સંબંધોને આપો ક્વૉલિટી ટાઇમ

Published: 5th October, 2011 17:28 IST

આપણા સંબંધો પણ તુલસીના ક્યારા જેવા છે. પૂરતી કાળજી અને માવજતથી મહેકી ઊઠે છે. સંબંધોને સમય નથી મળતોનું બહાનું બતાવીને ઓછું મહત્વ આપનારા પાછળથી પસ્તાય છે. તમને નથી લાગતું કે આમાં કંઈક ખૂટે છે? શું ખૂટે છે? જરા વિચારી જોજો...(બુધવારની બલિહારી - કિરણ કાણકિયા)

ઘડિયાળના કાંટામાં અટવાયેલી માણસની જિંદગી કેવી સમયબદ્ધ બની ગઈ છે. રોજના રૂટીન પ્રમાણે સવારે ઊઠીને ચા-કૉફી, નાસ્તો કર્યા પછી જમવું અને ટીવી જોઈને સૂઈ જવું. શું તમારું ટાઇમ ટેબલ પણ આ જ રીતે છેને? માત્ર તમારું જ નહીં, પરંતુ આજે મોટે ભાગે બધાની સવારથી સાંજ આ પ્રમાણેની હોય છે. તમને નથી લાગતું કે આમાં કંઈક ખૂટે છે? શું ખૂટે છે? જરા વિચારી જોજો... હા, સમયબદ્ધ હોવા છતાં આપણી પાસે સમય જ નથી. તમે કોઈને પણ પૂછો તો જવાબ મળશે, ‘યાર, સમય જ નથી મળતો... શું કરું મન તો બહુ થાય છે મળવાનું, પણ જોને સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી પડતી.’

આજે આપણા કોઈ પાસે સમય નથી. આપણે માત્ર પોતાની માટે જીવી રહ્યા છીએ. જો કોઈનું કામ કરવાનું હોય, કોઈને મળવાનું હોય તો પટ દઈને કરી દઈએ છીએ. આજે પતિ-પત્નીને પણ એકબીજાને મળવા માટે ફુરસદ નથી મળતી. કેટલાંક વ્યસ્ત પતિ-પત્ની તો વીક-એન્ડમાં જ મળી શકે છે.

ઘરની બાલ્કનીમાં તુલસીનો છોડ કૂંડામાં વાવ્યો હોય તો એને સમયસર પાણી પિવડાવવું જોઈએ. એમાં ખાતર નાખવું જોઈએ. તો ક્યારેક માટી બદલવી પડે છે. આવી કાળજી અને ખંત રાખીએ તો તુલસીનો છોડ હર્યોભયો મ્હોરેલો રહેશે અને કાળજી ન રાખીએ તો સુકાઈ જશે. બસ, આપણા સંબંધો પણ તુલસીના ક્યારા જેવા છે. જેને આપણો સમય અને કાળજીની જરૂર છે. જેટલો વધુ સમય પોતાના સ્વજનો સાથે વિતાવશું એટલો જ આપણો સંબંધ મજબૂત થતો જશે, પરંતુ આજે કદાચ આપણે સંબંધોની વચ્ચે આવતા અંતરને નથી સમજી શકતા કે નથી ગંભીર ગણતા. સંબંધોને સાચવવા માટે વિકસાવવા માટે સમય, પ્રેમ, ઉષ્ણા, લાગણી, હૂંફની જરૂર પડે છે. જો સંબંધોને સમય ન અપાય તો એમાં અંતર વધતું જશે. આ અંતર ભાવનાત્મક, વૈચારિક અને દંપતી વચ્ચે શારીરિક પણ હોઈ શકે.

સંબંધોની શીતળ છાયા

સંબંધો કોઈ ડેઇલી સોપ સિરિયલ નથી, જેમાં વચ્ચે-વચ્ચે કમર્શિયલ બ્રેક આવે. મનોવૈજ્ઞાનિક પણ માને છે કે જે વ્યક્તિના જીવનમાં બધા સંબંધ સ્વસ્થ હોય તેનું જીવન પ્રસન્ન હશે, કેમ કે તેનું માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સ્તર સારો હોય છે.
આજની દોડતી જીવનશૈલીમાં સંબંધોને સમય દેવાના મુદ્દાને રૂઢિચુસ્ત ગણવામાં આવે છે. સંબંધોને બોજો ગણે છે, પરંતુ જરા વિચારો, સ્વજનો સાથે વિતાવેલા સમયની સારી સ્મૃતિ તમારા માનસપટ પર કાયમ અંકિત થઈ નથી જતી? તમે એને હંમેશાં યાદ કરો છો, કેમ કે એનાથી તમને સંતોષ મળે છે. હવે જરા યાદ કરો ઑફિસની કોઈ મીટિંગ કે ઑફિશ્યલ ટૂર યાદ કરવાથી આવો સંતોષ મળશે ખરો? એનો જવાબ ના જ હશે. એનું સ્પષ્ટ કારણ છે કે ત્યાં તમે કેટલોય સમય વિતાવો પરંતુ ત્યાં કોઈ સંબંધ નથી. તો યાદ રાખજો કે દિલને શાંતિ, સંતોષ સંબંધો જ આપે છે. સંબંધો તો શીતળ છાંયડાસમા છે, જે હંમેશાં ઠંડક પહોંચાડે છે.

સંબંધો અને વાર-તહેવારો

હવે તમને થશે કે આવા સંબંધોને સમય આપવા સાથે શું સંબંધ? પણ યાદ કરો આપણી ભારતીય સંસ્કૃતિ અને વાર-તહેવારોમાં કોઈ ને કોઈ સંબંધથી જોડાયેલા રીત-રિવાજો જોવા મળે છે. રક્ષાબંધન તથા ભાઈબીજ ભાઈ-બહેનનો તહેવાર, કડવાચોથમાં પતિ-પત્ની અને સાસુ-વહુનો તહેવાર, જયાપાર્વતી-દિવાસો પતિની લાંબી આવરદા માટેનો તહેવાર તો દિવાળી - નવું વર્ષ સગાંસંબંધીઓને મળી આર્શીવાદ લેવાનો તહેવાર છે, જેમાં પરિવાર અને સંબંધીઓનો સાથ અને હાજરી અનિવાર્ય હોય છે અને લગ્નની એક-એક વિધિમાં સંબંધોનો રણકાર સંભળાય છે. ભલા, આપણા સ્વજનો, સંબંધીઓ સાથેના સંબંધોથી દૂર કેવી રીતે રહી શકાય? કહેવાય છે ને કે સારે-માઠે પ્રસંગે સગાં જ શોભે. સમાજમાં એવી વ્યવસ્થા એટલા માટે જ કરી છે એથી તમે તમારા પરિવાર માટે સમય વિતાવી શકો.

કેટલાક એવું માને છે કે મને કોઈ સમાજની પડી નથી. જેને જે બોલવું હોય એ બોલે. હું તો સગાંસંબંધીઓથી દૂર જ રહું. નકામી માથાકૂટ કર્યા કરે. આવું બોલી એ સ્વજનોથી દૂર ભાગે છે, પરંતુ આ યોગ્ય ન ગણાય. સંબંધોથી થનારી અમૃતવર્ષામાં એક વાર ભીંજાય તો ખરા... તમારે તનાવ, તમારી બધી ચિંતા ને ફિકર દૂર થઈ જશે.

પૉઝિટિવ રહો

સંબંધોને ક્વૉલિટી ટાઇમ આપવા માટે સૌથી વધુ અગત્યનું છે કે તમારી એ સંબંધમાં મનથી આસ્થા હોવી જોઈએ. કોઈ પણ સંબંધ નેગેટિવ નથી હોતો- જરૂર છે પૉઝિટિવ દૃષ્ટિથી નિખારવાની, નિહાળવાની અને સંબંધ હોય ત્યાં અપેક્ષા હોય અને અપેક્ષા હોય ત્યાં મનમુટાવ પણ હશે જ. પહેલેથી જ આ બધી વાતોનો સ્વીકાર કરી લઈએ તો નાની-મોટી ગેરસમજ તમારા મનમાં દીવાલ નહીં ઊભી કરે. બસ, મનમાં સતત પૉઝિટિવ વિચાર રાખો કે સંબંધો તમારી જરૂરિયાત છે અને એને નિભાવવો તમારી પ્રાથમિકતા છે.

સંબંધોને સમય આપવાનું પરિણામ

આપણા બધાનો સ્વભાવ છે કે જ્યાં સુધી કોઈ ભયાનક પરિણામની ચિંતા કે ભય આપણા મનમાં ન હોય, ત્યાં સુધી આપણે પરિસ્થિતિને સુધારવાનો કોઈ પ્રયાસ નથી કરતા કે ધ્યાન નથી દેતા. આજે આપણા સંબંધો પણ આવી પરિસ્થિતિમાં જ વીતી રહ્યા છે. જો જલદી કશું નહીં કરીએ તો સમસ્યા ગંભીર બનશે.

સમય નથી એમ બોલી આપણે દોડી રહ્યા છીએ, પરંતુ ક્યાંક એવું ન થાય કે જીવનની સંધ્યામાં આપણી પાસે સમય તો બહુ હોય, પણ કદાચ સંબંધો આપણી સાથે ન હોય, કેમ કે કોઈ સાથે સંબંધો નિભાવતાં, ટકાવતાં આવડ્યું જ ન હોય. યુવાનીમાં સ્વજનોથી દૂર ભાગતા માણસો ઘડપણમાં એકલાઅટૂલા પડી જાય છે. શું તમે એકલા રહી શકશો? જરા વિચાર કરી જુઓ. ઘરમાં બધી સુખસમૃદ્ધિ હોય, પરંતુ કોઈ સ્વજન ન હોય તો ગાંડા થઈ જવાય. રાત-દિવસ ઝૂરતા રહેવું પડે. સંબંધોની આ જ તો રળિયાત છે. જે તમને ઉષ્માથી, હૂંફથી, મીઠાશથી સદાય ભર્યા-ભર્યા રાખે છે. વળી, આપણે સામાજિક પ્રાણી છીએ. એથી એકલા રહેવાનો ન તો આપણો સ્વભાવ છે ન તો આપણા સંસ્કાર. એકલતા સૌથી મોટી બીમારી છે, જે ઉંમરના પડાવમાં ક્યારેય પણ જકડી લે છે. આપણી ખુશી આપણું દુ:ખ વહેંચવા માટે સંબંધ હોવો જરૂરી છે.

સંબંધો આપણા ખાલીપાને ભરે છે. આપણને શીખવે છે. આપણી ખુશીઓને વધાવે છે તો મુશ્કેલ પળોમાં આપણા દુ:ખને પોતાના ખભા પર ઉઠાવી લે છે. હા, નફા-નુકસાનની ભાષામાં કહીએ તો તમને વધુ રિટર્ન આપશે. આ એક એવું રોકાણ છે જે ક્યારેય તમને નુક્સાન નહીં થવા દે. એથી સંબંધોમાં તમારા સમયનું રોકાણ કરો અને આખી જિંદગી ફાયદા-નફામાં રહો. જો આજે પૈસાની સાથે થોડો -વધુ સંબંધ પણ કમાઈ લેશો તો આ પૂંજી તમને જીવનભર કામ લાગશે. એથી સંબંધોને સમય આપવો બેહદ જરૂરી છે.

ટાઇમ મૅનેજમેન્ટ

મહિનામાં એક વાર સગાંસંબંધી અને પરિવારનો ગેટ-ટુગેધર જરૂર રાખો. પહેલાં વાર-તહેવારો સૌ ભેગા થઈને સાથે જમતા, પરંતુ હવે કોઈ પાસે સમય નથી. રાત્રે ડિનર નિયમિતરૂપે સૌ સાથે જમો. બાળકોને બધાની સાથે હળીમળીને રહેતાં શીખવાડો. પોતાની સારી-બૂરી વાતોને બધાની સાથે શૅર કરો. થોડા-થોડા સમયે બધા સાથે ફરવા જાઓ. નાના-મોટા પ્રવાસમાં સાથે જાઓ. એનો આનંદ અદ્ભુત હશે
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK