મગજ દોડાવવું પડે તેવાં કામ સવારે કે સાંજે કરવાં જોઈએ?

Published: May 16, 2019, 14:23 IST | દર્શિની વશી | મુંબઈ

આપણું મગજ દરિયાથી પણ ઊંડું અને બ્રહ્માંડથી પણ વિશાળ છે. આટલું વિશાળ હોવા છતાં દિવસ દરમ્યાન તેની પ્રતિક્રિયા એકસમાન હોતી નથી.

મગજને તંદુરસ્ત કેવી રીતે રાખવું
મગજને તંદુરસ્ત કેવી રીતે રાખવું

રોજ સવારે વહેલાં ઊઠીને ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ, વહેલી સવારે ફ્રેશ માઇન્ડે અભ્યાસ કરવો જોઈએ, સવારે ઊઠતાંવેંત યોગાભ્યાસ કરવો જોઈએ વગેરે વગેરે વાક્યો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, પણ તેની પાછળ શું તથ્ય છે અને આપણા મગજની સાથે તેનો શું સબંધ છે તે ચોક્કસપણે શોધી શક્યા નથી. આપણા પૂર્વજો પણ એમ જ કરતા હતા એટલે બરાબર જ હશે એવું ધારીને આપણે તેના પર વિચાર કરવાનું મૂકી દઈએ છીએ. વાસ્તવમાં તેની પાછળ શું કારણ છે? સવારે જ કેમ આવા કાર્ય કરવા પર ભાર મૂક્યો છે, સાંજે કેમ નહીં? આ બધી વાતમાં કોઈ તથ્ય છે કે પછી એમ જ ચીલો ચાલ્યા કરે છે?

આપણું મગજ દરિયાથી પણ ઊંડું અને બ્રહ્માંડથી પણ વિશાળ છે. આટલું વિશાળ હોવા છતાં દિવસ દરમ્યાન તેની પ્રતિક્રિયા એકસમાન હોતી નથી. તમે નોંધ્યું હશે, સવારે ઊઠો ત્યારે એકદમ ફ્રેશનેસ અનુભવીએ છીએ, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો જાય તેમ ફ્રેશનેસમાં ઘટાડો થતો જાય છે. બપોરના ભોજન બાદ તો ફ્રેશનેસ એકદમ ગાયબ જ થઈ જાય છે અને આળસ ચઢવા લાગે છે અને સાંજે તો એમ થાય છે કે ક્યારે ખાટલામાં પડીએ. સાચી વાત છે ને? શું કામ સવારે આટલી ફ્રેશનેસ રહે છે અને સાંજે આળસ આવે છે? શું એટલે જ સવારે કામો કરવા પર ભાર મુકાયો છે? કે પછી માત્ર માનસિકતા છે? ચાલો વધુ ડીટેલમાં જાણીએ.

સાઇક્રેકિયાટ્રિસ્ટ ડૉ. પરેશ ત્રિવેદી કહે છે કે ‘લાંબી નિદ્રા બાદ સવારે આપણું તન અને મન બન્ને એકદમ તાજામાજા હોય છે તેમ જ આ સમયે મગજમાં કોઈ કેમિકલ લોચા પર થતા નથી. મગજ શાંત હોય છે, જેથી આ સમયે મગજને કસવાવાળાં કામ કરવાં જોઈએ, જેથી આખો દિવસ શાંતિપૂર્વક પસાર થઈ શકે, પરંતુ આજની લાઇફસ્ટાઇલ આમ કરવા દેતી નથી.’ ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સંદીપ મહેતાનું કહેવું છે કે ‘પહેલાંના સમયની લાઇફસ્ટાઇલ અલગ હતી. રાત્રે જલદી સૂઈ જવું અને સવારે વહેલું ઊઠી જવું. આજની સરખામણીમાં સ્ટ્રેસ પણ ઓછો હતો, જેથી સવારે વહેલાં ઊઠીને બધાં જરૂરી કામ પતાવતા હતા, પરંતુ આજના સમયમાં લાઇફસ્ટાઇલમાં ધરખમ ફેરફાર આવી ગયો છે. રાત્રે મોડેથી સૂઇએ છીએ અને સવારે વહેલા નથી ઉઠાતું. સવારના સમયે ફ્રેશનેસ હોય તે સાચી વાત છે, પરંતુ આજે ઘણા વિદ્યાર્થીઓ સવારના બદલે રાત્રે વાંચવાનું પસંદ કરે છે, કેમ કે તે સમયે તેમને નીરવ શાંતિ મળી રહે છે. આ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે તમારે કયું કામ ક્યારે કરવું જોઈએ તેનો આધાર દિવસ કે રાત પર નહીં, પરંતુ તમારા પોતાના પર છે’

સેલિબ્રિટીના ફિટનેસ ટ્રેઇનર કહેતા હોય છે કે સવારે જલદી નહિ ઉઠાય તો પણ કામમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે પોતાની જાતને વહેલી ઊઠવા માટે અને સવારે મહત્વનાં કામ કરવા માટે મજબૂર કરવી જોઈએ નહીં. સવારનો સમય અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જપાનમાં તાજેતરમાં કેટલાક શ્રમિકો પર હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે સવારના સમયમાં સ્ટ્રેસફુલ કામ ઘણી સારી રીતે પાર પડી શકે છે. જોકે, આ બાબતમાં ઘણી કૉન્ટ્રાવર્સી છે. એક વર્ગ એવો છે જે સવારે મગજ કસવાનાં કામ કરવામાં માને છે, જયારે બીજો વર્ગ એવો છે જે મગજ કસવાના કામ કરવા યોગ્ય સમયની રાહ નથી જોવા માગતો. જપાનની હોક્કાઇડો યુનિવર્સિટીના પ્રોફેસર યુઝીરો યામાનાકા જણાવે છે કે જો તમે સાંજના સમયે તનાવથી મુક્ત કામ કર્યું હશે તો બીજા દિવસની સવાર તમારી તાણમુક્ત હશે. સાંજના સમયે મગજમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે, જે માનસિક કામ કરવામાં અવરોધ ઊભો કરે છે તેમ જ બીમારીને પણ નોતરું આપે છે, પણ જો મગજમાં તાપમાન વધુ ઘટી જાય ત્યારે પણ જોખમી બની જાય છે એવા સમયે ઊંઘ વધુ આવે છે, જેને લીધે તેવા સમયે કરેલાં કામ નેગેટિવ રિઝલ્ટ આપે છે.

સ્ટ્રેસફુલ વર્ક ક્યારે કરવું જોઈએ

ડૉ. સંદીપ મહેતા કહે છે કે ‘તમારી પાસે સ્ટ્રેસવાળું કામ કયારે આવી પહોંચે છે તે કહી શકાય નહીં. અચાનક આવી ચઢેલું સ્ટ્રેસફુલ કામ તમારે ગમે તેવી મનોદશામાં પાર પાડવાનું રહે છે, પરંતુ જો તમારી પાસે આવા કામને પાર પાડવાનો સમય હોય તો તેને એવા સમયે હાથમાં લો જ્યારે તમે મેન્ટલી એકદમ રિલૅક્સ હોવ અને શારીરિક રીતે એનર્જીતી ભરપૂર હોવ. સ્ટ્રેસફુલ કામ કરતી વખતે મગજ સુન્ન થઈ જાય છે અને શરીરના તાપમાનમાં પણ ફેરફાર થાય છે, જેથી આવાં કામો શાંતિના સમયે કરવાં યોગ્ય રહેશે, પછી ભલે ત્યારે સવાર હોય કે સાંજ.’ આ વાતમાં ડૉ. પરેશ ત્રિવેદી પણ હોંકારો પુરાવે છે. તેમનું કહેવું છે કે ‘આજના સમયમાં ચોવીસ કલાક ભાગદોડ હોય છે. આવા સમયે ઘડિયાળ જોઈને સરળ અને કઠિન કામ કયારે કરવાં જોઈએ તે ફિક્સ કરી શકાય નહીં, પરંતુ તમે ક્યારે કામ કરવા માટે ફિટ છો તે વધુ મહત્વનું છે.’

આ પણ વાંચો : ઉનાળાનું સુપર ફૂડ : કાંદા

મગજને તંદુરસ્ત કેવી રીતે રાખવું

ડૉ. ત્રિવેદી કહે છે કે મગજને તંદુરસ્ત રાખવું હોય તો સૌથી પહેલાં સ્ટ્રેસથી દૂર રહો. નકારાત્મક વિચારોને ઘર નહીં કરવા દેવું. એક્સાઇઝ ઇઝ મસ્ટ અને તે પણ ઓછામાં ઓછી ૩૦થી ૪૦ મિનિટ. જો શક્ય હોય તો રોજ કસરત કરવી, નહીં તો વીકમાં ત્રણ વાર તો કરવી જોઈએ. ખોરાકમાં ભરપૂર ન્યુટ્રિશન મળી રહે તેવું આરોગવું. અને લાસ્ટ બટ નૉટ ધ લીસ્ટ, પ્રૉપર ઊંઘ. રાત્રે ઓછામાં ઓછી પાંચથી છ કલાકની ઊંઘ શરીર અને મનને માટે ઇંધણનું કામ કરે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK