Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વિદેશ ભણવા જાઓ છો? તો તમે પહેલાં કૂકિંગ ડિગ્રી પણ મેળવી લેજો

વિદેશ ભણવા જાઓ છો? તો તમે પહેલાં કૂકિંગ ડિગ્રી પણ મેળવી લેજો

21 November, 2019 02:16 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

વિદેશ ભણવા જાઓ છો? તો તમે પહેલાં કૂકિંગ ડિગ્રી પણ મેળવી લેજો

વન-બાઉલ મીલ કે જેમાં ભરપૂર વેજિટેબલ્સ હોય, રાઇસ/ઓટ્સ/ ફાડા પણ હોય અને રાજમા/ચણા/મગ જેવાં પલ્સીસ પણ હોય જેથી બૅલેન્સડ ફૂડ મળી રહે.

વન-બાઉલ મીલ કે જેમાં ભરપૂર વેજિટેબલ્સ હોય, રાઇસ/ઓટ્સ/ ફાડા પણ હોય અને રાજમા/ચણા/મગ જેવાં પલ્સીસ પણ હોય જેથી બૅલેન્સડ ફૂડ મળી રહે.


પોસ્ટ-ગ્રૅજ્યુએશન માટે ફૉરેન કન્ટ્રીઝમાં ભણવા જતા યંગસ્ટર્સની સંખ્યામાં છેલ્લા દાયકામાં બમણો વધારો થયો છે. પરદેશ જઈને ભારતીય અને ઘરનું ખાવાનું મિસ કરતા યંગસ્ટર્સ હવે જતાં પહેલાં રાંધવાની બાબતમાં પણ સજ્જ થવા લાગ્યા છે 

કૂકિંગ એ દરેક વ્યક્તિનું પૅશન નથી હોતું, પરંતુ સાદું, ઘર જેવું ખાવાનું એ દરેક વ્યક્તિની જરૂરિયાત તો હોય જ છે. તમને કદાચ બત્રીસ પકવાન બનાવતાં ન આવડે તો ચાલે, પણ પેટની ભૂખ ભાંગી શકો એટલું રાંધતા આવડવું એ ખરેખર પ્રાથમિક જરૂરિયાતોમાંની એક છે એમ કહું તો ચાલે. આમ તો આ વાત પૃથ્વી પર વસતા દરેક ઉંમરની અને દરેક સમાજની વ્યક્તિને લાગુ પડે છે, પરંતુ યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને આજની વાત કરવી છે. ભણતર પૂરું કરીને પરદેશ જનારા સ્ટુડન્ટ્સે આ વાત બહુ ગંભીરતાપૂર્વક સમજવા જેવી છે.



ઘરમાં પાણીનો એક ગ્લાસ પોતાની જાતે નથી લીધો એવા યંગસ્ટર્સ જ્યારે ભણવા માટે વિદેશ જાય છે ત્યારે તેઓ ખાવાપીવાની બાબતે બહુ જ કફોડી સ્થિતિમાં મુકાતા હોય છે. માત્ર ફૉરેન જ શું કામ? ઘરથી દૂર હૉસ્ટેલમાં ભણવા જતા વિદ્યાર્થીઓને પણ મેસનું ખાવાનું આમેય ક્યાં ફાવે છે? એમ છતાં, ભારતમાં રહેતા વિદ્યાર્થીઓને તો છાશવારે ઘરે આવવાનો મોકો મળે અને ઘરેથી મમ્મી ડબ્બા ભરીને નાસ્તા પણ મોકલાવી શકે છે. વિદેશ ભણવા જાઓ તો આવી સહુલિયત મળવી સંભવ નથી હોતી. ગુજરાતીઓ મોટા ભાગે વેજિટેરિયન હોય છે એટલે વિદેશના ભોજનમાં શાકાહારી ભોજન શોધવાની સમસ્યા પણ ખરી જ. વળી, તમે કયા દેશમાં છો એ ફૅક્ટર પણ અસર કરે. ઘણી જગ્યાએ ઇન્ડિયન ચીજો પણ મળવી મુશ્કેલ હોય છે. એવામાં ત્યાં મળતી ચીજોમાંથી કઈ રીતે ઘર જેવું દેશી ખાણું બનાવીને સંતૃપ્તિનો ઓડકાર લઈ શકાય એ સમજવું જરૂરી બને છે.


મજા પછીની સજા

આજના અતિવ્યસ્ત અને આધુનિક જીવનમાં વિદેશ ભણનારા વિદ્યાર્થીઓને ખાવામાં કેવી તકલીફો આવી શકે છે એ વિશે વાત કરતાં કૂકિંગ-એક્સપર્ટ અને ફૂડ-સ્ટાઇલિસ્ટ મીતા ભરવાડા કહે છે, ‘શરૂઆતમાં ત્રણ-ચાર મહિના તો યંગસ્ટર્સને ફૉરેનમાં બહુ જ મજા પડે છે. તેમને બેરોકટોક પીત્ઝા, પાસ્તા, બર્ગર અને જન્ક-ફૂડ ખાવા મળવાને કારણે મજા આવે છે, પણ આખરે જીભને જ ભાવે એટલું પૂરતું નથી હોતું, તૃપ્તિ થવી પણ જરૂરી છે. ત્રણ-ચાર મહિના પછી ઘરના દાળ-ભાત યાદ આવવા લાગે છે. ટેસ્ટી ટાકોઝ સામે હોવા છતાં મનને ઘર જેવા ખાવાનાની તલબ લાગે છે. રોટલી-દાળ-ભાત-શાક, ખીચડી-કઢી, ઇન્ડિયન સ્ટાઇલ વેજિટેબલ્સ અને ફુલકાં રોટલીની ખરી કિંમત એ પછીથી સમજાવા લાગે છે. હવે વિદેશોમાં પણ ઇન્ડિયન ફૂડ અવેલેબલ હોય છે, પણ એ ઇકૉનૉમિકલી પરવડે એવું જ હોય એ જરૂરી નથી. ભણવા માટે ગયેલા સ્ટુડન્ટ્સને ચોક્કસ બજેટમાં મન્થ્લી ખર્ચ કરવાનો હોય છે એટલે તેમણે ઇન્ડિયન ફૂડ પૉકેટ-ફ્રેન્ડ્લી હોય એ પણ જોવું પડે છે. મેં તો ઘણા સ્ટુડન્ટ્સને જોયા છે કે જેઓ ઇન્ડિયા આવવાના હોય ત્યારે પહેલેથી મમ્મીને લખાવી દે કે હું આવું ત્યારે મને આપણી ફલાણી દેશી વાનગીઓ તો ખાવી જ છે.’


હૅપીનેસ હંમેશાં હોમમેડમાં છે

આપણે ભોજનમાં શું લઈએ છીએ એ બાબતે દરેક વ્યક્તિએ સભાન રહેવું જ પડે કેમ કે આજકાલ ૭૦ ટકા શારીરિક સમસ્યાઓ ડાયટ સાથે સંકળાયેલી હોય છે. થોડુંક વિચિત્ર લાગશે પણ પહેલાં કહેવાતું કે લોકો ઘરનું બનાવેલું ખાતા અને બહાર (કુદરતી હાજતે) જતા, હવે લોકો બહારનું જ ખાય છે અને ઘરમાં (કુદરતી હાજતે) જાય છે. કદાચ સમસ્યાનું મૂળ આ બદલાવમાં છુપાયેલું છે અને એટલે જ રોગોને દૂર રાખવા માટે પણ હોમમેડ ફૂડ તરફ વળવું બહુ જરૂરી છે. હોમમેડ ચીજોના હિમાયતી મીતાબહેન કહે છે, ‘હૅપીનેસ હંમેશાં હોમમેડમાંથી જ મળે છે. ઘરે બનાવેલી ચીજોમાં વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટ્સ ફ્રેશ હોય, આપણે સાચી કૂકિંગ મેથડથી એ બનાવીએ જેથી એની પોષકક્ષમતા જળવાય. એ ઉપરાંત ઘરે બનાવેલા ભોજનમાં પ્રેમ અને કાળજી ભળેલાં હોય છે. એટલે જ હું માનું છું કે આજના સમયે કૂકિંગ એ લાઇફ-સ્કિલ છે અને હેલ્ધી-વેલ્ધી રહેવું હોય તો દરેક વ્યક્તિએ શીખવું જ જોઈએ.’

યંગસ્ટર્સને કઈ રીતે શીખવવું?

જાતે રાંધતા શીખવું જોઈએ એવું ડહાપણ કદાચ બધાને છે, પણ મમ્મીઓને આખો દિવસ રસોડામાં વ્યસ્ત રહેતી જોઈને યંગસ્ટર્સને એ કામ કૂંથાવાળું લાગવા લાગ્યું છે. તેમને લાગે છે કે મમ્મી રેડીમેડ આપે છે તો આપણે શું કામ શીખવું? અમે તો કમાઈને કૂક જ રાખી લઈશું. મીતાબહેન કહે છે, ‘આજની ભણેલીગણેલી પેઢીને કૂકિંગ કંટાળાજનક લાગે છે એનું કારણ એ છે કે તેમને પદ્ધતિસરની ટ્રેઇનિંગ નથી આપવામાં આવતી. નાનપણથી જ ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવીને પેટ ભરી લેવાની આદતે તેમને કિચનના બેસિક સિદ્ધાંતોની સમજથી વંચિત રાખ્યા છે. પરિવારથી દૂર વિદેશ જતા વિદ્યાર્થીઓ જો સાદી રોજિંદા જીવનમાં જરૂરી એવી ચીજો બનાવવાની સરળ રીતભાત શીખી લે અને શૉર્ટ ઍન્ડ સ્માર્ટ ટેક્નિક્સ સમજી લે તો તેમના માટે પણ રાંધવું એ ડાબા હાથનો ખેલ થઈ જાય. બીજું, દરેક દેશની પોતાની ખાસિયતો હોય છે એ મુજબ પણ થોડીક કૂકિંગ સેન્સ કેળવેલી હોય તો ફાયદો થાય. મારો દીકરો ઑસ્ટ્રેલિયા ભણ્યો અને ત્યાં સેટલ છે. ત્યાં મેં જોયું છે કે ઘણી રેસ્ટોરાંમાં તમારા ઑર્ડર સાથે ખૂબબધા રાઇસ ફ્રીમાં આપે. ડિશ પણ ઘણી મોંઘી હોય. મેં ઘણા સ્ટુડન્ટ્સને જોયાં છે કે જમ્યા પછી વધેલા રાઇસ તેઓ પૅક કરાવી લે. જો તમને ઘરે કંઈક બનાવતાં આવડતું હોય તો આ વધેલા રાઇસ તમારું બીજા દિવસનું ટેસ્ટી લંચ પણ બની શકે છે.’

હૅપીનેસ હંમેશાં હોમમેડમાંથી જ મળે છે. ઘરે બનાવેલી ચીજોમાં વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટ્સ ફ્રેશ હોય, આપણે સાચી કૂકિંગ મેથડથી એ બનાવીએ જેથી એની પોષકક્ષમતા જળવાય. એ ઉપરાંત ઘરે બનાવેલા ભોજનમાં પ્રેમ અને કાળજી ભળેલાં હોય છે.

- મીતા ભરવાડા

સસ્તું અને સ્વાસ્થ્યપ્રદ

સંતાનને ફૉરેન ભણવા મોકલવામાં જ એટલો ખર્ચ થતો હોય છે કે દરેક સ્ટુડન્ટે ત્યાં બને એટલી કરકસર સાથે જીવવું

પડે છે. જો ઘરે જાતે રાંધતા આવડતું હોય અને થોડુંક કિચન-મૅનેજમેન્ટ આવડી જાય તો એ સસ્તું પણ પડે અને સ્વાસ્થ્યપ્રદ પણ રહે

ઢોકળાં-મૂઠિયાં અને હાંડવો જેવી ચીજો બનાવવી હોય અને એ માટે ખાસ એનું કૂકર ન હોય તો કઈ રીતે નૉનસ્ટિક પૅનનો ઉપયોગ કરતાં શીખી લેવું.

કૂકિંગ ટિપ્સ

 આજકાલના યંગસ્ટર્સ અને કૉલેજિયન્સને શાકભાજી સમારતાં પણ નથી આવડતાં હોતાં. એટલે જો તેઓ ઝટપટ કઈ ચીજો કેવી રીતે કાપવી સરળ બને એ શીખી લે તો તેમનો રાંધવાનો અડધો કંટાળો દૂર થઈ જાય. વેજિટેબલ કટિંગ ટૂલ્સ પણ હવે આવી ગયાં છે જે હેલ્પફુલ થઈ શકે છે.

 સમજી શકાય છે કે યંગસ્ટર્સ ત્યાં ભણવા ગયા છે, ખાઈ-પીને સૂવા માટે નહીં. એટલે જ તેમને એવી રૅસિપીઝ શીખવવી જોઈએ કે બનાવવામાં ઓછો સમય લાગે, પણ ન્યુટ્રિશનની બાબતમાં કમ્પ્લીટ હોય. વન-બાઉલ મીલ કે જેમાં ભરપૂર વેજિટેબલ્સ હોય, રાઇસ/ઓટ્સ/ ફાડા પણ હોય અને રાજમા/ચણા/મગ જેવાં પલ્સીસ પણ હોય જેથી બૅલેન્સડ ફૂડ મળી રહે.

 પ્લાનિંગ ઇઝ મસ્ટ. જીવનના દરેક કામની જેમ કૂકિંગમાં પણ આગોતરા આયોજનની બહુ જ જરૂર હોય છે. યંગસ્ટર્સને તેમનું એક વીકનું મેન્યૂ પ્લાન કરતાં શીખવી દેવું જોઈએ જેથી એ મુજબ જ તેઓ જરૂરી ગ્રોસરી, ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ ખરીદે. બગાડ ન થાય.

 રાંધવું એ કળા અને વિજ્ઞાન બન્ને છે. લોટ બાંધતી વખતે કેટલું પાણી જોઈએ, કયા લોટમાં કેટલું જોઈએ, દરેક દાળ-કઠોળ ચડવવા માટે કૂકરમાં કેટલું પાણી મૂકવું, નમકની જરૂરિયાત કઈ રીતે નક્કી થાય, કયા શાકભાજીને ચડવા વધુ કે ઓછો સમય લાગે, ક્યારે ધીમી આંચ રાખવી અને ક્યારે ફાસ્ટ આંચ કરવી એની પ્રાથમિક સમજણ જો શીખવી દેવામાં આવે તો રાંધવું સરળ બની જાય. આ બધું જો યાદ રહી જાય એવી સિમ્પલ ફૉર્મ્યુલા સાથે શીખવ્યું હોય તો ઑર સિમ્પલ બને.

 લેફ્ટઓવર ફૂડનું મૅનેજમેન્ટ કરવામાં ક્રીએટિવિટી રાખવી. ક્યારેક અમુક ફૂડ ઇન્ગ્રેડિયન્ટ્સ મોટા પૅકમાં જ મળતા હોય છે. એવા સમયે જો તમે એ ચીજો લાવો તો એક વાર વાપરીને બાકીની ચીજનો વેડફાટ ન થાય એનું મૅનેજમેન્ટ કરવું પણ જરૂરી છે.

આ પણ વાંચો : ચામાં આદુને બદલે આંબા હળદર નાખી દીધી હોય તો કેવી ચા બને?

 રોજિંદી વાનગીઓ અને તમને પોતાને ભાવતી વાનગીઓ ખાસ શીખવવી. એ પણ ઓછાંમાં ઓછાં સાધનો સાથે. એટલું યાદ રાખવું કે વિદ્યાર્થીઓ ત્યાં કંઈ આખું ઘર વસાવી શકવાના નથી. એટલે ઓછાં વાસણોમાં અને ટાંચાં સાધનોમાં તેઓ ટેસ્ટી ફૂડ કઈ રીતે બનાવી શકે એની ટ્રેઇનિંગ આપવી. જેમ કે ઢોકળાં-મૂઠિયાં જેવી ચીજો બનાવવી હોય તો એ માટે ખાસ એનું કૂકર ન હોય તો પણ કઈ રીતે તપેલામાં ચાળણીનો ઉપયોગ કરી શકાય એ શીખવવું.

- મીતા ભરવાડા

Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 02:16 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK