વાળને બચાવો ડૅન્ડ્રફથી

Published: 21st November, 2012 06:32 IST

શિયાળામાં વાળની થોડીક કૅરથી ખોડાને ટાળી શકાયઠંડા અને શુષ્ક વાતાવરણમાં વાળમાં ખોડો થવો એ સમસ્યા ખૂબ જૂની અને સામાન્ય છે. ખાસ કરીને શિયાળામાં ડાર્ક કલરના ડ્રેસના શોલ્ડર પર સફેદ દાણા ખરવા એ ખરેખર શરમજનક છે, પરંતુ આ ડૅન્ડ્રફ રૂપી ડેડ સ્કિન આ સીઝનની મુખ્ય પરેશાની છે. છતાં જો શિયાળામાં વાળની થોડી એક્સ્ટ્રા કૅર કરવામાં આવે તો સીઝનને લીધે થતા આ ડૅન્ડ્રફને ટાળી શકાય છે.

ખોડાનાં કારણો

મૃત ત્વચા : ખોડો થવા પાછળ ઘણી થિયરીઓ છે જેમાંની એક કહે છે કે ડૅન્ડ્રફ એ એક નૅચરલ પ્રોસેસ છે જે માથાની સ્કિનમાંથી થાય છે. જેમ શરીર પર મૃત ત્વચાનું લેયર બને છે એમ સ્કૅલ્પ પર પણ આવી મૃત ત્વચા બને છે અને એનું પ્રમાણ વધી જતાં એ ડૅન્ડ્રફમાં પરિણમે છે અને ખરી પડે છે.

તૈલી ત્વચા : મોટા ભાગના લોકો એવું માને છે કે ડ્રાય સ્કૅલ્પથી ખોડો થાય છે, પણ દરેક કેસમાં આ થિયરી સાચી હોય એ જરૂરી નથી. ડૅન્ડ્રફ ઑઇલી સ્કૅલ્પમાં પણ થઈ શકે છે. વધુપડતું તેલ સ્કૅલ્પ પર લેયર બનાવે છે જે સુકાય છે, જાડું બનતું જાય છે અને પછી ડૅન્ડ્રફના ફૉર્મમાં ખરે છે. ઠંડીમાં શરીરની જેમ સ્કૅલ્પ પણ ડ્રાય બની જાય છે અને ડૅન્ડ્રફ થાય છે.

પસીનો : જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હો તો તમને ખૂબ પ્રમાણમાં પસીનો થતો હોય એ સામાન્ય વાત છે. એમાં પણ જો તમે વાળમાં જોઈએ એટલી વાર શૅમ્પૂ ન કરતા હો તો એ ખોડો થવાનું એક કારણ બની શકે છે.

ફંગસ : કેટલીક ટાઇપના ડૅન્ડ્રફ સ્કૅલ્પ પર ફંગસ થવાથી પણ થઈ શકે છે. એવું કહેવાય છે કે ફંગસને પૂરી રીતે દૂર નથી કરી શકાતી. એ જ રીતે ડૅન્ડ્રફને પણ પૂરી રીતે દૂર નથી કરી શકાતો, ફક્ત કન્ટ્રોલમાં લાવી શકાય છે.

આ સિવાય હેરસ્પ્રે અને જેલનો વપરાશ, કોઈક પ્રકારનાં કન્ડિશનર્સ, વાળમાંથી શૅમ્પૂ બરાબર રીતે ન ધોવાય, ચોક્કસ સમયાંતરે વાળ ન ધોવા, ડાયટ, સ્ટ્રેસ અને હૉમોર્ન્સમાં બદલાવથી પણ ખોડો થઈ શકે છે.

ડૅન્ડ્રફની ટ્રીટમેન્ટ

જો તમને માઇલ્ડ ડૅન્ડ્રફ હોય તો વાળ ધોવાની ફ્રીક્વન્સી વધારી દો. ગોલ્ડન રૂલ એ છે કે જેટલા વાળ વધારે ધોવાશે કે સાફ રહેશે એટલો જ વાળમાં ડૅન્ડ્રફ ઓછો થશે. જો જરૂર હોય તો ડૅન્ડ્રફને કન્ટ્રોલમાં રાખવા માટે વાળને રોજ માઇલ્ડ શૅમ્પૂથી વૉશ કરો.

વાળમાં ઑઇલિંગ કરવું જરૂરી છે. શિયાળામાં જે રીતે ત્વચાને મૉઇસ્ચરાઇઝરની જરૂર પડે છે એ જ રીતે વાળને પણ મૉઇસ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. વાળમાં તેલથી મસાજ કરવામાં આવશે તો એ સૂકું નહીં થાય અને ડૅન્ડ્રફની સમસ્યા ઘટશે.

બની શકે તો રોજ વાળને ધોવાના એક કલાક પહેલાં વાળમાં તેલથી માલિશ કરો. વાળમાં નારિયેળ તેલને બદલે બદામનું તેલ કે ઑલિવ ઑઇલ પણ લગાવી શકાય.

જો તમારા વાળ સૂકા હોય, પણ સ્કૅલ્પ ઑઇલી હોય તો તમે વાળને વધારે ધોવામાં અચકાતા હશો. પણ શૅમ્પૂને તમારા સ્કૅલ્પ પર વધારે લગાવો અને પછી જ્યારે વાળ ધોવાય ત્યારે વાળ પર શૅમ્પૂ લાગવા દો. આ રીતે સ્કૅલ્પ ક્લીન થશે અને વાળ વધારે સૂકા પણ નહીં થાય.

જો માઇલ્ડ શૅમ્પૂથી કામ ન બનતું હોય અને તમારો ડૅન્ડ્રફનો પ્રૉબ્લેમ વધુપડતો હોય તો વાળ ધોવા માટે મેડિકેટેડ ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ વાપરો. ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ સ્ટ્રૉન્ગ હોય છે એટલે એકાંતરે વાળ ધુઓ. આ શૅમ્પૂ લગાવ્યા પછી ઍટ્લીસ્ટ પાંચ મિનિટ સુધી વાળમાં રહેવા દો અને પછી વાળ ધુઓ.

શૅમ્પૂ લગાવ્યા પછી સ્કૅલ્પ પર આંગળીઓ વડે હલકો મસાજ કરો જેથી સ્કૅલ્પ પર બનેલું ડૅન્ડ્રફનું લેયર લૂઝ થાય અને ડૅન્ડ્રફ દૂર થાય.

ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ સ્ટ્રૉન્ગ હોય છે એટલે જો ફાવે તો એકલું જ અથવા નૉર્મલ માઇલ્ડ શૅમ્પૂ સાથે મિક્સ કરીને વાપરી શકાય છે અને અઠવાડિયામાં એક કે બે દિવસ ઍન્ટિ-ડૅન્ડ્રફ અને બીજા દિવસોમાં નૉર્મલ શૅમ્પૂ એ રીતે પણ વાપરી શકાય. એક વાર ડૅન્ડ્રફ જતો રહે ત્યાર બાદ નૉર્મલ શૅમ્પૂ જ વાપરવું. શિયાળામાં વધુપડતું શૅમ્પુ પણ ન વાપરવું, કારણ કે જો એ બરાબર ધોવાશે નહીં તો ખોડામાં પરિણમશે.

વાઇટ વિનેગર ડૅન્ડ્રફ માટે ઉત્તમ રેમિડી છે.

એક કપ પાણી સાથે એક કપ વાઇટ વિનેગર મિક્સ કરો. આ મિશ્રણને વાળ પર શૅમ્પૂ કર્યા બાદ ફાઇનલ વૉશ તરીકે નાખો અને રહેવા દો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK