જમ્યા પછી તરત નાહવું જોઈએ?

Published: Feb 18, 2020, 14:42 IST | Sejal Patel | Mumbai

ભોજન પછી નાહવાની આદત પેટની ફરતે ચરબી વધારનારી છે એવું તાજેતરનાં એક અભ્યાસમાં બહાર આવ્યું છે ત્યારે એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે શું ખરેખર જમ્યા પછી નાહવાના સમય સાથે કોઈ લેવાદેવા છે કે નહીં,

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ના. પૌરાણિક સ્વસ્થવૃત્તમાં જમ્યા પછી કેટલાક કામો કરવાની મનાઈ ફરમાવી છે એમાં નાહવાનો પણ સમાવેશ થઈ જાય છે. ભોજન પછી નાહવાની આદત પેટની ફરતે ચરબી વધારનારી છે એવું તાજેતરનાં એક અભ્યાસમાં બહાર આવ્યું છે ત્યારે  એક્સપર્ટ્સ પાસેથી જાણીએ કે શું ખરેખર જમ્યા પછી નાહવાના સમય સાથે કોઈ લેવાદેવા છે કે નહીં

ઘણા લોકોને આદત હોય છે કે રાતે સૂતાં પહેલાં નાહવા જોઈએ જ. બહુ સારી ટેવ છે. ઇન ફૅક્ટ, સારી ઊંઘ આવે એ માટે પણ એકદમ કોકરવરણા પાણીથી નાહવામાં આવે તો ફાયદો થાય છે. નોકરિયાતોની આ ટેવમાં જો ભોજનનો સમય પણ સંકળાઈ જાય તો ક્યારેક ગરબડ પેદા કરે છે. ઘરે પહોંચીને તમે હાથ-મોં ધોઈને પહેલાં ખાવા બેસી જતા હો અને પછી નાહીને સૂઈ જાઓ તો એ ચરબી વધારવાનું કામ કરે છે. જો નાહીને જમો, પરંતુ જમ્યા પછી તરત સૂઈ જાઓ તો એનાથી પણ પાચનની સમસ્યાઓ થાય છે. આવું આપણા દાદા-દાદીઓની પણ સલાહ રહેતી હતી. આ વાતને ન્યુટ્રિશન અને મૉડર્ન મેડિસિનના નિષ્ણાતોએ પણ સ્વીકારી છે. સ્કૉટલૅન્ડના નિષ્ણાતોએ કરેલા પ્રયોગમાં એવું સ્પષ્ટ જોવા મળ્યું છે કે જમ્યા પછી નાહવાની નિયમિત આદતથી મેટાબૉલિઝમ સ્લો થઈ જાય છે અને પેટ ફરતે ચરબીનો ભરાવો થવા લાગે છે. અલબત્ત, આ નિરીક્ષણ પાંચ વર્ષના લાંબા અભ્યાસ બાદ તારવાયું હતું. મતલબ કે ટૂંકા ગાળામાં અથવા તો જમીને નાહવાથી ઇન્સ્ટન્ટ કોઈ આડઅસર નથી થતી, પરંતુ એની આડઅસરો લાંબા ગાળે શરીર પર દેખાય છે.

લોહીનું સર્ક્યુલેશન

આ બાબતે આયુર્વેદ નિષ્ણાતો અને મૉડર્ન-એજ ડાયટિશ્યનનું શું કહેવું છે એ અમે જાણવાનો પ્રયત્ન કર્યો. કાંદિવલીનાં ડાયટિશ્યન બીના છેડા કહે છે, ‘ઍઝ સચ મારી ડાયટની પ્રૅક્ટિસમાં જમ્યા પછી નાહવું ન જોઈએ એવી કોઈ ખાસ ઇન્સ્ટ્રક્શન હું નથી આપતી, પણ હા, અભ્યાસમાં કહેવાયેલી વાત સાચી હોઈ જ શકે છે. એનું કારણ એ છે કે જમ્યા પછી ખોરાક પચાવવા માટે તમારા આંતરડાંને મૅક્સિમમ લોહીની જરૂર પડે. જો તમે એ જ વખતે નાહવા જાઓ તો એનાથી આખા બૉડીમાં બ્લડસર્ક્યુલેશન ડાયવર્ટ થાય. જેટલા ટકા લોહી ઓછું પહોંચે એટલી આંતરડાંની કામગીરી ખોરવાય. ખોરાકને બ્રેકડાઉન કરીને એમાંથી ઊર્જા પેદા થવાની પ્રક્રિયા ધીમી પડે. અલબત્ત, ન્યુટ્રિશન સાયન્સમાં આ આદતને કારણે અપચાથી વિશેષ બીજી કોઈ આડઅસ જોવા મળી નથી. ભોજનના બરાબર પાચન માટે જમ્યા પછી સતત કોઈક હળવી ઍક્ટિવિટી રહેવી બહુ જરૂરી છે એવું હું માનું છું. સ્ત્રીઓ બધું કામ પરવારીને છેલ્લે જમે અને પછી સૂઈ જાય. આવું કરવાને બદલે બધાની સાથે ગરમાગરમ જમી લેવું અને એ પછી કિચનનું બાકીનું કામ આટોપવાનું રાખવું. એમ કરવાથી થોડીક બૉડીમૂવમેન્ટ પણ થશે. વડીલો કામ ન કરી શકે એમહોય તો તેમણે પણ ઘરમાં ચાલવાનું રાખવું જોઈએ. ’

eating

બીજું પણ ઘણું ન કરવું

ચર્ની રોડ પાસે પ્રૅક્ટિસ કરતા આયુર્વેદ નિષ્ણાત ડૉ. સૂર્યા એ. ભગવતી આ નાહવા-જમવાના સમય વિશે કહે છે, ‘આયુર્વેદમાં બહુ જ સ્પષ્ટપણે કહેવાયું છે કે જમ્યા પછી નાહવું ન જ જોઈએ. એનાથી પાચન પર અસર થાય છે. ભોજન જઠરમાં જાય અને તરત જ જો નાહવામાં આવે તો એનાથી ડાયજેશન માટે આંતરડાંને જરૂરી બ્લડ-સર્ક્યુલેશન શરીરમાં બીજે ડાયવર્ટ થઈ જાય છે. આયુર્વેદે માત્ર નાહવાનું જ નહીં, બીજું પણ ઘણું જમ્યા પછી વર્જ્ય કહ્યું છે. જેમ કે સૂવાનું નહીં. એવું કહેવાય છે કે ભોજનના પાચનની ક્રિયા સૂતેલી સ્થિતિમાં અટકી પડે છે. પાચન હંમેશાં અપરાઇટ પૉઝિશનમાં બૉડી હોય ત્યારે જ સારું થાય છે. એટલે જ જમ્યા પછી સૂવાનું પણ યોગ્ય નથી. ઘણા લોકો જમ્યા પછી તરત સ્મોકિંગ કરે છે જે ન કરવું જોઈએ. સ્મોકિંગ દિવસના કોઈ પણ સમયે ન કરવું જોઈએ, પણ જમ્યા પછી તરત કરવાનું વધુ જોખમી છે. જમીને તરત ચા-કૉફી પીવાની આદત પણ પાચકરસોને બગાડી નાખે છે. શુગર અને દૂધ એમાં હોય છે જે અચાનક શુગર સ્પાઇક કરે છે. જમ્યા પછી પાણી પણ ન પીવું જોઈએ, પણ જો પીવું જ હોય તો થોડીક માત્રામાં હૂંફાળું પાણી પીવું. જમ્યા પછી પ્રો-બાયોટિક્સ જરૂર લેવાય, એનાથી પાચન સુધરે. પ્રોબાયોટિક એટલે દહીં અને છાશ જેવી ચીજો. અલબત્ત, દહીં-છાશ સાંજ પછી ન લેવી. બાકી, જમ્યા પછી નાહવાની ક્રિયા વચ્ચે ઓછામાં ઓછો ૩૦થી ૪૫ મિનિટનો ફરક હોય તો સારું, નહીંતર આ ટેવને કારણે લાંબા ગાળે ગૅસ, ઍસિડિટી, અપચો, જુલાબ, કબજિયાત જેવી ક્રોનિક ચીજો ઘર કરી જાય છે.’

સમાન વાયુમાં પણ બગાડ

ઉપરોક્ત મુદ્દાઓ ઉપરાંત આયુર્વેદનો બીજો પણ એક દૃષ્ટિકોણ ઉમેરતાં આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘બ્લડ-સર્ક્યુલેશનમાં ડાયવર્ઝન થાય છે એ મૂળ વાત તો છે જ, પણ સાથે પાચન માટે શરીરમાં જે વાયુ હોય છે એ પણ નાહવાને કારણે બગડે છે. સમાન વાયુ ભોજન પચાવવાના કામમાં સક્રિય હોય છે. નાહવાથી એ વાયુમાં બદલાવ આવે અને એને કારણે પાચનની ક્રિયા થોડાક સમય માટે ખોરવાઈ જાય છે. જમવામાં તમે શું લો છો એ જેટલું મહત્વનું છે એટલું જ મહત્વનું છે કે એ તમે ક્યારે લો છો, કેવા ફૉર્મમાં લો છો અને જમ્યા પહેલાં તેમ જ પછી શું કરો છો.’

સ્ત્રીઓ બધું કામ પરવારીને છેલ્લે જમે અને પછી સૂઈ જાય. આવું કરવાને બદલે બધાની સાથે ગરમાગરમ જમી લેવું અને એ પછી કિચનનું બાકીનું કામ આટોપવાનું રાખવું

- બીના છેડા, ન્યુટ્રિશનિસ્ટ

ભોજનના પાચનની ક્રિયા સૂતેલી સ્થિતિમાં અટકી પડે છે. પાચન હંમેશાં અપરાઇટ પૉઝિશનમાં બૉડી હોય ત્યારે જ સારું થાય છે. એટલે જ જમ્યા પછી સૂવાનું પણ યોગ્ય નથી.

- ડૉ. સૂર્યા એ. ભગવતી, આયુર્વેદ નિષ્ણાત

સમાન વાયુ ભોજન પચાવવાના કામમાં સક્રિય હોય છે. પાચન માટે શરીરમાં જે વાયુ હોય છે એ પણ નાહવાને કારણે બગડે છે.

ડૉ. મહેશ સંઘવી, આયુર્વેદ નિષ્ણાત

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK