લોહીનું દાન નહીં, ગિફ્ટ હોવી જોઈએ

Published: Jun 14, 2019, 13:18 IST | સેજલ પટેલ | મુંબઈ

દર વર્ષે ભારતમાં બાર કરોડ બ્લડ યુનિટ્સની જરૂરિયાત હોય છે, પરંતુ હજી સુધી આપણે લગભગ ૧૧.૧ કરોડ બ્લડ યુનિટ્સ જ એકત્રિત કરી શકીએ છીએ. આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે ત્યારે જાણીએ શા માટે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત સમયાંતરે લોહી આપવું જોઈએ.

આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે
આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે

દર વર્ષે ભારતમાં બાર કરોડ બ્લડ યુનિટ્સની જરૂરિયાત હોય છે, પરંતુ હજી સુધી આપણે લગભગ ૧૧.૧ કરોડ બ્લડ યુનિટ્સ જ એકત્રિત કરી શકીએ છીએ. આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે ત્યારે જાણીએ શા માટે સ્વસ્થ વ્યક્તિએ નિયમિત સમયાંતરે લોહી આપવું જોઈએ. તમારા શરીરમાં ફરતું લોહી કેવું છે, એનાથી તમે કઈ રીતે બીજાને મદદ કરી શકો એમ છો અને તમને પણ કેવો ફાયદો થશે એ જાણીને જરૂર રક્તદાન કરવાની ઇચ્છા થશે.

મેડિકલ વિશ્વે સંશોધન ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે અને લૅબોરેટરીમાં માનવઅંગો ઉગાડવાના પ્રયોગ પણ સફળતાના આરે છે, પરંતુ એક ચીજ એવી છે જે હજી સુધી માત્ર માનવશરીરમાં જ બને છે, એ છે લોહી. એ માત્ર માનવશરીરમાં જ નિર્માણ થાય છે અને જ્યારે બીજા મનુષ્યને જરૂર પડે છે ત્યારે એક માણસ જ તેને એ આપી શકે છે.

મેજર સર્જરી કરવાની હોય, અચાનક ઍક્સિડન્ટમાં ખૂબબધું લોહી વહી ગયું હોય, કૉમ્પ્લિકેટેડ ડિલિવરી વખતે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે અચાનક ઇમર્જન્સીમાં લોહીની જરૂર પડે છે તો બીજી તરફ થૅલેસેમિયા કે સીકલ સેલ એનિમિયા જેવા રોગ ધરાવતાં બાળકોને તો જીવન ટકાવી રાખવા માટે નિયમિતપણે બીજાના લોહીની જરૂર પડે છે. ૨૦૧૭ના વર્ષમાં ભારતની વાર્ષિક જરૂરિયાત લગભગ ૧૨ કરોડ બ્લડ યુનિટ્સ જેટલી હતી. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ દરેક દેશમાં બ્લડની વાર્ષિક જરૂરિયાત ત્યાંની વસ્તીના ૧ ટકા જેટલી હોય છે. જોકે ૨૦૧૬-’૧૭ દરમ્યાન ૧૧.૧ કરોડ બ્લડ યુનિટ્સ એકત્ર થયા હતા. ૨૦૧૮ના માર્ચ મહિનામાં લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં સરકારે સ્વીકાર્યું હતું કે ભારતમાં દર વર્ષે ૧.૯ કરોડ યુનિટ્સ બ્લડની અછત રહે છે. આંકડાની દૃષ્ટિએ કદાચ આપણને એની ગંભીરતા નહીં સમજાય, પરંતુ જો ક્યારેક પરિવારમાં કે સગાંસંબંધીઓમાં અચાનક લોહીની જરૂરિયાત ઊભી થાય અને ઠેર-ઠેર ઠેબા ખાવા છતાં લોહી ન મળે ત્યારે સમજાય કે લોહીનું એક યુનિટ કેટલું મહત્ત્વનું છે. ‘રક્તદાન મહાદાન’ છે એવું અમસ્તું જ નથી કહેવાયું. અંધેરીના હેમેટોલૉજિસ્ટ ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘એક વાત આપણે સમજવી જરૂરી છે કે કોઈ પણ દરદીને લોહીની જરૂર ઊભી થાય ત્યારે એ પૂરી કરવા માટે માણસોએ જ આગળ આવવું પડશે. કેમ કે લોહી ક્યાંય બની શકતું નથી. માણસોના શરીરમાં કુદરતી રીતે એ બનતું રહે છે. તમે એ ડોનેટ નહીં કરો તોય લોહી દર ત્રણ મહિને નવું બનતું જ રહેવાનું છે. લોહીમાંનાં વિવિધ કમ્પોનન્ટ્સ ચોક્કસ સમયાંતરે નાશ પામે છે અને આપમેળે નવા પેદા થાય છે. પ્લેટલેટ્સ જેવાં કમ્પોનન્ટ્સ તો દર ત્રીજા દિવસે નવાં પેદા થઈ શકે છે. લાલ રક્તકોષો દર ત્રણ મહિને નવા પેદા થાય છે. તો જે ચીજ એમ જ વેડફાઈ જવાની છે એનાથી જો બીજાનો જીવ બચતો હોય તો એવું કામ કેમ ન કરવું?’

રક્તદાનના ફાયદા પણ છે

ભારતની વાત કરીએ તો અહીં રક્તદાન વિશે અન્ય દેશો કરતાં ઘણી જાગૃતિ આવી છે. જોકે સમસ્યા એ છે કે આટલી જાગૃતિ પૂરતી નથી. વસ્તીના પ્રમાણમાં બ્લડ યુનિટ્સની જરૂરિયાત તોતિંગ છે. પહેલાં લોકોને એ સમજાવવું પડતું હતું કે તમે રક્તદાન કરશો તો તમને કોઈ તકલીફ નહીં થાય. જોકે હવે એ સમજાવવું પડે એમ છે કે તમે રક્તદાન કરશો તો તમને કેટલો ફાયદો થશે. મૉડર્ન મેડિસિને આ ક્ષેત્રે પણ સંશોધન કર્યાં છે. જરા જાણીએ કેવા ફાયદા થાય છે એ. નિયમિત રક્તદાન કરતી વ્યક્તિને હાર્ટ-અટૅક આવવાનું જોખમ ઘટી જાય છે. અમેરિકન જર્નલ ઑફ એપિડેમિયોલૉજીમાં નોંધાયેલા અભ્યાસ મુજબ બ્લડ ડોનર્સને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ થવાની સંભાવના ૩૩ ટકા જેટલી ઓછી હોય છે અને હાર્ટ-અટૅકનું જોખમ ૮૮ ટકા જેટલું ઓછું હોય છે. લોહીમાં આયર્નની ઊંચી માત્રાને કારણે અનિયમિત હાર્ટબીટ્સ, મસલ વીકનેસ કે રક્તવાહિનીઓ કડક થવા જેવી તકલીફો થતી હોય છે જે નિયમિત રક્તદાનથી ઘટે છે.

નિયમિત લોહી આપવાથી લિવરની કામગીરી સુધરે છે. લોહીમાં લિપિડની માત્રા ઘટે છે. 

એક વાર બ્લડ ડોનેટ કરવાથી લગભગ ૬૫૦ કૅલરી બળે છે.

રક્તદાન કરવા જાઓ ત્યારે મિની ચેકઅપ થઈ જાય છે. બ્લડપ્રેશર, બ્લડશુગર, હીમોગ્લોબિન, પલ્સરેટ જેવી જનરલ હેલ્થનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે જેને કારણે તમે કેટલા હેલ્ધી છો એનો અંદાજ આવી શકે છે. બીજું, તમે ડોનેટ કરેલા લોહીમાં હેપેટાઇટિસ-બી કે સી, એચઆઇવી, સિફિલિસ કે અન્ય બ્લડને લગતા ચેપી રોગ હોય તો એની પણ જાણ થઈ જાય છે. અલબત્ત, જો તમને પહેલેથી આ રોગ હોય તો તમે રક્તદાન માટે એલિજિબલ નથી રહેતા, પરંતુ લોહી આપ્યા પછી પણ એનું સ્ક્રીનિંગ થાય છે જેને કારણે તમને કોઈ તકલીફ હોય તો એની જાણ તમને કરવામાં આવે છે.

ભલે મેડિકલ દૃષ્ટિએ ફાયદાની વાતો થતી હોય, પણ રક્તદાનનો હેતુ તમારો પોતાનો ફાયદો મેળવવાનો ન હોવો જોઈએ એવું માનતા ડૉ. મુકેશ દેસાઈ કહે છે, ‘લોકોને બ્લડ-ડોનેશન કરવા પ્રેરવા માટે એના ફાયદા ગણાવવા એ ઉમદા કામને સ્વાર્થી બનાવી દેવા જેવું છે. લોહીનું દાન કરવું એ સોસાયટીમાંના જરૂરિયાત ધરાવતા લોકોને હેલ્પ મળી રહે એ જ હોય. બીજું, જીવનમાં કોને ક્યારે લોહીની જરૂરિયાત ઊભી થાય એ કોઈ કહી શકે એમ નથી. કાલે ઊઠીને તમને કે તમારા સ્નેહીજનને પણ લોહીની જરૂર પડી શકે છે એટલે લોહીની ગિફ્ટ હોવી જોઈએ દાન નહીં.’

આજે બ્લડ ડોનર ડે કેમ?

૧૯૦૧ની સાલમાં મૂળ ઑસ્ટ્રેલિયન-અમેરિકન બાયોલૉજિસ્ટ-કમ-ફિઝિશ્યન કાર્લ લૅન્ડસ્ટેઇનરે શોધ્યું હતું કે દરેક માણસનું લોહી એકસરખું નથી હોતું. તેમણે લોહીમાં હાજર-ગેરહાજર ઍન્ટિજનને આધારે એ, બી, ઓ, એબી એમ ચાર પ્રકારનાં પૉઝિટિવ અને નેગેટિવ આરએચ ફૅક્ટર ધરાવતું આઠ પ્રકારનું લોહી હોય છે એ સાબિત કરેલું. આ સંશોધનના આધારે મૅચિંગ બ્લડ-ગ્રુપ ધરાવતા લોકો એકબીજાને લોહી આપી શકે છે એ સાબિત થયેલું. શોધક કાર્લ ‌લૅન્ડસ્ટેઇનરનો જન્મદિવસ ૧૪ જૂન હોવાથી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસને વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે ઊજવવામાં આવે છે.

જાણવા જેવી હકીકતો

મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, પંજાબ જેવાં રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં જરૂરિયાત કરતાં ઘણું ઓછું રક્તદાન થાય છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું રક્તદાન થાય છે.

એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિના શરીરમાં પાંચથી છ લીટર લોહી હોય છે.

શરીરના કુલ વજનમાંથી ૭ ટકા વજન લોહીનું હોય છે.

તમે જે એક યુનિટ બ્લડ ડોનેટ કરો છો એમાંથી ત્રણ વ્યક્તિનો જીવ બચી શકે છે.  લોહીમાંના રેડ બ્લડ સેલ્સ, પ્લાઝમા અને પ્લેટલેટ્સ એમ કુલ ત્રણ કમ્પોનન્ટ્સ જુદાં પાડીને દરદીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સફ્યુઝ કરાવવામાં આવે છે.

તમે આખું લોહી નહીં, માત્ર પ્લેટલેટ્સનું પણ દાન કરી શકો છો. આ કણો શરીરમાં દર ત્રીજા દિવસે નવા પેદા થતા હોવાથી એનું દાન તમે દર અઠવાડિયે પણ કરી શકો છો.

આખું લોહી દાન કરવામાં પાંચથી સાત મિનિટનો સમય લાગે છે, પરંતુ પ્લેટલેટ્સ ડોનેશનની ક્રિયામાં લગભગ એકબે કલાક થાય છે.

ડોનેશન કર્યા પછી જે કમી પેદા થાય છે એ શરીર ૪૮ કલાકની અંદર જ ફરીથી પેદા કરી લે છે.

તમારા બ્લડ-ગ્રુપ જેવા કેટલા લોકો છે?

ઓ પૉઝિટિવઃ દર ૩માં ૧

ઓ નેગેટિવઃ દર ૧૫માં ૧

એ પૉઝિટિવઃ દર ૩માં ૧

એ નેગેટિવઃ દર ૧૬માં ૧

બી પૉઝિટિવઃ દર ૧૨માં ૧

બી નેગેટિવઃ દર ૬૭માં ૧

એબી પૉઝિટિવઃ દર ૨૯માં ૧

એબી નેગેટિવઃ દર ૧૬૭માં ૧

બ્લડ ડોનેટ કરવા માટેની જરૂરિયાત

ઉંમરઃ ૧૮ વર્ષથી મોટી અને ૬૫ વર્ષની નાની

વજનઃ પચાસ કિલોથી વધુ

હીમોગ્લોબિન : ૧૨.૫ કે એથી વધુ

બ્લડપ્રેશરઃ ૧૧૦/૬૦થી ૧૪૦/૧૦૦ની રેન્જમાં હોવું જોઈએ.

પલ્સરેટઃ ૭૦થી ૧૦૦

ઓવરઑલ હેલ્થઃ છેલ્લા છ મહિના દરમ્યાન કમળો, મલેરિયા, ફ્લુ કે કોઈ પણ પ્રકારનું વાઇરલ ઇન્ફેક્શન ન થયું હોય. છેલ્લા ત્રણ મહિનામાં બ્લડપ્રેશર, પેઇનકિલર કે અન્ય કોઈ પણ રોગ માટેની દવાઓ ન લીધી હોય. છેલ્લા છ મહિનામાં કોઈ મેજર સર્જરી ન થઈ હોય.

ચેપી રોગોનું સ્ક્રીનિંગઃ હેપેટાઇટિસ-બી અને સીનું ઇન્ફેક્શન ન હોય, એચઆઇવી ટેસ્ટ નેગેટિવ હોય અને સિફિલિસ જેવો રોગ ક્યારેય ન થયો હોય.

આ પણ વાંચો : મોદી ત્રણ કલાક ઊંઘે તો ચાલે, પણ આપણે ઓછું ઊંઘીએ તો કેમ તબિયત બગડે?

છેલ્લા છ મહિનામાં ટૅટૂ ત્રોફાવ્યું હોય તે લોકો પણ બ્લડ ડોનેટ ન કરી શકે. કાર્ડિઍક અરેસ્ટ, હાઇપરટેન્શન, કૅન્સર, એપિલેપ્સી, કિડનીના રોગો, અસ્થમા, ડાયાબિટીઝ કે ઍલર્જિક ડિસઑર્ડર્સ ધરાવનારા લોકો પણ બ્લડ ડોનેટ ન કરી શકે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK