Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તાવ શરીરમાં ઉદ્ભવતી કુદરતી ને તંદુરસ્ત પ્રક્રિયા છે એટલું જાણી લો આજે

તાવ શરીરમાં ઉદ્ભવતી કુદરતી ને તંદુરસ્ત પ્રક્રિયા છે એટલું જાણી લો આજે

15 July, 2019 10:06 AM IST | મુંબઈ ડેસ્ક
અતુલકુમાર વ્રજલાલ શાહ - હેલ્થ ડિક્શનરી

તાવ શરીરમાં ઉદ્ભવતી કુદરતી ને તંદુરસ્ત પ્રક્રિયા છે એટલું જાણી લો આજે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે તાવ આવે એટલે ઘરમાં દોડાદોડી થવા માંડે. સૌપ્રથમ તો એ તાવને ઉતારી દેવા માટે ગોળીઓ દ્વારા એને દબાવી દેવામાં આવે છે. આપણે એ સમજવાની જરૂર છે કે તાવ આપણા શરીરમાં ઉદ્ભવતી કુદરતી અને તંદુરસ્ત પ્રક્રિયા છે. જેમ આપણે દૂધ અને પાણીને વિષાણુમુક્ત કરવા ગરમ કરીએ છીએ તેમ શરીરને વિષાણુમુક્ત કરવા આપણી અંદરની ઇમ્યુનિટી સિસ્ટમ આપણા શરીરને ગરમ કરે છે. શરીર જેવું નિર્દોષ સિગ્નલ આપનારું કોઈ સાધન નથી અને એ સિગ્નલને મોટો હાઉ સમજીને આપણે એ સિગ્નલ પર જ અટૅક કરીએ છીએ અને તાવને દબાવી દઈએ છીએ. કોઈ પણ બીમારી આવે ત્યારે સામાન્ય રીતે શરીરને પોતાને જ એને રેક્ટિફાઇ કરવાનો ચાન્સ આપવો જોઈએ જેથી આપણી ઇમ્યુન સિસ્ટમ કામે લાગે અને કાર્યરત થઈ શકે. મોટા ભાગે ઉતાવળમાં દવાઓ લઈ લેવાથી રોગ કાચો ને કાચો દબાઈ જાય છે અને ભવિષ્યમાં મહાશત્રુ થઈને આપણને દેખા દે છે. 

કેટલીક ભ્રામક ભ્રમણાઓ
સૌપ્રથમ આ તાવ શેના કારણે આવ્યો એ જાણ્યા વગર આ તંદુરસ્ત પ્રક્રિયાને આપણે દુશ્મન સમજી બેસીએ છીએ એમ જણાવીને ડૉ. પ્રશાંત શાહ કહે છે, ‘આપણે ત્યાં સમાજમાં એવી ખોટી ભ્રમણાઓ પ્રવર્તે છે કે માથું ગરમ થાય તો તાવ માથા પર ચડ્યો કહેવાય. એ ગેરસમજો દૂર કરવાની જરૂર છે. દરદીને ફ્રિજનાં કે બરફના ઠંડા પાણીનાં પોતાં ક્યારેય ન મૂકવાં જોઈએ. એની જગ્યાએ નવશેકા પાણીનાં પોતાંનો ઉપયોગ કરવો જોઈએ. આ સમયે દરદીને નાઇટ્રોજનનું નેગેટિવ બૅલૅન્સ થવાથી ખાવાનું ભાવતું નથી તેથી દરદીને રાંધેલો ખોરાક આપવા માટે ખોટી જબરદસ્તી ન કરવી જોઈએ.’ 
તાવના જુદા-જુદા પ્રકારો
તાવના ૮ પ્રકાર છે એમ જણાવતાં નવસારીના વૈદ્યરાજ ભરતભાઈ કહે છે,‘વાતજ્વર, પિત્તજ્વર, કફજ્વર, વાત અને પિત્ત જ્વર, વાત અને કફ જ્વર, પિત્ત અને કફ જ્વર, આગંતુક જ્વર અને વાત, પિત્ત અને કફ જ્વર. વિષ અને તડકાને કારણે જે તાવ આવે એને આગંતુક જ્વર કહેવાય છે. કફ અને પિત્તને કારણે જ્યારે તાવ આવે ત્યારે પહેલાં કફ પ્રકૃતિ થાય એટલે ઠંડી લાગે પછી પિત્ત જોર કરે એટલે ઉષ્ણતા વધે. વધેલું પિત્ત જ્યારે લોહીમાં ભળે ત્યારે શરીર ગરમ થાય છે અને તાવ આવ્યો હોય એવું જણાય છે. મલેરિયા, ઝેરી મલેરિયા, ચોથીય, એકાંતરીય વગેરે વિષમ જ્વરો કહેવાય છે.’ 
ઠંડી લાગીને તાવ આવે ત્યારે
ઠંડી લાગવા માંડે ત્યારે દરદીને ચોરસા, ધાબડા ઓઢાડવા જોઈએ. તાવમાં ખરેખર તો પોતાં ન મુકાય, પરંતુ ચંદનનો લેપ કરાય. ભરતભાઈ કહે છે, ‘તાડના પંખાની હવા નાખી શકાય. એ ત્રિદોષશામક છે. આખા શરીરે ક્યારે પણ પોતાં ન મૂકવાં જોઈએ. ઠંડી ચડી જાય અને ધ્રુજારી બંધ થાય પછી તાવ માપવો જોઈએ. પોતાં મૂકવાં જ હોય તો ૧૦૦થી ઉપર તાવ જાય પછી માથા પર ગુલાબજળ, ચંદનનું પાણી, સુખડ ઘસી પાણીમાં મેળવી મીઠાનાં પાણીના અને કૉલન વૉટરના પાણીમાં પટ્ટી પલાળીને માથા પર મૂકી શકાય. ચંદન ઘસીને કમળની પાંખડી જેટલો ઝાડો લેપ કપાળ પર કરી શકાય. લીમડો જૂનો અને મોટો હોય તો એની છાલ એ લાકડાના પાણીમાં ઘસીને એના પણ પોતાં મૂકી શકાય. કડવી અને ઉગ્રવાસયુક્ત લીમડાની છાલનો કે રતાંજલિનો કે ખીજડાનાં એટલે કે સમબાનાં પાનના રસનો લેપ તાવમાં કરી શકાય.’ 
એ સિવાય તાવ ૧૦૫ની ઉપર જાય તો પેટમાં વાયુનો ઉપદ્રવ સમજવો. ભજિયાં, ખમણ આદિમાં વપરાતાં સાજીનાં ફૂલ એટલે કે ખાવાનો સોડા અડધી ચમચી સાકર સાથે આપી શકાય. આંકડાનાં પાનને દીવેલ ચોપડી નસો પર રહે એવી રીતે પેટ અને પેડુના ભાગ પર મૂકીને 10 મિનિટ શેક કરવો જેનાથી વાયુ નીચે ઊતરી જાય છે. કાંસાના વાટકાથી ગાયનું ઘી સવાર-સાંજ બે વખત ઘસવું. પંખો, એસી કે ખુલ્લી બારીનો પવન લેવો નહીં. દરદીને આરામ કરાવવો. ઉકાળેલું પાણી ઠંડું કરીને તેમાં ફુદીનાનાં પાન રાખવાં. એ જ પાણી પીવું. સાંજે ફરી વાર નવું બનાવવું. 
તાવમાં આહાર શું લેશો?
શેકેલા ચણા, બાજરી-ડાંગરની ધાણી, સૂકી સફેદ કાળી અને લીલી દ્રાક્ષ તેમ જ મોસંબી, સંતરાં, પપૈયા, દાડમ અને ખારેક લેવી. ફ્રૂટજૂસ ન પીવા. બકરીના દૂધની અથવા એ ન મળે તો અન્ય દૂધ બે-ત્રણ ચમચી મેળવીને ચા બનાવી શકાય. લીંબુનું શરબત એક-બે વાર થોડા પ્રમાણમાં લેવાય. તાવમાં કમર કે બરડામાં દુખાવો થતો હોય તો નગોડનાં પાંદડાં લાવી શેક કરવો. 
મલેરિયાના તાવનો અનુભવસિદ્ધ પ્રયોગ
ગાય આધારિત કૃષિ ઝેરમુક્ત જિંદગી નામના પુસ્તકમાં જણાવ્યું છે કે મલેરિયાનો તાવ આવે ત્યારે આંકડાની ડાળી કાપીને લાવવી અને એને ધોઈને રાખવી અને ૨૫૦ ગ્રામ દૂધ ગરમ કરીને આંકડાની ડાળીના દાંતણ જેવા ચાર ટુકડા કાપી એ દૂધમાં મૂકવા અને એનાથી દૂધ હલાવવું. તેથી દૂધ ફાટી જશે અને પછી આંકડાની દાંડી કાઢી પેંડા બનાવવાની રીત મુજબ દૂધ હલાવવું અને ઘટ્ટ થવા આવે એટલે ૧૦૦ ગ્રામ ખાંડ ઉમેરવી. પેંડા બની જાય એટલે એના ૪ પેંડા વાળવા અને ઘરમાં ૪ વ્યક્તિ હોય તો સવારે ખાલી પેટે એક-એક પેંડો ખાઈ લેવાથી એક વર્ષ સુધી મલેરિયાનો તાવ આવતો નથી. આ પ્રયોગ ચોમાસામાં દરેક પરિવારે ખાસ કરવા જેવો છે. શ્રાવણ મહિનામાં પણ ૩૦ દિવસ રોજ સવારે નરણા કોઠે પાણી સાથે સુદર્શન ચૂર્ણ લેવાથી મલેરિયા અને પેટની બીમારીથી રક્ષણ મળે છે. 
તાવમાં શ્રેષ્ઠ લીમડાની ગળાનો ઉકાળો
એ જ રીતે લીમડાની ગળો પણ ૩૦ દિવસ સવારે પીવાથી તાવ સહિત અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. ગળો એક એવી વેલ છે કે એ જે વૃક્ષ પર ચડે એના ગુણો એનામાં લઈ લે છે. એનું જીવદળ એટલું બધું મજબૂત હોય છે કે એને મૂળમાંથી કાપી નાખો તો એની ડાળીઓમાંથી નવાં મૂળ ફૂટે છે અને એ જમીનમાં રોપાઈ જઈને પોતાનું જીવન ટકાવી રાખે છે. લીમડાની ગળો અનેક શ્રેષ્ઠ ઔષધોમાં એક ઉત્તમ ઔષધ છે. 
ડેન્ગી તાવમાં પપૈયું
ડેન્ગી તાવ આવે ત્યારે શ્વેતકણો ઘટી જવાથી ખૂબ ટૂંકા સમયમાં દરદીના જીવન પર જોખમ ઊભું થાય છે. પપૈયાનાં ઉપરનાં કૂણાં બે પાન લઈને એનો રસ કાઢીને સવાર-સાંજ દરદીને પીવડાવવાથી નજીક આવેલું દરદીનું મૃત્ય પણ અટકી જાય છે અને દરદી ત્રણ દિવસમાં જ સાજો થઈ જાય છે. વચમાં ડેન્ગીના ખૂબ વા આવ્યા ત્યારે પપૈયાનાં વૃક્ષો બાંડાં થઈ ગયાં હતાં, કારણ કે અનેક લોકોએ આ ઉકાળો પીવાનું શરૂ કર્યું હતું. 
ચિકનગુનિયાના તાવમાં વપરાતો ઉકાળો
ચિકનગુનિયાના તાવમાં શરીરનાં સાંધા અને હાડકાં દુખે છે. તુલસીનાં દસ પાન, ફુદીનાનાં દસ પાન, પાંચ કાળાં મરી, અડધી ચમચી સૂંઠ, અડધી ચમચી હળદર લઈને બધાને સાથે ખાંડીને એમાં લીમડાની ગળોના નાના-નાના ટુકડા ઉમેરી બે કપ પાણીમાં ધીમા તાપે ઉકાળવું. અડધો કપ પાણી બચે એટલે ઉતારી ઠરવા દેવું. સવાર-સાંજ પીવાથી ત્રણ જ દિવસમાં ચિકનગુનિયા મટે છે. દરેક સમયે આ ઉકાળો નવો બનાવવો. ગામડાંમાં અનેક જગ્યાએ કરવામાં આવેલો આ પ્રયોગ અત્યંત ઉપયોગી સાબિત થયો છે. - અતુલકુમાર શાહ



આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 10:06 AM IST | મુંબઈ ડેસ્ક | અતુલકુમાર વ્રજલાલ શાહ - હેલ્થ ડિક્શનરી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK