મુંબઇમાં હો અને નાટકનાં રસિયા ન હો એવું તો ભાગ્યે જ બને. તમારા બંન્ને યનાં શોખ સરખા હોય, તમને નાટકો જોવાની મજા પડતી હોય તો શેક્સપિયરની નજરે પ્રેમ એટલે શું એ જાણવાનો પ્રયાસ કરી જુઓ. આવતી કાલે એક વિશેષ કાર્યક્રમ થશે 'શેક્સપિયર્સ લવર્સ' . એક્ટર્સ ક્લબ દ્વારા યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં શેક્સપિયરનાં નાટકોનાં અલગ અલગ દ્રશ્યો ભજવવામાં આવશે જેમાં પ્રેમ અને પ્રેમીઓની વાત હોય. દેશીક વાંસિદઆ દિગ્દર્શીત આ વેલન્ટાઇન્સ ડે વિશેષ મંચનમાં રોમિયો એન્ડ જૂલિયેટનો પહેલી નજરનો પ્રેમ તથા આધ્યાત્મિક પ્રેમ, અડધો કલાકની મીટિંગમાં નક્કી થતા ટેમિંગ ઑફ ધી શ્રુનાં પાત્રો કેટ અને પેટ્રુશિયોનાં લગ્ન, ટ્રોઇલ્સ એન્ડ ક્રેસિડાનાં પાત્રોનો વિશ્વાસને મામલે થતો સંઘર્ષ - શું પુરુષોને જે જોઇએ એ મળી જાય પછી તે બદલાઇ જાય છે? ટ્વેલ્થ નાઇટનાં ઓર્સિનો અને ક્રેસિડાનો પ્રેમ જે જાણે એકતરફી, ન મળેલો પ્રેમ હતો. હેન્રી ફોર્થ નાટકમાં હેરી પર્સી અને લેડી પર્સીનો પ્રેમ ત્યારે ગુમ થાય છે જ્યારે એક સાથી બીજાના ગ્રાન્ટેડ ગણી લે છે. પ્રેમમાં જેલસીની વાત શેક્સપિયરે ઓથેલોમાં કરી હતી તો એવી કંઇ વાત તેના 57માં સૉનેટમાં પણ હતી તો આશાસ્પદ પ્રેમની વાત શેક્સપિયરનાં 116માં સૉનેટમાં કરાઈ હતી.
આ બધા દ્રશ્યોને આ વિશેષ મંચનમાં એક્સપ્લોર કરવામાં આવશે પણ દેશીક વાંસિદઆ કહે છે કે, "પ્રેમની લેટેસ્ટ એનાલૉજીઝ, આધુનિક પ્રેમની રમુજો બધું જ આમાં વણી લેવાશે. જેમ કે રોમિયોનું હ્રદય ત્યારે તુટે છે જ્યારે તેને રોઝેલિન પાસેથી પ્રેમ નથી મળતો અને તેના મિત્રો કહે છે કે તું દુઃખી એકલો હોય ત્યારે તારે શું કરવું જોઇએ જાણે છે? તારે ટિંડર પર સાઇન અપ કરવું જોઇએ અને પછી બધા સ્ત્રી પાત્રો અલગ અલગ ટિંડર પ્રોફાઇલ હોય એ રીતે જ તેમનો પરિચય આપવામાં આવશે. પણ સ્વાભાવિક રીતે રોમિયો તો જુલિએટનાં પ્રોફાઇલને જ રાઇટ સ્વાઇપ કરે છે."
આ તમામ સિન્સને દિગ્દર્શક દેશીક વાંસિદઆ સહિત તન્વી રાવી, અનિરુદ્ધ સિંઘ, હર્ષિત ડાંગ, આરતી શર્મા, ઇશનુર, મંજરી પુપાલા અને સમૃદ્ધિ દિવાન ભજવશે. વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે થનારું આ સ્પેશ્યલ મંચન ફુટલાઇટમાં સાંજે સાત વાગે યોજાશે.