Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > પાકાં ને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે

પાકાં ને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે

01 November, 2012 06:08 AM IST |

પાકાં ને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે

પાકાં ને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે




જિગીષા જૈન





કોઈ બળબળતી બપોરે લોકલ ટ્રેન પકડવાની દોડમાં અચાનક જ જામફળથી ચિક્કાર ભરેલી બોરી નજરે ચઢે તો મનને ટાઢક થાય. હાશકારો થાય કે મુંબઈમાં ઠંડી આવે કે ન આવે, જામફળ તો આવી ગયાં! આજકાલ માર્કેટમાં થોકબંધ દેખાતાં જામફળ જાણે શિયાળાનાં એંધાણ લઈને આવી પહોંચ્યાં છે. શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે ત્યારે જાણીએ કે શિયાળામાં મળતાં આ જામફળ કેટલાં ગુણકારી છે...

વિટામિન સીથી ભરપૂર



આપણી એક માન્યતા મુજબ વિટામિન સી ફક્ત ખાટાં ફળોમાંથી મળે છે. આ માન્યતાને નકારતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘વિટામિન સીનો આમળાં પછીનો સેકન્ડ રિચેસ્ટ ર્સોસ એટલે જામફળ. નારંગી કે સંતરાને વિટામિન સીનો ર્સોસ માનવામાં આવે છે, પરંતુ એના કરતાં જામફળમાંથી ઘણા વધારે પ્રમાણમાં વિટામિન સી મળે છે. વિટામિન સી આયર્નના ઍબ્સોપ્શન માટે મહત્વનું ઘટક છે. વળી, જામફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે એનાથી સ્કિનને ઘણો ફાયદો થાય છે. જામફળ ખાવાથી સ્કિન સારી બને છે. એના પર ચમક આવે છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન પછી, એ વાઇરલ હોય કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, એની સામે લડવામાં એ મદદરૂપ થાય છે.’

સેંકડો સૉલ્યુબલ ફાઇબર્સ

ન્યુટ્રિશનલી ખૂબ રિચ ગણાતાં જામફળમાં સૉલ્યુબલ ફાઇબર્સ ભરપૂર માત્રામાં મળે છે. આ ફાઇબર્સની ખાસિયત જણાવતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘આ સૉલ્યુબલ ફાઇબર્સને કારણે શુગર, કૉલેસ્ટરોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું લેવલ ઘટે છે. વળી, એનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ઓછો છે, અર્થાત, એમાંથી મળતા ગ્લુકોઝ એટલે કે શર્કરાનું પ્રમાણ ઘણું ઓછું છે. વળી, આ સૉલ્યુબલ ફાઇબર્સ ઍસિડિટી અને સ્ટમક ઇન્ફેક્શનમાં ખૂબ મદદરૂપ થાય છે.  વળી, જામફળ ખાવાથી પેટમાં થોડો ભાર પણ રહે છે, માટે એને વેઇટ-લૉસ પ્લાનમાં પણ સામેલ કરી શકાય છે, જેથી ન્યુટ્રિશન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે અને જલદી ભૂખ ન લાગે.’

ડાયેરિયા અને કૉન્સ્ટિપેશન

મોટા ભાગે ડાયેરિયામાં જે પદાર્થ ઉપયોગી હોય એ કૉન્સ્ટિપેશનમાં હોતો નથી. આ બન્ને અલગ-અલગ પ્રકારના પ્રૉબ્લેમ છે, પરંતુ જામફળ આ બન્ને પ્રૉબ્લેમનું સૉલ્યુશન છે. ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ડાયેરિયા થયો હોય ત્યારે જામફળને ઉકાળી, ક્રશ કરી અને ગાળીને પીવાથી ડાયેરિયામાં ઘણી રાહત રહે છે. સાથે-સાથે જામફળમાં સૉલ્યુબલ ફાઇબર્સ હોવાથી એ કૉન્સ્ટિપેશનમાં પણ ઉપયોગી છે.’

આયુર્વેદિક નિષ્ણાત રવિ કોઠારી કહે છે, ‘આપણે ત્યાં જામફળ પર નમક છાંટીને ખાવાની સલાહ આપવામાં આવે છે. જામફળને આ રીતે ખાવાથી પેટ સાફ આવે છે માટે જ એ ફિશર અને ભગંદરના દરદીઓ માટે રેકમેન્ડ કરવામાં આવે છે.’

કફ-પિત્ત-વાતનું શમન


સામાન્ય રીતે એક એવી પણ માન્યતા છે કે જામફળ ખાવાથી શરદી થઈ જાય. આ માન્યતાને નકારતાં આયુર્વેદિક નિષ્ણાત રવિ કોઠારી કહે છે, ‘જામફળથી કફ વધે છે એ ખોટી માન્યતા છે. ફ્રિજમાં રાખેલું જામફળ ખાવાથી કદાચ શરદી થવાની શક્યતા છે, પણ એની પાછળ જામફળનો નહીં, ફ્રિજનો દોષ છે. ઊલટું, જામફળથી કફ, પિત્ત અને વાત ત્રણેય દોષોનું શમન થાય છે. આમ, આ ત્રણેય દોષોથી થતા બધા જ પ્રૉબ્લેમ્સમાં જામફળ ઇલાજની ભૂમિકા ભજવે છે. જામફળથી ત્રિદોષ - કફ, પિત્ત અને વાતનું બૅલેન્સ જળવાઈ રહે છે.’

દાંત મજબૂત થાય?

જામફળ સાથેની એક માન્યતા એ છે કે એ ખાવાથી દાંત મજબૂત થાય. એ વિશે આયુર્વેદિક નિષ્ણાત રવિ કોઠારી કહે છે, ‘લોકો કઠણ જામફળ ખાઈને માને છે કે એ ચાવવાથી દાંતની કસરત થાય અને દાંત મજબૂત થાય, પણ એ ભૂલભરેલી માન્યતા છે. કોઈ પણ બીજો ખોરાક ચાવવાથી દાંતને જેટલી કસરત મળે એટલી જ જામફળ ચાવવાથી મળે. એટલે જામફળ ચાવવાથી દાંત મજબૂત થશે એવું નથી.’

આ જ મુદ્દે વાત કરતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે કે ‘જામફળમાં રહેલું વિટામિન સી પેઢાં માટે ખૂબ ગુણકારી છે. માટે કદાચ એવી માન્યતા પડી હશે કે જામફળ ખાવાથી દાંત મજબૂત થાય, પણ એનો જામફળ ચાવવા જોડે કોઈ સંબંધ નથી.’

કેવાં જામફળ સારાં?

બજારમાં બે પ્રકારનાં જામફળ મળે છે. કઠણ અને પોચાં, તથા સફેદ અને લાલ. આયુર્વેદિક નિષ્ણાત રવિ કોઠારી કહે છે, ‘જામફળ કાચું હોય ત્યારે કઠણ હોય છે, જે પચવામાં ભારે પડે છે. વળી એનાથી ગૅસ થવાની શક્યતા પણ રહે છે. પાકાં અને નરમ જામફળ ખાવાં વધુ ગુણકારી છે.’

લાલ અને સફેદ જામફળમાં લાલ જામફળ વધુ ગુણકારી છે, એમ જણાવતાં ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘લાલ જામફળમાં ફાઇટો ન્યુટ્રિયન્સ હોય છે, જે મહિલાઓ માટે ખૂબ ઉપયોગી છે. વળી, મૂડ-સ્વિંગ અને અમુક પ્રકારના ડિપ્રેશનને એ કાબૂમાં રાખે છે, પરંતુ લાલ જામફળ કુદરતી હોય એ વધુ યોગ્ય છે. હાઇબ્રીડ રીતે પકવેલાં જામફળ વધુ નુકસાનકારક હોય છે. આ ઉપરાંત બજારમાં મળતાં પિઝરર્વેટિવ વાળા પેક્ડ જ્યુસ ઘરે બનાવેલો જામફળનો જ્યુસ વધારે ગુણકારી છે.’

ડાયેટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘જામફળને ટુકડા કરીને નહીં, આખેઆખું જ ખાવું જોઈએ. તો જ એની ન્યુટ્રિશન વૅલ્યુ વધે છે. આ ઉપરાંત જ્યારે જામફળનું શાક બનાવવામાં આવે છે ત્યારે એને પકવતી વખતે એમાંથી વિટામિન સી બળી જાય છે. આથી જો જામફળનો પૂરો લાભ મેળવવો હોય તો એને કાચું ખાવું જરૂરી છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2012 06:08 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK