તમે પૉલ્યુટેડ હવા શ્વાસમાં લેશો તો સ્ટ્રોક આવી શકે છે

Updated: Nov 13, 2019, 15:45 IST | Sejal Patel | Mumbai

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં હવાના પ્રદૂષણને કારણે સ્વસ્થ યુવાનોમાં પણ અચાનક સ્ટ્રોક આવવાની શક્યતા વધતી હોવાની સંભાવના જતાવાઈ છે

પૉલ્યુટેડ હવા
પૉલ્યુટેડ હવા

મગજની નસોને લોહી પહોંચાડતી નળીઓમાં આવતા બ્લૉકેજને કારણે થતી તકલીફના કેસમાં જબરો વધારો થઈ રહ્યો છે અને એમાં ઍર પૉલ્યુશનનો પણ બહુ મોટો ફાળો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના એક રિપોર્ટમાં હવાના પ્રદૂષણને કારણે સ્વસ્થ યુવાનોમાં પણ અચાનક સ્ટ્રોક આવવાની શક્યતા વધતી હોવાની સંભાવના જતાવાઈ છે.

આ વખતે દિવાળી પછી મુંબઈની હવા આ પહેલાંનાં વર્ષોની સરખામણીમાં ઘણી સ્વચ્છ રહી, પરંતુ દિવાળી પછી હવાના પ્રદૂષણને કારણે દિલ્હીવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે અને એ માટેની ઑફિશ્યલ ચેતવણી પણ દિલ્હીના સ્વાસ્થ્ય ખાતા દ્વારા બહાર પડી છે. સામાન્ય રીતે પ્રદૂષણને કારણે ફેફસાં અને હૃદયની તકલીફો વધતી હોય છે. ધૂંધળી હવામાંના ઝેરી વાયુઓ અને પાર્ટિક્યુલેટ મેટરને કારણે ફેફસાંમાં ઇન્ફેક્શન અને કન્જેશનને કારણે શરદી, ખાંસી, બ્રોન્કાઇટિસ કે અસ્થમાની તકલીફો વણસતી હોય છે. પ્રદૂષિત હવાને કારણે હૃદયરોગના દરદીઓની સ્થિતિ પણ નાજુક થઈ જતી હોય છે. જોકે આ જોખમ માત્ર હૃદય, ફેફસાં કે ત્વચા સુધી જ સીમિત નથી, એનાથી મગજ પર પણ અસર થઈ શકે છે. સ્પેનની બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થના રિસર્ચરોએ હવામાંના દૂષિત કણોને કારણે શરીર પર શું અસર થાય છે એનો ઊંડો અભ્યાસ કરીને તારવ્યું છે કે ઍર પૉલ્યુશનને કારણે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું જોખમ વધે છે. કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદયને લોહી પહોંચાડતી અને હૃદયમાંથી શરીર સુધી લોહી પહોંચાડતી નળીઓમાં પ્રદૂષણને કારણે તકલીફ થાય છે. આ ડિસીઝને કારણે દરદીમાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોક એ બે મુખ્ય અને જોખમી સંભાવનાઓ ઊભી થાય છે. પ્રદૂષણની રક્તવાહિનીઓ પર થતી અસર સમજવા માટે અભ્યાસકર્તાઓએ લો-મિડલ ઇન્કમ દેશોમાં શહેરીવિસ્તારોમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય તપાસ્યું હતું. રક્તવાહિનીઓને જાડી કરવા માટે જવાબદાર અને ઍથરોસ્ક્લેરોસિસ નામની બીમારીની સંભાવના જાણવા માટે લોહીમાં કૅરોટિડ ઇન્ટિમા-મીડિયા થિકનેસ નામનું માર્કર તપાસવામાં આવે છે. જો આ માર્કર નિયત માત્રા કરતાં વધુ હાઈ હોય તો જે-તે વ્યક્તિને હાર્ટ અટૅક અને સ્ટ્રોક આવવાની સંભાવના વધારે હોય છે. આ અભ્યાસ માત્ર વિદેશોમાં જ નથી થયો, ભારતના મેટ્રો શહેરોમાં પણ એનો સૅમ્પલ સ્ટડી થયો હતો અને એમાં પણ ઍથરોસ્ક્લેરોસિસ માટેનું માર્કર હાઈ જણાયું હતું. અભ્યાસકર્તાઓએ વિવિધ પ્રકારની પ્રદૂષિત હવાનો અભ્યાસ કર્યો હતો. ટ્રાફિકને કારણે પેદા થતી હવામાં ફ્યુઅલનું પ્રદૂષણ હોય છે જ્યારે ઘરમાં રાંધવામાં વપરાતા ફ્યુઅલના અવશેષો તેમ જ ક્લીનિંગ એજન્ટ્સને કારણે પ્રસરતાં કેમિકલ્સની હાજરી હોય છે. અભ્યાસકર્તાઓના કહેવા મુજબ ૪૦ વર્ષની એજ પછી પ્રદૂષણને કારણે આ કાર્ડિયોમેટાબૉલિક રિસ્ક ફૅક્ટર વધતું હોય છે.

પ્રદૂષણ અને સ્ટ્રોક

દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતોએ પણ પ્રદૂષણમાં વધારો થયા પછી હાર્ટ અટૅક અને સ્ટ્રોકના દરદીઓમાં વધારો થયો હોવાનું નોંધતાં બે ચીજો તારવી છે. પહેલી વાત તો એ કે પૉલ્યુશનને કારણે સ્ટ્રોકના કેસમાં વધારો થાય છે અને બીજું, ૪૦ વર્ષની આસપાસના દરદીઓમાં સ્ટ્રોક આવવાનું જોખમ વધ્યું છે. શું આ સાચું છે? આ વિશે જાણવા અમે ગ્લોબલ હૉસ્પિટલના સ્ટ્રોક અને ન્યુરોલૉજિકલ કૅરના નિષ્ણાત ડૉ. શિરીષ હસ્તકને પૂછ્યું, શું હવાના પ્રદૂષણને કારણે સ્ટ્રોકનું જોખમ વધે ખરું? ડૉ. શિરીષ કહે છે, ‘ચોક્કસ વધી શકે. પહેલાં એવું મનાતું હતું કે પ્રદૂષિત હવાને કારણે હાર્ટ અને લંગ્સને જ અસર કરે છે, પરંતુ હવે અભ્યાસોમાં પ્રદૂષણને કારણે સ્ટ્રોકનું જોખમ વધતું હોવાની વાત બહાર આવી છે. ક્લિનિકલી પણ એ વાત જોઈ શકાય છે.’

કેમ અને કેવી અસર થાય?

પ્રદૂષણને કારણે સ્ટ્રોકનું જોખમ કેમ વધે છે એ સમજવું હોય તો પહેલાં જરાક સ્ટ્રોક એટલે શું એ સમજી લેવું પડે. જેમ હાર્ટમાંથી લોહી લાવવા-લઈ જવાનું કામ કરતી નળીમાં બ્લૉકેજ હોય તો અચાનક જ હાર્ટ અટૅક આવે છે એવું જ મગજમાં થાય છે. મગજને લોહી પહોંચાડતી ધોરી નસમાં બ્લૉકેજ આવે ત્યારે સ્ટ્રોક આવે છે. કેટલાક લોકો એ જ કારણોસર સ્ટ્રોકને મગજનો અટૅક કહે છે. જેમ કૉલેસ્ટ્રોલ વધવાને કારણે અથવા તો રક્તવાહિનીઓને કડક અને સાંકડી બનાવતો ઍથરોસ્ક્લેરોસિસનો રોગ થાય તો હાર્ટ અટૅકનું જોખમ વધે છે એમ મગજને લોહી પહોંચાડતી નળીમાં સંકોચન કે બ્લૉક આવે ત્યારે સ્ટ્રોક આવે છે. પ્રદૂષણને કારણે થતી અસર વિશે સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘હવામાંના પ્રદૂષકોને કારણે લોહીની અંદરની નળીઓનું ફંક્શન ચેન્જ થઈ શકે છે. આર્ટરીનો અંદરના પડને એન્ડોથેલિયમ કહેવાય છે. આ એક ખૂબ સક્રિય અવયવ છે જે શરીરમાં લોહીનો પ્રવાહ નિયમિત પ્રેશર સાથે થતું રહે એનું ધ્યાન રાખે છે. આર્ટરીની અંદરનો ટોન જો સ્મૂધ હોય તો બ્લડ-ફ્લો પણ સરસ રીતે ચાલે, પણ જો એમાં ગરબડ થાય, આર્ટરી સંકોચાય તો ફ્લોમાં રિસ્ટ્રિક્શન આવે. તમે જોયું હોય તો જ્યારે પણ બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે ક્લૉટ્સ થવાની સંભાવના પણ વધે છે. લોહી જાડું થયું હોય તો પણ બ્લડપ્રેશર ઘટે છે અને ક્લૉટ્સ થઈ શકે છે. આ ક્લૉટ્સ બહુ ટ્રિકી હોય. એ પેદા થાય એના ૨૪ કલાકમાં જ જો સાંકડી આર્ટરીમાં જઈને બ્લૉક થઈ જાય તો થોડીક ક્ષણો માટે મગજને લોહી મળતું અટકી જાય અથવા તો સાવ જ ધીમું પડી જાય. ઑક્સિજનયુક્ત લોહીના અભાવે મગજની કામગીરી ખોટકાય અને સ્ટ્રોકનાં લક્ષણો દેખા દે.’

stroke

અન્ય રિસ્ક ફૅક્ટર્સ પણ છે

પૉલ્યુશનવાળી હવા આખા શહેરના તમામ લોકો લેતા હોય છે એમ છતાં એની માઠી અસરો અમુક સેક્ટરના લોકો પર વધુ ખરાબ થતી હોય છે. એની પાછળ વ્યક્તિની ઇમ્યુનિટી અને હેલ્થ-હિસ્ટરી બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એમ જણાવતાં ડૉ. શિરીષ કહે છે, ‘આપણે ત્યાં ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, કૉલેસ્ટરોલ, ઓબેસિટીની સમસ્યા ખૂબ વધુ છે. આવા દરદીઓને પૉલ્યુશનને કારણે સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે. બીજું, જેમને ઑલરેડી એકવાર હાર્ટ અટૅક આવી ચૂક્યો છે, ઍથરોસ્ક્લેરોસિસની સમસ્યા છે કે સ્ટ્રોકનો હળવો હુમલો પણ આવી ચૂક્યો છે તેઓ નૅચરલી જ હાઈ રિસ્ક ફેક્ટરમાં આવે છે. પૉલ્યુશન આવા લોકો માટે વધુ જોખમી પુરવાર થાય છે.’

પ્રદૂષક કયું એના પર આધાર

આપણે જોયું કે સ્ટ્રોક આવવો એ કોઈ એક જ ફૅક્ટર પર આધારિત નથી, પરંતુ પ્રદૂષણ એક એવું ફૅક્ટર છે કે જે ક્યારેક ઇમિજિએટ ઇફેક્ટથી સ્ટ્રોક લાવી શકે. બની શકે કે તમે ઉપર જણાવ્યાં એવાં કોઈ જ જોખમી પરિબળો નથી ધરાવતાં, પરંતુ તમે જે પૉલ્યુટેડ હવા શ્વાસમાં લીધી છે એ જો એટલી ખરાબ અને ચોક્કસ ગૅસ કે વધુપડતા પર્ટિક્યુલેટ મેટરવાળી હોય તો એનાથી અચાનક પણ રક્તવાહિનીઓ કડક અને સાંકડી થઈ શકે છે. આવા કિસ્સામાં ૨૪ કલાકની અંદર જ સ્ટ્રોકનો હુમલો થાય એવું સંભવ છે. ડૉ. શિરીષ કહે છે, ‘પ્રદૂષણ મગજ માટે ક્યારે વધુ ઘાતક બનશે એ એમાં રહેલાં ગૅસ અને કયા રજકણો છે એના પર નિર્ભર છે. ક્યારેક પ્રદૂષણને કારણે ધીમે-ધીમે રક્તવાહિનીઓ પર અસર થાય તો એ લાંબા ગાળાની અસર થઈ જાય છે અને એમાં પ્રદૂષણને કારણે સ્ટ્રોક આવ્યો એવું લિન્કેજ તમે ન કરી શકો. જોકે હવે જાગી જવાનો સમય આવી ગયો છે. હવા જ જ્યારે ઝેરીલી થઈ ગઈ છે ત્યારે અચાનક જ યંગ એજના લોકોમાં પણ સ્ટ્રોકની સમસ્યા જોવા મળી રહી છે. પહેલાં જે સમસ્યા ૬૦-૬૫ પછી જોવા મળતી એ હવે ૪૦ વર્ષે આવે છે અને એ માટે પણ અગેઇન મલ્ટિફેક્ટર્સ કારણભૂત છે.’

કરવું શું?

પ્રદૂષણને કારણે સ્ટ્રોક ન આવે એનું પ્રિવેન્શન વ્યક્તિગત ધોરણે કરવું મુશ્કેલ છે. આ સામૂહિક સમસ્યા છે અને બધાએ ભેગા મળીને ઓછું પ્રદૂષણ થાય એ માટે મથવું જોઈએ. તમે ઝેરીલી હવા શ્વાસમાં ન લો એવું તો કોઈકને કહી શકાય એમ નથી. ઘરની બહાર ન નીકળો એમ પણ કહી શકાય નહીં. કેમ કે જ્યારે રોડ પરની હવા ઝેરીલી થઈ ગઈ હોય ત્યારે એની અસર ઘરની બંધિયાર હવામાં પણ હોય જ. હા, બહાર જતી વખતે માસ્ક પહેરો જેથી પર્ટિક્યુલેટ મેટર શ્વાસ વાટે અંદર ન જાય.

ઘરમાં ઍર પ્યૉરિફાયર વાપરી શકાય જેથી અંદરની હવા શુદ્ધ રહે.

સ્ટ્રોકનું જોખમ વધારનારા અન્ય ફૅક્ટર્સને કાબૂમાં રાખો. જેમ કે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન હોય તો દવા, ડાયટ અને જીવનશૈલીથી એને નિયંત્રણમાં રાખો.

સ્ટ્રોક આવે ત્યારે શું થાય?

હાથમાં સખત ઝણઝણાટી, અચાનક જ શરીર જકડાઈ જાય, બોલવા જાઓ પણ હોઠ જાણે હલે જ નહીં, મોં વાંકુ થઈ જાય, દૃષ્ટિ ધૂંધળી થઈ જાય અને શરીર પરનો મગજનો કન્ટ્રોલ ઘટી ગયો હોય એવું લાગે ત્યારે સ્ટ્રોક આવ્યો હોઈ શકે છે. દરેક સ્ટ્રોકમાં લકવો જ પડી જાય એવું જરૂરી નથી. ક્યારેક માઇલ્ડ અટૅક હોય તો ઉપરોક્ત હળવાં લક્ષણો પણ હોય.

સ્ટ્રોક હળવો હોય કે લકવો પાડી દે એટલો ગંભીર, બન્ને કેસમાં તરત જ હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દરદીને પહોંચાડવાનું જરૂરી છે. જેટલી જલદી આ રોગની સારવાર થાય એટલું મગજને ઓછું નુકસાન થાય છે અને ધારો કે લકવાગ્રસ્ત સ્થિતિ નિર્માણ થઈ હોય તોપણ એમાંથી રિકવરી ઝડપી બને છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK