અલૂણાંમાં મીઠા વગર પણ માણો સબરસ

Published: Jul 03, 2020, 22:37 IST | Bhakti Desai | Mumbai

રસોઈમાં મીઠાનું મહત્ત્વ જાણવું હોય તો મીઠા વગરની રસોઈ બનાવો. અન્ય કોઈ સ્વાદ મીઠાની કમી પૂરી નહીં કરી શકે તેથી જ એને સબરસ કહેવાય છે, પણ એવી કઈ રીત છે જે મીઠાની ઊણપને આવરી શકે છે એ જાણીએ રસોઈના નિષ્ણાત પાસેથી

રાજગરા ઉત્તપમ
રાજગરા ઉત્તપમ

રસોઈમાં મીઠાનું મહત્ત્વ જાણવું હોય તો મીઠા વગરની રસોઈ બનાવો. અન્ય કોઈ સ્વાદ મીઠાની કમી પૂરી નહીં કરી શકે તેથી જ એને સબરસ કહેવાય છે, પણ એવી કઈ રીત છે જે મીઠાની ઊણપને આવરી શકે છે એ જાણીએ રસોઈના નિષ્ણાત પાસેથીઅલૂણા વ્રતમાં મીઠા વગર દિવસ વિતાવવા સહેલા ત્યારે જ બને છે જ્યારે ભોજનમાં વિવિધતા હોય. મોળાકાત, જયાપાર્વતી, સાકરિયા સોમવાર જેવાં અનેક વ્રત કરનારાં રસોઈનાં નિષ્ણાત પારુલ ભાનુશાલી કહે છે, ‘હું ક્યારેય વ્રતના દિવસોમાં અન્ય છોકરીઓની જેમ મોરસની ભાજી અને રોટલી ખાઈને પેટ નહોતી ભરતી. હું તો મારી પોતાની રેસિપી એ સમયે પણ બનાવતી હતી. મેં વ્રતમાં હંમેશાં ચટણી સાથે જ રોટલી/પરાઠાં ખાધાં છે. વિવિધ ચટણી, ખીર, ઉત્તપ્પા આ બધું હું બનાવતી અને મેં પોતે કોશિશ કરીને અમુક એવા રસ્તા શોધ્યા કે જેમાં મોરસની ભાજી ન વાપરીને પણ મીઠાની કમી ન વર્તાય.’ 

આજે જાણીએ તેમની આવી રેસિપીઝનું રહસ્ય.

ડ્રાયફૂટની બરફી
સામગ્રી
૧ કપ કાજુ, બદામ, પિસ્તાં મિક્સ
અડધો કપ સાકર
એલચી પાઉડર અથવા કેસર

બનાવવાની રીત 

અડધો કપ સાકરમાં ડૂબે એટલું પાણી નાખી દોઢ તારની ચાસણી બનાવવા મૂકવી. બીજી બાજુ બધો સૂકો મેવો શેકી લેવો અને અધકચરો વાટી લેવો. તૈયાર થયેલી ચાસણીમાં સૂકો મેવો ભેળવી એમાં એલચી પાઉડર અથવા કેસર ભેળવી લેવું અને થાળીમાં પાથરી ચોસલાં પાડી લેવાં. બરફી થોડી ઢીલી હોય છે.

ઘઉંના ફાડા
(લાપસી)ની ખીર
(એકટાણું એટલે એ જમતી વખતે લઈ શકાય)
સામગ્રી
બે ચમચા ઘઉંના ફાડા (લાપસી)
બે ચમચા ઘી
૧ ગ્લાસ દૂધ
૧ કપ પાણી
એલચી પાઉડર અથવા જાયફળ અથવા કેસર (ફ્લેવર માટે)
બનાવવાની રીત
લાપસીને ઘીમાં શેકીને ગોલ્ડન થવા દેવી. ત્યાર બાદ પાણી નાખી એને કુકરમાં બે સીટી વગાડી ચડાવી લેવી. એ દરમ્યાન બીજી બાજુ ૧ ગ્લાસ દૂધને પોણો ગ્લાસ બચે ત્યાં સુધી ઉકાળવું. આ દૂધ બનાવેલી લાપસીમાં ભેળવી લેવું. ત્યાર બાદ ફ્લેવર જે જોઈએ એ માટે પાઉડર ભેળવી લેવો.

ફરાળી લીલી ચટણી
કોથમીર (વ્રતમાં ખાતાં હોય તો)
૧ કાચી કેરી
બે કે ૩ લીલાં મરચાં
શિંગદાણા (કાચા અથવા શેકેલા) (ફરજિયાત નથી)
સાકર
લીંબુનો રસ
બનાવવાની રીત
કોથમીર ન ખાતાં હોય તો પણ કાચી કેરી અને લીલાં મરચાં સાથે સાકર, લીંબુનો રસ સ્વાદ મુજબ, શિંગદાણા નાખી ચટણી વાટી લેવી. આમાં રહસ્ય એ છે કે મોરસ વગર પણ કાચી કેરીના સ્વાદને કારણે મીઠાનો અભાવ નહીં વર્તાય. શિંગ વગર પણ આ ચટણી સરસ લાગે છે.

કાચા કેળાના પૂડલા
સામગ્રી
૧ કાચું કેળું ખમણેલું
૧ કપ કરતાં થોડો ઓછો ઘઉંનો લોટ
મરી
લીલાં મરચાં વાટેલાં (સ્વાદ મુજબ)
થોડું દહીં (લોટને બાંધવા માટે)
બનાવવાની રીત
ઉપરની બધી જ સામગ્રી ભેળવી એને પૂડલાના લોટ જેવું ઢીલું રાખવું અને પૂડલા ઉતારી લેવા.
કાચા કેળાની
છાલની ચટણી
૧ કાચા કેળાની છાલ બાફેલી
૧ કાચી કેરી (કેરી ન મળે તો લીંબુ લેવું)
બે કે ત્રણ લીલાં મરચાં
શિંગદાણા (કાચી કે શેકેલી)
બનાવવાની રીત
કાચા કેળાના પૂડલા બનાવીને જે છાલ બચે એને કુકરમાં બે સીટી વગાડીને બાફી લેવી અથવા તપેલામાં વીસેક મિનીટ ઉકાળીને બાફવી. ઉપરની સામગ્રી વાપરીને ચટણી બનાવી લેવી. ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

મોરસની ભાજીના ડૉનટ્સ

food
૧ કપ બારીક સમારેલી મોરસ
૧ કપ સામો
બે ચમચી આરા લોટ
બે ચમચી શિંગોડાનો લોટ
૧ કાચું કેળું
૧ કપ પાણી
મરીનો ભૂકો
લીલાં મરચાં
આદું (ફરજિયાત નથી)
જીરું (ફરજિયાત નથી)
બનાવવાની રીત
ગરમ પાણી ઊકળવા મૂકવું. એમાં જીરું, આદું, વાટેલાં મરચાં, મરી નાખી સૂકો સામો ભેળવી લેવો. ખીચાની જેમ હલાવીને ચડવા દેવું અને ખીચા કરતાં વધારે કડક રાખવું. થોડું ઠંડું થાય પછી સમારેલી મોરસ, આરા લોટ, શિંગોડાનો લોટ અને કાચું કેળું ખમણીને નાખવાં. બધું ભળી જાય પછી એક થાળીને તેલ અથવા ઘીથી ગ્રીસ કરી લેવી અને આ મિશ્રણ એમાં પાથરી લેવું. કડક હશે તેથી હાથેથી દબાવીને ફેલાવી લેવું. થોડા સમય બાદ મિશ્રણમાં ગોળ વાટકાની કિનારીનો ભાગ મિશ્રણમાં અંદર જાય એમ કાપીને હાથમાં આવેલા ગોળાકાર મિશ્રણમાં વચ્ચેથી પાછો ગોળાકાર ભાગ કાઢી લેવો જેથી એક રિન્ગ જેવું તૈયાર થશે. આને તેલ અથવા ઘીમાં તળી લેવી અથવા તવી પર શૅલો ફ્રાય કરી લેવી. સરસ મજાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ડૉનટ્સ તૈયાર છે.

મખાણાની ખીર

food

સામગ્રી
૧ ગ્લાસ દૂધ
૧૦થી ૧૫ મખાણા શેકીને વાટેલાં
૧થી દોઢ ચમચી સૂકા મેવાનો ભૂકો
સાકર સ્વાદ મુજબ
એલચી પાઉડર અથવા કેસર (જે ભાવે એ)
બનાવવાની રીત
૧ ગ્લાસ દૂધને ઉકાળીને પોણો ગ્લાસ થાય એટલું ઘટ્ટ કરવું. પછી એ દૂધમાં વાટેલાં મખાણા નાખવાં જે તરત ભળી જશે. ત્યાર બાદ સૂકા મેવાનો ભૂકો, સાકર અને એલચી પાઉડર કે કેસર નાખીને ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરવો. આ ખૂબ જ પૌષ્ટિક ખીર છે. મખાણા પ્રોટીનનો ભંડાર છે તેથી લાભ થાય છે અને પેટ પણ ભરેલું રહે છે.

મોરસની ભાજીનાં પરાઠાં અને પૂડલા
૧ કપ બારીક કાપેલી મોરસની ભાજી
૧થી સવા કપ રાજગરાનો લોટ
લીંબુનો રસ
લીલાં મરચાં
મરીનો ભૂકો
આદું (આ વ્રતમાં ખાતાં હોય તો)
જીરું (આ વ્રતમાં ખાતાં હોય તો)
દૂધમાંથી તાજું બનાવેલું પનીર (જો ઉપલબ્ધ હોય તો)
પરાઠાની રીત
મોરસની ભાજીને સાફ કરીને બારીક કાપી એમાં બારીક વાટેલાં લીલાં મરચાં, મરી, આદું, જીરું, લીંબુનો રસ ભેળવી રાજગરાનો લોટ બાંધી લેવો. તેલ અથવા ઘીમાં પરાઠાં શેકી લેવાં અને ગરમા ગરમ પીરસવાં. ઘરના દૂધમાંથી બનાવેલું પનીર પણ પરાઠા પર છીણીને નાખી શકાય, જેનાથી ચીઝ જેવો સ્વાદ આવશે. પનીરમાંથી પ્રોટીન મળી શકશે અને પેટ પણ ભરાશે.

મોરસની ભાજીના પૂડલા
૧ કપ બારીક કાપેલી મોરસની ભાજી
૧થી સવા કપ રાજગરાનો લોટ
લીંબુનો રસ
લીલાં મરચાં
મરીનો ભૂકો
આદું (આ વ્રતમાં ખાતાં હોય તો)
જીરું (આ વ્રતમાં ખાતાં હોય તો)
પૂડલાની રીત
રાજગરાના લોટનું મોરસની ભાજીને સાફ કરીને બારીક કાપી એમાં બારીક વાટેલાં લીલાં મરચાં, મરી, આદું, જીરું, લીંબુનો રસ લઈને ઢોસા જેવું ખીરું તૈયાર કરી લેવું અને પછી તવા પર પૂડલા પાથરીને બનાવવા. બન્ને બાજુએથી બરાબર ચડવા દેવા. તૈયાર છે પૂડલા.

ખજૂરનું એનર્જી બૂસ્ટર મિલ્કશેક

food
ચાર-પાંચ બી કાઢેલી ખજૂર
૧ ગ્લાસ દૂધ (ગરમ કરીને ઠંડું કરેલું)
બનાવવાની રીત
ખજૂરને દૂધમાં એકાદ કલાક પલાળી રાખવી જેનાથી એની ગરમી નીકળી જશે. દૂધમાંથી કાઢેલી ખજૂર સાથે ૧ ગ્લાસ દૂધ મિક્સરમાં વાટી આ એનર્જી બૂસ્ટર મિલ્કશેક પીવા આપવું.

ધ્યાનમાં લેવા જેવી વાત
ચટણીમાં મોરસનો સ્વાદ સારો નથી લાગતો

કોઈ પણ દેશી મીઠાઈ બનાવતી વખતે એમાં ફ્લેવર માટે એલચી પાઉડર અથવા જાયફળ પાઉડર અથવા કેસર આમાંથી એક વસ્તુ નાખી શકાય. આનાથી સ્વાદ ખીલી ઊઠે છે

રાજગરાનો લોટ વ્યંજનને નરમ રાખે છે, જ્યારે શિંગોડાથી કડક બને છે તેથી પરાઠામાં શિંગોડાનો લોટ ન લેવો

ચટણીમાં કાચી કેરી અથવા ખટાશ સરસ સ્વાદ આપે છે અને વ્રતમાં સ્વાદિષ્ટ ભોજનનો સંતોષ આપે છે

ખીર, બરફી, મોરસનાં પરાઠાં, કાચા કેળાના પૂડલા, ચટણી આ બધું મળીને મોળાકાત કે જયાપાર્વતીની ફરાળી થાળી બની શકે છે અને ત્યાર બાદ બે કલાક રહીને ખજૂરનું મિલ્કશેક ડિઝર્ટ તરીકે લઈ શકાય છે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK