અટેન્શન પ્લીઝ, આવું કરશો તો ઘટી જશે કોરોના સામેની ઇમ્યુનિટી

Published: Mar 25, 2020, 18:56 IST | Sejal Patel | Mumbai

એ ચીજ છે ભય. કોરોના લાગી જશે તો એનો સતત ડર મનમાં રહ્યા કરે અને ઍન્ગ્ઝાયટી લેવલ એટલું વધી જાય કે જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય એવું સંભવ છે. આ કોઈ મનઘડંત વાત નથી, પરંતુ ન્યુરોસાયન્ટિસ્ટો અને સાઇકોલૉજિસ્ટોનું પણ કહેવું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

એ ચીજ છે ભય. કોરોના લાગી જશે તો એનો સતત ડર મનમાં રહ્યા કરે અને ઍન્ગ્ઝાયટી લેવલ એટલું વધી જાય કે જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય એવું સંભવ છે. આ કોઈ મનઘડંત વાત નથી, પરંતુ ન્યુરોસાયન્ટિસ્ટો અને સાઇકોલૉજિસ્ટોનું પણ કહેવું છે. ચોમેર ભયનું વાતાવરણ છે ત્યારે કોરોનાથી બચવા માટે ખરેખર ડરવું નહીં, પણ પ્રિકૉશન રાખવું એ બન્ને વચ્ચેનું બૅલૅન્સ જાળવવું બહુ જ આવશ્યક છે

રોજેરોજ કોરોનાથી સંક્રમિત દરદીઓના આંકડામાં વધારો થતો જાય છે જેને કારણે કેટલાક લોકો પૅનિક ક્રીએટ કરી રહ્યા છે. માસ્ક અને સેનિટાઇઝર્સનો સ્ટૉક ખૂટી ગયો છે અને લોકો રોજિંદા વપરાશની ચીજોની સંગ્રહખોરી કરી રહ્યા છે. સહેજ શરદી-ખાંસી થાય કે તરત જ પૅનિક થઈને લોકો ડૉક્ટરને ત્યાં પહોંચી જાય છે. યસ, પ્રિકૉશન રાખવાનું સારું જ છે, પણ પ્રિકૉશન પૅનિક ન બની જવું જોઈએ.

કોરોના એક અણધારી અને હજી અકળ કહેવાય એવી મહામારી છે. એની સામે રક્ષણ મેળવવા માટે સરકારે જે કોઈ પણ નિયમો લાગુ પાડ્યા છે એને સ્ટ્રિક્ટલી ફૉલો કરવા જરૂરી છે, પરંતુ એ પછીનો સમય બેઠા-બેઠા ચિંતા કર્યા કરવાથી ફાયદો નથી થવાનો. યસ, ટીવી ચૅનલો સતત ઊંચા સ્વરે અને વારંવાર આટલા લોકો મૃત્યુ પામ્યા અને અને આટલા લોકો ચપેટમાં આવી ગયા એના સમાચારો પીરસતી રહી છે એને કારણે મન સતત ઉચાટ અનુભવે છે. ક્યાંક હું પણ ચપેટમાં આવી જઈશ તો? આખી દુનિયામાં ચેપ ભરડો લેશે અને ઝૉમ્બી જેવી હાલત થઈ જશે તો? આવા કોઈ પણ પ્રકારના પૅનિક થૉટ્સ પણ તમને વધુ સંવેદનશીલ બનાવે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડવામાં કારણભૂત બની શકે છે.

આપણે જાણીએ જ છીએ કે કોરોના હોય કે અન્ય કોઈ પણ ચેપ. વાઇરલ હોય કે બૅક્ટેરિયલ, જો શરીરની પ્રતિકારક્ષમતા મજબૂત હોય તો તમે ભલભલા ચેપને છેટો રાખી શકો. જ્યારે ઢાલ નબળી હોય ત્યારે ચેપ લઈને ફરતા વાઇરસ-બૅક્ટેરિયારૂપી બાણોથી તમે છેદાઓ એવી સંભાવના પણ વધી જાય. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું ખાવું, શું પીવું, શું કરવું અને શું ન કરવું એવી ઘણી વાતો આપણે જાણી ચૂક્યા છીએ, પરંતુ રોગપ્રતિકારક શક્તિ નબળી ન પડે એ માટે પણ સજાગ અને સાવધ થવાની જરૂર છે. આ સાવધાની છે ખોટા ભયને દૂર રાખવાની. નાહકના ડરથી મનને નબળું નહીં પડવા દેવાનું. આ ભલે નાની લાગતી વાત હોય, પરંતુ બહુ જ મહત્ત્વની છે એવું સમજાવતાં સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ કહે છે, ‘માઇન્ડ અને બૉડી બહુ જ ઇન્ટરકનેક્ટેડ છે. મગજ જે કંઈ વિચારે છે કે મહેસૂસ કરે છે એની સીધી અસર શરીર પર પડે છે. ભય પામવું એ શરીરને બચાવવા માટે પણ એટલું જ જરૂરી છે. જો તમને સામે થ્રેટ દેખાશે તો જ તમે એનાથી બચવાના ઉપાયો કરશો, પરંતુ આ જ મગજ તમને નબળું પાડવાની ક્ષમતા પણ ધરાવે છે.’

ભય અને ઇમ્યુનિટી વચ્ચેનો સંબંધ

ઘણા લોકો કહેતા હોય છે કે જો તમે સતત કોરોના... કોરોના કર્યા કરો તો એ તમને આવીને વળગી જશે. શું આવું સંભવ છે? ના, પણ મગજના વિચારો તમારા શરીર પર ઊંડી અસર કરી શકે છે ચોક્કસ. ભય કઈ રીતે આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર કરી શકે એ ભારેખમ મેડિકલ ટર્મિનોલૉજીને બદલે સામાન્ય ભાષામાં સમજાવતાં નેહા પટેલ કહે છે, ‘માનવ શરીરમાં બે પ્રકારની નર્વસ સિસ્ટમ હોય છે. એક સિમ્પથેટિક અને બીજી પૅરાસિમ્પથેટિક. આ સિસ્ટમનું કામ છે કોઈ પણ પ્રકારની ભયજનક સ્થિતિ દેખાય તો તરત જ શરીરને એ બાબતે અલર્ટ કરી દેવું. સાદી રીતે સમજીએ તો ક્યાંક આતંકવાદી ઘૂસ્યા છે એવી ખબર પડે કે તરત જ તમામ પોલીસ-સ્ટેશનો પર એની માહિતી પહોંચી જાય અને આખા શહેરમાં હાઈ-અલર્ટ જારી થઈ જાય એવું જ કંઈક. કોઈ પણ પડકારજનક સ્થિતિમાં શરીરની ફાઇટ ઑર ફ્લાઇટ મોડ ઑન થઈ જાય અને એ કામ કરવામાં રોગપ્રતિકારક શક્તિ બહુ જ મોટો ભાગ ભજવે છે. સામેથી વાઘ આવે છે એ જોઈને તમે કેવા ત્યાંથી કેવીરીતે ભાગી જવાની પેરવીમાં આવી જાઓ છો? જેમ થ્રેટજનક સ્થિતિ જોવા, સાંભળવા મળે તોય બૉડી અલર્ટ થઈ જાય છે એમ આપણા વિચારો પણ બૉડીને અલર્ટ કરે છે. જ્યારે તમે સતત થ્રેટફુલ વિચારોમાં રહો છો ત્યારે બૉડી ફ્લાઇટ ઑર ફાઇટ મોડમાં આવી જાય છે. ડર લાગે ત્યારે સ્વાભાવિકપણે બ્લડ પ્રેશર હાઈ  થઈ જવું, પસીનો થવો, પલ્સ વધી જવી, પેટમાં ફાળ પડવી જેવાં ફિઝિકલ લક્ષણો જોવા મળે જ છેને! ટૂંકમાં માઇન્ડ અને બૉડી બહુ જ સંકુલ રીતે ઇન્ટરકનેક્ટેડ છે. સતત લગભગ ૨૪ કલાક સુધી ડરામણા વિચારોમાં રહ્યા કરો તો એની તમામ આંતરિક અવયવો પર અસર થાય. તમામ અવયવો સાથે ઇમ્યુન સિસ્ટમ પર પણ અસર પડે. સતત ચિંતા, ઍન્ગ્ઝાયટી, ઉચાટ, ડરવાળા વિચારોને કારણે બૉડી લાંબો સમય હાઈ-અલર્ટમાં રહે છે. પૅનિક સ્ટેટમાં લાંબો સમય રહેવામાં આવે તો બૉડીની રિઝર્વ એનર્જી ખર્ચાઈ જાય છે અને પછી જ્યારે ખરેખર એનર્જીની જરૂર પડે ત્યારે રિઝર્વ ખૂટી પડ્યો હોવાથી પ્રતિકારશક્તિ નબળી પડી જાય છે.’

સ્ટ્રેસથી નબળી પડે છે પ્રતિકારકતા

હાલમાં જ નહીં, આ પહેલાં પણ થયેલા અનેક અભ્યાસોમાં સાબિત થઈ ચૂક્યું છે કે સ્ટ્રેસ હૉર્મોન્સ કૉર્ટિકોસ્ટિરૉઇડને કારણે ઇમ્યુન સિસ્ટમની અસરકારકતા ઘટી જાય છે. જ્યારે પણ આ હૉર્મોન્સ શરીરમાં વધી જાય છે ત્યારે લિમ્ફોસાઇટ્સ નામના લોહીમાં રહેલા રોગપ્રતિકારોધક કણોની સંખ્યા અને ઇફેક્ટિવનેસ બન્નેમાં ઓટ આવતી હોવાનું નોંધાયું છે. બીજું, જ્યારે સ્ટ્રેસ વધી જાય છે ત્યારે લોકો એને નાથવા માટે મનગમતી અને શરીર માટે જોખમી કહેવાય એવી પ્રવૃત્તિમાં જોડાય છે. જેમ કે દારૂ પીવો, સ્મોકિંગ કરવું, જન્ક-ફૂડ ખાઈને ફીલગુડ કરવું. આ આદતો પણ ઇમ્યુનિટી ઘટાડે છે.

તો કરવાનું શું?

ચિંતા નહીં કરવાની તો શું બેફિકર થઈ જવાનું? ના. એ પણ બીજું જ અંતિમ છે. દરેક ભય ખોટા નથી હોતા. રૅશનલ ફિયર જરૂરી પણ છે. માત્ર આ ભયને ઓવરરીઍક્ટ ન કરવું જોઈએ. આ ભયને ઓવર-એક્ઝાઝરેટ ન કરવો જોઈએ એમ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ નેહા પટેલ કહે છે, ‘સજાગતા બહુ જ જરૂરી છે, પરંતુ એની સાથે નકારાત્મક વિચારોનો અનકન્ટ્રોલ્ડ ધોધ ન વહે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકોને ન મળવું અને સોશ્યલાઇઝિંગથી દૂર રહેવું જરૂરી છે જ, એ નિયમને ફૉલો કરવો જ જોઈએ. પણ જો હું કોઈને મળીશ તો મને ચેપ લાગી જશે. ઘરમાં પણ વાઇરસ ઘૂસી જશે અને મને લાગી જશે તો? એવા નાહક સ્ટ્રેસફુલ વિચારોથી બચવું જરૂરી છે. લોકો કહેતા હોય છે કે પૉઝિટિવ થિન્કિંગ કરો, પરંતુ કોરોનાને કારણે પ્રવર્તમાન સ્થિતિમાં માત્ર પૉઝિટિવ થિન્કિંગથી નહીં ચાલે. રૅશનલ થિન્કિંગ જરૂરી છે. મને તો કંઈ થાય જ નહીં અથવા થઈ શકે જ નહીં એવા પૉઝિટિવ થૉટ્સ હાનિકારક છે, પણ બને ત્યાં સુધી લોકોમાં હળવુંભળવું નહીં એ રૅશનલ થિન્કિંગ છે.’

હેરાન થવાનો ડર છે

જિંદગી જોખમમાં છે એવો ડર હોવા ઉપરાંત આજકાલ લોકોમાં સફરિંગનો ભય પણ વધી ગયો છે. સાઇકોલૉજિસ્ટ્સનું કહેવું છે કે મોટા ભાગના લોકો કહે છે કે તેમને મરવાનો ડર નથી પણ સફરિંગનો ડર છે. ક્વૉરન્ટીનમાં જવું પડશે? આઇસોલેશનમાં રહેવું પડશે તો? આવો અવાજબી અને કાલ્પનિક ભય નકામો છે એમ સમજાવતાં નેહા પટેલ કહે છે, ‘અમે લગભગ દસેક પ્રોફેશનલ સાઇકોલૉજિસ્ટોએ હાલના ભયના માહોલમાં અતિશય ઍન્ગ્ઝાયટી, ઉચાટ અને બેચેની ધરાવતા હોય

એવા લોકો માટે ફ્રી ટેલિફોનિક કાઉન્સેલિંગ સેશન્સ આપવાનું શરૂ કર્યું છે. ઘણા લોકોને ચિંતા હોય છે કે હવે ઇકોનૉમીનું શું થશે? પાછા બેઠા કેવી રીતે થઈશું? ઘરમાં ક્યાં સુધી રહેવું પડશે? વગેરે... આવા સમયે મનને શાંત કરવાનું બહુ જરૂરી છે. એટલું સમજવું અને સમજાવવું જરૂરી છે કે આ કાયમી અવસ્થા નથી. થોડુંક સફરિંગ છે, એને સહન કરવું પડી રહ્યું છે એમ માનવાને બદલે એને હકીકત સમજીને સ્વીકારી લેશો તો ઓછું આકરું લાગશે. આ દિવસો પણ જતા રહેશે એટલું યાદ રાખીશું તો ભલભલી કપરી પરિસ્થિતિને હૅન્ડલ કરી લેવાશે.’

શું કરવું જોઈએ?

માઇન્ડફુલનેસ બહુ જરૂરી છે. થોડોક સમય ધ્યાનમાં ગાળો.

ડીપ બ્રિધિંગ અને હળવા યોગાસનો દ્વારા જીવનશૈલીને સુધારવી જોઈએ.

નકારાત્મક વિચારોની પૅટર્નને કરેક્ટ કરવાની જરૂર છે.

આ સમયને ઑપોર્ચ્યુનિટી તરીકે આવકારી લો. નવરાશમાં જે કરવાનું બકેટ લિસ્ટ બનાવ્યું હતું એ પૂરું કરવા માંડો.

થોડોક સમય જાતની અંદર ખૂંપીને હાઇબરનેટ કરવાની જરૂર છે. એનાથી એનર્જી કન્ઝર્વ થશે, તમારી જિંદગીનું મૅપિંગ કરવાનો અવસર સમજશો તો રિયાલિટી ચેક કરવાનો સમય મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK