Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાઈ શુગરની સમસ્યાથી સેક્સલાઇફ ઓવર?

હાઈ શુગરની સમસ્યાથી સેક્સલાઇફ ઓવર?

03 February, 2020 05:26 PM IST | Mumbai
Arpana Shirish

હાઈ શુગરની સમસ્યાથી સેક્સલાઇફ ઓવર?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનકન્ટ્રોલ્ડ શુગરની સમસ્યાને કારણે ઇરેક્ટાઇલ ડિસફંક્શન અને મેલ હૉર્મોનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે જેની માઠી અસર પુરુષોના જાતીયજીવન પર પણ પડી શકે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબતે પુરુષોને પર્ફોર્મન્સનું ટેન્શન વધુ હેરાન કરે છે અને શારીરિક કરતાં માનસિક સમસ્યા વધુ નડે છે. જો વહેલાસર જાગી જાઓ તો સેક્સલાઇફ બચાવી શકાય છે.

ડાયાબિટીઝ ધરાવતા પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા સામાન્ય છે. જોકે એનો અર્થ એ નથી કે આ સમસ્યાને નજરઅંદાજ કરવી. લાઇફસ્ટાઇલમાં કેટલાક બદલાવ લાવીને તેમ જ પોતાને ડાયાબિટીઝ છે એટલે હવે સેક્સલાઇફ પર અસર પડશે એ ડર કાઢી નાખવામાં આવે તો સમસ્યાને ટાળી શકાય છે. ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખીને કઈ રીતે આ સમસ્યાનો સામનો કરી શકાય એ જાણી લો.



શું છે સમસ્યા?


ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે ઇન્દ્રિય વધુ સમય સુધી કડક ન રહી શકે. આ સમસ્યા ખાસ કરીને ટાઇપ-ટૂ ડાયાબિટીઝના દરદીઓમાં જોવા મળે છે. આ સમસ્યા શા માટે થાય છે એ જણાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘લાંબા સમય સુધી બ્લડ શુગર હાઈ રહે ત્યારે લોહીની નસ ડૅમેજ થાય છે તેમ જ પુરુષ હૉર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન ઘટી જાય છે અને પરિણામે ઇન્દ્રિયની નસ સુધી પૂરતું લોહી ન પહોંચી શકવાને કારણે ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યા વધે છે. એકલા ડાયાબિટીઝ સિવાય જો હૃદયને લગતી બીમારી અને બ્લડપ્રેશર ઊંચું રહેતું હોય તોયે આ સમસ્યા થઈ શકે છે.’

સમસ્યા શારીરિક કે માનસિક?


ડાયાબિટીઝને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય છે, પણ જરૂરી નથી કે બ્લડ શુગર ડિટેક્ટ થાય એટલે તરત જ આ સમસ્યા થાય. આ વિશે ડૉ. ગાડગે કહે છે, ‘ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રાખવા માટે જો કોઈ પગલાં લેવામાં ન આવે અથવા ડાયાબિટીઝ હોવા છતાં લાઇફસ્ટાઇલમાં જોઈતા બદલાવ લાવવામાં ન આવે તો ૧૦થી ૧૫ વર્ષ બાદ આ સમસ્યાની શરૂઆત થાય છે.’

આ વાત સાથે સહમત થતા જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. રાજ બ્રહ્મભટ્ટ કહે છે, ‘૪૦ વર્ષથી વધુ વયના ડાયાબિટીઝ ધરાવતા ૧૦ ટકા જેટલા લોકોમાં જ આ સમસ્યા જોવા મળે છે. જોકે આ સમસ્યા શારીરિક કરતાં માનસિક કારણોને લીધે વધુ થાય છે. કોઈએ કહ્યું કે ડાયાબિટીઝને લીધે ઇરેક્ટાઇલ ડિસફંક્શન થાય એટલે પુરુષો એ વાતનું ટેન્શન લે છે અને આ વાત મગજમાં ઘર કરી ગઈ હોવાને કારણે સેક્સ દરમ્યાન પર્ફોર્મન્સ પર અસર પડે છે. ટૂંકમાં, સમસ્યા ડાયાબિટીઝને લીધે તો ખૂબ મોડી થાય છે, પણ એના ટેન્શનને લીધે એની અસર વહેલી દેખાવા માંડે છે.’

blood-sugar

ઇલાજ જરૂરી

જો ડાયાબિટીઝ હોય અને સાથે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ થતી હોય તો ડૉક્ટરને એ જણાવવું જોઈએ. મોટા ભાગના પુરુષો આવા પ્રકારની સમસ્યા ગમે એટલી નજીકની વ્યક્તિ કે ડૉક્ટર સાથે પણ શૅર કરતાં અચકાય છે. કોઈને કહેતાં તેમનો સેલ્ફએસ્ટીમ ઘવાય છે. જોકે શરમને કારણે સમસ્યા સહન કરતા રહેવાને બદલે પ્રોફેશનલ મદદ લેવી જોઈએ એમ માનતાં ડૉ. રાજ ભ્રહ્મભટ્ટ કહે છે, ‘યોગ્ય ખોરાક, દવા અને એક્સરસાઇઝની મદદથી આ સમસ્યામાં રાહત મેળવી શકાય, પણ એ માટે એ વિશે તમારા ફિઝિશ્યનને જણાવવું જરૂરી છે. કેટલીક વાર પુરુષો ડાયાબિટીઝને લીધે જ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થઈ રહ્યું છે એવું માની બેસે છે. જોકે વધુ તપાસ કરતાં સમસ્યાનું કારણ ડાયાબિટીઝને બદલે હૉર્મોનલ કે સ્ટ્રેસને સંબંધિત હોય છે એવું પણ જોવા મળે છે એટલે મૂળ કારણ જાણ્યા બાદ જ એનો ઇલાજ કરાવવો જોઈએ.’

વધુ ઉમેરતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘મોટા ભાગના કેસમાં પેશન્ટને ડાયાબિટીઝ હોવા છતાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ ઓવરવર્ક, અપૂરતી ઊંઘ, સ્ટેમિનાની કમી વગેરે હોય છે.’

જાતઇલાજ ઘાતક

આજે સેક્સને લગતી સમસ્યાઓના ઇલાજ માટેની દવાઓનાં કાળાબજાર ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. અવનવા પ્રૉમિસ કરતી દવાઓ ઓવર ધ કાઉન્ટર મળી રહે છે અને પુરુષો એનો પ્રયોગ કરતાં અચકાતા નથી. જોકે ડાયાબિટીઝ હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો જાતે કરેલો ઇલાજ હાનિકારક નીવડી શકે છે. એક વાર થતી સમસ્યાનું કારણ ડાયાબિટીઝ જ છે એની પુષ્ટિ થયા બાદ જરૂર મુજબ હૉર્મોનની દવાઓ તેમ જ ઇન્જેક્શન અને વિવિધ થેરપી દ્વારા ઇલાજ કરી શકાય. યોગ્ય દવા આ સમસ્યાને સુધારવામાં મદદ કરે છે તેમ જ વધુ બગડવાથી રોકે છે.

લાઇફસ્ટાઇલમાં જરૂરી બદલાવ

ડાયાબિટીઝને લીધે થતી કોઈ પણ સમસ્યાનો ઇલાજ એને કન્ટ્રોલમાં રાખીને જ લાવી શકાય. ખાણી-પીણીમાં જરૂરી બદલાવ લાવી બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખી ઇન્દ્રિય શિથિલ થવાની સમસ્યા જેને લીધે થાય છે એ લોહીની નસોને ડૅમેજ થતી રોકી શકાય. એ સિવાય ઓવરઑલ લાઇફની ગુણવત્તામાં સુધારો કરીને તેમ જ ડૉક્ટરને પૂછીને જરૂરી પગલાં લઈ ડાયાબિટીઝને મૅનેજ કરી શકાય.

કસરત કરવાથી ગમે એ લાઇફસ્ટાઇલ ડિસીઝ કન્ટ્રોલમાં લાવી શકાય છે એટલે ડાયાબિટીઝ હોય ત્યારે સાથે સ્થૂળતા ન આવે એનું ધ્યાન રાખવું. શરીર ઍક્ટિવ નહીં હોય તો બ્લડપ્રેશર અને હૃદયને લગતી બીમારીઓને આમંત્રણ મળે છે. આવામાં કસરત અને યોગ્ય ડાયટની મદદથી વજન અને ડાયાબિટીઝ બન્ને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. વજન વધવાને લીધે શરીરમાં રક્તનું ભ્રમણ થવામાં અવરોધ પેદા થાય છે અને ઇન્દ્રિય સુધીની નસોને લોહી પહોંચી ન શકવાને કારણે એમાં કડકપણું આવવામાં અવરોધ થાય છે.

સિગારેટ તેમ જ દારૂનું સેવન જો વધુપડતું કરવામાં આવે તોયે એની અસર શરીર પર, હૉર્મોન્સ પર અને ઓવરઑલ સેક્સલાઇફ પર પડે છે. માટે આ બન્ને ચીજોને લાઇફમાંથી કાઢી હેલ્ધી લાઇફ તરફ વળશો તો આપોઆપ ખોવાયેલો કૉન્ફિડન્સ પાછો આવશે અને શરીર સ્વસ્થ રહેવામાં મદદ મળશે.

તમે ડાયાબિટીઝ દરમ્યાન જે દવા લેતા હો ક્યાંક એ દવા તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે જવાબદાર નથીને એ ડૉક્ટરને પૂછવું. કેટલીક વાર ડિપ્રેશન અને હાઈ બ્લડપ્રેશર માટેની દવા સેક્સને લગતી સમસ્યાઓ વધુ બગાડી શકે છે.

શરમની લાગણી, સ્ટ્રેસ અને ચિંતા ઇરેક્ટાઇલ ડિસફંક્શનના પ્રૉબ્લેમને વેગ આપે છે. ઇરેક્ટાઇલ ડિસફંક્શનને લીધે સેક્સલાઇફ અને લાઇફ-પાર્ટનર સાથેના સંબંધો પર પણ નકારાત્મક અસર પડે છે. એક સેક્સોલૉજિસ્ટ, કાઉન્સેલર કે પછી સાયકાલૉજિસ્ટ તમને અને તમારા પાર્ટનરને આ સમસ્યામાંથી બહાર આવવામાં મદદ કરી શકે. માટે જો કેસ હાથમાંથી નીકળતો જણાય તો સમયસર વિનાસંકોચ મદદ લેવી.

બ્લડ શુગરને કન્ટ્રોલમાં લાવવા માટે ખૂબ લાંબા સમય સુધી જો કોઈ પગલાં લેવામાં ન આવ્યાં હોય તો ઇન્દ્રિય સુધી લોહી પહોંચાડતી નસો ડૅમેજ થાય અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા ઊભી થાય છે. વ્યક્તિને ડાયાબિટીઝની સમસ્યા છે એની જાણ થયા બાદ તરત જ ઇરેક્ટાઇલ ડિસફંક્શન થતું નથી

ડૉ. પ્રદીપ ગાડગે, ડાયાબિટોલૉજિસ્ટ

આજે ભારત ડાયાબિટીઝનું કૅપિટલ છે એવું કહી શકાય. કારણ કે દર પાંચમી વ્યક્તિને શુગરની સમસ્યા છે. કેટલાકને આનુવંશિક તો કેટલાકને નબળી લાઇફસ્ટાઇલને કારણે. જોકે દરેક શુગરની સમસ્યા ધરાવતી વ્યક્તિને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા પણ નથી હોતી. આ સમસ્યા માટે ઇન્ટરનેટ પરથી લક્ષણો જોઈને પોતાના રોગનું જાતે જ નિદાન કરી લેવાની આજના લોકોની આદત પણ મહદંશે જવાબદાર છે. અર્થાત્ સમસ્યા જેટલી શારીરિક નથી એટલી માનસિક છે

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 05:26 PM IST | Mumbai | Arpana Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK