Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > જુહુ ચોપાટીની કાયાપલટ થયેલી ફૂડ કોર્ટમાં જઈ આવ્યા કે નહીં?

જુહુ ચોપાટીની કાયાપલટ થયેલી ફૂડ કોર્ટમાં જઈ આવ્યા કે નહીં?

26 November, 2019 02:29 PM IST | Mumbai
Divyasha Doshi

જુહુ ચોપાટીની કાયાપલટ થયેલી ફૂડ કોર્ટમાં જઈ આવ્યા કે નહીં?

જુહુ ચોપાટી

જુહુ ચોપાટી


મુંબઈના જુહુ વિસ્તારની વાત આવે એટલે પહેલાં યાદ આવે સમુદ્રકિનારો અને બીજા નંબરે હોય સેલિબ્રિટીઝનો અડ્ડો, જોકે મુંબઈની ભાગદોડથી દૂર ઘડીક દરિયાકિનારે પોરો ખાવા જાઓ તો બમ્બૈયા સ્ટાઇલ ફાસ્ટ-ફૂડના પણ મસ્ત ઑપ્શન્સ આવી ગયા છે. સારી વાત એ છે કે સ્વચ્છ ભારત અભિયાનનો ચમકારો અહીં જોઈ શકાય છે. અહીં ડઝનબંધ સ્ટૉલ્સ લાગેલાં છે પણ એમાંથી ક્યાં શું ટ્રાય કરવા જેવું છે એ આજે તમને કહીએ.

એક એવો મુંબઈગરો જડવો મુશ્કેલ છે જેણે એક વાર પણ જુહુ ચોપાટીની મુલાકાત ન લીધી હોય. ખારથી લઈને વર્સોવા (અંધેરી) સુધી પથરાયેલો રેતાળ લાંબો કિનારો અને સામે અફાટ સમુદ્રના વિવિધ રંગો. એની સુંદરતાને ક્યારેય ઉંમર નડતી નથી. એવરગ્રીન આ કુદરતી કિનારો કૉન્ક્રીટના જંગલ સમા મુંબઈમાં ઠંડી લહેરખી સમો છે. વહેલી સવારથી મોડી રાત સુધી અહીં લોકોને પોતાની સ્પેસ મળી રહે છે. દૂર-દૂરથી ફરવા આવનારાઓ વિશાળ ખુલ્લી જગ્યામાં મુંબઈની ગીચતા ભૂલી જઈ શકે છે. મુંબઈ પ્રવાસ માટે આવનારા માટે જુહુનો દરિયાકિનારો મસ્ટ લિસ્ટમાં આવે. આમ તો અહીં ખારથી લઈને વર્સોવા સુધીમાં અનેક રસ્તાઓ છે જે તમને કિનારા પર લઈ જાય. એ છતાં સાંતાક્રુઝ હવાઈ અડ્ડાની સામેથી દેખાતો કિનારો મુખ્ય ગણી શકાય. અને એટલે જ ત્યાં મોટી ખાઉગલી છે. એક સમય હતો કે આ ખાણીપીણીના સ્ટૉલ દરિયાની રેતી પર હતા અને સ્વચ્છતાથી જોજનો દૂર હતા.



આજે આ ઈટિંગ ઑપ્શન્સને ખાસ પ્લૅટફૉર્મ આપી ફૂડ કોર્ટ તરીકે સ્થાયી કરવામાં આવ્યું છે. ખાઉગલીનેય કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે એ દેખાય છે. ક્યાંય ખાવાની પ્લેટ કે ખાવાની વસ્તુઓ વેરાયેલી નથી પડેલી. લગભગ દરેક સ્ટૉલ પર ખાવાનું બનાવનારાએ માથે ટોપી પહેરી છે. વૉચમૅન પણ રાખ્યા છે અને સ્વચ્છતા જાળવવા માટે દરેક સ્ટૉલ ઓનર પોતે જવાબદારી નિભાવી રહ્યા હોવાનું જણાય છે. ચોપાટી પર ભેળપૂરી અને ગોળા ખાવાના હોય એ તો જાણે નક્કી જ છે. જૂની ફિલ્મો જોશો તો હિરોઇનોને જુહુના આ દરિયાકિનારે લારી પરથી ગોળા ખાતી દર્શાવાય છે. હવે એ બધી લારીઓના પર્મનન્ટ સ્ટૉલધારકો થઈ ગયા છે. એ છતાં કિનારા પર ખૂમચાધારકો નથી એવું તો કહી જ ન શકાય. જે આ ફૂડ કોર્ટમાં ન મળે એ ખૂમચાઓ પર અને ફેરિયાઓ ફરીને વેચતા હોય છે. સવારના પહોરમાં ચાલવા આવતા કે દરિયાકિનારાની સવાર જોવા આવતા સહેલાણીઓ માટે અહીં મસ્ત ઑપ્શન છે. ધનલક્ષ્મી ઢોસા કાઉન્ટર. ફૂડ કોર્ટની વચ્ચોવચ્ચ રસ્તા તરફથી જાઓ તો ડાબી બાજુ અને દરિયા તરફથી પ્રવેશો તો જમણી તરફ ધનલક્ષ્મીનું કાઉન્ટર છે. સવારના છ-સાડાછથી અહીં નાસ્તો, કૉફી અને ચા મળી રહે. ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફિલ્ટર કૉફીની ચુસકી સવારની આછી ઠંડકમાં કે વરસાદી માહોલમાં જરૂરી છે. આમ તો દરિયાકિનારે કિટલીમાં ચા-કૉફી વેચતા ફેરિયા પણ હોય જ; પણ ધનલક્ષ્મીમાં ઢોસા, ઇડલી, મેદુવડાં, ચટણી-સાંભારનો ગરમાગરમ નાસ્તો અને કૉફી સવારની સાથે દિવસ પણ સુધારી દઈ શકે. નવાઈ તો એ લાગી કે અહીં સાઉથની દરેક ભાષા ઉપરાંત હિન્દી અને ગુજરાતીમાં પણ ઇડલી, ઢોસા, વડાં લખેલું છે. હવે તો ધનલક્ષ્મી શોધવું અઘરું નહીં પડે. જાતજાતના ઢોસા અહીં મળે છે પણ મૈસુર સાદા કે મસાલા ટ્રાય કરવા જેવો છે.


કૅલરી કૉન્શિયસ હો તો ટ્યુલિપવાળી ગલીમાંથી દરિયાકિનારે જાઓ તો ત્યાં હેલ્ધી જૂસ અને સૅલડ પણ મળી રહે છે; પણ આ ગુલાબી ઠંડીમાં કડક, મીઠી ફિલ્ટર કૉફી અને ગરમાગરમ નાસ્તો ટ્રીટ સમાન છે.

તમે આટલા વહેલા ન જઈ શકો તો કંઈ નહીં, સાંજના સૂરજ દરિયામાં ડૂબકી લગાવવાની તૈયારી કરતો હોય ત્યારે ફૂડ કોર્ટ ધમધમતી હોય છે. એ સમયે પણ ધનલક્ષ્મી ખુલ્લું જ હોય છે. સાંજના અહીં બધા જ સ્ટૉલ ખુલ્લા હોવાથી કૉમ્પિટિશન વધી જાય છે ગ્રાહક અને વેચનાર વચ્ચે. તમારા પર રીતસરનો મારો ચાલે - પાંઉભાજી ખા લો, આઇએ ચાટ ખાઇએ, ગોલા ખાઇએ. આટલીબધી દુકાનો. ક્યાં જઈએ અને ક્યાં ન જઈએ? અમે અહીં ચારેક દુકાનો પર ચાખ્યું. પાંઉભાજી તાજી જ મળે અને હા, બટરથી લથબથ પાંઉ સાથે જ ખાજો. ભરપૂર બટર નાખીને ભાજીપાંઉ ખાવાય એક વાર આ ફૂડ કોર્ટમાં જવું પડે. હેલ્થ કૉન્શિયસ કે કૅલરી કૉન્શિયસ દિમાગને બાજુ પર મૂકીને જ પાંઉભાજી ખાવા જોઈએ. મોટા ભાગના સ્ટોરમાં ભાજીપાંઉ સારાં જ મળે છે, પણ ધનલક્ષ્મીની પાછળ આવેલી દુકાન કે જ્યાં પીત્ઝા અને સૅન્ડવિચ મળે છે ત્યાં બેસવાની પણ સગવડ છે. પણ આ ફૂડ કોર્ટમાં ઊભા રહીને ખાવાની મજા પણ લેવા જેવી ખરી અને દરિયાની સામે બેસીને ખાવું હોય તો એ પણ ચૉઇસ છે. ભાજીપાંઉ સાથે અહીં પુલાવ, ચાઇનીઝ ફૂડ પણ મળી રહે છે. ચાટની વાત કરીએ તો બે કે ત્રણ સ્ટૉલ છે. રોડ તરફ બહાર જ દેખાતો સ્ટૉલ ભંવરસિંહનો છે. તેઓ કહે છે કે અહીં મોટા ભાગના સ્ટૉલ રાજસ્થાનીઓના છે. ચાટની વાત કરીએ તો સીઝન હોય ત્યારે કાચી કેરીનું ચાટ એટલે કે સમારેલી કાચી કેરી પર મીઠું-મરચું ભભરાવીને પ્લેટ મળે છે. ફોટો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું. સ્ટૉલવાળો કહે કે બહેનજી, ગરમીઓ મેં કેરી ચાટ ખાને ઝરૂર આના.


ભંવરસિંહ ગામમાં રાજકારણમાં સક્રિય છે. રાજસ્થાની સ્ટાઇલની ચાટ અહીં મળે છે. પાણીપૂરી, દહીંપૂરી, ભેળ, સેવપૂરી અને રગડા-પૅટીસ તો ખરાં જ; પણ ખસ્તા કચોરી ચાટ કે સમોસા ચાટ ટ્રાય કરી શકાય. આ ચાટ મીઠા નથી હોતા, કારણ કે રાજસ્થાની સ્ટાઇલમાં બને છે. તીખું તમતમતું ખાધા બાદ કાચી કેરી કે કાલાખટ્ટાનો ગોળો ચૂસીને માણી શકાય એટલી જગ્યા તો પેટમાં રહે જ છે. તમે વધુ ખાઈ શકતા હો એટલે કે પાચનશક્તિ સારી હોય તો મલાઈગોલા, રબડી ગોલા-આઇસક્રીમ કે ફાલૂદા-કુલ્ફી ખાઈ શકો, પણ કાલાખટ્ટા અને કાચી કેરીના સ્વાદમાં સ્વર્ગનો આનંદ અમને તો લાગ્યો. પેટની ચિંતા થતી હોય તો મસાલા સોડા કે મસાલા થમ્સ અપની ચૉઇસ પણ છે. ફૂડ કોર્ટની બહાર નીકળતાં વિચાર આવ્યો કે મુંબઈનું દરેક સ્ટ્રીટ ફૂડ અહીં છે, પણ વડાપાંઉ નથી. ત્યાં તો ફૂડ કોર્ટની બહાર એક સ્ટૉલ નજરે પડ્યો. ફૂડ કોર્ટની બહાર દરિયાકિનારે ચણાજોર ગરમ, મકાઈ ભુટ્ટા અને બાફેલા ચણાની ભેળ પણ ટ્રાય કરવા જેવી. આ બધું જોતાં લાગ્યું કે ઝિંદગી કૈસી હૈ પહેલી હાયેએએએ, મીઠા ખાયેં કિ તીખા ખાયેં...
જો ભી ખાયેં...

Whatsapp-channel Whatsapp-channel

26 November, 2019 02:29 PM IST | Mumbai | Divyasha Doshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK