ક્યારેય એવું વિચાર્યું છે રાઇસના રસગુલ્લા કે ખીચડીના કબાબ બને?

Published: May 29, 2020, 17:44 IST | Neha Thakkar | Mumbai

અત્યારે હવે દરેક ચીજ જ્યારે જોઈએ ત્યારે ઘરમાં અવેલેબલ હોય જ એ જરૂરી નથી ત્યારે રસગુલ્લા પણ તમારા ભોજનની રોજિંદી ડિશના વધેલા ભાગમાંથી બની શકે છે એવો વિચાર તમને ક્યારેય આવ્યો છે?

રસગુલ્લા તમે દૂધમાંથી તો બનાવ્યા જ હશે. એ માટે ગાયનું જ દૂધ જોઈએ અને એ પણ ચોક્કસ ફૅટવાળું જ. વધુ ફૅટવાળું દૂધ હોય તો પણ રસગુલ્લા બરાબર બનતા નથી. અત્યારે હવે દરેક ચીજ જ્યારે જોઈએ ત્યારે ઘરમાં અવેલેબલ હોય જ એ જરૂરી નથી ત્યારે રસગુલ્લા પણ તમારા ભોજનની રોજિંદી ડિશના વધેલા ભાગમાંથી બની શકે છે એવો વિચાર તમને ક્યારેય આવ્યો છે? આ વધેલી ડિશ છે ભાત. સામાન્ય રીતે ભાત વધે તો આપણે એને વઘારી નાખતા હોઈએ છીએ, થેપલા કે મૂઠિયામાં નાખી દેતા હોઈએ કે પછી ખીચડીમાં એનો ઉપયોગ કરી લેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વાસી ભાતમાંથી ટેસ્ટી રસગુલ્લા પણ બનાવી શકો છો? જો તમને રૂટીન રસગુલ્લા બનાવવામાં ઝંઝટ લાગતી હોય તો ક્યારેક વધેલા ભાતમાંથી બહુ ઝટપટ બની જતી આ રેસિપી ટ્રાય કરજો. 

રાઇસના રસગુલ્લા

(આમાંથી ૪ જણ માટે રસગુલ્લા બનાવી શકશો)

સામગ્રી

એક નાની ચમચી આરા લોટ

એક નાની ચમચી મેંદો

એક મોટો ચમચો મિલ્ક પાઉડર

એક મોટી ચમચી ઘી

દોઢ કપ ખાંડ

ત્રણ કપ પાણી

દોઢ કપ જેટલા વધેલા ભાત

બનાવવાની રીત

સૌથી પહેલાં ભાતને મિક્સર બ્લેન્ડરમાં નાખીને એને સહેજ કરકરા પીસી લો. ખાસ ધ્યાન રાખો કે મિક્સરને એક નંબર પર જ ફેરવવું. એનાથી વધુ પર ફેરવશો તો ભાતની પેસ્ટ વધુપડતી સ્મૂધ થઈ જશે. એક પ્લેટ પર ઘી લગાવી એની સપાટી ચીકણી કરી લો અને એના પર પીસેલા ભાત કાઢી લો.

આ પેસ્ટમાં મેંદો, આરા લોટ, મિલ્ક પાઉડર નાખીને એને એકદમ સરસ રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણનો લોટ જેટલો વધારે મસળશો રસગુલ્લા એટલા વધારે સૉફ્ટ બનશે.

રસગુલ્લા બનાવવા માટે તમારું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણમાંથી રસગુલ્લા બનાવવાના નાના-નાના બૉલ્સ તૈયાર કરી લો.

એક ગૅસ પર પેણીમાં પાણી અને ખાંડ નાખીને ચારથી પાંચ મિનિટ સુધી એને ઉકાળો. આટલું કરશો તો રસગુલ્લા માટે જરૂરી ચાસણી તૈયાર થઈ જશે.

ચાસણી તૈયાર થઈ જાય એટલે રસગુલ્લા પૅનમાં નાખી દો અને બે-ત્રણ મિનિટ પછી ગૅસ મીડિયમ કરીને બે મિનિટ સુધી રસગુલ્લાને સીઝવા દો.

ત્યાર બાદ રસગુલ્લાને ઊથલાવી નાખો અને એને બીજી સાઇડ સીઝવા દો. ગૅસ ધીમો અને મીડિયમ કરતાં-કરતાં ૧૦થી ૧૫ મિનિટ સુધી રસગુલ્લા તૈયાર કરો.

તૈયાર છે વધેલા ભાતમાંથી બનેલા સ્પૉન્જી રસગુલ્લા.

ખીચડી કબાબ

જ્યારે પણ ઘરમાં ખીચડી બને ત્યારે નાનાં બાળકોનું મોં પડી જાય. તેમને હંમેશાં કંઈક ફૅન્સી જ ખાવું હોય. ઘણી વાર ખીચડી વધી હોય તો સવારે શું કરવું એ સવાલ પણ થાય. આ બન્નેનો મસ્ત ઉકેલ છે આ ખીચડી કબાબ.

સામગ્રી

એક બાઉલ ખીચડી વેજિટેબલ નાખીને બનાવેલી

ત્રણ ચમચા ચણાનો લોટ

એક ચમચી આદુંમરચાંની પેસ્ટ

અડધી ચમચી ચાટ મસાલો

પાંચથી છ ફુદીનાનાં પાન

ચાર પાપડ કોટિંગ માટે

તેલ તળવા માટે

દહીં સર્વ કરવા માટે

રીત

સૌથમ ચોખા અને મગની દાળની વેજિટેબલ નાખીને ખીચડી બનાવી લેવી. વધેલી ખીચડી હોય તો પણ ચાલે. હવે ખીચડી એક બાઉલમાં લઈ એમાં ચણાનો લોટ, ચાટ મસાલો, ફુદીનાનાં પાન, લોટના ભાગનું મરચું અને મીઠું નાખી મિક્સ કરી લેવું. હાથને તેલવાળો કરીને કબાબ વાળી લેવા. પછી પાપડને શેકી એનો થોડો ભૂકો કરી દેવો. એક બાઉલમાં ચાર ચમચી મેંદો અને મીઠું નાખી પાતળી સ્લરી બનાવી લેવી. એમાં કબાબને ડિપ કરી પાપડના ભૂકામાં રગદોળી તળી લેવા. તમે તવી ઉપર શૅલો ફ્રાય પણ કરી શકો છો.

પાપડમાં કોટ કરવાથી એકદમ મસ્ત ક્રન્ચી કબાબ બનશે.

કબાબમાં સ્ટિક નાખી દહીં સાથે સર્વ કરવા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK