ખાઓ છોને લાલ પાલક

Published: Dec 04, 2019, 11:58 IST | Ruchita Shah | Mumbai

લીલી પાલકના લાભ વિશે પુષ્કળ વાતો થઈ છે, પણ આજે જાણીએ લાલ પાલક વિશે. અર્મરન્થ અથવા તો લાલ માઠ તરીકે ઓળખાતી આ રેડ ભાજીને શિયાળામાં શું કામ ભોજનમાં સમાવવા જેવી છે એ જાણીએ

લાલ પાલક
લાલ પાલક

વર્ષો પહેલાં આવેલું કાર્ટૂન ‘પોપાય ધ સેઇલર મૅન’ યાદ છે? જેમાં પોપાય સ્પિર્નચ ખાય અને તેનામાં જોરદાર પાવર આવી જાય. સ્પિર્નચ ખાધા પછી પોપોય ભલભલા પહેલવાનને પણ ધૂળ ચટાવી દેતો. ગુણોનો ભંડાર રહેલી પાલકની વિશેષતાઓ જોતાં આવું દેખાડવું અતિશયોક્તિ નહીં ગણાય. ગયા મહિને અમેરિકાની ઍગ્રિકલ્ચરલ રિસર્ચ સર્વિસિસે રેડ પાલકની નવી વરાઇટી શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. શિયાળામાં પાલકની ભાજી ખવાતી હોય છે. બંગાળી અને મરાઠીઓમાં લાલ પાલક માઠની ભાજી તરીકે ખાસ્સી પૉપ્યુલર છે. જોકે ગુજરાતીઓમાં લાલ પાલક ખાવાનું ખાસ ચલણ નથી. મુંબઈમાં હવે જ્યારે શિયાળો પગ પાથરી રહ્યો છે અને ધીમે-ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામવાનો છે ત્યારે લીલી પાલક સામે લાલ પાલકની વિશેષતા વિશે વાત કરી લઈએ અને આ શિયાળામાં ડાયટમાં લાલ પાલકને કેવી રીતે સ્થાન આપી શકાય એ જાણીએ.
પોષક તત્ત્વોનું ઘર
લાલ પાલક પોષક તત્ત્વોની બાબતમાં ખૂબ રિચ છે અને લીલી પાલક કરતાં એના કમ્પોનન્ટ જુદા છે એમ જણાવીને ડાયેટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘રંગ જુદો હોય એટલે દેખીતી રીતે એના કમ્પોનન્ટ પણ બદલાય. લાલ પાલકને અર્મરન્થ પણ કહેવાય છે. આ ભાજી વિટામિન-કેથી ભરપૂર છે એટલે લોહીને પાતળું કરે છે. કૉલેસ્ટરોલ અને હૃદયરોગી હોય એવા લોકોને એના ઘણા ફાયદા છે. આયર્ન, ઍન્ટિ ઑક્સિડન્ટ્સ, વિટામિન-સી અને વિટામિન-એ, પ્રોટીન અને ફાઇબર પણ મોટા પ્રમાણમાં હોય છે. બાળકોના ગ્રોથ માટે, સ્કિન-હેરની ઓવરઑલ હેલ્થ માટે, એજિંગને ધીમું પાડવા માટે, કબજિયાત અને ડાયાબિટીઝમાં પણ ખૂબ ઉપયોગી છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.’
કહેવાય છે કે લીલી પાલકની તુલનામાં લાલ પાલકમાં ત્રણ ગણું કૅલ્શિયમ અને અને પાંચ ગણું નાયાસિન નામનું તત્ત્વ હોય છે.
કેવી રીતે ખવાય?
લાલ પાલક એકલી ન ખાવી જોઈએ એવી સ્પષ્ટતા કરતાં યોગિતાબહેન કહે છે, ‘પાલક અથવા લાલ પાલક મોટા ભાગે કૉમ્બિનેશનમાં ખાવામાં આવતી હોય છે. એનો સ્વાદ સહેજ તૂરો હોવાથી એકલી ભાવે પણ નહીં. એટલે મગની દાળ સાથે કે બીજા કોઈ શાક સાથે એને કૉમ્બિનેશનમાં બનાવીને એના સ્વાદને ડાયલ્યુટ કરી શકાય છે. ઘણા લોકો કાંદા-ટમેટાં સાથે આ ભાજીને મિક્સ કરે છે. લાલ પાલક એકલી દેખાવમાં મીટ જેવો લુક આપતી હોય છે એટલે ગુજરાતીઓને એ પણ કદાચ ન ગમે. એટલે મિક્સ કરીને ખાવાનું વધુ બહેતર પણ છે. ખાસ વાત એટલે લાલ પાલક અથવા તો બીજા કોઈ પણ શાકની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઓછી ન કરવી હોય એ માટે એમાં પાણી ઓછું નાખવું. એને બાફવા માટે જરૂરી પાણી શાકની કડાઈને ઢાંકવા એના પર પ્લેટમાં રાખવું. ડાયરેક્ટ પાણીને બદલે ઉપરના ઢાંકણમાં મૂકેલા પાણીની બાફથી એ બફાય તો એનાં પોષક તત્ત્વો બરકરાર રહે છે.’
કોણે ન ખવાય?
કોઈ પણ વસ્તુ મર્યાદામાં ખવાય તો જ એ લાભકારી હોય છે. લાલ પાલકમાં પણ આ વાત લાગુ પડે છે. યોગિતાબહેન કહે છે, ‘પાલકમાં વિટામિન-કે મોટા પ્રમાણમાં છે જેનું કામ લોહીને પાતળું કરવાનું છે એટલે જેમણે નજીકના સમયમાં કોઈ સર્જરી કરવાની હોય તેમણે આ ભાજી અવૉઇડ કરવી. અઠવાડિયામાં બેથી ત્રણ વાર એક બોલથી વધારે આ ભાજી ન ખાવી.’

ભારતમાં પૉપ્યુલર છે જુદી-જુદી વરાઇટી
બંગાળ: બંગાળમાં લાલ શાક તરીકે ઓળખાતી આ ભાજી પાંચ પ્રકારના ખાસ મસાલા નાખી (જેને ત્યાં પંચ ફોરન કહે છે) રાઈના તેલ સાથે બનાવવામાં આવે છે.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર અને ગોવામાં લાલ માટ અથવા તાંબડી ભાજી તરીકે ઓળખાતી લાલ પાલકને છીણેલા નારિયેળ સાથે બનાવવામાં આવે છે.
તામિલનાડુ: તામિલનાડુમાં લાલ પાલકનાં પાંદડાંને બાફીને એને વાટી એમાં મીઠું, લાલ મરચું અને જીરું નાખીને કીરાઈ મસિયાલ નામની પૉપ્યુલર ડિશ બનાવવામાં આવે છે.
કર્ણાટક: રાજગીરી અથવા કૅમ્પુ હારાવે સોપુ તરીકે ઓળખાતી આ ભાજીને અહીં દાળ અથવા વેજિટેબલ કઢીના ફૉર્મેટમાં બનાવવામાં આવે છે અને ભાત સાથે પીરસાય છે. અહીં જ મજ્જી ગે હુલી નામની દહીં સાથે બનતી વાનગી પણ ફેમસ છે.
કેરળ: ભાત સાથે ખાઈ શકાય એવી લાલ પાલકની સ્વાદમાં સહેજ ખાટી એવી વાનગી પ્રખ્યાત છે.

એક કપ પાલકમાં આટલાં પોષક તત્ત્વો
કુલ કૅલરી ૬.૪
કાર્બોહાઇડ્રેડ ૧.૧ ગ્રામ
પ્રોટીન ૦.૭ ગ્રામ
વિટામિન A ૧૬ %
વિટામિન C ૨૦%
વિટામિન K ૩૯૯%
ફોલેટ ૬%
રિબોફ્લેવિન ૩%
કૅલ્શિયમ ૬ %
મૅન્ગેનીઝ ૧૨ %

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK