તમે કેટલા હાઇજિનિક છો?

Published: Nov 12, 2019, 15:10 IST | Arpana Shirish | Mumbai

લેડીઝ સ્પેશ્યલ: ઘરને ચોખ્ખુંચટ રાખવામાં અવ્વલ સ્ત્રીઓ પોતાનાં શરીરની સ્વચ્છતા પ્રત્યે હજીએ ગાફેલ રહે છે. આ બેદરકારીનાં કેવાં પરિણામો આવી શકે છે એ વિષે સ્ત્રી નિષ્ણાતો સાથે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘર તો ચમકવું જોઈએ. ટૉઇલેટ ક્લીન ન હોય તો કેમ ચાલે? આવી વાતો કરતી સુઘડ સ્ત્રીઓ પોતાનાં શરીર અને ખાસ કરીને જનનાંગોની સ્વચ્છતાનો વિષય આવે ત્યારે જતું કરતી હોય છે. ઘરનું મોટા ભાગનું કામ જાતે કરવાનો આગ્રહ રાખતી સ્ત્રીઓ પર્સનલ હાઇજીન પર ધ્યાન ન આપવાને કારણે મોટા પ્રમાણમાં જંતુઓને ઓકર્ષે છે અને ફૂડ પૉઇઝનિંગ, ન્યુમોનિયા, યુરીન ઇન્ફેક્શન તેમજ ત્વચાના રોગોને આમંત્રણ આપે છે. સ્ત્રી નિષ્ણાતોના રિપોર્ટ પ્રમાણે રોજની ૧૦માંથી ૨ સ્ત્રી પ્રાઇવેટ પાર્ટ્સમાં થતા ઇન્ફેક્શને કારણે તેમની પાસે આવતી હોય છે. આજે જાણીએ કઈ રીતે કરવી જોઈએ સ્ત્રીઓએ પોતાનાં શરીરની સાફસફાઈ.

પર્સનલ હાઇજીન

સ્ત્રીઓમાં પર્સનલ હાઇજીનના રૂટીનમાં શેનો સમાવેશ થાય છે, એ વિષે જણાવતાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનઘા છત્રપતિ કહે છે, ‘હાથ ધોવાથી લઈને, વાળ, દાંત, શરીરનાં અંગો, નખ તેમજ સૌથી મહત્ત્વનાં એટલે ગુપ્તાંગોની સફાઈનો સમાવેશ થાય છે. આ અંગોને સાફ રાખી ઇન્ફેક્શનથી બચાવવાં એટલે હાઇજીન. પર્સનલ હાઇજીન જાળવવાથી સ્ત્રીઓ સ્વસ્થ રહી શકે છે. અને જો ન જાળવે તો પોતાનાં શરીરની સાથે આખા ઘરમાં બૅક્ટેરિયા ફેલાવે છે.’

હાથની સફાઈ

દિવસભરમાં કેટલાંય એવાં કામો હોય છે, જે કર્યા પછી હાથ ધોવા જોઈએ. જોકે સ્ત્રીઓ હોથ ધોવાનો આગ્રહ ફક્ત રસોઈમાં ગંદા હાથ ન જાય એ પૂરતો જ હોય છે. બાળકોનાં ડાયપર ચેન્જ કરતાં, દરવાજાનાં હેન્ડલને હાથ લગાવતાં, ઑફિસમાં કોમ્પ્યુટર પર કામ કરતાં તેમ જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતાં સંપર્કમાં આવેલા જંતુઓને ક્લીન કરવા જરૂરી છે. આ વિષે વાત કરતાં ડૉ. અનઘા કહે છે, ‘આજકાલ સ્ત્રીઓમાં હાથ વારંવાર પાણીથી ધોવા ન પડે એ માટે હેન્ડ સૅનિટાઇઝર વાપરી લેવાનું પ્રમાણ વધ્યું છે પણ એનાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. સૅનિટાઇઝરમાં આલ્કોહૉલ હોવાને કારણે એ હથેળી પરના ખરાબ અને સારા બન્ને પ્રકારનાં બૅક્ટેરિયા છીનવી લે છે અને ત્વચા સૂકી બની જાય છે. કેટલીક વાર ચામડીનું ઇન્ફેક્શન પણ થઈ શકે. જો પાણીની સગવડ હોય તો ગમે તે સ્થળે સૅનિટાઇઝર કરતાં પાણીથી જ હાથ ધોવા જાઈએ. હાથ ન ધોવાને લીધે ફ્લુ, ગેસ્ટ્રો તેમ જ હિપેટાઇટિસ જેવા રોગોને આમંત્રણ મળે છે.’

શરીર તેમ જ કપડાંની સફાઈ

દિવસમાં એક વાર અને શક્ય હોય તો બે વાર સ્નાન કરવું આવશ્યક હોય છે. કેટલીક યુવતીઓ આજના જમાનામાંએ સવારે વહેલાં ઊઠીને ફક્ત ફ્રેશ કપડાં પહેરી ડિઓડ્રન્ટના આધારે કૉલેજ તેમ જ ક્લાસિસ જતી હોય છે. પસીનો શરીર પર થાય અને પછી એ સુકાઈ જાય અને એને સાફ ન કરવામાં આવે તો ફંગલ ઇન્ફેક્શનું જોખમ હોય છે. ઉપરાંત જીમમાં કે યોગ દરમિયાન વાપરેલાં કપડાં રોજ ન ધોવામાં આવતાં પણ સ્કીન ઇન્ફેક્શન થાય છે. ડૉ. અનઘા કહે છે, ‘કસરત કરતાં સમયે પહેરેલાં બૉડી ફિટિંગ ટાઇટ્સ નાયલોન અથવા લાયક્રાનાં હોવાને લીધે પસીનો સોક કરતાં નથી અને સાથળ પર ઘર્ષણ થવાને લીધે ફંગલ ઇન્ફેક્શનના બૅક્ટેરિયા વધે છે. એ સિવાય ટાઇટ ફિટિંગ જીન્સ અઠવાડિયા સુધી ધોવામાં નથી આવતી, જે જંતુઓનું ઘર બને છે. એટલે રોજ ફ્રેશ કપડાં પહેરવા પણ રોજ સ્નાન કરવા જેટલું જ મહત્ત્વનું છે.’

ટૉઇલેટ સૅનિટેશન

જાહેર સ્થળોનાં ટૉઇલેટની સીટ જો ગંદી હોય તો ઘરની પણ થોડીઘણી ગંદી હોય જ છે. ટૉઇલેટની સફાઈ ઘરોમાં દિવસમાં એક વાર જ થતી હોય છે. જો ઘરમાં એક કરતાં વધુ વ્યક્તઓ ટૉઇલેટનો વપરાશ કરતી હોય તો સીટ પર બેસતાં પહેલાં અને પછી, એમ બે વાર ફ્લશ કરવું જોઈએ જેથી યુરીનને કારણે રહી ગયેલા જંતુઓથી બચી શકાય. ટૉઇલેટ હાઇજીન જો ન પાળવામાં આવે તો, યુરીનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન તેમ જ ચામડીના બીજા રોગો થઈ શકે છે. જોકે હવે જાહેર સ્થળોએ ગંદા ટૉઇલેટનો વપરાશ ન કરવો પડે એ માટે ડિસ્પોઝેબલ ટૉઇલેટ સીટ કવર તેમજ ટૉઇલેટ સૅનિટાઇઝર સ્પ્રે બજારમાં મળી રહે છે, જેનો ઉપયોગ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ ટાળી શકાય છે.

ઇન્ટિમેટ હાઇજીન

ગુપ્તાંગોની સફાઈ અને કાળજી રાખવી એ સૌથી વધુ મહત્ત્વનું હોય છે. જોકે કેટલીક સ્ત્રીઓ ગુપ્તાંગોની સફાઈમાં ખાસ બેદરકારી દાખવે છે. આ વિશે સમજાવતાં સ્ત્રી અને પ્રસૂતિ રોગ નિષ્ણાત ડૉ. ગંધાલી દેવરૂખકર પિલ્લૈ કહે છે, ‘રોજ આવતી દર દસ પેશન્ટમાંથી બે સ્ત્રી યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનની તકલીફ લઈને આવે છે. મોટા ભાગની સુશિક્ષીત સ્ત્રીઓને પણ આજે પ્રાઇવેટ પાર્ટની સફાઈ કઈ રીતે કરવી, એની જાણ નથી હોતી. અને જેમને જાણ છે, તેઓ વધુ પડતાં સ્ટેપ લે છે, જેના લીધે પણ અંતે તો નુકસાન ગુપ્તાંગોનું થાય છે. યુરીન પાસ કર્યા બાદ એ ભાગને ફક્ત પાણીથી ધોઈ કોરો કરવો જોઈએ, જેવી સિમ્પલ રૂટિન ફોલો ન કરવાને કારણે સ્ત્રીઓને અનેક પ્રકારનાં ઇન્ફેક્શન થવાનું જોખમ વઘી જાય છે. એ સિવાય શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ યુરીન પાસ કરી એ ભાગને ધોવાથી સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડિસિઝ થવાનું જોખમ ટાળી શકાય છે. અહીં ગુપ્તાંગોને ધોવા માટે કોઈ ફેન્સી સુગંધિત વૉશનો વપરાશ ન કરતાં ફક્ત હૂંફાળા પાણીનો ઉપયોગ કરવાની સલાહ છે. જો ઇન્ટિમેટ વૉશ વાપરવા હોય તો એ દિવસમાં ફક્ત એક વાર એ વાપરી શકાય, જેથી નુકસાન ન થાય.’

વજાઇનલ ઇન્ફેક્શન, એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય છે, જે ગુપ્તાંગમાં ફંગલ ગ્રોથ વધી જવાને લીધે થાય છે. વજાઇના, એક ઓપન ઓર્ગન હોવાને કારણે એમાં થતા કોઈ પણ ઇન્ફેક્શનનો જો સમયસર ઇલાજ કરવામાં ન આવે તો એ સ્ત્રીઓની ઓવરી અને ફેલોપિયન ટ્યૂબ્સને પણ નુકસાન પહોંચાડે છે. વધુમાં જો યુરીનરી ટ્રેકેટ ઇન્ફેકશનનો જો ઇલાજ કરવામાં ન આવે તો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આવાં ઇન્ફેક્શન ટાળવા માટે સલાહ આપતાં ડૉ. ગંધાલી કહે છે, ‘પ્રાઇવેટ પાર્ટને સૂકો રાખવા માટે એન્ટી ફંગલ પાઉડરનો ઉપયોગ કરી શકાય, એ સિવાય કોટન અને ફક્ત કોટનનાં જ આંતરવસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવો. જો વાસ આવતી હોય, એવું લોગે તો પરફ્યુમનો ઉપયોગ ક્યારેય ન કરવો. કારણ કે પ્રાઇવેટ પાર્ટમાંથી ગંઘ આવવી એ ઇન્ફેક્શનની નિશાની છે.’,

મેન્સટ્રુઅલ હાઇજિન

માસિક દરમિયાન પેડનો વપરાશ કરી લેતાં મેન્સટ્રુઅલ હાઈજિન પૂરી નથી થતી. માસિક દરમિયાન તેને યોગ્ય સમયાંતરે બદલવું પણ જરૂરી છે. આ વિષે સમજાવતાં ડૉ. ગંધાલી કહે છે, ‘મેન્સટ્રુઅલ હાઇજિન મૅનેજમેન્ટ, એ આપણા દેશમાં ખૂબ મહત્ત્વનો વિષય છે. ખાસ કરીને ટીનેજર છોકરીઓ માટે જેઓ સ્કૂલમાં ડસ્ટબીન તેમ જ પાણીની કમીને લીધે માસિક દરમિયાન પેડ ચેન્જ નથી કરી શકતી. જેને લીધે ટોક્સીક શૉક સિન્ડ્રોમ તેમજ બીજા બૅક્ટેરિયલ ઇન્ફેક્શનનો ભોગ બને છે. પેડ તેમ જ ટેમ્પન્સનો ઉપયોગ કરતી સ્ત્રીઓએ વપરાશ કરતાં પહેલાં અને પછી હાથ ધોવા જોઈએ તેમ જ દર ૪થી ૫ કલાકના અંતરે એ બદલવું જોઈએ. જો બહુ રક્તસ્રાવ ન થતો હોય તોપણ. કારણ કે પેડ કે ટેમ્પનમાં જમા થયેલા બ્લડમાં ભરપૂર પ્રમાણમાં બૅક્ટેરિયા હોય છે, જે વજાઈના મારફતે ફરી પાછા શરીરની અંદર દાખલ થાય છે. સ્ટાપ નામના આ બૅક્ટેરિયાની ઓવરગ્રોથ થતાં શરીરમાં ભયંકર ચેપ લાગી શકે છે. ગુપ્તાંગ, એક ઓપન ઓર્ગન હોવાને લીધે, ત્યાં જમા થતા બૅક્ટેરિયા અને ઇન્ફેક્શન બેદરકારીને લીધે ઓવરી અને ફેલોપિયન ટ્યૂબ્સને પણ ઇન્ફેક્ટ કરી શકે છે. જો આ પ્રકારનાં ઇન્ફેક્શનનો યોગય સમયે ઇલાજ કરવામાં ન આવે તો, ઈનફર્ટિલિટી કે કૅન્સર સુધી પણ વાત પહોંચવામાં વાર નથી લાગતી.’

આજકાલ ટેમ્પન અને પેડ સિવાય કેટલીક સ્ત્રીઓ રીયુઝેબલ ઓપ્શન તફર વળી છે. મેડિકલ ગ્રેડ સિલિકોનમાંથી બનાવામાં આવેલા મેન્સ્ટ્રુઅલ કપ. આ કપ સેફ ગણાતા હોવા છતાં જો તેને વપરાશ બાદ ગરમ પાણીમાં ઉકાળીને સ્ટરીલાઇઝ કરવામાં ન આવે તો એ સૌથી વધુ અનસેફ બની શકે. આ કપ ગુપ્તાંગમાં અંદર રાખવાનો હોવાને લીધે, જો હાઇજિન મેન્ટેઇન કરવામાં આળસ આવતી હોય તો ન જ વાપરવો જોઈએ. કપ સિવાય પર્યાવરણપ્રેમી સ્ત્રીઓ જૂની પદ્ધતિનાં ધોઈને ફરી વાપરી શકાય એવાં કાપડ કે ક્લૉથ પેડ વાપરતી થઈ છે. આ વિષે ડૉ. ગંધાલી કહે છે, ‘ગમે તેટલાં સારી રીતે તેને સ્વચ્છ કરવાનો દાવો થતો હોય તોએ, કપડાના પેડનો વપરાશ ન કરવો જોઈએ. કાપડ ભીનું રહે છે, જે ગુપ્તાંગોના સતત સંપર્કમાં રહેતાં, ત્યાંની ત્વચા ડેમેજ થાય છે અને પરિણામે ઇન્ફેક્શન. ઇન્ફેક્ટેડ પેડને લીધે વજાઇનલ તેમજ યુરીનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થાય છે.’

સફાઈ કરો પણ લિમિટમાં

ઘણી સ્ત્રીઓ પર્સનલ હાઇજિન પ્રત્યે સાવ ગાફેલ હોય છે જ્યારે કેટલીક સ્ત્રીઓ સદા ફૂલની જેમ મઘમઘતાં રહેવા માટે શરીરનાં વિવિધ અંગોને વધુ પડતાં સાફ રાખવાનો પ્રયત્ન કરે છે અને ઇરિટેશન અને ઇન્ફેક્શનનો ભોગ બને છે. ચાલો જાઈએ ડુઝ અને ડોન્ટ્સનું લિસ્ટ

શું કરવું?

ગુપ્તાંગની સફાઈ માટે સાફ પાણીનો વપરાશ કરવો.

સાથળ અને સ્તનોની નીચે જો ખૂબ પરસેવો આવતો હોય તો એન્ટી બૅક્ટેરિયલ પાઉડર લગાવવો.

ગમે તે કામ કર્યા બાદ પાણીથી હાથ ધોવા.

માસિક દરમિયાન દર ચારથી પાંચ કલાકે પેડ બદલવું.

નખ જો લાંબા રાખવાનો શોખ હોય તો એને સ્વચ્છ રાખવા.

ગુપ્તાંગના વાળ સ્ટરીલાઇજ કાતર અથવા રેઝર વડે ટ્રીમ કરવા.

શું ન કરવું?

ગુપ્તાંગની સફાઈ માટે સાબુ કે અવનવા વૉશનો વપરાશ નહીં.

પ્રાઇવેટ પાર્ટ્સ પર પરફ્યુમ કે ડિઓડ્રન્ટનો વપરાશ ન કરવો.

જ્યારે-ત્યારે સેનિટાઇઝરનો ઉપયોગ કરી હાથ સ્વચ્છ કરવાનો ડોળ ન કરવો.

ગુપ્તાંગમાંથી કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શન કે ગંધની અવગણના ન કરવી.

ચામડીને ઇન્ફેક્શનનું ઘર બનાવતું બિકીની વેક્સ ટાળવું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK