમાંય અનેક કારણો હજી સુધી મેડિકલ વિજ્ઞાન શોધી પણ નથી શક્યું. દર ૮૦માંથી ૧ ટ‍્વિન બર્થ હોય છે. જ્યારે પણ ટ‍્વિન કે ટ્રિપ્લેટ્સ બર્થ થાય ત્યારે એવું થવાનું જ. હવે જાગૃતિ આવી છે એટલે આઇવીએફ દરમ્યાન મલ્ટિપલ પ્રેગ્નન્સીનું પ્રમાણ કન્ટ્રોલમાં આવ્યું છે. જોકે જિનેટિકલ કારણસર મલ્ટિપલ પ્રેગ્નન્સી રહે છે એનું કંઈ થઈ શકે એમ નથી. હા, બહુ નાની વયે માતા બનવાનું કે બહુ મોડી વયે માતા બનવાનું ન થાય તો ઘણો ફરક પડે. બીજું, પ્રેગ્નન્સી દરમ્યાન વજાઇનલ ઇન્ફેક્શન્સ ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. માતા કુપોષિત, અન્ડરવેઇટ, અપરિપક્વ ન હોય એ પણ જોવું જોઈએ. બાકી, નૉર્મલ દેખાતી મિડલ-હાઈ ક્લાસની મહિલાઓમાં પણ પ્રીમૅચ્યોર ડિલિવરી થાય છે. આ માટે હજી વધુ ઊંડા રિસર્ચની જરૂર છે.’

બાળકના સર્વાઇવલનો ચાન્સ

નૉર્મલ પ્રેગ્નન્સી કાળ ૯ મહિના અને ૯ દિવસ એટલે કે ૨૮૦ દિવસનો હોય. મતલબ કે ૪૦ વીક થાય. જ્યારે બાળક ૩૭ વીક કે એથી વહેલું જન્મે ત્યારે એ પ્રીમૅચ્યોર હોય. એમાંય જો ૩૨થી ૩૭ વીક વચ્ચે જન્મ્યું હોય તો એનો સર્વાઇવલ રેટ ઠીકઠાક હોય છે એમ જણાવતાં ડૉ. સુરેશ કહે છે, ‘૨૮ વીક એટલે કે લગભગ ૬.૫ મહિને બાળક જન્મે તો એ અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં હોય. તેને બચાવવાનું કામ ખૂબ કપરું હોય છે. એવા સંજોગોમાં તેનો જન્મ કેવા સેન્ટરમાં થયો છે, ત્યાં કેટલા ટ્રેઇન્ડ નિષ્ણાતો છે એના પર નિર્ભર કરે છે. બાકી, પ્રીમૅચ્યોર બાળક કેવાં કૉમ્પ્લીકેશન્સ સાથે જન્મ્યું છે અને એને કેવી સારવાર ઘડીનોય વિલંબ કર્યા વિના મળી શકે એમ છે એ બન્ને બાબતો તેના સર્વાઇવલનો ચાન્સ નક્કી કરે.’

સેન્ટરની પસંદગી બહુ મહત્ત્વની

ધારો કે મહિલાને આઇવીએફ પ્રેગ્નન્સી રહી હોય, ખબર હોય કે ગર્ભમાં બે કે ત્રણ બાળકો ઊછરી રહ્યાં છે તો તેણે વિશેષ કાળજી લેવી જોઈએ અને એ વખતે સેન્ટરની પસંદગી પર ભાર મૂકતાં ડૉ. સુરેશ કહે છે, ‘જ્યારે થોડી પણ શક્યતા હોય કે પ્રસૂતિ પ્રીમૅચ્યોર થઈ શકે છે તો હંમેશાં એવા જ સેન્ટરની પસંદગી કરવી જ્યાં બાળક માટે ઇન્ટેન્સિવ કૅર યુનિટ હોય. એ સેન્ટરમાં સુવિધા હોવા ઉપરાંત ટ્રેઇન્ડ નિષ્ણાતો પણ ઉપલબ્ધ હોય. કુમળી વયે જન્મેલા બાળકની ડિલિવરી થાય એ જ વખતે નીઓનેટલ એક્સપટ‍્‌‌ર્સ હાજરી હોવી બહુ અગત્યની છે, કેમ કે આ શિશુનું સૌથી પહેલાં તો લંગ્સ ફંક્શન શરૂ કરવાનું હોય છે. એક વાર એ થયા પછી તેનું ફીડિંગ બરાબર થાય છે કે નહીં એ જોવાનું હોય છે અને આ સમયગાળા દરમ્યાન કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે એ સૌથી મહત્ત્વની બાબત છે. પ્રીમૅચ્યોર બાળકને જરાસરખુંય ઇન્ફેક્શન જાનલેવા બની શકે છે. જો બાળકને રાખવાનું સેન્ટર દૂર હશે તો તેને ટ્રાવેલ કરીને ત્યાં ખસેડવાનું કામ પણ સ્ટ્રેસફુલ હોય છે. નાજુક બાળક માટે એટલું સ્ટ્રેસ ખમવાનું પણ ઘણી વાર સંભવ નથી હોતું.’

માબાપ તરીકે શું કરી શકાય?

અચાનક પ્રીમૅચ્યોર ડિલિવરી થઈ જાય અને બાળકને નીઓનેટલ કૅરમાં રાખવું પડે તો એવા સમયે પેરન્ટ્સ ધીરજ રાખવા ઉપરાંત બીજું શું કરી શકે? એ વિશે સમજાવતાં ડૉ. સુરેશ કહે છે, ‘જેમ બાળક નાજુક છે એમ માતાની હાલત પણ નાજુક હોય છે. તેને પૂરતો આરામ મળે, રિલૅક્સ રહે, કોઈ જ પ્રકારનો સ્ટ્રેસ ન લે એ જોવાનું બહુ જરૂરી છે. માતા જલદીથી સાજી અને સ્વસ્થ થાય એ જરૂરી છે. પ્રૉપર ખોરાક અને આરામ કરીને રેડી થઈને જાતે બ્રેસ્ટ-મિલ્ક કાઢવાનું શરૂ કરવું જોઈએ. એનું કારણ એ છે કે પ્રીમૅચ્યોર બાળકને તમારે બહારનું કોઈ જ પ્રકારનું ફીડ આપવું ન જોઈએ. તેને ગાયનું દૂધ કે ફૉર્મ્યુલા મિલ્ક આપી શકાતું નથી. આવા બાળકનાં આંતરડાં એટલાં સૉફ્ટ હોય છે કે એ બ્રેસ્ટ-મિલ્ક સિવાય બીજું કશું જ પચાવી શકે એમ નથી હોતું. બહારની કોઈ ચીજથી આંતરડામાં સોજો આવી શકે છે. આવા સંજોગોમાં માતાની એક જ પ્રાયોરિટી હોવી જોઈએ કે હેલ્ધી ખાઈને બ્રેસ્ટ-મિલ્ક એક્સ્ટ્રેક્ટ કરતા થઈ જવું. બાળક જાતે તરત ચૂસી શકે એવી સ્થિતિમાં ન હોય એવું બની શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK