જાણો છો ફાસ્ટ ફૂડ અને વેફરનાં પડીકાંને લીધે પણ પથરી થાય છે?

Published: Jan 24, 2020, 15:47 IST | Sejal Patel | Mumbai

જીવનશૈલીમાં આવેલાં પરિવર્તનોને કારણે છેલ્લા ઘણા વખતથી કિડની સ્ટોનની સમસ્યામાં વધારો થયો છે. અચાનક જ યુરિન બંધ થઈ જવાને કારણે હૉસ્પિટલભેગા થવું પડે એવા કેસિસ પણ વધી રહ્યા છે. આવું થવાનું કારણ શું? કેમ આપણું શરીર આપમેળે પથરીનું નિર્માણ કરે છે?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જીવનશૈલીમાં આવેલાં પરિવર્તનોને કારણે છેલ્લા ઘણા વખતથી કિડની સ્ટોનની સમસ્યામાં વધારો થયો છે. અચાનક જ યુરિન બંધ થઈ જવાને કારણે હૉસ્પિટલભેગા થવું પડે એવા કેસિસ પણ વધી રહ્યા છે. આવું થવાનું કારણ શું? કેમ આપણું શરીર આપમેળે પથરીનું નિર્માણ કરે છે? આવા સંજોગોમાં સારવાર કેવી હોઈ શકે તેમ જ પ્રિવેન્શન માટે શું થઈ શકે એ જાણીએ.

શહેરને સુશોભિત ગમે એટલું કરો પણ જો એની કચરાનિકાલની વ્યવસ્થા ઠીકઠાક ન હોય તો બહારની સુંદરતાના થપેડા બહુ કામ નથી લાગતા એવું જ કંઈક શરીરની બાબતમાં છે. કચરાના નિકાલમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવતી કિડની મુખ્ય ટૉક્સિન્સ ડ્રેનેજ સિસ્ટમ છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ભારતમાં કિડનીમાં પથરી થવાનું પ્રમાણ વધી ગયું છે. ઇન્ડિયામાં લગભગ ૧૨ ટકા લોકોને કિડનીમાં સ્ટોન્સ થાય છે. આમાંથી પચાસ ટકા લોકો એવા છે જેમને એક કરતાં વધુ વાર પથરી થાય છે. આ પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આજથી બે દાયકા પહેલાં પાછલી વયે જ્યારે એજિંગ પ્રોસેસને કારણે કિડનીની ક્ષમતા ઘટી હોય ત્યારે પથરીની તકલીફ થતી હતી, પણ હવે તો યંગ અને મિડલ એજમાં પણ આ સમસ્યા છૂટથી જોવા મળે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જ્યારે કિડનીમાં સ્ટોન થાય છે ત્યારે દરદીને પોતાને કે તેના પરિવારજનોને કોઈ ભનક પણ નથી આવતી. અચાનક વન ફાઇન ડે પીઠ પાછળ દુખાવો ઊપડે અને એ ધીમે-ધીમે એવો વધી જાય કે શું કરવું એ સમજાય નહીં. ઇમર્જન્સી હૉસ્પિટલાઇઝેશન થાય અને પીડાની સાથે લાંબાં મેડિકલ પરીક્ષણો કર્યા પછી છેક નિદાન થાય. આવા કિસ્સાઓ હવે બહુ કૉમન થઈ રહ્યા છે ત્યારે જાણવાનું જરૂરી બને છે કે પેટમાં અચાનક કઈ રીતે પથરી પેદા થઈ જાય છે. પથરી કેવી અને કેટલી જાતની હોય અને એની સારવાર માટે શું કરવું જોઈએ. મૉડર્ન અભ્યાસો હવે કિડની સ્ટોન માટે જીવનશૈલીને જવાબદાર ગણાવતા હોવાથી પ્રિવેન્શન માટે શું થઈ શકે એ પણ સમજી લઈએ.

મુખ્ય ત્રણ કારણો

આમ તો કિડનીની પથરી ચાર-પાંચ પ્રકારની હોય છે, પરંતુ ભારતમાં સૌથી વધુ કૅલ્શિયમ ઑક્ઝલેટની પથરી જોવા મળે છે એમ જણાવતાં એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના યુરોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ રાવ કહે છે, ‘ખોટી જીવનશૈલીને કારણે થતી પથરીમાં ત્રણ મુખ્ય પરિબળો કારણભૂત છે. સૌથી પહેલું તો ઓબેસિટી. મેદસ્વિતાને કારણે બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલ વધે છે અને એને કારણે કિડનીની કાર્યક્ષમતા નબળી પડે છે. નબળી કિડની પૂરતા ક્ષારોનું ઉત્સર્જન નથી કરી શકતી અને એમાંથી કેટલાક બાઇન્ડ થઈને પથરી બને છે. બીજું મહત્ત્વનું કારણ છે સોડિયમ. આજકાલ પૅકેજ્ડ ફૂડ અને જન્ક ફૂડનું પ્રમાણ વધ્યું છે. આપણા ટ્રેડિશનલ અને ઘર કા ખાનામાં એટલું સોડિયમ નથી હોતું, પણ જન્ક અને પૅકેજ્ડ ફૂડને પ્રિઝર્વ કરવામાં એ જરૂર કરતાં બમણું વપરાયું હોય છે. સમજવાની વાત એ છે કે જ્યારે વધારાના સોડિયમને યુરિન વાટે બહાર કાઢવાનું હોય ત્યારે એના એક્સચેન્જમાં કિડનીમાં કૅલ્શિયમ ડિપોઝિટ થાય છે. ત્રીજું કારણ છે આપણી બેઠાડુ અને ઍર-કન્ડિશન્ડ કૅબિનમાં બેસી રહેવાની આદત. આ હૅબિટથી ડાયરેક્ટ અસર નથી થતી, પરંતુ એસીને કારણે આપણને પૂરતું પાણી પીવાની ખબર નથી પડતી. તમે એસીની હ્યુમિડિફાઇડ ઍર શ્વાસમાં લેતા હો છો એટલે આમ વાંધો નથી આવતો, પરંતુ જો પૂરતું પાણી પીવામાં ન આવે તો બૉડી ડીહાઇડ્રેટ થાય છે અને યુરિનમાં ટૉક્સિન્સનું કૉન્સન્ટ્રેશન વધે છે. પૂરતું પાણી ન પીવાને કારણે થતું ડીહાઇડ્રેશન સ્ટોન નિર્માણનું મહત્ત્વનું કારણ છે.’

શરૂઆતમાં પેઇનલેસ

પથરી થયાની ખબર ત્યારે જ પડે છે જ્યારે પેઇન થાય. જોકે પેઇન ત્યારે જ થાય છે જ્યારે સ્ટોન કિડનીમાંથી આગળ વધીને મૂત્રનલિકામાં જાય છે. કિડનીમાં સ્ટોન થયો હોવાનાં કોઈ દેખીતાં લક્ષણો નથી હોતાં એમ જણાવતાં ડૉ. પ્રદીપ રાવ કહે છે, ‘જ્યારે પીઠની પાછળથી આગળની તરફ રેડિએટિંગ પેઇન થાય ત્યારે એ સ્ટોનનું હોય. એની સાથે યુરિન પાસ થવામાં પણ તકલીફ શરૂ થઈ હોય. જ્યારે સ્ટોન યુરેટરમાં આવે છે ત્યારે શરીરના કુદરતી રિસ્પૉન્સ મુજબ કિડની વધુ યુરિન પેદા કરીને એને બહાર ધકેલવાની મથામણ કરે. વધુ યુરિનને કારણે કિડની ફૂલે છે અને એનું પ્રેશર યુરેટર પર આવે છે. યુરેટર સ્ટ્રેચ થાય એને કારણે પેઇન થાય છે, બાકી પથરી કિડનીમાં પડી હોય ત્યાં સુધી મોટા ભાગે એ લક્ષણો પકડી શકાય એવાં નથી હોતાં. સમજવા જેવી વાત એ છે કે પેઇન થાય એટલે તરત જ હૉસ્પિટલાઇઝેશનની જરૂર નથી હોતી. પચાસ ટકાથી વધુ કેસમાં પથરીને કોઈ સર્જરી કે પ્રોસીજર વિના કાઢી શકાય એમ હોય છે. અલબત્ત, એ માટે પહેલાં પથરીની સાઇઝ અને પથરીનું સ્થાન ક્યાં છે એ સમજવા માટે સીટી સ્કૅન કરવું જરૂરી છે. મોટા ભાગે પેઇનકિલર્સ આપીને તેમ જ વધુ પાણી તેમ જ દવાઓ દ્વારા પથરીને મૂત્રમાર્ગે બહાર ઉત્સર્જિત કરી જ શકાય છે સિવાય કે પથરીની સાઇઝ ઘણી મોટી હોય અથવા તો એવી જગ્યાએ ફસાયેલી હોય જેને કાઢવામાં લાંબો સમય લેવો હિતાવહ ન હોય.’

fast-food

ક્યારે હૉસ્પિટલાઇઝેશન મસ્ટ?

દરેક પથરીના કેસમાં હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી, પરંતુ કેટલીક ઇમર્જન્સી મોમેન્ટ્સ હોય છે જેને જાળવી લેવી જોઈએ એમ સમજાવતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘ઘણા દરદીઓને અચાનક જ યુરિન આવતું જ બંધ થઈ જાય છે. એ ઇમર્જન્સી છે. આવું ત્યારે જ બને જ્યારે બન્ને બાજુની મૂત્રનલિકાઓ સૂજી ગઈ હોય અથવા તો બ્લૉક થઈ ગઈ હોય. આવું થાય ત્યારે શરીરમાં ભરાયેલું પાણી બને એટલું વહેલું કાઢવું જરૂરી બને છે. ઘણી વાર દરદીને યુરિન પણ ત્રૂટક-ત્રૂટક આવતું હોય, પણ સાથે ખૂબ વૉમિટિંગ થતું હોય. એને કારણે તમે પ્રૉપર ફલુઇડ આપી શકો એમ ન હોવાથી કુદરતી રીતે સ્ટોન ઉત્સર્જિત કરવાનું અઘરું થઈ જાય છે. આવા સંજોગોમાં પથરીને તોડીને એને બહાર કાઢવામાં સરળતા કરવી પડે.’

આ લોકોએ બચીને રહેવું

જો એક વાર કિડનીમાં સ્ટોન થયો હોય તેમને પાંચથી સાત વર્ષની અંદર ફરીથી સ્ટોન થવાના ચાન્સિસ ૭૦ ટકા જેટલા વધુ હોય છે.

બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને મેટાબૉલિક ડિસઆૅર્ડર ધરાવતા લોકોને પણ સ્ટોન થવાની સંભાવના વધુ હોય.

ડાયટિંગ માટે ઑન્લી પ્રોટીન-રિચ ડાયટ લેતા લોકો પણ જો પૂરતું પાણી ન પીએ તો સ્ટોન થવાની સંભાવના વધે છે.

હાઇપર પૅરાથાઇરૉઇડ ડિસીઝ ધરાવતા દરદીઓને પણ પથરીનું જોખમ વધુ હોય.

ક્યા કરેં?

સોડિયમ સૌથી મોટો દુશ્મન છે એટલે પૅકેજ્ડ ફૂડને તિલાંજલિ આપવી. જન્ક ફૂડ, પૅક કરેલા જૂસ, જસ્ટ ગરમ કરીને રેડી ટુ ઈટ વાનગીઓ, વેફર-ચિપ્સનાં પડીકાંમાં સૌથી વધુ સોડિયમ હોય છે, એ ખાવાનું બંધ કરવું.

પૂરતું પાણી પીવું. તરસ લાગે ત્યારે પાણી પીવાનું ચૂકવું નહીં. બે લીટર પાણી પીવું મસ્ટ છે. પાણીની યોગ્ય માત્રા શરીરમાં જાય છે કે નહીં એ નક્કી કરવા માટે યુરિન આઉટપુટ કેટલો છે એ જોવું. રોજ ૧.૫ લીટરથી બે લીટર જેટલું યુરિન નીકળે અને એ આછું પીળું હોય એ જરૂરી છે. ઘેરા રંગનું યુરિન આવે તો વધુ પાણી પીવું અને સાવ સફેદ પાણી જેવું યુરિન હોય તો ઓછું પાણી પીવું.

લીલાં પાનવાળી ભાજીમાં ઑક્ઝલેટનું પ્રમાણ વધારે હોય છે. પથરીના દરદીઓએ આ ભાજી ખાવામાં ધ્યાન રાખવું. આ ભાજી એકલી ન ખાવી. એકલી પાલક, મેથી કે તાંદળજાનો સૂપ ન પીવો. બેરીઝમાં પણ ઑક્ઝલેટ વધુ હોય છે એટલે પથરીનાં દરદીઓએ એનું સેવન પણ ધ્યાન રાખીને કરવું.

કાર્બોનેટેડ ડ્રિન્ક્સમાં પણ ઠાંસી-ઠાંસીને ઑક્ઝલેટ હોય છે એટલે એને અવૉઇડ કરવાં.

એક વાર પથરી થઈ ચૂકી હોય એવી વ્યક્તિએ શરૂઆતનાં પાંચ વર્ષ દર છ મહિને એક વાર સોનોગ્રાફી કરાવી લેવી, સીટી સ્કૅન નહીં; કેમ કે એમાં રેડિયેશન હોય છે જે બૉડીને બિનજરૂરી ડૅમેજ કરી શકે છે.

તમને ખબર છે પાલક-પનીર અને પાલક-મગની દાળનું કૉમ્બિનેશન કેમ છે?

ટ્રેડિશનલી આપણી ફૂડ હૅબિટ્સમાં જે સંયોજનો હતાં એ શરીરની ક્ષારો શોષવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને થયેલાં, આજે આવું ધ્યાન રખાતું ન હોવાથી હેલ્ધી ચીજો પણ ક્યારેક બીમારી પેદા કરે છે. હેલ્ધી રહેવા માટે લીલાં પાનવાળી ભાજી ખાવી બહુ જરૂરી છે એટલે જો એમાંના ઑક્ઝલેટથી બચવું હોય તો એની ટિપ્સ આપતાં ડૉ. પ્રદીપ કહે છે, ‘ઑક્ઝલેટવાળી ચીજોને હંમેશાં કૅલ્શિયમ સાથે ખાઓ. જેમ કે પાલક-પનીર, પાલક-મગની દાળ, સ્ટ્રૉબેરી-યોગર્ટ. જ્યારે ઑક્ઝલેટ કૅલ્શિયમની સાથે લેવામાં આવે છે ત્યારે એ ડાયરેક્ટ આંતરડાંમાં પહોંચી જાય છે અને ત્યાંથી એ બૉડીમાં ઍબ્સૉર્બ નથી થતાં.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK