Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > યુવતીઓમાં જોવા મળી શકે છે પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન

યુવતીઓમાં જોવા મળી શકે છે પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન

02 January, 2020 03:43 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

યુવતીઓમાં જોવા મળી શકે છે પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન

પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન

પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન


હેક્ટિક અને સ્ટ્રેસફુલ લાઇફ-સ્ટાઇલ, કામનું પ્રેશર, અનિયમિત ભોજનશૈલી, બીમારી વગેરેથી ડિપ્રેશન આવે એ સામાન્ય બાબત છે, પરંતુ તમે ખુશ હો તેમ છતાં ડિપ્રેશન આવે એવા સંજોગો લગ્ન બાદ ઊભા થતા હોય છે. લગ્ન પછી ટૂંક સમય માટે ચહેરા પર જોવા મળતી ઉદાસીને તબીબો પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન કહે છે. બન્ને પક્ષે આ ટેમ્પરરી ફેઝ હોય છે. જોકે આપણો સમાજ આ પ્રકારની માનસિક હતાશા અને અસ્વસ્થતાને ગંભીરતાથી લેતો નથી. ખાસ કરીને નવપરીણિતાના ડિપ્રેશનને ગણકારવામાં આવતું નથી. પરિણામે ટેમ્પરરી સ્ટેજનો પિરિયડ લંબાઈ જાય છે. આજે આપણે આ વિષય પર માંડીને વાત કરતાં પહેલાં એક્સપર્ટ્ સે હૅન્ડલ કરેલા કેટલાક કેસ-સ્ટડી વિશે જાણીએ. 

કેસ-સ્ટડી નંબર-૧     



વેવિશાળ થયાં ત્યારથી ટુ બી બ્રાઇડ સેન્ટર ઑફ અટ્રૅક્શન હતી. પેરન્ટ્સ અને પરિવારના સભ્યો તેને પ્રિન્સેસની જેમ ટ્રીટ કરતા હતા. સાસરે જાય તો ત્યાં પણ બધા મહત્ત્વ આપતા. ફિયાન્સ દરેક ડેટ પર સ્પેશ્યલ ફીલ કરાવે. ફોટોશૂટ, શૉપિંગ, વેડિંગ ડ્રેસની ડિઝાઇન એમ બધું જ પ્લાનિંગ બન્નેએ સાથે મળીને કર્યું. લગ્ન બાદ અચાનક અટેન્શન મળવાનું બંધ થઈ જતાં યુવતી હતાશામાં સરી ગઈ.


કેસ-સ્ટડી નંબર-૨

અરેન્જ્ડ મૅરેજના આ કેસમાં નવપરિણીતામાં શારીરિક સંબંધોને લઈ ઘણી નિરાશા હતી. તેને ઓરલ સેક્સ કરવામાં ખૂબ સંકોચ થતો અને ગમતું નહોતું, જ્યારે હસબન્ડનો આગ્રહ રહેતો. તેને લાગતું કે હસબન્ડને માત્ર સેક્સમાં જ રસ છે. તેની ફીલિંગ અને પસંદ-નાપસંદની પરવા નથી.


કેસ-સ્ટડી નંબર-૩

આ યુવતીએ પેરન્ટ્સને નારાજ કરી લવ-મૅરેજ કર્યાં હતાં. તેની દુનિયામાં માત્ર પ્રેમી માટે સ્થાન હતું. લગ્ન બાદ તેણે જોયું કે હસબન્ડ મમ્મીની બધી વાતો માને છે. તેને સતત ફીલ થતું કે લગ્ન બાદ હસબન્ડનું વર્તન બદલાઈ ગયું છે. આ એ વ્યક્તિ નથી જેની સાથે પ્રેમ કર્યો હતો. અસલામતીના લીધે પોસ્ટ-મૅરેજ સ્ટ્રેસ વધતાં ડિપ્રેશનનો તબક્કો આવી ગયો.

અરેન્જ્ડ મૅરેજ

અરેન્જ્ડ મૅરેજમાં વેવિશાળ અને લગ્ન વચ્ચેનો ગાળો અને ફૅમિલી સાઇઝ બહુ મહત્ત્વનાં છે. કુટુંબના સભ્યોને ઓળખવા પૂરતો સમય ન મળે ત્યારે તકલીફ ઊભી થાય છે. બોરીવલીનાં સાઇકોલૉજિસ્ટ હિરલ શાહ કહે છે, ‘સમાજમાં દરેક પ્રકારના લોકો વસે છે. ઘણા તો એટલા અટપટા હોય કે તમે તેમને સમજી ન શકો. લગ્ન બાદ પરિણીતા ઘરના લોકોની વર્તણૂકને સમજવામાં ફેલ જાય છે ત્યારે સ્ટ્રેસ વધે છે. તેની ક્યાં ભૂલ થાય છે અને એને કઈ રીતે કરેક્ટ કરવાની છે એ સમજાય નહીં એટલે સ્ટ્રેસ થાય. અરેન્જ્ડ મૅરેજમાં સ્ટ્રેસ વધવાનું અન્ય કારણ છે શારીરિક સંબંધો. સેક્સ એવી વસ્તુ છે જેમાં તમને કાં તો સ્વર્ગ જેવો આનંદ મળે કાં તો સજા લાગે. લગ્નમાં પ્રી-મૅરેજ કાઉન્સેલિંગ પર અમે ભાર આપીએ છીએ એમાં સેક્સ્યુઅલ લાઇફ વિશેની સાચી સમજણ મુખ્ય વિષય હોય છે. એકબીજાની હૉબી અને અન્ય પસંદગી જેટલું જ મહત્ત્વ સેક્સ્યુઅલ ઍક્ટિવિટીની પસંદગીનું છે. આપણે ત્યાં પુરુષ ઍક્ટિવ પાટર્નર હોય છે તેથી તેને સમજાવીએ કે કઈ રીતે સ્ટેપ-બાય-સ્ટેપ આગળ વધવાનું છે. આ ઉપરાંત પ્રથમ સંતાન ક્યારે થવું જોઈએ એ બાબત ચર્ચા થવી જોઈએ. ઘણી વાર યુવતી હજી સેટલ ન થઈ હોય ત્યાં પ્રેગ્નન્ટ થઈ જાય. શારીરિક સંબંધોમાં અણગમો અને અચાનક આવી પડેલી સંતાનની જવાબદારી યુવતીને ડિપ્રેશનના સ્તર સુધી પહોંચાડી દે છે.’

મને લાગે છે કે અરેન્જ્ડ મૅરેજ કરનારી યુવતીઓ ઍડ્જસ્ટ કરી લે છે એવો મત વ્યક્ત કરતાં અંધેરીના રિલેશનશિપ કાઉન્સેલર ગીતાંજલિ સકસેના કહે છે, ‘માતા-પિતા દ્વારા શોધી કાઢવામાં આવેલા મુરતિયા સાથે ઘરસંસાર માંડનારી યુવતીઓમાં ધીરજ હોય છે. તેમને ખબર છે કે આમાં ફૅમિલી ઇન્વૉલ્વ છે. નવા વાતાવરણમાં ઍડ્જસ્ટ થતાં તેમને વાર લાગતી નથી. દરેક પરિસ્થિતિને તેઓ સ્વીકારી લે છે તેથી સ્ટ્રેસ નથી લાગતું. હા, થોડો વખત શરમ અને સંકોચના લીધે બધા સાથે ખૂલીને વાત કરી શકતી નથી તેથી મુંઝારો અનુભવે છે. સેક્સ્યુઅલ લાઇફમાં ટ્રબલ આવે છે ને એને હસબન્ડ સામે એક્સપ્રેસ કરી શકતી નથી. મનની વાત મનમાં દબાવી રાખવાના લીધે સ્ટ્રેસ થાય છે, પણ આ પિરયિડ ચારથી છ મહિનાનો જ હોય છે. પછી બધું બરાબર થઈ જાય છે.’

લવ-મૅરેજ

લવ-મૅરેજમાં ઍન્ગ્ઝાયટીની શક્યતા ઓછી હોય છે. જોકે અન્ય ધર્મમાં લગ્ન કરનાર યુવતીને એનો સામનો કરવો પડે છે ખરો. જુદા રીતરિવાજોને ફૉલો કરવાનું પ્રેશર હોય છે. આ સંદર્ભે વાત કરતાં હિરલ કહે છે, ‘લવ-મૅરેજમાં હસબન્ડને વાઇફની ટૅલન્ટ અને ખામીઓની પહેલેથી જાણકારી હોય છે. મોટા ભાગના કેસમાં લવ ફૅક્ટરના કારણે હસબન્ડનો સપોર્ટ મળી રહે છે. સાવ જ જુદા કલચરને સ્વીકારવાની માનસિક તૈયારી ન હોય તો જ પોસ્ટ-મૅરેજ ઍન્ગ્ઝાયટીનો ફેઝ આવે. આવા કેસમાં હસબન્ડ કઈ રીતે રીઍક્ટ કરે છે એના પર બધું નિર્ભર કરે છે.’

લવ-મૅરેજમાં પરિણીતાને સાસરે ગયા બાદ પણ એવી જ સ્વતંત્રતા મળે જેવી પિયરમાં મળતી હતી એવી અપેક્ષા હોય છે. અહીં તેઓ થાપ ખાઈ જાય છે. જે પ્રકારની લાઇફ જીવવાની ટેવ હોય છે એ મળતી નથી. સાસરિયાની દખલગીરી પસંદ પડતી નથી. પરિણામે પોસ્ટ-મૅરેજ સ્ટ્રેસ વધે છે. પ્રેમમાં બે વ્યક્તિ હોય છે, પરંતુ પરણ્યા બાદ ત્રીજી, ચોથી વ્યક્તિની હાજરી સ્વીકારવી અઘરી હોય છે. લવ-મૅરેજમાં માત્ર યુવતી જ નહીં યુવક પણ પોસ્ટ-મૅરેજ સ્ટ્રેસ અનુભવે છે એમ જણાવતાં ગીતાંજલિ કહે છે, ‘થોડા વખત પહેલાં એક કેસ આવ્યો હતો જેમાં યુવકમાં પોસ્ટ-મૅરેજ ડિપ્રેશન જોવા મળ્યું હતું. તેની વાઇફ ઇચ્છતી હતી કે હસબન્ડ માત્ર મારું સાંભળે ને મારી જ વાત માને. જો એમ ન થાય તો દહેજ અને અત્યાચાર જેવી ધમકી આપતી હતી એટલું જ નહીં વારંવાર રિસાઈ જાય, જમે નહીં. લાંબો સમય સુધી હસબન્ડ આ પરિસ્થિતિને હૅન્ડલ ન કરી શકતાં ડિપ્રેશનમાં ચાલ્યો ગયો અને અંતે બન્ને છૂટાં પડ્યાં.’

તારણ એટલું જ કે...

ડિપ્રેશનનો તબક્કો ક્યારે આવે એ વિશે સમજાવતા હિરલ કહે છે, ‘વાસ્તવમાં લગ્ન બાદ ટૂંકા ગાળાના આ સમયને ઍન્ગ્ઝાયટી કે સ્ટ્રેસ કહેવાય. હસબન્ડની સપોર્ટ સિસ્ટમના અભાવે ઍન્ગ્ઝાયટીનો સમય લંબાઈ જાય ત્યારે ડિપ્રેશન આવે. જોકે આજની એજ્યુકેટેડ યુવતીઓમાં આ બાબત અવેરનેસ છે તેથી તેઓ જલદી બહાર આવી જાય છે. પોસ્ટ-મૅરેજ ઍન્ગ્ઝાયટી માનસિક અને શારીરિક બન્ને હોઈ શકે. તમારાં લવ-મૅરેજ છે કે અરેન્જ્ડ મૅરેજ, વેવિશાળ અને લગ્ન વચ્ચેનો ગાળો કેટલો રહ્યો છે, સાસરે આવ-જા કરવાની તક સાંપડી છે કે નહીં, તમે એકબીજાને કેટલું સમજી શક્યાં છો, એજ્યુકેશન અને કલ્ચરલ બૅકગ્રાઉન્ડ વગેરે બાબતો પર આધાર રહે છે.’

નવા સંબંધોને લઈને મનમાં ઉદ્ભવતી કશ્મકશ, અચાનક માથા પર આવી પડેલી જવાબદારીઓ, નવું વાતાવરણ અને નવા લોકો વચ્ચે સેટલ થવામાં સમય લાગે છે ત્યારે સ્ટ્રેસ વધે છે. સેક્સ દામ્પત્યજીવનનો પાયો છે. એને સ્વીકારવામાં સમસ્યા ઊભી થાય ત્યારે પોસ્ટ-મૅરેજ સ્ટ્રેસ જોવા મળે છે એમ જણાવતાં ગીતાંજલિ કહે છે, ‘પોસ્ટ-મૅરેજ ડિપ્રેશનનો તબક્કો તાબડતોબ નથી આવતો. મગજમાં ઘણાબધા પ્રકારનાં સ્ટ્રેસ જૅમ થાય ત્યારે ડિપ્રેશનની અવસ્થા સુધી પહોંચો છો અને ડિપ્રેશન સારવાર વગર જતું નથી.’

લગ્ન બાદ અચાનક આવી પડેલી જવાબદારીઓ, નવું વાતાવરણ, અજાણ્યા લોકો, ફિઝિકલ રિલેશનશિપ જેવી અનેક બાબતોમાં સેટલ ન થઈ શકવાને કારણે નવપરિણીતા ટૂંક સમય માટે સ્ટ્રેસ અનુભવે છે. આ તબક્કો લંબાઈ જાય ત્યારે ડિપ્રેશન આવે છે એવું તારણ નીકળ્યું છે

પોસ્ટ-મૅરેજ ઍન્ગ્ઝાયટી માનસિક અને શારીરિક બન્ને હોઈ શકે. તમારાં લવ-મૅરેજ છે કે અરેન્જ્ડ મૅરેજ, વેવિશાળ અને લગ્ન વચ્ચેનો ગાળો કેટલો રહ્યો છે, તમે એકબીજાને કેટલું સમજી શક્યાં છો, એજ્યુકેશન અને કલ્ચરલ બૅકગ્રાઉન્ડ વગેરે બાબતો પર આધાર રહે છે. અહીં હસબન્ડની સપોર્ટ સિસ્ટમ બહુ કામ કરે છે. એ ન મળે ત્યારે ડિપ્રેશન આવે છે.

- હિરલ શાહ, સાયકોલોજિસ્ટ

એરેન્જ્ડ મૅરેજમાં સામાન્ય રીતે યુવતી થોડાં જ સમયમાં એડજેસ્ટ કરી લે છે જ્યારે લવ-મૅરેજમાં માત્ર યુવતી જ નહીં યુવક પણ પોસ્ટ-મૅરેજ સ્ટ્રેસ અનુભવે છે. પોસ્ટ-મૅરેજ ડિપ્રેશનનો તબક્કો તાબડતોબ નથી આવતો. મગજમાં ઘણાબધા પ્રકારનાં સ્ટ્રેસ જમા થાય ત્યારે ડિપ્રેશનની અવસ્થા સુધી પહોંચો છો અને ડિપ્રેશન સારવાર વગર જતું નથી.

- ગીતાંજલિ સક્સેના, રિલેશનશિપ કાઉન્સેલર

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2020 03:43 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK