Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કિડનીની હેલ્થ વધારવા માટે શું ખાશો અને શું નહીં?

કિડનીની હેલ્થ વધારવા માટે શું ખાશો અને શું નહીં?

22 February, 2019 01:09 PM IST |

કિડનીની હેલ્થ વધારવા માટે શું ખાશો અને શું નહીં?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દર્શિની વશી

‘કિડનીમાં પથરી થઈ ગઈ છે’, ‘ડાયાલિસિસ પર છે’, ‘કિડની ફેલ થઈ ગઈ છે’, ‘કિડની- ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે’ જેવા અનેક કેસ આજે આપણી સામે આવતા રહે છે અને સાચું કહીએ તો આવા કેસ સાંભળીને આપણને હવે નવાઈ પણ નથી લાગતી કે નથી આંચકો લાગતો. એનું કારણ છે આપણે એ પરિસ્થિતિને સ્વીકારી લીધી છે અને એની સાથે ઍડ્જસ્ટ થઈ ગયા છીએ. પરંતુ પરિસ્થિતિને સ્વીકારવાની અને એની સાથે ઍડ્જસ્ટ કરવાની પરિસ્થિતિ આવે જ નહીં એવું કંઈ કરીએ તો?



સૌરાષ્ટ્ર અને કચ્છના યુરોલૉજી વિભાગના વડાએ વિવિધ સર્વેક્ષણોના અભ્યાસ પરથી તારણ આપ્યું છે કે આપણા દેશમાં લગભગ એક કરોડથી વધારે કિડનીના પેશન્ટો છે. કિડનીનું મૂળ કામ શરીરમાં ઉત્પન્ન થતા કચરાને સાફ કરવાનું છે સાથે જ લોહીમાં જે વધારે પડતું પાણી છે એને શરીરમાંથી બહાર કાઢે છે. સાદી ભાષામાં કહીએ તો કિડની શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. શરીરનું બ્લડ-પ્રેશર પણ નિયંત્રિત કરે છે. આ સિવાય હાડકાંને મજબૂત કરવાથી માંડીને રક્તકણો પણ વધારે છે. બાપ રે... કદમાં આવડી નાની કિડની કેટકેટલું કામ કરે છેને? પરંતુ એને સાચવવા માટે આપણે શું કરીએ છીએ? કઈ વસ્તુ અને કેટલા પ્રમાણમાં ખાવાથી કિડની હેલ્ધી રહે છે એ વિશે આજે જાણી લો.


શું મહત્વનું?

શરીરને બહારથી તંદુરસ્ત રાખવા માટે જેમ એક્સરસાઇઝ જરૂરી છે એમ એને અંદરથી તંદુરસ્ત રાખવા માટે હેલ્ધી ડાયટ પણ જરૂરી છે અને જ્યારે કિડની જેવા મહત્વના ઑર્ગનની વાત થતી હોય ત્યારે ફૂડની ચોઇસ કરવી અત્યંત મહત્વની બની રહે છે. એમ જણાવીને ડાયટીશ્યિન શ્વેતા શાહ કહે છે, ‘આ ફૂડ આઇટમમાં સૌથી એસેન્શિયલ છે મિનરલ અને ફાઇબરયુક્ત ખાદ્યપદાર્થો જે તમારી કિડનીનું ધ્યાન રાખે છે. એ માટે ડાયટિશ્યન પણ એક જ સૂર પુરાવે છે. કિડનીના પ્રૉપર મૅનેજમેન્ટ માટે મિનરલ અને ફાઇબરયુક્ત પદાર્થો ખૂબ જ જરૂરી છે. જેમ કે કૅલ્શિયમ અને પોટૅશિયમ તેમ જ ફાઇબરયુક્ત ફૂડને જો યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એ બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખે છે અને બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહે તો કિડની પર પ્રેશર આવતું નથી. અને જો કિડની હેલ્ધી રહે તો આખું શરીર હેલ્ધી રહેશે.’


મિનરલ્સ અને ફાઇબર હોય શેમાં એ સવાલના જવાબમાં શ્વેતા કહે છે, ‘બધી બીમારીનો રામબાણ ઇલાજ વેજિટેબલ્સ અને ફ્રૂટનો મહત્તમ ઇન્ટેક છે. કિડનીને જરૂરી મિનરલ અને ફાઇબર ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાંથી ભરપૂર મળી રહે છે. ફ્રૂટ્સમાં મોસંબી, ઑરેન્જ, પેરુ, ઍપલ, પપૈયા બેસ્ટ છે. આ તમામ ફ્રૂટ્સમાં પુષ્કળ માત્રામાં પોટૅશિયમ મળી રહે છે, જ્યારે વેજિટેબલ્સમાં લીલી શાકભાજી જેવી કે પાલક, મેથી વગેરે ફાઇબર મેળવવા માટે એકદમ પર્ફેક્ટ છે. એમાંથી યોગ્ય પ્રમાણમાં ફાઇબર મળી રહે છે. હાઈ પોટૅશિયમ ફળોમાં કેળાં, ઑરેન્જ, ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ થાય છે તો લો પોટૅશિયમ ફૂડમાં ઍપલ, બ્લૅકબેરી, બ્લુબેરીનો સમાવેશ થાય છે. છાલવાળાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ જેવાં કે પેર, બીટ, ગાજર હાઈ ફાઇબરયુક્ત છે અને લો ફાઇબર ફ્રૂટ્સમાં વૉટરમેલન, જુસી ફ્રૂટ્સનો સમાવેશ થાય છે.’

કેટલું ખાવું?

પાંચ સર્વિંગ બોલ ભરીને ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ આખા દિવસ દરમ્યાન આરોગવાં જોઈએ. શ્વેતા કહે છે, ‘સવારે બ્રેકફાસ્ટ દરમ્યાન અથવા બપોરે બે રોટલી ઓછી ખાઈને કે પછી રાત્રે ડિનર સ્કિપ કરીને પણ સૅલડ તો લેવું જ જોઈએ. ભારતીયો વિદેશીઓની સરખામણીમાં ખોરાકમાં મિનરલ્સ ઓછા કન્ઝ્યુમ કરે છે, જેને લીધે અહીં કિડની ડિસીઝ પણ વધુ જોવા મળે છે. અને લાસ્ટ બટ ઇમ્ર્પોટન્ટ પૉઇન્ટ ભરપૂર પાણી પીઓ. જેટલા તમે હાઇડ્રેટેડ રહેશો એટલું સારું છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થશે. પરંતુ હા, જો તમે કિડનીની કોઈ બીમારીથી પીડાતા હો તો આ બાબતમાં ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ, કેમ કે દરેકની શરીરની જરૂરયાત અલગ-અલગ હોય છે. કેટલાક કિડનીના રોગોમાં ઓછું પાણી પીવાની પણ સલાહ અપાય છે. આજે ૩૫ વર્ષથી નીચેના લોકો પણ જો બ્લડ-પ્રેશર મપાવવા જાય છે તો તેમાંના મોટા ભાગના લોકોનું બ્લડ-પ્રેશર ઊંચું આવે છે. એનું કારણ શું છે? આ વયજૂથના લોકો વધુ ને વધુ પૅકેજ્ડ ફૂડ અને બહારનું ફૂડ લેતા હોય છે જેમાં પ્રચુર માત્રામાં સોડિયમ રહેલું હોય છે જે બ્લડ-પ્રેશર વધારે છે અને એની અસર કિડની પર થાય છે.’

સાવધાની કોણે રાખવી?

નીરોગી વ્યક્તિ માટે પોટૅશિયમ અને કૅલ્શિયમને કિડનીની તંદુરસ્તી માટે વધુ ખાવાની સલાહ આપીશ, પરંતુ જે પહેલેથી કિડનીના કોઈ પણ પ્રકારના રોગથી પીડાય છે તો તેમણે કોઈ પણ વસ્તુના વધુપડતા સેવન પહેલાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે. આ સંદર્ભે ડાયટિશ્યન ભારતી ગડા કહે છે, ‘કિડની અનેક બીમારીની જનેતા છે. એમાંની અમુક બીમારી સામાન્ય સારવારથી રિકવર થઈ જાય છે, જ્યારે કેટલીક બીમારી ગંભીર સ્વરૂપ પણ લઈ શકે છે. કિડનીના પેશન્ટને કેટલાંક મિનરલ્સ કિડનીની કન્ડિશન પ્રમાણે આપવાં પડે છે. કિડનીની કેટલીક સમસ્યામાં મિનરલ્સ શરીર માટે નુકસાનકારક પણ બને છે. જેમ કે જેમની કિડની ખરાબ થઈ ગઈ છે અથવા જે ડાયાલિસિસ પર છે તેમને અમે પોટૅશિયમ ઓછામાં ઓછું આપવાની સલાહ આપીએ છીએ. અહીં સુધી કે વધુ માત્રામાં પોટૅશિયમ શરીરમાં ન જાય એ માટે અમે વેજિટેબલ્સને ઉકાળીને આપીએ છીએ જેથી પોટૅશિયમનું લેવલ વધે નહીં. આવા વખતે શરીરમાં પાણીનું લેવલ વધે નહીં એનું પણ ધ્યાન રાખવું પડે છે. એવી જ રીતે સોડિયમ વધી જાય તો પણ મુશ્કેલી આવે છે અને સોડિયમ ઘટી જાય તો પણ મુશ્કેલી આવે છે. એવા ઘણા કેસ આવે છે. જેના શરીરમાં સોડિયમ એકદમ જ ઓછું થઈ ગયું હોય છે એને અમે ઘણી વખત કૅપ્સુલમાં ભરીને નમક આપી દઈએ છીએ. હવે આપણે ફાઇબરની વાત કરીએ તો આપણને ફ્રૂટ્સ, કાચા સૅલડમાંથી વધુ માત્રામાં ફાઇબર મળે છે. ફાઇબર યોગ્ય માત્રામાં હોય તો ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશરને પણ કન્ટ્રોલ કરે છે. ટૂંકમાં એ સુરક્ષા કવચનું કામ કરે છે, પણ જે લોકોના શરીરમાં પોટૅશિયમ વધારે હોય તેને ફ્રૂટ્સ અને રૉ વેજિટેબલ્સ ખાવાની સલાહ આપી શકાતી નથી. તેમના માટે ફાઇબરને અમારે અલગ રીતે સવર્‍ કરવું પડે છે. આવા સમયે બહારથી એનાં સપ્લિમેન્ટ લઈ શકાય. આ સિવાય ઇસબગુલ પણ લઈ શકાય જેને કોઈ પણ લોટમાં ભેળવીને રોટલી, ભાખરીના રૂપમાં લઈ શકાય છે.’

આ પણ વાંચો: નૅચરલી પ્રોબાયોટિક્સ મળી રહે એવી ઍન્ટિ-ડિપ્રેશન-ડાયટ

બહારના ખાવામાં ખાસ કરીને જન્ક ફૂડમાં વધુ માત્રામાં નમક આવે છે. એનાથી દૂર રહેવું. પૅકેજ્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આપણા શરીરને એટલા બધા સોડિયમની જરૂર નથી. ગ્રીન વેજિટેબલ્સમાં પાલક, મેથીમાં સૌથી વધુ સોડિયમ હોય છે. સોડિયમ વધુ હોય તો નમકને એકદમ નિયંત્રિત કરી દેવું. બીજી મહત્વની વાત એ કે આપણે ગમેતેટલું હેલ્ધી ખાઈએ, પરંતુ આદત ખરાબ હશે તો તમારી કિડની બગડીને જ રહેશે. ધૂમ્રપાન, શરાબનું સેવન, ગુટકા વગેરે તમારા શરીરને માત્ર ને માત્ર નુકસાન જ પહોંચાડે છે; જેથી કુટેવોથી દૂર રહેવામાં જ ભલાઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 01:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK