આલૂ મેથી, તડકા દાલ અને પનીરની લઝીઝ પંજાબી વાનગીઓ ખાવા ચાલો

Published: Dec 10, 2019, 13:11 IST | Divyasha Doshi | Mumbai

મોહમ્મદઅલી રોડ અને યુસુફ મહેરઅલી રોડના જંક્શન પાસે ઝકરિયા મસ્જિદની સામે છ દાયકા પહેલાં ખૂલેલી નાનુમલ ભોજરાજની પંજાબી ખાણું પીરસતી રેસ્ટોરાં હવે તો મુંબઈમાં બીજી ૧૭ જગ્યાએ ખૂલી ગઈ છે, પણ અમે સૌથી જૂની અને પહેલી શાખામાં જઈને ત્યાંનું ભોજન ચાખ્યું.

થાળી
થાળી

મોહમ્મદઅલી રોડ અને યુસુફ મહેરઅલી રોડના જંક્શન પાસે ઝકરિયા મસ્જિદની સામે છ દાયકા પહેલાં ખૂલેલી નાનુમલ ભોજરાજની પંજાબી ખાણું પીરસતી રેસ્ટોરાં હવે તો મુંબઈમાં બીજી ૧૭ જગ્યાએ ખૂલી ગઈ છે, પણ અમે સૌથી જૂની અને પહેલી શાખામાં જઈને ત્યાંનું ભોજન ચાખ્યું. અહીં એવી કોઈ નવી વાનગી નથી જે તમે ઘરે અથવા તો બીજી રેસ્ટોરાંમાં ન ખાધી હોય, પણ એનો સ્વાદ કેવો છે એ જાણવા આ વાંચો.

કકડીને ભૂખ લાગી હોય, સામે થાળી પીરસાયેલી હોય ને એમાં પીરસાયેલી વાનગીઓનો સ્વાદ સુગંધ બનીને તમને તરબતર કરી રહ્યો હોય ત્યારે દુનિયાની કોઈ જ વાત તમારું ધ્યાન બદલી શકતી નથી. ઘી નીતરતી પોચી રોટલીને જમણા હાથના અંગૂઠા અને આંગળીઓ વડે પકડી એક બટકું તોડતી સમયે સામે મૂકેલી ત્રણ-ચાર વાટકીઓ પર તમારી નજર ફરે છે. આલૂ મેથી, ભીંડાનું શાક, કારેલાનું શાક, પનીરનું શાક, મિક્સ શાક અને દાળ. ભીંડાના શાકમાંથી રોટલી વડે બેત્રણ ભીંડાના બટકા ઉપાડી મોંમાં મૂકતાં જ જે તૃપ્તિ થાય એ વર્ણવી શકાય એમ નથી. આ ભીંડા કોરા છે. એની સાથે બટાટા પણ છે. વળી એના પર લાગેલો મસાલો તાજો પીસેલો લાગે. સ્વાદમાં મસાલાની તાજી સોડમ છે તો સાથે ભીંડાની ભરપૂરતા છે. મોઢામાં મૂકતાં જ પહેલાં તાજી રોટલીનો સ્વાદ ઘી સહિત તમને સ્પર્શે અને પછી જેમ-જેમ ચાવતા જાઓ તેમ-તેમ એમાંથી શાકનો સ્વાદ ભળતો જાય. બીજું બટકું આલૂ મેથીનું લઈને મોઢામાં મૂકતાં જ તાજી લીલી ભાજીની નજાકત સાથે બટાટાનો મુલાયમ માવો સ્વાદેન્દ્રિયને રસતરબોળ કરી દે છે.

આવો જ કંઈક અનુભવ નાનુમલ ભોજમલની થાળીમાંથી ભોજન કરતાં થયો. આ થાળીમાં એકેય વાનગી નવીન નથી. આ બધાં જ શાક આપણે ઘરોમાં અને અનેક રેસ્ટોરાંઓમાં ખાધાં જ છે, પણ એ છતાં નાનુમલ ભોજમલની થાળીમાંથી વિશિષ્ટ રસ ઝરે છે અને એટલે જ એનું વર્ણન કરવાનું મુશ્કેલ છે. તાજી રોટલી અને શાકના સ્વાદનો તો અનુભવ જ કરવો પડે, એને શબ્દમાં વર્ણવવો કેવી રીતે એ મુશ્કેલી છે.

thali-02

પંજાબી ખાવાનું તો અનેક વાર ખાધું, પણ કેટલાક સ્વાદ અનોખા હોય છે.

મોહમ્મદઅલી રોડ અને યુસુફ મહેરઅલી રોડના જંક્શનની નજીકમાં ઝકરિયા મસ્જિદની સામે છેલ્લાં ૬૦ વરસથી નાનુમલ ભોજરાજની હોટેલ આવેલી છે. મૂળ પાકિસ્તાનનું સિંધી કુટુંબ જે ૧૯૪૯-૫૦માં હિજરત કરીને મુંબઈ પહોંચ્યું હતું. હાલ જે આ રેસ્ટોરાં સંભાળે છે તે કિશોર ગાબા ખૂબ નમ્ર સ્વરે કુટુંબનો ઇતિહાસ કહે છે. નાનુમલ તેમના દાદા હતા જેમણે પાકિસ્તાનથી હિજરત કરીને ભારતમાં આવ્યા બાદ કોઈ સિંધી કૅમ્પમાં રહેવા કરતાં મુંબઈ આવીને સ્થાયી થવાનું પસંદ કર્યું. પાસે હતા ફક્ત ૧૭૦૦ રૂપિયા. પાકિસ્તાનના શિકારપુરમાં તેમની મીઠાઈની દુકાન હતી એટલે તેમને આવડતું કામ અહીં મુંબઈમાં આવીને શરૂ કર્યું. સૌ પહેલાં ખારમાં નાનુમલ થારુમલ સ્વીટ શૉપ શરૂ કરી. ત્યાર બાદ ૧૯૬૦માં તેમના પિતાજી ભોજરાજે મસ્જિદ બંદર સ્ટેશન નજીક એક દુકાનનો ગાળો લીધો. એમાં પણ સ્વીટ શૉપ શરૂ કરી ૧૯૬૦ની સાલમાં જે પછી તરત જ ભોજનાલય બનાવ્યું. એ સમયે મસ્જિદ બંદરમાં અનેક વેપારી કામકાજ થતાં. વ્યવસાયિક લોકોથી ધમધમતા એ વિસ્તારમાં શુદ્ધ શાકાહારી ભોજનાલયની માગ ઊભી થઈ હતી. દુકાનને નામ આપ્યું નાનુમલ ભોજરાજ. શુદ્ધ મસાલા અને તાજી શાકભાજી સાથે ઘર જેવું ભોજન આપવાની શરૂઆત કરી એ આજે તેમના દીકરાઓ કિશોર, પહિલાજ અને તેમના દીકરાઓ ચલાવી રહ્યા છે. કિશોર ગાબા કહે છે, ‘દસમા ધોરણથી તેઓ અહીં દુકાન પર આવીને કામ કરે છે. લોકોને સંતોષથી ખાતા જોઈને આનંદ આવે છે. સસ્તુ, સારું અને સ્વચ્છ ભોજન ગ્રાહકને આપવા માટે કટિબદ્ધ છીએ.’

તેમના દાદા અને પિતા ગુણવત્તાના ખૂબ આગ્રહી હતા. આજે કિશોર ગાબા અને તેમના ભાઈ તેમ જ દીકરાઓએ મસ્જિદ બંદરની હોટેલનો વિકાસ કરવા કરતાં એની શાખાઓ ખોલીને વિસ્તાર વધાર્યો અને અત્યારે આખાય મુંબઈમાં ૧૭ બ્રાન્ચ છે. મસ્જિદ બંદરની આ સૌથી જૂની હોટેલમાં એસી બેઠક નથી. નીચે તેમ જ ઉપર સ્ટીલના બાંકડા અને ટેબલ છે. ત્રીસેક વ્યક્તિઓ હોટલમાં બેઠી હોય તો લિટરલી ગિરદી લાગે એટલી નાની જગ્યા છે. હોટેલનું રસોડું એકદમ ચોખ્ખું અને ખુલ્લું છે. તાડદેવમાં તેમણે મોટી રેસ્ટોરાં બનાવી જ્યાં એસી બેઠક વ્યવસ્થા છે. કિશોર ગાબા કહે છે, ‘કુટુંબ સાથે મસ્જિદ બંદર કોઈ આવે નહીં એટલે કુટુંબ સાથે બેસીને ખાઈ શકે એવી વ્યવસ્થાની માગણી ગ્રાહકો દ્વારા થતાં અમે તાડદેવ, પાર્લા વગેરે વિસ્તારોમાં હોટેલ શરૂ કરી. દરેક જગ્યાએ આવું જ ભોજન મળે એ વ્યવસ્થા માટે મુખ્ય રસોઇયો દરેક બ્રાન્ચમાં જઈને અન્ય રસોઇયાને શીખવાડી આવ્યો. શક્ય છે દરેક જગ્યાએ સ્વાદમાં હાથફેરનો થોડો ફરક કદાચ અનુભવાય, પણ એ જ સ્વાદ જળવાઈ રહે એની કાળજી લેવાનો પ્રયત્ન કરીએ છીએ.’

વળી વાનગીની વાત કરીએ જેથી શું ખાવું એ કહી શકાય. નાનુમલ ભોજરાજમાં જાઓ તો દાળ ચોક્કસ ખાજો. થાળીમાં રહેલી દાળ પર નજર કરી તો નવાઈ લાગી. ખાઉસેની જેમ દાળ પર તળેલા કાંદા નાખેલા હતા. એક ચમચી ભરી દાળ મોઢામાં મૂકતાં જ થયું કે બસ, બીજું કંઈ જ નથી ખાવું. દાળ જ ખાઈએ. દાળનો સ્વાદ, મસાલાનો સ્વાદ અને તળેલા કાંદાનો મીઠો સ્વાદ ચમચી મૂકીને ભાત સાથે દાળને આંગળીઓથી ચોળીને ખાવાનું મન થઈ ગયું. ભારતીય ભોજન ચમચીથી ચાખી શકાય પણ એનો સ્વાદ માણવા તો હાથથી જ ખાવું પડે, કારણ કે યોગ્ય માત્રામાં ભોજન ગરમ હોય તો એનો સ્વાદ આવે નહીં તો જીભ દઝાડે. જીભ દાઝ્યા બાદ તમે જે પણ ખાઓ તો એનો સ્વાદ આવશે નહીં. ભાત અને દાળને ચોળીને મોઢામાં કોળિયો મૂકોને જે સ્વાદ આવે એની તુલના કોઈ બીજી વાનગી સાથે ન થઈ શકે. જો દાળ-ભાતમાં સ્વાદ આવી શકે તો જ ખરો રસોઇયો એવું કહી શકાય.

અહીંના શાક ખરા અર્થમાં શાક છે. એમાં એકસરખી ગ્રેવી નથી. મિક્સ શાકમાં ફણસી, ફ્લાવરનો સ્વાદ આવે તો મેથીમાં કડવાશ નથી, પણ એનો સ્વાદ છે. ભીંડા સૂકા તળીને મસાલાવાળા બનાવ્યા હોય કે નરમ કાંદા-ટમેટાં સાથે બનાવ્યા હોય એ બન્નેના સ્વાદ જુદા છે ને સાથે સ્વાદિષ્ટ છે. બીજી એક અનોખી આઇટમ છે પાલક કોફ્તા ગ્રેવી. અમે ખાધી ત્યારે એમાં સહેજ મીઠું વધારે હોવાથી સ્વાદ ન આવ્યો. શક્ય છે યોગ્ય રીતે બની હોય તો સ્વાદ આવી શકે. વળી દરરોજ એક આઇટમ સિંધી પણ હોય. સોમવારે દાલપાલક, મંગળવારે સિંધી કઢી, બુધવારે દહીં કઢી વગેરે-વગેરે. સિંધી કઢી એટલે ટમેટાની ગ્રેવીમાં બનાવેલી હોય. થોડી ખટાશ એમાં વધારે હોય. થાળીમાં ભાત-દાળ તમારે ન ખાવાં હોય તો પુલાવ-બિરયાની, મસાલા ભાત પણ છે જ. પણ ફરી કહીશ કે અહીંની તડકા દાલ તો ખાવી જ જોઈએ. સાથે છાશ ન હોય તો ભારતીય ભોજન પૂર્ણ ન ગણાય અને સ્વીટ પણ ખરી જ. અહીં મગની દાળનો શીરો, ગાજરનો હલવો અને ગુલાબજાંબુ મળે છે. સંપૂર્ણ ભારતીય થાળી અને ભારતીય સ્વાદ એ નાનુમલ ભોજમલની ગુડવિલ છે. ફક્ત આ મીઠાઈનું કાઉન્ટર બહાર જોવા મળ્યું. લોકો પાર્સલ કરીને એ લઈ જાય છે. તમારે હોટેલમાં ન જવું હોય તો આખી થાળી પૅક કરીને પહોંચાડાય છે ડિલિવરી ઍપ દ્વારા જ તો. થાળીનું પૅકિંગ પણ સરસ રીતે કરવામાં આવે છે. એ વિશે કિશોર ગાબા કહે છે કે ભોજનને પ્રેમથી પીરસવું જરૂરી છે. ખેર, ગૂગલ મહારાજને પૂછીને તમારી આસપાસ આવેલા નાનુમલ ભોજરાજને શોધીને જઈ આવો અને અમને જણાવો કે સ્વાદ એ જ છે કે નહીં. જણાવો તો સારું, પણ ભોજનમાં એક્સપ્લોર કરતા રહેવું જોઈએ. અને હા, જમતી વખતે મોબાઇલ ઑફ રાખજો અને ફક્ત ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સ્વાદ અને સોડમની અનુભૂતિ કરી શકાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK