Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે શું વિચાર્યું છે?

તમે આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે શું વિચાર્યું છે?

02 January, 2019 12:17 PM IST |
જિગીષા જૈન

તમે આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે શું વિચાર્યું છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વર્ષે હેલ્થનું ધ્યાન રાખવા માટે જાણીએ કેટલાક પ્રૅક્ટિકલ સંકલ્પો ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ અને ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી.

વ્યવસ્થિત પ્લાન બનાવો



તમારા હેલ્થ ગોલ્સ જે પણ હોય એ માટે વ્યવસ્થિત પ્લાનિંગની ખૂબ વધારે જરૂર રહે છે. પહેલાં એ વિચારો કે તમારે શેની જરૂર છે અને તમારી પ્રાથમિકતાઓ શું છે. જેમ કે ગયું વર્ષ તમારા માટે અત્યંત સ્ટ્રેસફુલ રહ્યું હોય તો તમે વિચારી શકો છો કે આ વર્ષે મને માનસિક શાંતિ જોઈએ છે. અથવા ગયું વર્ષ તમે ખૂબ બીમાર પડ્યા હો તો તમે વિચારો કે તમારે તમારી ઇમ્યુનિટી ઘટી ગઈ છે એને વધારવી છે. બને કે ગયા વર્ષે તમારું વજન ખૂબ વધી ગયું છે અને તમે બિલકુલ ધ્યાન આપ્યું જ નથી તો આ વર્ષે તમને કેટલું વજન ઉતારવું છે એ વિચારો અને એ કઈ રીતે ઊતરશે એનું પ્લાનિંગ વ્યવસ્થિત કરો. આ પ્લાનિંગમાં તમારી ક્ષમતાઓને ધ્યાનમાં રાખવી જરૂરી છે. પ્રૅક્ટિકલ વસ્તુઓને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરો તો એ યોગ્ય રહેશે.


યોગ્ય ખોરાક લો

આજની તારીખે દરેક વ્યક્તિને અંદાજ છે જ કે તેણે શું ખાવું જોઈએ અને શું નહીં. પરંતુ એનું પાલન કરવું જ મુખ્ય છે જે થતું નથી. ઘણા લોકો સુપર ફૂડની પાછળ પડ્યા હોય છે અને બજારમાં પોષણયુક્ત પદાર્થો શોધતા હોય છે. દર ૬ મહિને ફૂડમાં એક નવો ટ્રેન્ડ આવે છે અને લોકો અવનવા ટ્રેન્ડ ફૉલો કરતા રહેતા હોય છે. પરંતુ હકીકત એ છે કે ઘરે જે બને છે એ ખોરાકથી વધુ પૌãક્ટક કશું હોતું નથી. જો નવા વર્ષે તમારે કોઈ સંકલ્પ કરવો જ હોય તો એ કરો કે ઘરે ખાવાનું બનાવીશું અને ઘરે જ ખાઈશું. બહારનો ખોરાક ઓછો કરશો તો આપોઆપ હેલ્થ સુધરશે એની ગૅરન્ટી છે.


એક્સરસાઇઝ કરવી છે ફરજિયાત

ક્યારેક તમે વધુ ખાઈ લીધું કે જન્ક ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાઈ લો તો ખુદને માફ કરો, પરંતુ જો એક્સરસાઇઝ મિસ કરી દીધી તો માફ ન કરતા. શરીર જો સશક્ત હશે તો ગમે તે પરિસ્થિતિમાં પણ એ લડી લેશે. એ સશક્ત ત્યારે જ હશે જ્યારે તમે એને કસશો. દરરોજ તમને ગમે એ એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝનો અર્થ ઍક્ટિવિટી નથી જ. તમને કષ્ટ પડવું જોઈએ, એને જ એક્સરસાઇઝ કહેવાય છે. નહીંતર એને એક્સરસાઇઝ ન ગણાય. શરૂઆત ભલે ચાલવાથી કરો, પણ ધીમે-ધીમે તમારી ઇન્ટેન્સિટી વધારો.

જીવનની ઉજવણી કરો

જીવનને એક ઉજવણી કે સેલિબ્રેશનની જેમ જીવી જનારા લોકો હંમેશાં લાંબું જીવે છે. ઉજવણીનો બહોળો અર્થ કરવા જઈએ તો મન જ્યારે અત્યંત પ્રસન્ન હોય અને એ પ્રસન્નતા પોતાના સુધી ન રાખીને દરેક વ્યક્તિને એની વહેંચણી કરવા ઇચ્છતું હોય એ છે ઉજવણી. જ્યારે વ્યક્તિની અંદર દરેક માટે એક આભારની લાગણી હોય, તેને જે મળ્યું છે એ બધું જ બેસ્ટ છે એમ માનીને તે જીવતી હોય ત્યારે જીવન ઉજવણી બની જાય છે. આ પ્રકારનો અભિગમ ન હોય તો એને કેળવો. એ કેળવી શકાય છે. એક વખત મનમાં ઇચ્છો કે મારે આવું બનવું છે તો બની શકાય. આમ પણ આપણને સોગિયા ચહેરા ધરાવતા લોકો ઓછા જ પસંદ છે તો આપણે ખુદ બીજા માટે એવા ન બનીએ.

પાર્ટી અને સોશ્યલ ફંક્શનમાં સિલેક્ટિવ બનો

ઘણા લોકો એવાં બહાનાં આપતા હોય છે કે પાર્ટીઓ અને સોશ્યલ ફંક્શન જ એટલાં હોય છે કે ડાયટ થતું જ નથી. બહાર જઈએ તો ખાવું તો પડે જને. પરંતુ હકીકત એ છે કે પાર્ટીમાં બેફામ ખાનારા લોકોને જ્યારે ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે હાર્ટ પ્રૉબ્લેમ્સ આવે ત્યારે તેમણે આ બધું સદંતર બંધ કરવાનો વારો આવી જાય છે. આવું ન થાય એ માટે અમુક ફેરફાર કરી શકાય. બિનજરૂરી સોશ્યલ ફંક્શનમાં જવાનું ટાળો. ફંક્શનમાં ખાવા કરતાં બધાને હળવા-મળવા પર વધુ ધ્યાન આપો. ફંક્શનમાં ડિનર લેટ થવાનું હોય તો ઘરેથી ખાઈને જ નીકળો. તમારે જ્યારે પાર્ટી ઑર્ગેનાઇઝ કરવાની હોય તો હેલ્ધી મેનુ રાખો. હેલ્ધી મેનુનો ટ્રેન્ડ એક વાર શરૂ થઈ જાય તો પાર્ટી પ્રૉબ્લેમ નહીં બને. નાના બદલાવો મોટાં પરિણામ લાવી શકે છે.

ઍડિક્શન છોડવા પ્રોફેશનલ મદદ લો

ઘણા લોકો સ્મોકિંગ કે આલ્કોહૉલ છોડવાના સંકલ્પો લે છે, પરંતુ એ એટલું સરળ હોતું નથી. એ માટે તેમને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડે છે. પ્રોફેશનલ હેલ્પનો એક એ ફાયદો છે કે તમે સાચી દિશામાં આગળ વધશો અને કોઈ પણ ખોટી રીત નહીં જ અપનાવો. એ બન્ને બાબતો જરૂરી છે. ફક્ત સ્મોકિંગ કે આલ્કોહૉલ છોડવા માટે જ નહીં, પરંતુ ડાયટ કહો કે એક્સરસાઇઝ માટે પણ જો પ્રોફેશનલ મદદ લો તો એ ઉત્તમ રહેશે જેથી ખોટી રીતોથી બચશો અને એને લીધે થતા નુકસાનથી પણ બચી શકશો.

મેન્ટલ હેલ્થ માટે મેડિટેશન કરો

આજે સામાન્ય ટ્રાફિક હોય કે પ્રોફેશનલ ગોલ્સ, અચીવ કરવાનું પ્રેશર બહુ જ સ્ટ્રેસફુલ છે અને આ સ્ટ્રેસ આપણા જીવનને કોરી ખાય છે. આ બધી વસ્તુઓને આપણે બદલી શકતા નથી, પરંતુ આપણે એ પરિસ્થિતિઓને મૅનેજ કરતાં શીખવું જરૂરી છે. તમે ક્યારેક અનુભવ્યું હશે કે જ્યારે તમે શાંત અને ખુશ હો ત્યારે ટ્રાફિકમાં ફસાઓ કે બૉસ ગાળો આપે તો પણ તમને અસર થતી નથી. ૨૪ કલાકનો સમય બધાને સરખો મળે છે. એ સમયમાં બધું એકસાથે મૅનેજ કરવાનું ટાસ્ક કઈ રીતે હૅન્ડલ કરવું એ શીખવું એક કળા છે. એ માટે વ્યક્તિએ મેન્ટલી સ્વસ્થ રહેવું જરૂરી છે. પ્રાણાયામ અને ધ્યાન એમાં ખૂબ મદદરૂપ છે. આ સિવાય પોતાના માટે સમય ફાળવો. ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવો. આ નાની બાબતો તમારા મોટા પ્રfનો હલ કરી આપશે.

૮ કલાક મસ્ત ઊંઘો

મુંબઈમાં રાતે જ દિવસ ઊગે છે એમ કહેવાય છે. પરંતુ હકીકત એ છે કે જો સ્વસ્થ રહેવું હોય તો દરરોજ ૧૦ વાગ્યે સૂવું અને સવારે ૬ વાગ્યે ઊઠવું જોઈએ. આ સમય જે વ્યક્તિનો નિશ્ચિત હોય એના અડધાથી વધારે હેલ્થ ઇશ્યુ ખતમ થઈ જશે. ઊંઘ આપણા જીવનનો અત્યંત મહત્વનો ભાગ છે, એને અવગણવો નહીં. રાત-રાતભર જાગવાનું હેલ્થ માટે અત્યંત હાનિકારક છે. ઊંઘવાનો એક નિશ્ચિત સમય હોવો જોઈએ, જેને કારણે ઊઠવાનો પણ એક નિશ્ચિત સમય બની જાય છે. આમ એક રૂટીનમાં આવી જવાથી શરીર લયબદ્ધ રીતે કામ કરતું થઈ જાય છે.

અપરાધભાવ વગરનું જીવન જીવો

જ્યારે વ્યક્તિને શું સારું અને શું ખરાબ એનું ભાન હોય છે છતાં તેનાથી ખોટું કે ખરાબ થઈ જાય છે ત્યારે તે અપરાધભાવ અનુભવતી હોય છે. પરંતુ જે લોકો મનમાં અપરાધભાવ સાથે જીવે છે તેમને માનસિક અને શારીરિક ઘણી તકલીફો થાય જ છે. ક્યારેક તમે બહાર ગયા અને તમારો ભાવતો આઇસક્રીમ ખાઈ લીધો, ક્યારેક મમ્મીએ ગાજરનો હલવો બનાવ્યો છે અને તમને એ એટલો ભાવે છે કે બે વાટકા ભરીને તમે એ ચટ કરી ગયા તો મનમાં અપરાધભાવ ન અનુભવો. એને પ્રેમથી માણો. નિયમો આપના હિત માટે છે, આપણને નાનપ અનુભવાય એના માટે નહીં. ક્યારેક એ નિયમોની બહાર જાઓ તો કંઈ વાંધો નથી. એ માટે પાછળથી મન દૂભવો નહીં. પરંતુ જાગૃત રહો. નિયમ તોડો ત્યારે પણ એ જાગૃતિ હોવી જોઈએ કે નિયમ તોડી રહ્યા છો. એટલું પૂરતું છે.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2019 12:17 PM IST | | જિગીષા જૈન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK