Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચંદી પડવાએ સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા જોવા મળશે

ચંદી પડવાએ સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા જોવા મળશે

14 October, 2019 02:31 PM IST | સુરત
શરદ પૂનમ સ્પેશ્યલ-પૂજા સાંગાણી

ચંદી પડવાએ સુરતીઓ ઘારી અને ભૂસું ખાતા જોવા મળશે

ઘારી અને ભૂસું

ઘારી અને ભૂસું


ગઈ કાલે શરદ પૂનમનો તહેવાર ઊજવાઈ ગયો, પરંતુ આજે એટલે કે શરદ પૂનમના બીજા દિવસને સુરતીઓ ‘ચંદી પડવો’ કે ‘ચાંદની પડવો’  કહે છે. આ દિવસની ઢળતી સાંજે સુરત શહેરમાં અદ્ભુત નજારો જોવા મળે છે જે તમને વિશ્વમાં ક્યાંય જોવા નહીં મળે. શહેરની ફુટપાથ, રસ્તા વચ્ચેના પહોળા ડિવાઇડર, બગીચા અને જાહેર જગ્યાઓ પર સુરતીઓ નાસ્તાના ડબ્બા, ચટાઈ, પાણીના જગ અને ખુરશીઓ સાથે ઊમટી પડે છે. જ્યાં ચોખ્ખી જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાય અને સુરતની વિશ્વ પ્રસિદ્ધ મીઠાઈ ઘારી અને ભૂસું એટલે કે ચવાણું આરોગે.

હા, આશ્રર્ય થયુંને? પણ ચંદી પડવો એ સુરતી લાલાઓ માટે ખૂબ મોટો તહેવાર છે અને એ દિવસે ઘારીની દુકાનોમાં હૈયેહેયું દળાય એવી ભીડ હોય છે. ઘારીની સાથે મોટા જથ્થામાં ચવાણું ખરીદવામાં આવે છે અને રસ્તા પર બેસીને પેટ ભરીને ઘારી અને ભૂસું ઝાપટી જાય. આજુબાજુ વાહન જતાં હોય, પરંતુ કોને ફીકર છે? એયને તમતમારે ઘારી ને ભૂસું ઝાપટો મોજથી. ચંદી પડવા નિમિત્તે કરોડો રૂપિયાનો વેપાર હોય છે. ઘારી, ભૂસું અને બીજા ફરસાણનો. બધાને ખબર જ હશે કે ઘારી એટલે માવા, ડ્રાયફ્રૂટ અને ઘીથી લદબદ સુરતની વિશ્વપ્રસિદ્ધ મીઠાઈ.
આ તો સુરત શહેરની વાત થઈ, પરંતુ આજના લેખમાં આપણે શરદ પૂનમ નિમિત્તે ગુજરાતના કયા શહેરમાં શું ખવાય છે એની વાતો કરીશું. મુખ્યત્વે લોકો દૂધપૌંઆ ખાતા હોય છે, પરંતુ આજે આપણે અલગ-મલકની વાતો કરીશું. શરદ પૂનમ દિવસના ભોજનની. નવરાત્રિ અને દશેરા બાદ આવતી પુનમની આખા વર્ષમાં આવતી પુનમોમાં સૌથી વધુ મહત્વ છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે આ દિવસે મહારાસ રમ્યા હતા. આ ઉપરાંત દેવી લક્ષ્મીનો જન્મ દિવસ હોવાનું માનવામાં આવે છે અને તે દિવસે પૂજા અર્ચના કરવાથી ધન-વૈભવ મળે છે. શરદ પુનમને બંગાળ, ઓડિશા અને આસામમાં કુમાર પૂર્ણિમા તરીકે ઓળખે છે અને ત્યાંની કુમારિકાઓ સારો જીવનસાથી મળે એ માટે પૂજા અને ઉપવાસ કરતી હોય છે.
પાછા સુરત પર આવી જઈએ તો સુરતમાં આ તહેવારને જોવા માટે ખાસ જવું જોઈએ. સાંજ ઢળતા પહેલાં તો પરિવારજનો ઘરભેગા થઈ જાય. મિત્રો અને સગાં-સંબંધીઓ જોડે અગાઉથી જ મળવાનું નક્કી થઈ ગયું હોય એટલે નક્કી કરેલા સ્થળે જઈને ઊભા રહી જાય. એ દિવસે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પણ ખાસ સફાઈ અભિયાન હાથ ધરીને રસ્તા, ફુટપાથ, ડિવાઇડર અને જાણીતી જગ્યાએ જબરદસ્ત સફાઈ કરી નાખવામાં આવી હોય છે અને સાંજ ઢળતાં તો રસ્તા પર ભીડ જામવા લાગે. ચટાઈ કે મોટું પાથરણું પાથરીને બધા ગ્રુપમાં ગોઠવાઈ જાય અને પછી ખૂલે નાસ્તાના ડબ્બા. મુખ્યત્વે સૌ ઘારી અને ચવાણું લાવ્યા હોય. પછી સૌ એકબીજાને ઘારી ખવડાવીને મોઢું મીઠું કરાવડાવે અને પછી એયયય...ને જયાફત ચાલુ. કિલોબંધ ઘારી અને ચવાણું ઝાપટી જાય.
આ બાબતે સુરતના જહાંગીરપુરા ખાતે રહેતાં નિકિતા લાકડીવાળા જણાવે છે કે ‘અમે ચંદી પડવો એટલે કે શરદ પૂનમના બીજા દિવસની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. અમારું ૩૫ જણનું ગ્રુપ છે અને અમે એક સપ્તાહ અગાઉ જ નક્કી કરીએ કે કોણ ક્યાંની અને કયા ટેસ્ટની ઘારી લાવશે અને ભૂસું લાવશે. જગ્યા પણ અગાઉથી જ નક્કી કરીએ. પછી ચંદી પડવાના દિવસે ભેગા થઈએ અને ખૂબ મજા કરીએ.’
નિકિતા વધુમાં જણાવે છે કે ‘હું મૂળ અમદાવાદની છું, પરંતુ સુરત લગ્ન કરીને સ્થાયી થયા પછી આ પ્રથા વિશે જાણ્યું અને દિવાળીની જેમ જ ચંદી પડવાની રાહ જોઈએ. જો તમે વહેલા ન આવો તો બેસવા માટે સરખી જગ્યા પણ ન મળે. શહેરનાં તમામ જાણીતાં સ્થળોએ રસ્તાના ડિવાઇડર, ફુટપાથ કે ખાલી જગ્યા પર બેસી જવાનું. ઘારી ઉપરાંત સમોસા અને બીજાં ફરસાણ પણ સાથે રાખીએ એટલે સૌ અલગ-અલગ વાનગીઓની મોજ માણીએ.’
સુરતની મીઠાઈવાળા આગલા દિવસોમાં ઘારીના ખાસ અલગ કાઉન્ટર સજાવે. સાદી માવા ઘારી, કાજુ, પિસ્તાં, બદામ, કેસર, ચૉકલેટ, વરખવાળી ઘારી, ઑરેન્જ, સ્ટ્રૉબેરી, પાઇનૅપલ, શુગર-ફ્રી જેવી અનેક પ્રકારની ઘારી બને. એક અંદાજ મુજબ બે લાખ કિલો જેટલી ઘારી એક જ દિવસમાં સુરતી લાલાઓ આરોગી જાય છે અને બહારગામ રહેતાં સગાં-સંબંધીઓને મોકલાવે છે. સુરતની સુમુલ ડેરી પણ ઘારી બનાવે છે અને એ પણ આ પ્રસંગને અનુરુપ મોટા જથ્થામાં ઘારી બનાવે છે. ૫૦૦ રૂપિયા પ્રતિકિલોથી લઈને ૧૫૦૦ પ્રતિકિલોના ભાવે ઘારી વેચાય છે.
આ બાબતે વધુ માહિતી આપતાં ઈશા શાસ્ત્રી કહે છે કે ‘મારો જન્મ સુરતમાં જ થયો છે અને લગ્ન પણ અહીં જ કર્યાં છે. આથી જન્મ થયો ત્યારથી ઘારી અને ભૂસું ખાવાની પ્રથાની પરિવાર સાથે મોજ માણું છું. ઘારી સાથે ભૂસું કેમ ખાવામાં આવે છે એનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ ઘારી મીઠી અને ઘીથી ભરપૂર હોય છે. આથી જો લોકોને સ્વીટ ન ભાવતું હોય એ લોકો જોડે તીખી વસ્તુ ખાય અને ઘારી જોડે ભૂસું બેસ્ટ કૉમ્બિનેશન છે. આ પ્રથા બસ એમ જ પડી ગઈ છે, એની પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી.’
ઘારીના ઇતિહાસની ટૂંકમાં વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘દેવશંકર ઘારીવાળાએ એની શરૂઆત ૧૮૩૮માં કરી હતી અને ૧૮૫૭ના વિપ્લાવ દરમિયાન તાત્યા ટોપે અને તેની સેનાને ઘારી ખૂબ પસંદ પડી હતી. ત્યાર બાદ એટલીબધી લોકપ્રિય થઈ ગઈ કે સુરતના નામનો પર્યાય બની ગઈ છે. કહેવાય છે કે સુરતમાં શ્રીમંત લોકો કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે બારમું કે તેરમુ કરે ત્યારે મગસના બદલે ઘારી મૂકતા હતા. પછી તો દરેક પ્રસંગમાં લોકપ્રિય બની ગઈ છે. દેવશંકર ઘારીવાળાનો પરિવાર તો હવે ઘારી વેચતો નથી, પરંતુ જમનાદાસ ઘારીવાળાનું નામ ઘારી માટે બહુ જાણીતું છે.’
હવે વાત કરીએ બીજાં શહેરોની તો શરદ પૂનમના દિવસે દૂધ-પૌંઆ ખાવામાં આવે છે. એનું કારણ એ છે કે ભાદરવો મહિનો ખૂબ ગરમ હોય છે અને એની આબોહવાના કારણે મોટા ભાગના લોકોને પિત્તની તકલીફ થઈ હોય છે. ખડી સાકર નાખેલું દૂધ અને પૌંઆ ચંદ્રમાને ધરાવીને ખાવાથી પેટને ઠંડક પહોચે છે અને પિત્તની તકલીફમાં રાહત થાય છે. પરંતુ ફૂડીઓને તો એમાં પણ વરાઇટી જોઈએ. એટલે અમદાવાદ સહિતનાં શહેરોમાં અલગ-અલગ ટેસ્ટના ‘કસાટા પૌંઆ’ મળે છે. હા, સાચું સાંભળ્યું છે. કસાટા પૌંઆ એટલે કે કેસર-પિસ્તાં, બટરસ્કોચ, સ્ટ્રૉબેરી, ચૉકલેટ અને વૅનિલા જેવા સ્વાદના પૌંઆ મળે છે. એની અંદર ચેરી અને અલગ-અલગ સૂકો મેવો હોય છે. ૪૦ રૂપિયાનું બસો ગ્રામનું પૅકેટ આવે પછી જેવી કંપની એવો ભાવ. એને એકદમ ઠંડા દૂધમાં નાખીને ખાવામાં આવે છે. ઘણા શોખીનો એની અંદર વૅનિલા આઇસક્રીમ નાખે અને ખરેખર એ ટેસ્ટ ખૂબ જ જોરદાર આવે છે. એની જોડે ગરમાગરમ બટાટાવડાં ખાઓ તો સ્વીટ અને સ્પાઇસી અદ્ભુત ટેસ્ટનો સંગમ થાય.
ભાવનગરમાં તો વળી આખી અલગ જ પ્રથા છે. ત્યાં ઠેર-ઠેર ઊંધિયું, દહીંવડાં અને ગુલાબજાંબુ ખાવામાં આવે છે. ભાવનગરના વાઘાવાડી રોડ ખાતે રહેતા મનીષ લંગાળિયા જણાવે છે કે ‘આખા ગુજરાતમાં દૂધપૌંઆ ખવાય, પરંતુ અમારા શહેરમાં ઠંડા દહીંવડાં અને ઊંધિયું તેમ જ મિષ્ટાન્નમાં ગુલાબજાંબુ ખાવામાં આવે છે. જાણીતી દુકાનોમાં શરદ પૂનમના દિવસે આ જ મળે. લોકો સાંજે હાથબ, ગોપનાથ અને મહુવાના દરિયાકિનારે આ વાનગીઓ લઈ જાય અને પરિવાર સાથે આ વાનગીઓની મજા માણે છે.’
મૂળ ઓડિશાની પણ અમદાવાદમાં સ્થાયી થયેલી રશ્મિ શેઠી કહે છે કે ‘ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિક જેવો દેખાવડો જીવનસાથી મળે એ માટે અમે ઉપવાસ રાખીએ અને ‘ખાઈ ચંદા’ અથવા ‘ચંદા ચકાદા’ તરીકે ઓળખાતી વાનગી આરોગીએ. એ ખાઈ એટલે કે એક જાતના પૌંઆ, ગોળ, પાકાં કેળાં, દહીં, લીલું નારિયેળ, કાકડી વગેરે નાખીને બનાવીએ અને એને થાળીમાં એક ચાંદા આકારમાં રાખીને ચંદ્રને ધરાવીને આરોગીએ છીએ.’
બંગાળમાં પણ આ દિવસનું મહત્ત્વ સમજાવતાં નંદિતા દત્ત જણાવે છે, ‘અમે શરદ પૂનમના દિવસને લક્ષ્મીજીની પૂજા કરીને તેને ભોગ ધરાવીએ. એમાં મુખ્યતવે મુરી લાડુ અથવા મુરીર લાડુ એટલે કે મમરાના લાડવા,  નારિયેળના ગોળ નાખેલા લાડવા, તલના લાડવા, ભોગર ખીચરી (પીળી મગની દાળની ખીચડી), લબરા લબદાર તરકારી એટલે મિક્સ શાક, ટમેટા-ખજૂરની ચટણી, પાયસમ એટલે ખીર તેમ જ લુચી એટલે કે પોચી પૂરી સાથે ચણાદાળ અને કોઈ પણ ફ્રાય શાક જેમ કે આલૂફ્રાય કે રીંગણફ્રાય આરોગીએ છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 02:31 PM IST | સુરત | શરદ પૂનમ સ્પેશ્યલ-પૂજા સાંગાણી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK