Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > યોગનિદ્રાનો અનુભવ લીધો છે ક્યારેય?

યોગનિદ્રાનો અનુભવ લીધો છે ક્યારેય?

18 June, 2020 11:32 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યોગનિદ્રાનો અનુભવ લીધો છે ક્યારેય?

યોગ નિદ્રા

યોગ નિદ્રા


જાગૃતિ અને નિદ્રા વચ્ચેની અવસ્થામાં રહીને કેવી રીતે તમે તમારા મનમાં ધરબાયેલી નકારાત્મક વાતોને ડિલીટ કરીને એમાં સકારાત્મકતા ફીડ કરી શકો એની અનોખી પ્રૅક્ટિસ એટલે યોગનિદ્રા. યોગ ક્ષેત્રમાં અગ્રણી અને યોગનિદ્રામાં પાયોનિયર ગણાતા ડૉ. વિશ્વાસ માંડલિક સાથે આ વિશે વાત કરીએ, સબકૉન્શિયસ માઇન્ડમાં રહેલા પ્રોગ્રામ ચેન્જ કરવા સમર્થ અકસીર સાઇકોથેરપી એવી 

રિલૅક્સેશન એટલે ઊંઘ નહીં. રિલૅક્સેશન એટલે મનની આનંદમય અવસ્થા જેનો કોઈ અંત નથી. ઊંઘ તમને ચિંતાગ્રસ્ત મનમાંથી ટેમ્પરરી બ્રેક આપે છે. જોકે જરૂરી નથી એ બ્રેક મળે જ. જોકે તમને આત્મિક આનંદ સુધી લઈ જાય એનું નામ છે યોગનિદ્રા, જેનો ઉલ્લેખ તંત્ર શાસ્ત્રમાં મળે છે અને બિહાર સ્કૂલ ઑફ યોગના પરમહંસ સ્વામી સત્યાનંદ સરસ્વતીજીએ જેને ફરી એક વાર રિવાઇવ કરી. મનની દુવિધાઓથી જાતને હીલ કરવાનું સાયન્સ એટલે યોગનિદ્રા. માંડુક્ય ઉપનિષદમાં જેને પ્રજ્ઞા કહેવાઈ છે એ ડીપ સ્લીપ વખતે પણ જાગ્રત અવસ્થામાં રહી શકવું એનું નામ યોગનિદ્રા. ૨૦૧૮માં યોગમાં અભૂતપૂર્વ યોગદાન કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સન્માનિત થયેલા, પોતે એન્જિનિયર હોવા છતાં છેલ્લાં પચાસ વર્ષથી યોગને જીવન સમર્પિત કરનારા યોગવિદ્યા ગુરુકુળના ડૉ. વિશ્વાસ માંડલિકે છેલ્લાં કેટલાંય વર્ષોથી જુદા-જુદા સંજોગોમાં જુદા સંકલ્પોને ઉમેરીને યોગ વિદ્યા દ્વારા લોકોના જીવનમાં બદલાવ લાવવાના પ્રયાસો કર્યા છે. તાજેતરમાં કોરોનાના ભયને દૂર કરવામાં અને જાતને સશક્ત બનાવવા માટે તેમણે યોગનિદ્રાના વિડિયો યુટ્યુબ પર લૉન્ચ કર્યા હતા. આજે આ યોગ એક્સપર્ટ પાસેથી જાણીએ કે યોગની આ ટેક્નિકની શું વિશેષતા છે.
મેડિટેશનનું રૂપ
યોગનિદ્રા એક પ્રકારનું ગાઇડેડ મેડિટેશન છે જે તમને ડીપ રિલૅક્સેશન સ્ટેટમાં લઈ જાય છે એમ જણાવીને ડૉ. વિશ્વાસ કહે છે, ‘યોગનિદ્રા મારા ગુરુજીએ ડેવલપ કરેલી ખૂબ જ ઇફેક્ટિવ ટેક્નિક છે. સાઇકોથેરપી તરીકે એનો ઉપયોગ અમે ઘણા લોકો પર કર્યો છે અને અમને અભૂતપૂર્વ પરિણામ મળ્યાં છે. આ મેથડથી તમે તમારા સબકૉન્શિયસ માઇન્ડમાં રહેલા પ્રોગ્રામ્સ ચેન્જ કરી શકો છો. તમારા મનમાં સ્મૃતિ હોય છે પરંતુ જો એ સ્મૃતિ નકારાત્મક હશે તો તમારી વર્તમાન સ્થિતિ પર પણ એનો નકારાત્મક પ્રભાવ જ પડશે. નૉર્મલ કન્ડિશનમાં એને બદલી ન શકીએ, પરંતુ જ્યારે તમે તબક્કાવાર તમારા શરીરને અવેરનેસ સાથે રિલૅક્સ કરતા જાઓ, તમારી કૉન્શિયસનેસને શરીરના એક-એક હિસ્સા પર ફેરવતા જાઓ અને શરીરને હળવાશ આપતા જાઓ. શરીર જ્યારે હળવું થઈ જાય, મન જ્યારે શાંત પડી જાય ત્યારે મોટા ભાગે એ નિદ્રાધીન થઈ જતું હોય છે. જોકે અહીં જ યોગનિદ્રાની ખરી પ્રોસેસ ચાલુ થાય છે. જાગૃતિ અને નિદ્રા વચ્ચે એક નાનકડો પૅચ હોય છે જેમાં તમે તમારા અચેતન મનમાં રહેલી યાદો અને વાતોને રીપ્રોગ્રામ કરો છો. મનને એક પૉઝિટિવ સંકલ્પ સાથે જોડો છો. નિયમિતપણે જ્યારે એ જ નવા સંકલ્પનું ઇન્સ્ટ્રક્શન મળે છે ત્યારે તમારું મન એ નવાનક્કોર સંકલ્પને સ્વીકારી લે છે.’
ઘણા દાખલા
ડૉ. વિશ્વાસ વ્યક્તિની આવશ્યકતા મુજબ સંકલ્પોમાં વેરિએેશન લાવ્યા છે અને એનાં વધુ બહેતર પરિણામ મળ્યા છે. એના દાખલા શૅર કરતાં તેઓ કહે છે, ‘એક ફૅક્ટરી મૅનેજર અમારી પાસે આવેલો. તેનો અકસ્માતમાં જમણો પગ કપાઈ ગયો. ઑપરેશન થઈ ગયું અને જમણો પગ નહોતો છતાં તેને એમાં પીડા રહ્યા કરે. પગ નથી છતાં એ ભાગમાં પીડા થાય એને મેડિકલ ભાષામાં ફૅન્ટમ પેઇન કહે છે. સ્મૃતિને કારણે આ સાઇકોલૉજિકલ પેઇન થતું હોય છે. જો એ સ્મૃતિને બદલીએ તો એ કરેક્શન પછી ફરક પડે છે. લગભગ ત્રણથી ચાર દિવસ નિયમિત યોગનિદ્રા પછી તેનું એ પેઇન ઓછું થયું હતું અને થોડાંક વધુ અઠવાડિયાં પછી એ સંપૂર્ણ નાબૂદ થઈ ગયું. એવી જ રીતે એક્ઝામના ડરને કારણે અંદરથી ડિસ્ટર્બ વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ અમે કર્યો છે. યોગનિદ્રામાં પરિસ્થિતિ અને વ્યક્તિની જરૂરિયાત મુજબ કૉમેન્ટરી ચેન્જ કરીને પ્રત્યક્ષ લાભ આપી શકાય છે. પ્રેગ્નન્ટ મહિલાઓ પર, વજન ઘટાડવામાં, મનમાં ઘર કરી રહેલા ભય અને ફોબિયાને દૂર કરવામાં પણ અમને આ ટેક્નિક દ્વારા ખૂબ ફાયદા જોવા મળ્યા છે. એક દાખલો કહું, મારી પાસે બે ભાઈ આવેલા. બન્નેનું વજન સો કિલો કરતાં વધારે. અમે નેચરોપથી અને યોગની થેરપી શરૂ કરી. મોટા ભાઈનું વજન ઘટવાનું શરૂ થયું પણ નાના ભાઈને કોઈ અસર જ ન થાય. તેની સાથે વધુ વાત કરતાં અને કાઉન્સેલિંગમાં ખબર પડી કે તેને લાગતું જ નહોતું કે યોગથી વજન ઘટે. તેના મનમાં હતું કે આટલી કપરી કસરતો કર્યા પછી પણ વજનમાં ફરક નથી પડ્યો તો યોગથી શેનું વજન ઘટવાનું. અમે તેના પર યોગનિદ્રા દ્વારા તેની આ માન્યતાને બદલવાની દિશામાં સંકલ્પ ડિઝાઇન કર્યા. લગભગ અઠવાડિયામાં તેને ફરક દેખાવવાનું શરૂ થયું. આ અસર થાય છે યોગનિદ્રાની. મનનાં કૉમ્પ્લીકેશન માટે આપણી પાસે હજી દવા નથી, એના પર યોગનિદ્રા ખૂબ જ જોરદાર કામ કરે છે.’
તબક્કા છે
યોગનિદ્રામાં સૌથી પહેલાં વ્યક્તિને શવાસન કરાવવામાં આવે છે એમ જણાવીને ડૉ. માંડલિક કહે છે, ‘પ્રત્યાહાર એટલે કે બહારના વિચારોથી અને બહારની દુનિયામાંથી વ્યક્તિને અંદરની તરફ વાળવાનાં ઇન્સ્ટ્રક્શન્સ અપાય છે. એ પછી શરીરના પ્રત્યેક સ્નાયુને રિલૅક્સેશન આપવામાં આવે છે. શ્વાસ પર ફોકસ કરાવીને તેમના ધ્યાનને સ્થિરતા આપવાના પ્રયત્નો કરાય છે. ઊંધી ગણતરી કરાવવામાં આવે છે. સંકલ્પ આપવામાં આવે છે. સંકલ્પમાં પાછું વિઝ્યુઅલાઇઝેશન કરાવવામાં આવે છે. વ્યક્તિ જ્યારે ઊંઘવાની કગાર પર હોય ત્યારે તેનું મન આપમેળે વિચારરહિત થઈ જાય છે. એ જ અવસ્થામાં બહારની ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા તેના મનમાં કેટલાક હકારાત્મક વિચારો જાણે ઇન્સ્ટૉલ કરવામાં આવે છે અને જૂની સ્મૃતિઓને ડિલીટ કરવામાં આવે છે. ખૂબ જ પદ્ધતિસર વૈજ્ઞાનિક અભિગમોને સાર્થક કરતી ટેક્નિક છે અને દરેક જણ એને ફૉલો કરી શકે છે. આ પદ્ધતિની કોઈ આડઅસરો નથી અને ફ્રીમાં યુટ્યુબ પર એનાં ઇન્સ્ટ્રક્શન્સ અવેલેબલ છે.’



કેવા-કેવા ફાયદા થાય?


મનના તનાવ, ડર, ચિંતા અને નબળાઈઓને દૂર કરે
જીવનની પ્રત્યેક સ્થિતિ માટે મનને તૈયાર કરે અને મજબૂત બનાવે.
આંતરમનમાં રહેલી નકારાત્મકતાનો નાશ કરે.
તમારી અંદર રહેલી છૂપી ટૅલન્ટ, આવડત, ક્ષમતા અને રચનાત્મકતાને બહાર કાઢે.
દુરસ્ત મનને કારણે ઉદ્ભવતા સાઇકોસમૅટિક ડિસઑર્ડરને નિવારવા પણ પ્રભાવક પરિણામ આપે છે.
તમારી ઇચ્છાશક્તિને દૃઢ કરે.
શરીરની પીડાને હળવી કરે.
તમારી યાદશક્તિ અને નવું શીખવાની ક્ષમતા વધારે.
માનસિક રોગો દૂર કરવામાં ખૂબ સારાં પરિણામ મળ્યાં છે આ પ્રૅક્ટિસથી.

જાગૃતિ અને નિદ્રા વચ્ચે એક નાનકડો પૅચ હોય છે જેમાં તમે તમારા અચેતન મનમાં રહેલી યાદો અને વાતોને રીપ્રોગ્રામ કરો છો. મનને એક પૉઝિટિવ સંકલ્પ સાથે જોડો છો. નિયમિતપણે જ્યારે એ જ નવા સંકલ્પનું ઇન્સ્ટ્રક્શન મળે છે ત્યારે તમારું મન એ નવાનક્કોર સંકલ્પને સ્વીકારી લે છે.
- પીઢ યોગનિષ્ણાત ડૉ. વિશ્વાસ માંડલિક


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 11:32 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK