Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમારા ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે?

તમારા ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે?

14 November, 2019 01:01 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

તમારા ઘરમાં કોઈને ડાયાબિટીઝ છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તો તમને પણ થઈ શકે છે એવું તો ખબર હશે જ, પરંતુ શું એ ખબર છે કે તમે એક પરિવાર તરીકે એકસાથે ડાયાબિટીઝને કઈ રીતે હરાવી શકો એમ છો? લોહીમાં શુગરની સમસ્યા એ જિનેટિક હોવાની સાથે જીવનશૈલી પર પણ બહુ મોટો આધાર રાખે છે. આ બાબતે જાગૃતિ આવે એ માટે વર્લ્ડ ડાયાબિટીઝ ડેની આ વર્ષની થીમ પણ છે ફૅમિલી ઍન્ડ ડાયાબિટીઝ. આવો જોઈએ આ સાઇલન્ટ કિલરનો સામનો કરવામાં આખો પરિવાર કઈ રીતે કામ કરી શકે

નૅશનલ ડાયાબિટીઝ ઍન્ડ ડાયાબેટિક રેટિનોપથી સર્વેના રિપોર્ટ મુજબ ભારતના કુલ ૧૧.૮ ટકા લોકો ડાયાબિટીઝનો શિકાર બનેલા છે. પુરુષોમાં ૧૨ ટકા અને સ્ત્રીઓમાં ૧૧.૭ ટકા ડાયાબિટીઝ જોવા મળ્યો છે. આ દરદીઓમાંથી ૪૦ ટકા એવા છે જેમને છેલ્લાં ચાર વર્ષમાં ડાયાબિટીઝનું નિદાન થયું છે. નવી દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સિસ અને અન્ય પ્રાઇવેટ સંસ્થાઓએ ભેગા મળીને ૨૦૧૫થી ૨૦૧૯ દરમ્યાન કરેલા અભ્યાસના આ આંકડાઓ છે.



જોકે જુલાઈ ૨૦૧૯માં પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન (ઇન્ડિયા) અને હાર્વર્ડ સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થ દ્વારા થયેલા સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે ડાયાબિટીઝ ધરાવતા દર બે ભારતીયમાંથી એકને તો ખબર જ નથી હોતી કે તેને ડાયાબિટીઝ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવા અજ્ઞાત કેસોનું પ્રમાણ ખૂબ જ વધારે છે.


ચીનમાં ૧૧.૪૩ કરોડ લોકો ડાયાબિટીઝના દરદી છે અને ૭.૨૯ કરોડ દરદીઓ સાથે ભારત બીજા નંબરે છે. ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ મુજબ ભારતમાં ૨૦૪૫ સુધીમાં ૧૩.૪૩ કરોડ લોકો ડાયાબિટીઝથી પીડાતા હશે. આ બધા જ આંકડાઓ ડરામણા છે. સાઇલન્ટ કિલર ગણાતા આ રોગને ઉગતો જ ડામવો જરૂરી છે એમ છતાં હાલમાં પરિસ્થિતિ એવી છે કે મોટા ભાગના લોકો તેમના લોહીમાં બેફામ શુગરનું પ્રમાણ હોવા છતાં એ બાબતે સાવ અજાણ છે.

છેલ્લાં બે વર્ષથી આ રોગને જોવાનો દૃષ્ટિકોણ બદલાયો છે. પહેલાં આ સમસ્યા માત્ર દરદીના દૃષ્ટિકોણથી જ જોવાતી હતી, પણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા બે વર્ષથી વર્લ્ડ ડાયાબિટીઝ ડેની થીમ રખાઈ છે ‘ફૅમિલી ઍન્ડ ડાયાબિટીઝ’. કદાચ હવે નિષ્ણાતોને સમજાયું છે કે જીવનશૈલીને કારણે થતા આ રોગના મૂળિયાં એક પરિવારમાં સમાયેલાં છે. જો પારિવારિક સ્તરે એની જાગૃતિ લાવવામાં આવશે તો જ લાંબા ગાળે એમાં ફાયદો જોવા મળી શકે છે.


ફૅમિલી કનેક્શન

પરિવારની જાગૃતિ કઈ રીતે ડાયાબિટીઝના નિવારણમાં મદદરૂપ થઈ શકે એમ છે એ વિશે વાત કરતાં તારદેવની અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. ભાવિક સગલાણી કહે છે, ‘ડાયાબિટીઝ એ પૉલિજિનેટિક ડિસીઝ છે એટલે જો પરિવારમાં બન્ને પેરન્ટ્સને ડાયાબિટીઝ હોય તો સંતાનોને થવાની સંભાવના ખૂબ જ ઊંચી રહે છે. જો બેમાંથી એક પેરન્ટને પણ હોય તોય વારસાગત ધોરણે આવી જ શકે છે. એ રીતે જોઈએ તો ફૅમિલી અને ડાયાબિટીઝ વચ્ચે કનેક્શન તો છે જ. જોકે હું જરાક હજી વધુ ઊંડાણથી આ બાબતને જોઉં છું. ફૅમિલીનો સપોર્ટ હોય તો ડાયાબિટીઝને નેક્સ્ટ જનરેશનમાં વધતો અટકાવી
પણ શકાય. ડાયાબિટીઝના દરદી પર પરિવારની પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારની અસરો થાય છે અને એટલે પરિવારનો ફાળો બહુ જ મહત્ત્વનો છે એમ કહી શકાય.’

ચાર ફૅક્ટર્સ જવાબદાર

ડાયાબિટીઝને કન્ટ્રોલ કરવા માટે કોઈ એકલદોકલ બાબત પર ધ્યાન આપવાથી ચાલવાનું નથી. એ માટે અન્ય ફૅક્ટર્સ કન્ટ્રોલ કરવા જરૂરી છે એમ સમજાવતાં ડૉ. ભાવિક કહે છે, ‘દરદીની જીવનશૈલીમાં ચાર ચીજોનું સંતુલન જરૂરી બને છે. એ ચાર બાબતો છે ડાયટ, એક્સરસાઇઝ, સ્ટ્રેસ અને મેડિકેશન. માત્ર દવાથી કશું નથી થતું, માત્ર ડાયટ કે માત્ર એક્સરસાઇઝથી પણ પરિણામ નથી મળતું. ચારેય ચીજોનું સંતુલન કેળવાય તો જ તમે લાંબા ગાળા માટે બ્લડશુગર લેવલને કન્ટ્રોલમાં રાખી શકો છો. આ ચારેય બાબતોમાં પરિવારનો સપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. માત્ર દરદીને નિયમિત દવા આપવી એ જ ફૅમિલી સપોર્ટ નથી. એનાથી વધુ ઊંડી રીતે સમજીએ તો આપણી ખોટી જીવનશૈલીના મૂળિયાં પણ પરિવારમાંથી જ પેદા થયેલાં છે. એ મૂળિયાંને ઢીલાં કરવાં હોય અથવા તો નવી જનરેશનમાં ખોટી આદતો ન ઊતરે એ જોવું હોય તો પારિવારિક જીવનશૈલી ચેન્જ કરવી જરૂરી બની જાય છે. ’

diabetes-2

પારિવારિક પરિવર્તનો

ફૅમિલીની ખાણીપીણીથી લઈને કસરત કરવાની આદતો આખા પરિવારના તમામ લોકો પર અસર કરે છે. પરિવારની જીવનશૈલી સુધારવી એ દૂરંદેશી વાત છે એમ જણાવતાં ડૉ. ભાવિક કહે છે, ‘આપણી ખાવાપીવાની આદતો આપણી આસપાસના વાતાવરણને જોઈને ઘડાતી હોય છે. ફૅમિલીનો એમાં બહુ મોટો ફાળો હોય છે. જો પેરન્ટ્સ રોજ એક્સરસાઇઝ કરવાની આદત ધરાવતા હોય તો નૅચરલી જ સંતાનો પણ એક્સરસાઇઝ કરવા બાબતે સભાન થવાનાં. ડાયાબિટીઝ છે માટે એક્સરસાઇઝ કરવાની છે એવું વિચારવાને બદલે જો હેલ્ધી રહેવા માટે એક્સરસાઇઝ ઇઝ મસ્ટ એવી સમજણ પરિવારમાં ઊંડી ઊતરી હોય તો નૅચરલી જ નવી
જે જનરેશન આવશે તેમનો ફિઝિકલ ઍક્ટિવિટીનો અભિગમ સ્વસ્થ હશે. બીજું, ઘરમાં પણ જો સ્વાસ્થ્યલક્ષી ભોજનની આદત હોય તો આખા પરિવારની આદતો સુધરશે.’

આ ઉપરાંત માત્ર દરદી માટે જુદું ખાવાનું બનાવવાને બદલે ડાયટના મુખ્ય સિદ્ધાન્તોને ધ્યાનમાં રાખીને આખો પરિવાર એવા બદલાવો ભોજનશૈલીમાં લાવે તો એનાથી જેમને ડાયાબિટીઝ નથી તેમને પણ એનું જોખમ તો ઘટવાનું જ. ડૉ. ભાવિક કહે છે, ‘ઇન ફૅક્ટ, તમે જ્યારે દરદી માટે ડાયટ પ્લાન નક્કી કરતા હો ત્યારે તેમના ઘરમાં કેટલા લોકો છે અને ઘરમાં કૂકિંગ કોણ અને કેવા સંજોગોમાં કરે છે એ પણ જોવું જરૂરી બને છે. તમે વર્કિંગ વુમનને એમ કહો કે ડાયાબેટિક હસબન્ડ માટે દર બે કલાકે અમુક-તમુક ચીજો બનાવી આપવાની છે તો એ તેને નહીં જ ફાવે. દરદીનો રુટિન ડાયટ જોઈને અને એમાં પરિવારની સગવડ
જોઈને સંતુલિત ભોજનશૈલી વિકસી શકે છે એવું મને લાગે છે.’

સ્ટ્રેસ અને પરિવાર

ડાયાબિટીઝમાં બીજું મોટું ફૅક્ટર હોય છે સ્ટ્રેસ. રોજિંદા જીવનની તાણ સાથે વ્યક્તિ કઈ રીતે ડીલ કરે છે એ. આમાં પરિવાર હકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની અસર કરી શકે છે એમ સમજાવતાં ડૉ. ભાવિક કહે છે, ‘ભારતીય સમાજની એ ખૂબી છે કે અહીં લોકો લોન્લી નથી હોતાં. તેમને પરિવારની હૂંફ મળી રહે છે. જો તે ડિસ્ટર્બ્ડ હોય, મનમાં હિજરાતો હોય, તાણમાં હોય તો તેને સોશ્યલ સપોર્ટ સરળતાથી મળી રહે છે. બીજું, સ્ટ્રેસ હૅન્ડલ કરવાની પદ્ધતિઓ અને ક્ષમતાઓ પણ પેરન્ટ્સને જોઈને જ શીખાતી હોય છે. જો ઘરમાં મેડિટેશન અને યોગ કરવાનું વાતાવરણ હોય, મનની મૂંઝવણને વિનાસંકોચે શૅર કરીને હળવા થઈ શકાય એવું મુક્ત વાતાવરણ હોય તો એ ડાયાબિટીઝના દરદી માટે વધુ અનુકૂળ આવે છે. એનાથી ઊલટું જો કુટુંબમાં તાણભર્યા સંબંધો હોય તો એની આડઅસર રૂપે સ્ટ્રેસ વધે છે. સ્ટ્રેસ વધે છે ત્યારે જે હૉર્મોનલ ઊથલપાથલ થાય છે એને કારણે આડકતરી અસર વ્યક્તિના બ્લડશુગર લેવલ પર પડે જ છે.’

ડાયાબિટીઝના આગોતરાં લક્ષણો

ભારતમાં અડધોઅડધ ડાયાબિટીઝના દરદીઓને ખબર નથી કે તેમને આ રોગ છે. જો ખબર હોય તો જ્યારે લક્ષણો દેખા દે ત્યારે સભાનતા દાખવીને લોહીની તપાસ કરાવવાની તસ્દી નથી લેવાતી. તો આવો પહેલાં જાણીએ ડાયાબિટીઝનાં આગોતરાં લક્ષણો શું હોઈ શકે છે.

ખૂબ ભૂખ લાગવી અને ખૂબ થાક લાગવો : તમે જે ખાઓ છો એમાંથી શરીર ગ્લુકોઝ બનાવે છે. આ ગ્લુકોઝ શરીરના દરેક કોષોને એનર્જી રૂપે પૂરો પડે છે. આ ક્રિયા માટે સ્વાદુપિંડમાંથી ઝરતા ઇન્સ્યુલિન હૉર્મોનની જરૂર પડે છે. જો તમારું બૉડી પૂરતો ઇન્સ્યુલિન પેદા ન કરતું હોય અથવા તો પેદા થયેલું ઇન્સ્યુલિન વપરાતું ન હોય તો ગ્લુકોઝ લોહીમાં હોવા છતાં કોષોને એનર્જી નહીં મળે. આને કારણે સતત થાક, એનર્જીલેસ ફીલ થયા કરશે. બૉડીને એનર્જીની જરૂર હોવાથી તમને ભૂખ વધુ લાગશે. ખાધા પછી પણ ભૂખ લાગે અને થાક અને નબળાઈ સતત વર્તાયા જ કરતી હોય તો એ ડાયાબિટીઝના પગરણ થઈ ચૂક્યા છે એની
નિશાની છે.

બે-અઢી લીટર પાણી પીધા પછી પણ તરસ ખૂબ લાગેઃ શુગરના દરદીઓને મોંમાં ડ્રાયનેસ લાગવા લાગે છે. ખાસ કરીને મોંમાં લાળ બનવાની પ્રક્રિયામાં અવરોધ પેદા થતો હોવાથી વધેલા શુગરના દરદીઓને મોં સુકાય છે. તેઓ વારેઘડીએ જીભ મોંમાં ફેરવ્યા કરતા હોય છે જેથી ડ્રાયનેસ ઓછી લાગે. એક ગ્લાસ પાણી પીધાના પાંચ જ મિનિટમાં ફરી ખૂબ જ તરસ લાગે. જો ગરમીની સીઝન હોય અને એવું થાય તો સમજ્યા, પણ જો આ તમારો રોજિંદી આદત બની ગઈ હોય તો ડાયાબિટીઝની તપાસ કરાવી લો.

વારંવાર પેશાબ લાગે : સામાન્ય રીતે નૉર્મલ વ્યક્તિને ૨૪ કલાકમાં ચારથી સાત વાર પેશાબ કરવા જવું પડે, પણ જો તમને એથી વધુ વાર બાથરૂમની
વિઝિટ્સ કરવી પડતી હોય તો ચેતી જાઓ. બની શકે કે તમારું શુગર-લેવલ વધેલું હોય.

આ પણ વાંચો : તમે પૉલ્યુટેડ હવા શ્વાસમાં લેશો તો સ્ટ્રોક આવી શકે છે

ત્વચામાં ખંજવાળઃ વારંવાર યુરિન પાસ કરવાની જરૂરિયાત પેદા થતી હોવાથી શરીરમાંથી ફ્લુઇડ ઘટે છે અને એની અસર ત્વચામાંના મૉઇશ્ચર પર પણ પડે છે.
સ્કિનમાં ડ્રાયનેસ વધે અને ખંજવાળ આવે અને એ લાંબો સમય રહે તો બ્લડશુગર લેવલ ચેક કરવું.

બ્લર્ડ વિઝનઃ ડ્રાયનેસને કારણે ક્યારેક અચાનક જ જોવામાં ઝાંખપ આવી જાય. આંખો બળે અને ડ્રાયનેસ ફીલ થાય એ પણ જો રોજિંદી સમસ્યા હોય તો ધ્યાન રાખવું.

Whatsapp-channel Whatsapp-channel

14 November, 2019 01:01 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK