ઇન્ડિયન ઍરફોર્સમાં પ્રથમ કચ્છી પાઇલટ હરખચંદ કેનિયા

Published: Aug 25, 2020, 18:15 IST | Vasant Maru | Kutch

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું જાણે, આઝાદી માણી રહેલા દેશ પર લડાઈનું ગ્રહણ લાગ્યું

હરખચંદ પત્ની સાથે
હરખચંદ પત્ની સાથે

તાજી તાજી આઝાદી મેળવી ભારત આદર્શ દેશ બનવા પાંખ ફેલાવી રહ્યો હતો, પણ ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું. જાણે આઝાદી માણી રહેલા દેશ પર લડાઈનું ગ્રહણ લાગ્યું. એ લડાઈમાં ભારતના ૩૨૦૦ જવાનોનું લોહી રેડાયું. વિસ્તારવાદી ચીને ૩૨,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો. જાણે નેહરુજીના ભારત-ચીન ભાઈ-ભાઈના નારાના ફૂરચેફૂરચા ઊડી ગયા. એ લડાઈમાં ભારતનું સૌથી નબળું પાસું હતું ઇન્ડિયન ઍરફોર્સ! ચીનનું સૌથી સબળું પાસું હતું ચીનનું ઍરફોર્સ. પાયદળને કવર કરવા ભારત પાસે ઍરફોર્સનું આક્રમણ હોત તો કદાચ યુદ્ધનું પરિણામ બીજું જ હોત.

સરકારને આ ખામી ધ્યાનમાં આવી અને યુદ્ધના ધોરણે ઇન્ડિયન ઍરફોર્સને મજબૂત કરવા પગલાં લેવાયાં. ઍરફોર્સમાં નવી ભરતી શરૂ થઈ. અખબારોમાં એની જાહેરાતો છપાઈ. એ જાહેરાત વાંચી ૧૮ વર્ષના કચ્છી ઓસવાળ જૈન યુવાન હરખચંદ કેનિયાએ ઍરફોર્સમાં ભરતી થવાનું મન બનાવી લીધું. અહિંસાના પ્રખર હિમાયતી જૈન સમાજના હરખચંદ કેનિયા સમાજ કે કુટુંબીજનોને અંધારામાં રાખી, એકાદ સ્વજનને જાણ કરી ઍરફોર્સમાં જોડાઈ ગયા, કારણ કે તેને કઈક નવું કરી નવી ક્ષિતિજોને સ્પર્શ કરવી હતી.

હરખચંદભાનો જન્મ કચ્છના બારોઈ ગામમાં થયો હતો. હરખચંદભાના પિતા પ્રેમજીભાની રંગૂનમાં ચોખાની મિલ હતી. પૈસે ટકે સુખી હતા, પણ અચાનક રંગૂનમાં વસતા કચ્છીઓને માલમિલકત મૂકી ભાગવું પડ્યું એમાં પ્રેમજીબાપા પણ હતા. ભારતમાં આવી જલગાંવમાં કાપડની ફૅક્ટરી નાખી. એ જમાનામાં ઘણા ગુજરાતીઓ સટ્ટામાં બરબાદ થયા હતા. પ્રેમજીબાપા પણ સટ્ટામાં બરબાદ થઈ જતાં તેમની માનસિક હાલત ખરાબ થઈ ગઈ. ખૂબ ડિપ્રેશનમાં આવી ગયા, પણ તેમનાં પત્ની તેજબાઈ પ્રેમજીબાપા અને તેમના દિયરને જલગાંવથી કચ્છમાં પોતાના ગામ બારોઈ લઈ આવ્યાં. છ સંતાનો, ડિપ્રેશનમાં પીડાતા પતિ અને હિંમત હારી ગયેલા દિયરની જવાબદારી તેજબાઈમાના માથે આવી પડી. પિયરના ગામ પ્રાગપરમાં શ્રીમંતાઈમાં ઊછરેલા તેજબાઈ ખાવાના પણ સાસા પડે એવી ગરીબાઈમાં સપડાયાં.

તમામ પરિસ્થિતિનો બહાદુરીપૂર્વક સામનો કરનાર માતા તેજબાઈને જોઈ ૧૯૪૪માં જન્મેલા હરખચંદને બહાદુરીના સંસ્કાર જાણે વારસામાં મળ્યા હોય એમ અછત અને અભાવને ગણકાર્યા વગર મનમોજી બની જીવવા લાગ્યા. હરખચંદને પતંગ ઉડાવવાનો જબરો શોખ હતો. આકાશમાં ઊડતી પતંગ જોઈને તેને પણ આકાશમાં ઊડવાની ઇચ્છા જાગતી ત્યારે તેને ક્યાં ખબર હતી કે એક દિવસ પતંગની જેમ તે પણ ઊડશે અને લડાઈમાં વિમાન ઉડાવી દુશ્મનોનાં વિમાનોના ફૂરચેફૂરચા ઉડાવી દેશે! 

બારોઈમાં રહેતાં પોતાનાં ત્રણ ભાઈ-બહેનનાં કરુણ મૃત્યુનો આઘાત અને પિતા પ્રેમજીભાનું મૃત્યુ બાળક હરખચંદે જોયું હતું. એનો જબરો આઘાત તેના દિલ પર લાગ્યો હતો. શ્રીમંતાઈમાં ઊછરેલી માતાને મજૂરી કરતી જોઈ તેની આંખમાં આંસુ આવી જતાં, પણ બાની  હિંમત જોઈ તે પણ મનમાં કહેતો ‘હરખચંદ સંભાળ, તારે બાને દુઃખોમાંથી બહાર કાઢવાની છે, સમાજમાં કોઈએ પણ ન કર્યું હોય એવું કાર્ય કરવાનું છે.” આવું-આવું વિચારતાં તેનામાં હિંમત આવી જતી. પાછો મનમોજીલો બની ભણતરની સાથેસાથે ભાઈબંધો સાથે ધીંગામસ્તી કરવા લાગતો.  ભણવામાં તેજસ્વી હરખચંદની ગ્રહણશક્તિ અદ્ભુત હતી. ગામમાં લોકો તેને ગુલુ તરીકે ઓળખતા.

પ્રાથમિક શિક્ષણ બારોઈમાં પૂરું કરી આગળ ભણવા માટે બાએ મુંબઈ જવા ફરમાન કર્યું. બાથી અને ભાંડુઓથી વિખૂટા પડવાના ભાર સાથે ૧૯૫૮માં માટુંગા બૉર્ડિંગમાં દાખલ થયો.

ભણવામાં અને ગ્રહણશક્તિ તથા તર્કશક્તિમાં અત્યંત તેજસ્વી હરખચંદે શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ બૉર્ડિંગ (માટુંગા બૉર્ડિંગ)માં રહીને કળા, રમતગમત, વકતૃત્વ સ્પર્ધામાં અનેકો ઇનામ મેળવ્યાં. બૉર્ડિંગમાં કસરત અને રમતગમતને પ્રાધાન્ય અપાતું. બારોઈ ગામના જ અને કચ્છી સમાજના સ્વપ્નદૃષ્ટા વેલજીબાપાએ આ બૉર્ડિંગના વિકાસમાં મસમોટો ફાળો આપ્યો હતો. એ સમયના માનદમંત્રી પાસુભાઈ રણસી શાહની નજરમાં આ તેજસ્વી બાળક પહેલેથી આવી ગયેલો એટલે ખૂબ પ્રોત્સાહન આપવા લાગ્યા. બૉર્ડિંગમાં રહી જૂની એસ.એસ.સી. સફળતાપૂર્વક પાસ કરી ત્યાં ચીનની લડાઈનો પ્રસંગ આવ્યો અને કૉલેજમાં મેળવેલ ઍડ્મિશન પડતું મૂકી ઍરફોર્સમાં જોડાઈ ગયો.

વકતૃત્વ સ્પર્ધામાં મેળવેલી વાતચીત કરવાની નિપુણતાથી તાલીમમાં આવેલા સાથીદારોનાં મન જીતી લીધાં. તો તીવ્ર ગ્રહણશક્તિ અને તેજ બુદ્ધિને કારણે ઉપરીઓનાં દિલ જીતી લીધાં અને ઍરફોર્સની તાલીમ મેળવી બૉમ્બર વિમાનના પાઇલટ બન્યા. જાણે પતંગની જેમ આકાશમાં ઊડવાનું સ્વપ્ન સાકાર થયું.

ઍરફોર્સના પ્લેન ઉડાડવાની અને બૉમ્બમારો કરવાની સઘન તાલીમ લઈ સફળતાની   સીડી ચડવા લાગ્યા ત્યાં અચાનક ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળ્યું. હરખચંદભાની અંદર બેઠેલો બહાદુર જીવ આળસ મરડી જાણે ઊભો થયો. પરાક્રમો કરવા થનગનવા લાગ્યો. કહેવાય છે કે આ દરમિયાન તેમણે જાસૂસીની તાલીમ પણ મેળવી હતી, જે ભવિષ્યમાં કામ લાગવાની હતી.

ઈસવી સન ૧૯૬૫ની ૨૦ માર્ચે પાકિસ્તાન દ્વારા જાણી જોઈને કચ્છના રણમાં નાની-નાની ચીલઝડપ (લડાઈ)થી શરૂઆત થઈ. કાશ્મીર ઉપરાંત કચ્છના રણમાં ૩૫૦૦ વર્ગ કિલોમીટર જમીન પર પાકિસ્તાને દાવો કર્યો હતો. મામલો શાંત પાડવા ત્યારના બ્રિટિશ વડા પ્રધાન હૅરોલ્ડ વિલસને એક નિષ્પક્ષ અદાલતની સ્થાપના કરી (આ અદાલતનો નિર્ણય ૧૯૬૮માં આવ્યો, જેમાં ૩૫૦૦ને બદલે ૯૦૦ વર્ગ કિલોમીટર કચ્છનું રણ પાકિસ્તાનને આપવાનો ચુકાદો આપ્યો), પણ આ ચુકાદાનો અંદાજ પાકિસ્તાનને પહેલેથી જ આવી ગયો હતો એટલે વધુ હિંમત કરી કાશ્મીર માટે આક્રમણ કર્યું અને બન્ને દેશો વચ્ચે ૧૯૬૫માં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના લાંબા સમય સુધી યુદ્ધ ખેલાયું.

એ સમયે ભારત આજ જેટલું આત્મનિર્ભર નહોતું. લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડા પ્રધાન હતા. અમેરિકા પાકિસ્તાનને સહાય કરતું હતું, જ્યારે ભારતના ખાતામાં ચીનની દુશ્મની ઉપરાંત કારમી ગરીબી હતી. લોકોના મોમાંથી અન્ન ઝૂંટવી હથિયારો માટે મોટું બજેટ ફાળવવું અશક્ય હતું, પણ ભારતના સૈનિકો હિંમત અને બહાદુરીના માલિક હતા!

પોતાની જન્મભૂમિ કચ્છના રણ પર કબજો મેળવવા કાવતરું કરનાર પાકિસ્તાન માટે હરખચંદ કેનિયાને ગુસ્સો હતો. દેશના દુશ્મનોને નેસ્તનાબૂદ કરવા તેનું મન તલપાપડ હતું. ત્યારે તેમના જવાન સાથીદારોને લાગતું કે આ કચ્છીમાડુ જે નૉન-વેજ ખાતો નથી એ શું બહાદુરી બતાવશે? પણ તેમને કોણ સમજાવે કે બહાદુરી કે હિંમત એ કોઈના ગુલામ નથી, એ તો મનમાં આકાર પામતો ભાવ છે.

 પાંચ-પાંચ મહિના સુધી ચાલેલા યુદ્ધમાં વારંવાર દુશ્મનો પર હુમલો કરવા કે દુશ્મનોના હુમલાને ખાળવા બૉમ્બર વિમાન ટેકઑફ કરવું પડતું. હરખચંદભા મરજીવા બનીને  બૉમ્બર હવામાં ઉડાવવા માંડતા. મર્યાદિત બૉમ્બર (વિમાનો) અને માર્યાદિત દારૂગોળા સાથે ઍરફોર્સને પાયદળ અને નેવીને કવર કરવાનું હતું. પાકિસ્તાને ભારતીય પટ્ટી પર આક્રમણ કરી વિમાનોને નુકસાન પહોચાડ્યું હતું, પણ ભારતના બહાદુર ઍરફોર્સના જવાનોએ હવામાં ને હવામાં અચૂક નિશાન દ્વારા પાકિસ્તાનનાં વિમાનો તોડી પાડી પાકિસ્તાનની હિંમત ભાંગી નાખી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘની મધ્યસ્થીથી યુદ્ધવિરામ જાહેર કરાયું. યુદ્ધમાં બહાદુરી બતાવવા બદલ હરખચંદ કેનિયાને રક્ષામેડલથી નવાજવામાં આવ્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી હરખચંદભાએ રડાર ઑપરેટર તરીકે નિપુણતા મેળવી. એ સમયે કમ્પ્યુટર નહોતું એટલે રડાર સિસ્ટમ ઑપરેટ કરવા બહુ કાબેલ વ્યક્તિની જરૂર પડતી. કાચી સેકન્ડમાં ગણતરીઓ કરી હવામાં ઊડતા વિમાનને માર્ગદર્શન આપવું એક અઘરી કળા હતી. હરખચંદભાએ ઍરફોર્સમાં રડાર ઑપરેટર તરીકે નામના કમાવી. સાતેક વર્ષની સર્વિસ બાદ રિટાયર્ડ થયા ત્યારે તેમનો પગાર હતો ૩૫૦ રૂપિયા મહિનાનો.

બૅન્ગલોરમાં રહેતા બિદડા ગામના ખીમજી ધારસી ફૂરિયાએ પોતાના ભાઈની દીકરી સુશીલાને દત્તક લીધી હતી. આ બહાદુર યુવાન સાથે સુશીલાને પરણાવી. લગ્ન પછી પાછું કોઈ સાહસ કરવા હરખચંદભા છેક યુએઈ ગયા. સમય જતાં ત્યાંના પ્રિન્સ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો. શરૂઆત પ્રિન્સના ગૅરેજના મૅનેજર તરીકે કરી. ધીરે-ધીરે પ્રિન્સ સાથે મૈત્રી ઘનિષ્ઠ બનતાં ત્યાંનું ઍરફોર્સ તૈયાર કરવા મદદ કરવા લાગ્યા. ત્યારે યુએઈનો વિકાસ આજ જેટલો થયો નહોતો. ત્યારે નાનાં-નાનાં બાંધકામના કૉન્ટ્રૅક્ટ મેળવવા લાગ્યા. માત્ર ૩૩ વર્ષની ઉંમરે યુએઈમાં તેમની કારનો  ઍક્સિડંટ થયુ, એમાં હરખચંદભાનું અવસાન થયું. તેમની સાથેના ત્રણ પ્રવાસીઓ સલામત રહ્યા અને તેમનું મૃત્યુ એક રહસ્ય બની ગયું, કારણ કે લોકોમાં ઘૂસપૂસ થતી કે જાસૂસ તરીકે તો ત્યાં નહોતા ગયાને? ક.વી.ઓ. જૈન સમાજમાં પ્રથમ ઍરફોર્સ પાઇલટ બની જ્ઞાતિના યુવાનોને પ્રેરણા આપી. આજે પરેલમાં રહેતા તેમનાં પત્ની સુશીલાબેન, પુત્ર નિશ્ચલ, વડીલ બેન પાનબાઈ ગાલા તથા ભાણેજ દિપકભાઈ તેમની સ્મૃતિને વાગોળતાં-વાગોળતાં એક આંખમાં વિખૂટા પડવાનાં આંસુ અને બીજી આંખમાં બહાદુરીનો ગર્વ છલકાતો મહેસૂસ કરે છે. અસ્તુ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK