વહેલા ઘરડા થવું હોય તો વાપરો મોડી રાત સુધી મોબાઇલ

Published: 27th November, 2019 15:24 IST | Varsha Chitaliya | Mumbai

સ્માર્ટફોન અને કમ્પ્યુટરની બ્લુ લાઇટથી શરીરની અંદર હૉર્મોનની ઊથલપાથલ વધી જાય છે એવું સાયન્સે પણ પુરવાર કર્યું છે અને તેની તમે કલ્પી ન હોય એવી આડઅસરો પણ હોય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સતત ત્રણ વર્ષ સુધી રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂઈ જતી સાત વર્ષની ચીનની એક બાળામાં અર્લી પ્યુબર્ટીનાં લક્ષણો જોવા મળ્યાં હતાં એવા સમાચાર પ્રાપ્ત થયા છે. સ્માર્ટફોન અને કમ્પ્યુટરની બ્લુ લાઇટથી શરીરની અંદર હૉર્મોનની ઊથલપાથલ વધી જાય છે એવું સાયન્સે પણ પુરવાર કર્યું છે અને તેની તમે કલ્પી ન હોય એવી આડઅસરો પણ હોય છે.

તમારાં ટાબરિયાંની હાઇટ અચાનક વધી જાય, પુત્રીના શરીરમાં ફેરફારો દેખાવા લાગે અથવા પુત્રને મૂછનો દોરો ફૂટવા લાગે તો પ્યુબર્ટીનાં લક્ષણો સમજીને હરખાવાની કે નજરઅંદાજ કરવાની જરૂર નથી. કદાચ રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાની ટેવના લીધે તમારાં સંતાનોએ ટીનેજમાં સમય કરતાં વહેલો પ્રવેશ કર્યો હોય એવું બની શકે છે. બાળકોમાં અર્લી પ્યુબર્ટીનાં અનેક કારણોમાં લાઇટ્સ પણ એક કારણ છે એવો સ્ટડી સામે આવ્યો છે.

ચીનના નિન્ગબોની માત્ર સાત વર્ષની છોકરીની હાઇટમાં અચાનક દસ સેન્ટિમીટર જેટલો વધારો જોવા મળ્યો હતો એટલું જ નહીં, તેનાં સ્તન પણ ઝડપથી વિકસી રહ્યાં હોવાનું તેની માતાના ધ્યાનમાં આવ્યું હતું. સાત વર્ષની વયે પુત્રીના અકુદરતી શારીરિક વિકાસને જોઈ તેની માતાને આશ્ચર્ય થવાની સાથે ચિંતા પણ થવા લાગી. ડૉક્ટરોએ કારણોની ખણખોદ કરતાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી રાત્રે લાઇટ્સ ઑન રાખીને સૂવાના લીધે આ બાળાના શરીરમાં હૉર્મોનની જબરદસ્ત ઊથલપાથલ થઈ હતી. હૉર્મોનની ઊથલપાથલના લીધે બાળાની ઓવરી સહેજ મોટી થઈ ગઈ હતી જે વહેલા માસિકચક્રને ઇન્ડિકેટ કરે છે.

સ્માર્ટફોન અને કમ્પ્યુટર પર બેસી આખો દિવસ કામ કરતા લોકો સમય કરતાં વહેલાં વૃદ્ધાવવસ્થા તરફ ધકેલાઈ રહ્યા છે એવાં કેટલાંક રિસર્ચ પણ સામે આવ્યાં છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હૉર્મોનની ઊથલપાથલમાં મૉડર્ન લાઇફ-સ્ટાઇલ જવાબદાર છે. શું રાત્રે લાઇટ્સ ઑન રાખીને સૂવાથી વ્યક્તિના ગ્રોથ અને હૉર્મોન પર ખરેખર અસર પડે? ઇલેક્ટ્રિક ગૅજેટ્સમાંથી ફેંકાતી બ્લુ લાઇટ્સથી હૉર્મોનલ ચેન્જિસ થાય? હૉર્મોનની ઊથલપાથલનાં બીજાં કયાં કારણો હોઈ શકે છે? આ તમામ પ્રશ્નો વિશે એન્ડોક્રાઈનોલૉજિસ્ટ (હૉર્મોન સ્પેશ્યલિસ્ટ) ડૉ. પ્રદીપ ગાડગે શું કહે છે એ જાણીએ.

જ્યાં સુધી કોઈ સૉલિડ એવિડન્સ અને રિસર્ચ સામે ન આવે ત્યાં સુધી ઉપરોક્ત સ્ટડી વિશે કહેવું યોગ્ય નથી એવી સ્પષ્ટતા આપતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘રાત્રે લાઇટ ચાલુ રાખીને સૂવાથી છોકરીઓમાં માસિકચક્ર વહેલું શરૂ થવાની શક્યતા વધી જાય છે એવું સ્પષ્ટપણે કહી ન શકાય. અર્લી પ્યુબર્ટીનાં જુદાં-જુદાં લક્ષણો હોઈ શકે છે. આ કેસમાં લાઇટના કલર વિશે કોઈ ચોખવટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે આપણે રાત્રે રૂમમાં આછી વાઇટ અથવા પીળી લાઇટ વાપરીએ છીએ. વાઇટ લાઇટની વિપરીત અસર વિશે હજી સુધી નિર્ણાયક અને પ્રમાણભૂત અહેવાલો રજૂ કરવામાં આવ્યા નથી. હા, બ્લુ લાઇટ્સ તમારા હૉર્મોનને અસર કરે છે એવું સાયન્ટિફિક સ્ટડીમાં પુરવાર થયું છે.’

માનવ મગજમાં આવેલી પિનીઅલ ગ્રંથિ પ્રકાશ સામે પ્રતિક્રિયા આપે છે એવું વિજ્ઞાને શોધી કાઢ્યું છે એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘આપણા શરીરની ઘડિયાળ પ્રકાશના આધારે કામ કરે છે. જે લોકો વારંવાર ટ્રાવેલ કરતા હોય તેમના શરીરની ઘડિયાળ ખોરવાઈ જવાનું કારણ લાઇટ્સ છે. વિમાનની લાંબી મુસાફરી બાદ જેટ લૅગ લાગે છે એનું કારણ પણ સૂર્યનો પ્રકાશ છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે સૂર્ય ઊગે એટલે ઊઠવું અને સૂર્યાસ્ત થાય એટલે સૂઈ જવું. જે લોકો રાત્રે કામ કરે છે તેમની બૉડી ક્લૉક વ્યવસ્થિત કામ કરતી નથી. સામાન્ય રીતે બપોર પછીની શિફ્ટમાં કામ કરતી તેમ જ બીપીઓ અને કૉલ સેન્ટરમાં કામ કરતી વ્યક્તિના શરીરમાં પ્રકાશના લીધે હૉર્મોનલ ફ્લક્ચ્યુએશન ઝડપી બને છે. સરળ ભાષામાં કહીએ તો લાઇટ્સને આપણી ઊંઘ સાથે સીધો સંબંધ છે. જો એ ડિસ્ટર્બ થાય તો હૉર્મોનને અસર થાય.’

ચીનની આ બાળા અંધારાથી ડરતી હતી એટલે રૂમની લાઇટ ચાલુ રાખતી હતી. ડૉક્ટરોનું કહેવું છે કે મેલૅટોનિન નામનાં હૉર્મોનનું ઉત્પાદન નાનાં બાળકોમાં રાતના સમયે ઝડપી બને છે. લાઇટ ચાલુ રાખીને સૂવાથી હૉર્મોનના કુદરતી ઉત્પાદનમાં વિક્ષેપ પડે છે. કેટલાક કેસમાં મેલૅટોનિનનું ઉત્પાદન ઘટી જાય અથવા એની ગતિ ધીમી પડે છે. તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર મેલૅટોનિનનો ઘટાડો જાતીય પરપિક્વતા સાથે જોડાયેલો છે. ઉપરોક્ત કેસમાં આ બાબત ટ્રિગર થઈ હોવાની સંભાવના નકારી ન શકાય. સામાન્ય રીતે છોકરીઓની પ્યુબર્ટીની એજ નવથી અગિયાર અને છોકરાઓની અગિયારથી તેર વર્ષ છે. મેલૅટોનિનના ઘટાડાથી પ્યુબર્ટીની એજ બેથી ત્રણ વર્ષ વહેલી આવી શકે છે.

ટેલિવિઝનથી સ્માર્ટફોન સુધી દરેક ઇલેક્ટ્રિક ઉપકરણમાં ગોઠવવામાં આવેલી બ્લુ લાઇટ સૌથી ડેન્જરસ છે એમ જણાવતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘કોઈ પણ પ્રકારની ફ્લોરોસન્ટ લાઇટના સંપર્કમાં આવવાથી મેલૅટોનિનના ઉત્પાદનમાં અવરોધ ઊભો થાય છે એ વાત સાચી છે. પિનીઅલ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતું મુખ્ય હૉર્મોન મેલૅટોનિન છે. મેલૅટોનિનના ઉત્પાદનમાં વિક્ષેપ પડે એટલે સ્લીપ સાઇકલ ચેન્જ થઈ જાય. ઊંઘમાં ખલેલ પડવાથી શરીરમાં સ્ટ્રેસ હૉર્મોન ગણાતાં કૉર્ટિસોલ હૉર્મોન અને એજિંગ ટિશ્યુનું ઉત્પાદન વધી જાય. ડાયાબિટીઝ, થાઇરૉઇડ અને એજિંગ સંબંધિત અનેક રોગોમાં હૉર્મોનલ ડિસ્ટર્બન્સનો રોલ અવગણવા જેવો નથી. તબીબી ભાષામાં કહું તો એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ (અંતઃસ્રાવી ગ્રંથિઓની ઊથલપાથલ)નું લેવલ વધી જાય તો શરીરના તમામ અવયવો અને ટિશ્યુઝની કુદરતી પ્રક્રિયા અને કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. સાઇકોલૉજિકલ રોગોનું કારણ એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ જ છે.’

અર્લી પ્યુબર્ટી સંદર્ભે વાત કરતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘આજકાલની ફાસ્ટ લાઇફમાં એન્ડોક્રાઇન ડિસરપ્ટર્સ વધ્યાં છે. પીત્ઝા, બર્ગર અને કોલા પર મારો રાખતી યંગ ગર્લ્સની ઓવરીમાં કેટલાક ચેન્જિસ જોવા મળે છે. માસિકચક્ર શરૂ થવાની ઉંમર વહેલી થવાનું મુખ્ય કારણ ફૂડ હૅબિટ છે. ખોટી ફૂડ હૅબિટના લીધે બૉયઝમાં પણ અર્લી પ્યુબર્ટીનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે.’

બ્લુ લાઇટ્સ તમારા શરીરના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચાડે છે

- મોબાઇલની સ્ક્રીન પર હાઈ એનર્જી વિઝિબલ બ્લુ લાઇટ ગોઠવેલી હોય છે. રાતના સમયે બ્લુ લાઇટના સીધા સંપર્કમાં આવવાથી તમારી આંખના રેટિના અને આંખની અંદર આવેલા ટિશ્યુઝને નુકસાન પહોંચે છે. રેટિનાનો મેક્યુલર એરિયા બ્લુ લાઇટથી પ્રભાવિત થાય છે પરિણામે દૃષ્ટિ ઝાંખી પડવાની પ્રક્રિયા ઝડપી બને છે.

- સારી ઊંઘ માટે મેલૅટોનિન નામનું કેમિકલ હેલ્પ કરે છે. હાનિકારક બ્લુ લાઇટમાંથી નીકળતા તરંગો મગજને સંકેત પહોંચાડે છે જેના લીધે મેલૅટોનિનના ઉત્પાદનમાં અવરોધ ઊભો થાય છે. ઊંઘને લગતી બીમારીનાં લક્ષણોમાં બ્લુ લાઇટનો પ્રભાવ મુખ્ય છે.

- ડાર્ક સર્કલ, પફીનેસ અને ચહેરા પર ઉંમર કરતાં વહેલી કરચલીઓ દેખાવાનું કારણ બ્લુ લાઇટ છે. આ પ્રકારની લાઇટ તમારી સ્કિનની સર્ફેસને વીક કરવાનું કામ કરે છે પરિણામે વૃદ્ધત્વ જલદી આવે છે.

- લાંબા સમય સુધી બ્લુ લાઇટના સંપર્કમાં રહેવાથી ત્વચાનો મૂળ રંગ બદલાઈ જવાની શક્યતા વધી જાય છે. બ્લુ લાઇટ તમારા સ્કિન કલરને ડૅમેજ કરે છે.

 - રાતના સમયે ઓવરહેડ ફ્લોરોસન્ટ લાઇટનો ઉપયોગ તમારા મૂડ સ્વિંગ્સ પર અસર કરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK