તમે બ્લુ ટી ટ્રાય કરી કે નહીં?

Published: Dec 02, 2019, 13:13 IST | Varsha Chitaliya | Mumbai

કોયલનાં સુંદર ફૂલોમાંથી તૈયાર થતી આ ચા વજનને નિયંત્રણમાં રાખવા, નેત્રદાહ, ત્વચાની બળતરા, ઍન્ટિ-ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી અ‌ને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. વૈજ્ઞાનિકોએ જેને મેમરી બૂસ્ટર તરીકે ઓળખાવી છે.

હવે આવી છે બ્લ્યૂ ટી
હવે આવી છે બ્લ્યૂ ટી

ચા આપણા દેશનું સૌથી પ્રચલિત પીણું છે. વાસ્તવમાં આપણે એને એનર્જી ડ્રિન્ક તરીકે જ ટ્રીટ કરતા આવ્યા છીએ. ચા પીધા પછી જ કામ કરવાનું જોશ આવે. કેટલાક શોખીનોની તો ચા પીધા વગર સવારે આંખ પણ ઊઘડતી નથી. જોકે હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અંગે જાગરૂકતા વધતાં લોકો ચામાં નવા એક્સપરિમેન્ટ કરતા થયા છે. હેલ્થ કૉન્શિયસ લોકોમાં બ્લૅક ટી, ગ્રીન ટી, હર્બલ ટી જેવા ઑપ્શન્સ ઘણા વખતથી પૉપ્યુલર છે. હવે એમાં નવો ઉમેરો થાય છે બ્લુ ટીનો. જોઈને આંખોને ઠંડક પહોંચે એવા અટ્રૅક્ટિવ ટ્રાન્સપરન્ટ બ્લુ બટરફ્લાય ફ્લાવરમાંથી બનાવેલી આ ચાના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે એના અઢળક ઔષધીય ગુણો વિશે જાણીએ.
કોયલ (બ્લુ બટરફ્લાય ફ્લાવર) નામનાં ખૂબસૂરત ફૂલોમાંથી તૈયાર થતી બ્લુ ટીમાં સ્વાસ્થ્ય અને સુંદરતાનું રહસ્ય છુપાયેલું છે એવું શોધી કાઢવામાં આવ્યું છે. સ્ટડી કહે છે વજન ઘટાડવા, હૃદય અને મગજ સંબંધિત રોગોને કન્ટ્રોલમાં રાખવા, આંખના સામાન્ય રોગો અને નેત્રદાહ તેમ જ ત્વચાની બળતરા દૂર કરવામાં ઉપયોગી EGCG (છોડમાં મળી આવતા ઍપિગેલોકૅટેચિન ગૅલેટ નામના કમ્પાઉન્ડ)ની માત્રા આ ફૂલમાં ઘણી વધુ હોય છે. મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ બ્લુ બટરફ્લાય ફ્લાવરને વૈજ્ઞાનિકો મેમરી બૂસ્ટર કહે છે. મૂત્રાશયના સોજા માટે અકસીર ઔષધિ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. બ્લુ ટી પીવાથી યાદશક્તિ વધે છે એવો દાવો પણ થઈ રહ્યો છે.
રિલૅક્સેશન આપતી ટી
લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરોમાં બ્લુ કલરનાં પીણાંએ ડાયટ ફૉલો કરતા લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. શરૂઆતમાં બધાને લાગતું હતું કે આર્ટિફિશ્યલ કલર ઉમેરીને બનાવેલાં કોઈ કૉકટેલ ડ્રિન્ક હશે, પરંતુ આ નૅચરલ ડ્રિન્ક છે એવું જાણ્યા બાદ લોકોને એના વિશે જાણવામાં રસ પડ્યો. નાલાસોપારામાં પ્રૅક્ટિસ કરતાં ન્યુટ્રિશનિસ્ટ અને વેઇટલૉસ મૅનેજમેન્ટ એક્સપર્ટ રચના કરમાકર કહે છે, ‘આજકાલ ફૅશનની જેમ ડાયટનો ટ્રેન્ડ પણ ઇન્સ્ટાગ્રામથી સ્ટાર્ટ થાય છે. બ્લુ ટી આમ જોવા જાઓ તો નવું ડ્રિન્ક નથી પણ એના ફાયદા વિશે હવે સભાનતા આવી છે. ઍન્ટિ-ડિપ્રેશન, ઍન્ટિ-એજિંગ, મસલ્સ રિલૅક્સેશન, ઍન્ગ્ઝાયટી, અનિદ્રા વગેરે ઇશ્યુઝમાં બ્લુ ટી પીવાથી ઘણી રાહત થાય છે.’
બ્લુ બટરફ્લાય ફ્લાવરનો બ્રાઇટ બ્લુ રંગ એમાં રહેલાં ઍન્થોસાયનિન નામનું સક્રિય રંજકદ્રવ્યને આભારી છે. રચના કહે છે, ‘ન્યુરોલૉજિકલ સ્ટડી અનુસાર કલર આપણા બ્રેઇનને અલગ-અલગ રીતે ઇમ્પૅક્ટ કરે છે. ઍસિટાઇલ્કોલિન એક પ્રકારનું ન્યુરોટ્રાન્સમીટર છે જે મગજ અને શરીરમાં આવેલા મસલ્સ વચ્ચેના સંદેશવ્યવહાર માટે મહત્ત્વપૂર્ણ છે. તેથી જ વૈજ્ઞાનિકોએ એને મેમરી બૂસ્ટર કહ્યું છે. તમને યાદ હોય તો આપણે નાના હતા ત્યારે યાદશક્તિ વધારવા શંખપુષ્પી નામની આયુર્વેદ ઔષધિ લેતા હતા. શંખપુષ્પીમાં જે ચાર મુખ્ય કમ્પાઉન્ડ છે એમાં એક નામ કોયલના ફૂલનું છે. યાદશક્તિ માટે બ્લુ ટી જ નહીં આ ફૂલમાંથી તૈયાર થયેલાં કોઈ પણ પીણાં અને વાનગીઓ મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મગજનું સ્વાસ્થ્ય સારું રહે તો સ્ટ્રેસ ન આવે. એટલે જ એને સ્ટ્રેસ રિલીફ ડ્રિન્ક કહેવાય છે. હવે તો બ્લુ રાઇસ અને બ્લુ બ્રેડ પણ અવેલેબલ છે.’
નો કૅફીન
બ્લુ ટીમાં ઝીરો પર્સન્ટ કૅફીન છે એ જ સૌથી મોટું હેલ્થ બેનિફિટ કહેવાય એમ જણાવતાં રચના કહે છે, ‘સવારના નાસ્તા સાથે આપણે ચા-કૉફી લઈએ છીએ (પછી ભલે શુગર વગરની હોય) એમાં કૅફીનની માત્રા હોય છે જે તમારા શરીરમાં આયર્નને ઍબ્સૉર્બ થવામાં રૂકાવટ ઊભી કરે છે. તમે ડાયટને વ્યવસ્થિત ફૉલો કરતા હો અને નાસ્તામાં હેલ્ધી પૌંઆ બનાવ્યા હોય પણ સાથે ચા પીઓ તો પૌંઆમાંથી મળતું આયર્ન શરીરમાં જાય નહીં. ડાયટ ચાર્ટ પ્રમાણે હેલ્ધી નાસ્તા સાથે એવી ચા પીવી જોઈએ જે આયર્નને ઍબ્સૉર્બ કરવામાં હેલ્પ કરે. તમે ઇચ્છો તો એને નાસ્તા સાથે અથવા નાસ્તો કર્યા બાદ પી શકો છો. બ્લુ ટીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ડાયાબિટીકનો ગુણ પણ છે, તેથી કોઈ આડઅસર થતી નથી.’
વજન ઘટાડવામાં પણ ફાયદાકારક
બ્લુ ટી પીધા પછી તમે રિફ્રેશિંગ ફીલ કરો છો. બ્લુ ટીમાં ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન સામે લડવાની ક્ષમતા છે. બ્લડ-પ્રેશરના દરદીઓ માટે બેસ્ટ ડ્રિન્ક છે. આ સીઝનમાં ઠંડીના લીધે શરદી-કફની અસર જણાય તો બ્લુ ટી પીવાની નિષ્ણાતો સલાહ આપે છે. એનાથી શરીરમાં ગરમાટો રહેશે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ ધરાવતી બ્લુ ટી તમારા વજનને નિયંત્રણમાં રાખે છે. બ્લુ ટીની કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી અને વજનને નિયંત્રણમાં રાખવામાં પણ ઘણી હેલ્પ કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે વજન ઉતારવા તમે આખો દિવસ પીધા કરો. રચના કહે છે, ‘કોઈ પણ વસ્તુનો અતિરેક ન હોવો જોઈએ. ફટાફટ વજન ઘટાડવાની લાલચમાં ઘણા લોકો જમવાનું સ્ક‌િપ કરી બ્લુ ટી પીધા કરે છે. આ રીત સાવ જ ખોટી છે. બૅલૅન્સ્ડ ડાયટ સાથે એને લેવામાં આવે તો રિઝલ્ટ સારું આવે છે. બ્લુ ટી વજન ઘટાડવામાં તમને હેલ્પ કરે છે. દિવસમાં ત્રણથી ચાર કપ પીવામાં કોઈ વાંધો નથી.’
ટી ઉપરાંત અન્ય ઉપયોગ
દક્ષિણ એશિયાના લગભગ બધા જ દેશોમાં ઊગતાં આ ફૂલો સુગંધરહિત હોય છે. ચીન અને તાઇવાનના લોકો સદીઓથી બ્લુ ટીનું સેવન કરે છે. મલેશિયા, ફિલિપીન્સ, થાઇલૅન્ડ અને સિંગાપોરમાં રોજિંદી રસોઈ અને સૅલડમાં આ ફૂલોમાંથી બનાવેલા પાઉડરનો છૂટથી ઉપયોગ થાય છે. અનેક પ્રકારના રોગ દૂર કરવાની ક્ષમતા ધરાવતાં આ ફૂલો તમારી સુંદરતા વધારવાનું કામ પણ કરે છે. થાઇ મસાજ માટે બ્લુ બટરફ્લાય છોડના રૂટ્સનો લેપ બનાવી શરીર પર લગાવવામાં આવે છે. વ્યાવસાયિક ધોરણે પણ એનો ઉપયોગ વધ્યો છે. આ સંદર્ભે વાત કરતાં રચના કહે છે, ‘ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સમાં અન્ય વસ્તુ સાથે એને મિક્સ કરવામાં આવે છે. વાળ અને સ્ક‌િનની સુંદરતા વધારે છે તેથી કૉસ્મેટિક્સ ઇન્ડસ્ટ્રીમાં પણ ઉપયોગ થાય છે. દિવસભરની ભાગદોડ અને થાક દૂર કરવા બ્લુ ટી એ બેસ્ટ ડ્રિન્ક ઑપ્શન છે. તમારા ડાયટ ચાર્ટમાં વેરિએશન ઍડ કરવા બ્લુ ફ્લાવર ઉપરાંત હિબિસ્કસ (જાસૂદનું ફૂલ)નો ઉપયોગ કરવો જોઈએ. ગ્રીન અને હર્બલ ટીની સાથે બ્લુ ટી ઍડ કરવાથી નવીનતા મળી રહેશે અને લાભ પણ થશે. બ્લુ ટીને ઠંડી અને ગરમ બન્ને રીતે પીવાથી ફાયદો થાય છે. સૌથી મહત્ત્વની વાત આખા દિવસમાં વધુમાં વધુ દસ ગ્રામ પાઉડરનો ઉપયોગ કરવો. બે-બે ગ્રામ કરીને ચા બનાવવી. ભાવે તો પાઉડરના બદલે આખા સૂકવેલા ફ્લાવરમાંથી ચા બનાવો. ચા પીધા પછી ફ્લાવરને ચાવી જાઓ.’

સ્ટોર કરવાની રીત
તાજાં ફૂલને ચૂંટી એની પાંદડીઓને છૂટી પાડી અથવા આખા ફૂલને એમ જ થાળીમાં ફેલાવી રસોડાની બારી અથવા ગૅલરીમાં અઠવાડિયા સુધી હવામાં સૂકવવા દો. ફૂલ પર આકરો તડકો પડવો ન જોઈએ. કેટલાક લોકો સૂકવેલા ફૂલનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે તો કેટલાક એનો પાઉડર બનાવીને સંગ્રહી રાખે છે. ફૂલ સાવ સુકાઈ ગયા પછી મિક્સરમાં પીસી પાઉડર બનાવી ઍરટાઇટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકાય. આ પાઉડરને તમે આખું વર્ષ ચા ઉપરાંત વિવિધ પ્રકારનાં ડ્રિન્ક અને વાનગીઓનો રંગ બદલવા માટે ઉપયોગમાં લઈ શકો છો. એનાથી વાનગીનો કલર અટ્રૅક્ટિવ દેખાશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. જોકે સૂકવવાની મગજમારીમાં ન પડવું હોય તો બજારમાં સૂકવેલાં ફૂલો અને પાઉડર બન્ને સરળતાથી ઉપલબ્ધ છે.

બ્લુ ટીની રેસિપી
ગરમ બ્લુ ટી
સામગ્રી :
☞ દોઢ કપ પાણી,
☞ બે ગ્રામ બ્લુ બટરફ્લાય પાઉડર,
☞ પાંચથી સાત ટીપાં લીંબુનો રસ
રીત :
એક તપેલીમાં પાણી ગરમ કરો. ઊકળે એટલે ગૅસ બંધ કરી દો. એમાં બે ગ્રામ પાઉડર નાખી પાંચ મિનિટ ઢાંકીને રહેવા દો. બ્લુ ટીને ગાળ્યા વગર કપમાં રેડી એમાં લીંબુનો રસ નાખી ગરમાગરમ પીઓ.

ચિલ્ડ બ્લુ ટી
સામગ્રી :
☞ એક ગ્લાસ પાણી,
☞ બે ગ્રામ બ્લુ બટરફ્લાય પાઉડર,
☞ પાંચથી સાત ટીપાં લીંબુનો રસ,
☞ આઇસક્યુબ
રીત :
પાણીમાં બ્લુ બટરફ્લાય પાઉડરને નાખી થોડી વાર રહેવા દો. કલર પકડાય પછી આઇસક્યુબ અને લીંબુ ઉમેરી પીઓ.

આ પણ ટ્રાય કરી જુઓ
બ્લુ બટરફ્લાય ફ્લાવરમાંથી શરબત પણ બનાવી શકાય. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી પાઉડર અને ખાંડ નાખી થોડી વાર રહેવા દો. પાણીનો રંગ બદલાય પછી એમાં લીંબુ નિચોવી પી જવું. આ ડ્રિન્કથી તાજગીનો અહેસાસ થાય છે અને શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. આ પાઉડરનો ઉપયોગ કરી જુદા-જુદા મૉકટેલ બનાવી શકાય છે. મૉકટેલના કલરમાં વેરિએશન ઍડ કરવા ઇચ્છા હોય તો હિબિસ્કસ (જાસૂદનું ફૂલ)નો પાઉડર પણ ઉમેરી શકાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK