જમ્યા પછી શું કરવું અને શું નહીં કરવું?

Jul 08, 2019, 12:48 IST

એક મેડિકલ જર્નલમાં જમ્યા પછી કયાં સાત કાર્યો ન કરવાં એની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ભોજન વિશે આયુર્વેદના સંદર્ભ સાથે આ સાત નિષેધ વિશે વાત કરીએ

આમિર ખાન
આમિર ખાન

જમવા માટે આપણા વડીલો એક સુંદર જોડકણું સંભળાવતા કે પાંચ ઊઠ, દસે ખા, પાંચે ખા, દસે સુ તો નેવું + નવ વર્ષ જીવું. એટલે કે સવારે પાંચ વાગ્યે ઊઠી જવું, દિવસમાં બે વખત જ જમવું અને રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું જેથી શરીરના અવયવોને પુન: શક્તિદાયક બનવાનો અવકાશ રહે છે અને ૭ કલાકની શાંત નિદ્રા મળે તો બીજા દિવસે સારી સ્ફૂર્તિ રહે છે અને દિવસ દરમ્યાન ઊંઘ નથી આવતી. બે જમવાના ગાળા વચ્ચે સાતેક કલાકનો સમય થઈ જતાં પાચન પણ બરાબર થાય છે અને ભૂખ પણ બરાબર લાગે છે. 

ઊંઘ અને ભોજન એ બન્ને એવા છે કે જેટલા વધારો એટલા વધે અને ઘટાડો એટલા ઘટે. સારી ભૂખ લાગે એ માટે પૂરતી નિદ્રા લેવી જોઈએ અને પૂરતી નિદ્રા લેવા માટે સમયસર સૂઈ જવું જોઈએ. આપણા મહાપુરુષો કહેતા કે સમાધિ માટે મૃત્યુ સમયે જો જાગ્રત અવસ્થા પામવી હોય તો એ દરેક વ્યક્તિએ છપ્પનમી ઘડીમાં ઊઠી જવું જોઈએ. એટલે કે સૂર્યોદય પહેલાં ૧૪૪ મિનિટ બાકી હોય ત્યારે જાગ્રત થવું જોઈએ, જેમ કે ૬.૨૪નો સૂર્યોદય હોય તો ૪ વાગ્યે ઊઠી જવાથી બ્રહ્મ મુહૂર્તના કલ્પનાતીત ફાયદાઓ થાય છે, કારણ કે સપ્તર્ષિના તારામાંથી આ છપ્પનમી ઘડીમાં અત્યંત ઉત્તમ પરમાણુઓની વર્ષા થતી હોય છે, જે આપણે જો જાગ્રત હોઈએ તો આપણા બ્રહ્મરંધ્ર દ્વારા આપણા તન, મન અને આત્માને ફાયદો થાય છે. જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એટલું જ નહીં, મૃત્યુ સમયે આ વ્યક્તિ સભાન અવસ્થામાં હોય છે અને ગાંડપણ, લવારો કે મગજ વિશેની કોઈ બીમારી અંતિમ સમય સુધી થતી નથી.

એ સમયે દુનિયામાં પાપી માણસો પણ નિદ્રાધીન થઈ જતા હોય છે એથી વાતાવરણમાં શુદ્ધિનું અને પવિત્રતાનું પ્રમાણ અધિક હોય છે. યોગી પુરુષો એ વખતે માહેન્દ્ર પ્રાણાયામ કરતા હોય છે જેમાં ઉચ્છ્વાસમાં પણ પ્રાણવાયુ નીકળતો હોય છે. તેઓ જે શુભ સંકલ્પ કરે એની દિવ્ય ઓરાઓ સમગ્ર બ્રહ્માંડમાં ફરી વળે છે એટલે નરસિંહ મહેતા પોતાના ભજનમાં જેમ કહે છે એ પ્રમાણે જે સાધકો ષટ્ઘડી બાકી રહે ત્યારે ઊઠી જતા હોય છે તેઓ અડધા સાધુ જેવા હોય છે અને તેઓ પોતાની ભૂખ અને તરસ પર પણ નિયંત્રણ કરી શકતા હોય છે. 

ધનવંતરી ચિકિત્સાલય અમદાવાદ તરફથી આયુર્વેદોક્ત સંક્ષિપ્ત આહાર આદિ વિચારના તાજેતરના પ્રકાશનમાં જણાવ્યું છે કે સાજા કે માંદા માણસોએ ખાધા કે પીધા પછી તરત બોલવું નહીં, ચાલવું નહીં, સૂવું નહીં, તડકા-દેવતાથી દૂર રહેવું, ગાડી વગેરેમાં બેસવું નહીં, પાણીમાં તરવું નહીં, સ્નાન ન કરવું, ગાવું કે ભણવું નહીં અને સંસારસુખ ન ભોગવવું. આયુર્વેદના પ્રકાંડ અજિતભાઈ કહે છે, ‘જમ્યા પછી પાંચ મિનિટ વજ્રાસન કરવું. ૮૪ લાખ આસનના પ્રાય: બધાં આસનો જમ્યા પછી

ચાર-પાંચ કલાકે થતાં હોય છે. જ્યારે આ એક જ વજ્રાસન જમ્યા પછી તરત કરવાનું છે, કેમ કે પગને વાળી દેવાથી લોહીનું પરિભ્રમણ હોજરી પાસેથી જ અટકીને ત્યાંથી ફરી વાર ઉપર ચડે છે જેથી લોહીમાં રહેલું ઑક્સિજન જે આહારપાચન માટે ઉપયોગી છે એ હોજરીની આસપાસ થઈ રહેલી પાચનક્રિયામાં મદદરૂપ થાય છે. જમ્યા પછી રાજાની જેમ બેસવું અને વરિયાળી, એલચી, લ‌વિંગ, જેઠીમધ, ચણકબાબ અને સેકેલી સોપારી આ બધું સરખા ભાગે લઈને મુખવાસ સ્વરૂપે લેવું. આ મુખવાસ એક અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ પાચક દ્રવ્ય છે. મુખ્યત્વે જમ્યા પછી નીચેનાં સાત કાર્યો નહીં કરવાં જોઈએ એવું ‘હેલ્થ ડાયજેસ્ટ’ મૅગેઝિનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે જે ઘણુંખરું આપણી પરંપરાઓને પણ મળે છે.

૧. ફ્રૂટ્સ નહીં

જમ્યા પછી ફ્રૂટ્સ નહીં ખાવાં જોઈએ, કારણ કે  જમવાના અંશો સાથે એ ભળી જતાં એ આંતરડા સુધી પહોંચવામાં વિલંબ કરે છે અને ખોરાકને પણ દૂષિત કરે છે એટલે જમતાં પહેલાં કે પછી એક-દોઢ કલાકનો ગાળો હોય ત્યારે જૂસ કરતાં પણ વધારે ફ્રૂટ સમારીને વાપરવું જોઈએ. આયુર્વેદ પણ જણાવે છે કે જમ્યા પછી હોજરીમાં ગરમ પાચક રસો ભળતા હોવાથી મોઢું પણ ધોવું નહીં જોઈએ અને ઠંડું પાણી પણ પીવું ન જોઈએ. જમતાં પહેલાં પાણી પીએ તો પથ્થર સમાન છે, જમ્યા પછી પીએ તો ઝેર સમાન છે અને જમતી વખતે પીએ તો અમૃત સમાન છે. જમ્યા પછી એથી જ એકાદ કલાકના ગાળા પછી ચકલી પીએ એ રીતે થોડું-થોડું પાણી વાપરવું જોઈએ. 

૨. જમ્યા પછી સ્મોકિંગ ન કરવું

આમ તો સ્મોકિંગ માટે કહેવાય છે કે તમે ગમે ત્યારે કરો ત્યારે સિગારેટની આગળના ભાગમાં આગ અને પાછળના ભાગમાં મૂરખ હોય છે. કહેવાય છે કે જમ્યા પછી જો તરત સ્મોકિંગ કરવામાં આવશે તો એક સિગારેટ ૧૦ સિગારેટ જેટલું નુકસાન કરે છે અને રિસર્ચથી એ સાબિત થયું છે કે આવા લોકોને કૅન્સર થવાના ચાન્સ ઘણા વધી જાય છે. 

૩. જમ્યા પછી ચા ન પીવી જોઈએ

ચાનો ડાઘ કપડા પર પડે તો એ દૂર નથી થઈ શકતો. તો પેટમાં એ કેવી અસર ઊભી કરતું હશે. ચામડું કમાવા માટે ચાનો વપરાશ થાય છે એટલે આપણી હોજરીની સ્થિતિસ્થાપકતા ચા પીવાથી બરડ થઈ જાય છે છતાં ચાની ચાહ છૂટતી ન જ હોય તો જમ્યા પછી તો ન જ પીવી, કેમ કે એમાં ઍસિડ છે એથી એ જમવાના પ્રોટીનને સખત કરે છે જે પાચનશક્તિને નબળી પાડે છે. 

૪. જમ્યા પછી બેલ્ટ લૂઝ ન કરવો

આમ પણ કહેવાયું છે કે જેમની કમરની રેખા મોટી એટલી આયુષ્યની રેખા ટૂંકી. અને આપણે જેટલું જમીએ છીએ એમાંથી બે ભાગનું આપણા માટે હોય છે અને એક ભાગ ડૉક્ટરો માટે જમીએ છીએ. કારણ કે વધારે ખાઈએ તો જ ડૉક્ટર પાસે જવું પડે છે. આંતરડાને તો બ્લૉકેજ કે ટ્‍વિસ્ટિંગ થાય છે, પરંતુ બેલ્ટ લૂઝ થવાથી સારું ભોજન વધારે ખાવાનું મન થાય છે એટલે કહ્યું છે કે આહારને ઔષધની જેમ વાપરજો, નહીં તો એક સમય એવો આવશે કે તમારે ઔષધને આહારની જેમ વાપરવું પડશે.

૫. જમ્યા પછી સ્નાન ન કરવું જોઈએ

જમ્યા પછી શરીર ઠંડું ન થવું જોઈએ એથી જેમ આઇસક્રીમ વગેરે ન ખવાય એમ સ્નાન કરવાથી લોહી, હાથ-પગ અને શરીરમાં ફરે છે એથી હોજરીને લોહીની જરૂર હોય છે એ પ્રાપ્ત નથી થતું.

૬. જમ્યા પછી ચાલવું ન જોઈએ

જમ્યા પછી જે દોડે છે તેની પાછળ તેનું મોત પણ દોડે છે. પછી ગ્લાન અને બીમારે ૧૦૦ પગલાં અને યુવાનોએ અને નીરોગીએ ૨૫૦ પગલાં ઘરમાં જ ચાલવું અને પછી ડાબા પડખે ૧૬  સ્વાસોચ્છ્વાસ, જમણા પડખે ૩૨ સ્વાસોચ્છ્વાસ અને પાછું ડાબા પડખે ૬૪ સ્વાસોચ્છ્વાસ એમ નોર્મલ સ્વાસ લેવા. એક સ્વાસ લીધો અને મૂક્યો એને એક યુનિટ કહેવાય એવા ૧૬, ૩૨, ૬૪ સ્વાસોચ્છ્વાસ લેતી વખતે એક મીઠી નીંદર આવી જશે. જે ૧૫-૨૦ મિનિટથી લઈ અડધો કલાકમાં પૂર્ણ થઈ જશે જે બીજા ૮-૧૦ કલાક કામ કરવા માટે બળ પૂરું પાડશે. જપાનમાં આ વામકુક્ષિની મહત્તા સમજીને હવે કમર્શિયલ ફર્મ્સ પ્રોડક્ટિવિટી વધારવા માટે પોતાના કામદારોને જમ્યા પછી વામકુક્ષિ માટે અનુકૂળતા કરી આપે છે. ગુજરાતી બહેનો જેમ ઘસઘસાટ સૂઈ જાય છે એ પ્રમાણે સૂવું નહીં. એથી વાત અને કફની વૃદ્ધિ થાય છે અને શરીર ભૂંડની જેમ વધે છે એવો આયુર્વેદમાં શ્લોક છે એથી જમીને તરત કામ પર ચડવું નહીં. વિચારવાનું કે વાંચવાનું કોઈ કામ ન કરવું જોઈએ. 

૭. રાતે જમવું નહીં

જમ્યા પછી તરત સૂઈ જવાથી અપચો થાય છે અને એનાથી આંતરડામાં ઇન્ફેક્શન અને ગૅસની તકલીફ શરૂ થાય છે. એથી જ હવેના મેડિકલ નિષ્ણાતો પણ જમવા અને સૂવા વચ્ચે કમસે કમ ત્રણ કલાકનું અંતર રાખવાની સલાહ આપે છે.

- અતુલકુમાર શાહ

દિવસમાં કેટલી વાર જમવું જોઈએ?

આયુર્વેદમાં એક શ્લોક છે,

એક ભુક્તં સદારોગ્યં

દ્વિભુક્તં બલવર્ધનમ્।

ત્રિભુક્તે વ્યાધિર્પીડા સ્યાત્ ચતુર્ભુક્તે મૃતિધૃર્વમ્।।

દિવસમાં એક વાર ભોજન કરવાથી આરોગ્યપ્રાપ્તિ, બે વાર ભોજન કરવાથી બળપ્રાપ્તિ, ત્રણ વાર ભોજન કરવાથી રોગપ્રાપ્તિ અને ચાર વાર ભોજન કરવાથી મૃત્યુ થાય છે. 

આ પણ વાંચો : કેટલા પેરન્ટ્સ સમજે છે હેલ્ધી ને નીરોગી વચ્ચેના તફાવતને?

એક જગ્યાએ એમ પણ કહ્યું છે કે ‘એક ભત્તં ચ ભોયણં, ઇતિ ભક્ત:’ એટલે કે એક વાર ભોજન કરે તે યોગી, બે વાર ભોજન કરે તે ભોગી અને ત્રણ વાર ભોજન કરે તે રોગી. ખરેખર તો એક વાર ભોજન અને ત્રણ વાર ભજન હતું, પરંતુ આપણે ક્રૉસ એન્ટ્રી પાડી અને એક વાર ભજન અને ત્રણ વાર ભોજન કરી નાખ્યું. બે ભોજન વચ્ચે ચારથી પાંચ કલાકનો ગાળો રાખવો જરૂરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK