Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અમૃતતુલ્ય પંચામૃત

અમૃતતુલ્ય પંચામૃત

25 August, 2020 06:41 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

અમૃતતુલ્ય પંચામૃત

પંચામૃત

પંચામૃત


દરેક શુભ કાર્યમાં સૌથી પહેલાં જેની જરૂર પડે છે એ પંચામૃત ભારતની ધાર્મિક સંસ્કૃતિનું પ્રતીક તો છે જ સાથે આરોગ્યવર્ધક પણ છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પાંચેય દ્રવ્યોને આયુર્વેદમાં બળવર્ધક રસાયણો કહ્યાં છે. તમામ રસાયણિક પદાર્થોનું સંયોજન થાય ત્યારે એનો પાવર અનેકગણો વધી જાય છે. એટલે જ પંચામૃત પૃથ્વી પરના અમૃત તરીકે ઓળખાય છે. આજે આપણે આયુર્વેદની દૃષ્ટિએ આ મિશ્રણનું સેવન કરવાના ફાયદા વિશે વાત કરીએ

 તહેવારોના દિવસોમાં પંચામૃતનું વિશેષ મહત્ત્વ હોય છે. રામનવમી અને કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાનને પંચામૃત સ્નાન કરાવવાનો મહિમા છે તો ગણપતિ બાપ્પાની પધરામણી વખતે પંચામૃત અર્પણ કરવામાં આવે છે. વાર-તહેવાર ઉપરાંત ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવો ત્યારે પણ પંચામૃત જોઈએ. આખા વર્ષ દરમિયાન દરેક ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાતું અને ત્યાર બાદ પ્રસાદીરૂપે ગ્રહણ કરવામાં આવતું પંચામૃત એના નામ પ્રમાણે અમૃત સમાન ગુણો ધરાવે છે. દૂધ, દહીં, મધ, ઘી અને સાકરનું સંયોજન શરીરમાં ઔષધિનું કામ કરે છે એવો આયુર્વેદમાં ઉલ્લેખ છે. આજે આપણે આ મિશ્રણના આરોગ્ય વિષયક ફાયદા જાણીશું.



વૈજ્ઞાનિક કારણો


સૌથી પહેલાં તો દૂધ, દહીં, મધ, ઘી અને સાકર આ પાંચેય દ્રવ્યનું મિશ્રણ કરવાનાં વૈજ્ઞાનિક કારણોને સમજીએ. દૂધમાંથી આપણને પ્રોટીન મળે છે પણ પચવામાં ભારે છે. દહીંમાં રહેલો ઍસિડ અપચાને મટાડવાનું કામ કરે છે. દહીં પચવામાં હળવું છે પણ એનાથી કફ-શરદી થઈ શકે છે. મધ કફનાશક છે, પરંતુ એની પ્રકૃતિ ગરમ છે. ઘી પિત્તનાશક છે અને શરીરને આવશ્યક ચરબી પૂરી પાડે છે. સાકરમાં આ ચારેય દ્રવ્યોનું દહન કરવાની ક્ષમતા છે. આમ પાંચ દ્રવ્યના સંયોજનથી તૈયાર કરવામાં આવતું પંચામૃત આરોગ્ય માટે લાભકારી છે.

ભૂખ ઊઘડે, રોગ મટે


પંચામૃત ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. પંચામૃત વડે સંકલ્પ લેવડાવવાની પરંપરા પાછળ સુંદર રહસ્યો છુપાયેલાં છે. આયુર્વેદમાં એની ગણના પૃથ્વી પરના અમૃતમાં થાય છે એમ જણાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. રવિકાંત શર્મા કહે છે, ‘આયુર્વેદમાં દૂધ, દહીં, ઘી, મધ અને સાકર આ પાંચેયને રસાયણિક પદાર્થ કહ્યા છે જે પોતાના ગુણધર્મને બીજા પદાર્થમાં છોડી દે છે. આપણા દેશમાં પૂજાપાઠ પૂર્ણ થયા બાદ પ્રસાદ ગ્રહણ કરવાની પ્રથા છે. આયુર્વેદમાં પંચામૃતને જઠરાગ્નિપ્રદીષ્ટ કહે છે. પ્રસાદ (જમણવાર) પહેલાં પંચામૃતનું સેવન કરવાથી ભૂખ ઊઘડે છે તેમ જ પાચનશક્તિ સુધરે છે. ઘી મુખ્ય ઘટક છે. એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દૂધ શક્તિવર્ધક છે. દહીં પાચનશક્તિ સુધારે છે. મધ અગ્નિપ્રદીષ્ટ, બુદ્ધિવર્ધક અને સૌંદર્યવર્ધક છે. સાકર આ રસાયણોને બૅલૅન્સ કરે છે. દરેક રસાયણ પોતાની રીતે બળવાન છે પણ જ્યારે એનું સંયોજન થાય ત્યારે પાવરફુલ ઔષધિ બને છે. આયુર્વેદના ગ્રંથોમાં પંચામૃતને પ્રકૃતિ ત્રિદોષનાશક કહે છે. પંચામૃતના સેવનથી જુદા-જુદા રોગના દરદીને લાભ થાય છે. વાત-પિત્ત, ચર્મરોગ, પાઇલ્સ, અસ્થમા, કાયમી શરદી-કફ જેવા રોગના દરદીઓને જમતાં પહેલાં પંચામૃતનું સેવન કરવાની સલાહ છે. નિયમિતરૂપે પંચામૃતનું સેવન કરવાથી ચહેરા પર નિખાર આવે છે. પાંચેય રસાયણોના સંયોજનના પાવરથી શરીરમાંથી કચરો સાફ થાય છે. પંચામૃત આપણા શરીરમાંથી ટૉક્સિનને બહાર ફેંકવામાં સહાય કરે છે.’

આયુર્વેદિક સપ્તામૃત

અમૃતતુલ્ય પંચામૃતના ચમત્કારિક ફાયદા છે તો આયુર્વેદમાં સપ્તામૃતનો ઉલ્લેખ છે. ડૉ. રવિકાંત શર્મા વધુ માહિતી આપતાં કહે છે, ‘ઉપરોક્ત પાંચ રસાયણિક પદાર્થમાંથી તૈયાર કરવામાં આવેલા પંચામૃતમાં તુલસીનું પાન અને ગાયના ઘીમાં ઘસીને બનાવેલી જવની પેસ્ટ ઉમેરવાથી એ સપ્તામૃત બને છે. તુલસી શ્રેષ્ઠ ઔષધિ છે તો જવના લોટમાંથી કૅલ્શિયમ મળે છે. આ તમામ પોષકતત્ત્વોથી તૈયાર કરવામાં આવેલું સપ્તામૃત બળવર્ધક, સૌંદર્યવર્ધક અને વીર્યવર્ધક છે. અનેક લોકો સાકરની જગ્યાએ ગોળનો ઉપયોગ કરે છે. ગોળમાં અઢળક શક્તિ છે. આપણા દેશમાં વિવિધ રાજ્યો પ્રમાણે પંચામૃતમાં નવીનતા જોવા મળે છે. પંચામૃતમાં તુલસીના પાન ઉપરાંત જાયફળ, કેસર અને સૂકો મેવો ઉમેરવામાં આવે છે. દક્ષિણ ભારતના લોકો એમાં નાળિયેર ઍડ કરે છે. જાયફળ, કેસર અને એલચીથી પંચામૃતમાં સુગંધ ભળે છે અને ટેક્સ્ચર સારું આવે છે. જાયફળ કફનાશક છે. એનાથી નિદ્રા સારી આવે છે. એલચી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. આ બન્ને વસ્તુનો પ્રયોગ પણ કરવા જેવો છે. જોકે ડ્રાયફ્રૂટ્સ ભેળવવાનો ખાસ ફાયદો નથી.’

ઋતુ પ્રમાણે સેવન

પંચામૃતની કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી. નાના-મોટા સૌકોઈ, કોઈ પણ રોગના દરદીઓ એનું પર્યાપ્ત માત્રામાં સેવન કરી શકે છે પરંતુ ઋતુ પ્રમાણે સેવન કરવામાં આવે તો એના ફાયદા વધી જાય છે. ડૉ. શર્મા કહે છે, ‘પંચામૃત ઇમ્યુનિટી બૂસ્ટર છે. જોકે રોજિંદા ઉપયોગમાં સપ્તામૃતનું સેવન કરવું વધુ લાભકારી છે. હાલમાં વર્ષાઋતુ ચાલે છે. બહારનું હવામાન ભેજવાળું હોય ત્યારે પંચામૃતમાં તુલસીપત્રના બદલે ફુદીના અને અજમાનાં પાન નાખવાં જોઈએ. જવના લોટની જગ્યાએ શેકેલી ચણાની દાળને ઘસીને ઉમેરવી. શિયાળો શરૂ થાય ત્યારે પંચામૃતમાં ચપટી પીપરીમૂળનો પાઉડર ઉમેરવો. કફની તકલીફ હોય તો સહેજ કાળાં અને સફેક મરીનો પાઉડર પણ ઉમેરવો. ગ્રીષ્મ ઋતુમાં બ્રાહ્મી અને શંખપુષ્પીનાં પાન નાખવાં જોઈએ. આ બન્ને પાનથી સ્મરણશક્તિ વધે છે. આમ અમૃતતુલ્ય પંચામૃતમાં વિવિધ પ્રકારની દેશી ઔષધિ ઉમેરવાથી અનેકગણો ફાયદો થાય છે.’

પંચામૃત સેવનનો સમય સવારનો છે. બજારમાં પંચામૃતપ્રાશન પણ મળે છે. વહેલી સવારે નરણા કોઠે એકથી ત્રણ ચમચી જેટલા પંચામૃતનું સેવન કરવું. ત્યાર બાદ અડધો કલાક પછી ચા-કૉફી પીવાં. પંચામૃતનું સેવન કર્યા પછી પાણી પીવાની સખત મનાઈ છે. આપણે ઘણાના ઘરમાં જોઈએ છીએ કે પૂજા પૂર્ણ થયા બાદ સાંજ સુધી આવનારા મહેમાનોને પ્રસાદીરૂપે પંચામૃત આપવામાં આવે છે. વાસ્તવમાં પંચામૃત બનાવ્યા બાદ અડધો કલાકમાં લઈ લેવું જોઈએ. લાંબો સમય રાખી મૂકવાથી એમાં ખટાશ આવી જાય છે. એવા સમયે પંચામૃતને રસોઈમાં ભેળવી દો તો એ પણ સાત્ત્વિક બની જાય છે. માત્ર પૂજા-પાઠ કરતી વખતે જ નહીં, આરોગ્ય માટે આ દ્રવ્ય બનાવીને ઘરની દરેક વ્યક્તિએ કાયમ સેવન કરવું જોઈએ.

ભગવાનની પૂજામાં કેમ વપરાય છે પંચામૃત?: હાર્દિક અધ્યારુ, બ્રાહ્મણ

ગણેશ સ્થાપનામાં મૂર્તિની જગ્યાએ સોપારી મૂકવામાં આવે ત્યારે એને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. લક્ષ્મીપૂજનમાં લક્ષ્મીજીને તો અન્ય પ્રસંગે બાલકૃષ્ણ અને શિવજીને પંચામૃતનો અભિષેક કરવાની પરંપરા છે. પંચામૃત વગર કોઈ પણ ભગવાનની પૂજા અધૂરી ગણાય છે. ભગવાનના ચરણમાં ધરવામાં આવેલું પુષ્પ આપણા જીવનપુષ્પનું પ્રતીક છે. ભગવાનના ચરણમાં અર્પણ કરવામાં આવેલું રસયુક્ત ફળ આપણા જીવનના ભિન્ન-ભિન્ન રસ સાથે સંકળાયેલું છે. એવી જ રીતે પંચામૃત બુદ્ધિ અને વિકાસનું પ્રતીક છે.

પંચામૃત સ્નાનના મહિમા વિશે સમજાવતાં હાર્દિકભાઈ અધ્યારુ કહે છે, ‘દરેક શુભ કાર્યમાં પંચામૃતની જરૂર પડે છે. દૂધ, દહીં, ઘી, મધ અને સાકરના મિશ્રણ વડે તૈયાર કરવામાં આવતાં પંચામૃતને ભગવાનના ચરણમાં અર્પણ કર્યા બાદ એ ચરણામૃત બને છે. આપણે જેમ નહાવા માટે શૅમ્પૂ અને સાબુનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે ભગવાનને આ પાંચ પ્રકારનાં આરોગ્યવર્ધક સાત્ત્વિક દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવે છે. ભગવાનના મસ્તક પર જ્યારે પંચામૃતનો અભિષેક કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં દૂધની ધાર દેખાય છે. દૂધનો રંગ શુભ્ર છે. જીવનમાં જે પણ કીર્તિ પ્રાપ્ત કરો એ ધવલ રંગ સમાન હોવી જોઈએ. દહીંનો વિશિષ્ટ ગુણ છે. એ ક્યારેય પોતાનું મૂળ વ્યક્તિત્વ ગુમાવતું નથી. દહીં દૂધમાં ભળીને એને પોતાના જેવું બનાવી દે છે. સૌ સાથે હળીભળીને તમારા મૂળ વ્યક્તિત્વને સાચવી રાખવાનો ગુણ તમારે દહીં પાસેથી ગ્રહણ કરવાનો છે. ધૃતસ્નાન એટલે કે ઘીનો અભિષેક. ઘી સ્નિગ્ધતા, સ્નેહનું પ્રતીક છે. બધા સાથે સ્નેહાળ સંબંધો રાખતાં શીખવે છે. મધ વગર પંચામૃત ન બને. મધ પુષ્ટિદાયક છે. આપણી આસપાસની અનેક પ્રકારની આસુરી શક્તિનો નાશ કરવા શરીરને પુષ્ટ રાખવું જોઈએ. મીઠાશ વગરનું જીવન નકામું છે. શર્કરાથી જીવનમાં મીઠાશ લાવવાની છે. ભગવાનને શર્કરા અર્પણ કરવાથી જીવનમાંથી કડવાશ દૂર થાય છે. આમ પંચામૃત આપણી વાણી, બુદ્ધિ, કીર્તિ અને અમૃતમય જીવનનું પ્રતીક છે. પંચામૃત સ્નાન કરાવતી વખતે ઘણા લોકો એમાં તુલસીપત્ર નાખે છે, જે ખોટું છે. સ્નાનમાં નહીં પણ ભગવાનના ચરણમાં પંચામૃત અપર્ણ કરો ત્યારે એમાં તુલસીપત્ર પધરાવવાનું છે. ચરણામૃતના પાનથી આરોગ્યમાં વૃદ્ધિ થાય છે અને સાત્ત્વિક તત્ત્વોમાં રહેલું સત્ત્વ આપણા જીવનમાં ઊતરે છે.’

દૂધ, દહીં, ઘી, મધ અને સાકરને આયુર્વેદમાં રાસાયણિક પદાર્થ કહ્યા છે. પાંચેય પદાર્થનું સંયોજન થાય ત્યારે એનો પાવર વધી જાય છે. આયુર્વેદમાં પંચામૃતને અમૃતતુલ્ય ઔષધિ કહ્યું છે. સવારના નરણા કોઠે એકથી ત્રણ ચમચી પંચામૃતનું સેવન કરવાથી વાત-પિત્ત, પાઇલ્સ, કફ, ચર્મરોગ, અસ્થમા જેવા રોગોમાં લાભ થાય છે. ઋતુ પ્રમાણે એમાં તુલસીપત્ર, ફુદીનો, બ્રાહ્મી, શંખપુષ્પી, કાળાં-સફેદ મરી, પીપરીમૂળ વગેરે દેશી ઔષધિ ઉમેરી સેવન કરવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે

- ડૉ. રવિકાંત શર્મા, આયુર્વેદ મેડિસિન એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2020 06:41 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK