હું બીજી છોકરીને બાઇક પર મૂકવા ગયેલો એ જોઈને ગર્લફ્રેન્ડને તકલીફ થાય છે, શું કરું?

Published: Dec 13, 2019, 14:55 IST | Sejal Patel | Mumbai

હું એક ગાર્મેન્ટની દુકાનમાં કામ કરું છું. આ દુકાનમાં કસ્ટમર તરીકે આવનારી એક છોકરી સાથે જ મારી દોસ્તી થઈ ગઈ છે અને અમે લગભગ અઢી વરસથી એકબીજાને છાનેછપને મળીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું એક ગાર્મેન્ટની દુકાનમાં કામ કરું છું. આ દુકાનમાં કસ્ટમર તરીકે આવનારી એક છોકરી સાથે જ મારી દોસ્તી થઈ ગઈ છે અને અમે લગભગ અઢી વરસથી એકબીજાને છાનેછપને મળીએ છીએ. હવે તે કસ્ટમર તરીકે મારી દુકાન પર આવે છે ત્યારે બીજા બધાને એ વાતની ખબર પડી ગઈ છે કે અમારી વચ્ચે કશુંક છે એને કારણે હવે તે કોઈ કારણ વિના પણ દુકાન પર આવી જાય તોય કોઈને વાંધો નથી હોતો. જોકે એને કારણે મુશ્કેલી એ થઈ છે કે તે દુકાને આવી હોય અને હું બીજા કોઈને કપડાં બતાવી રહ્યો હોઉં તો તેને બહુ જલન થાય. બહેન, અમારે કપડાં વેચવાના હોય એટલે કસ્ટમર સાથે બહુ મીઠું બોલવું જ પડે. કયારેક તો છોકરીઓ ચેન્જ કરીને આપણને પૂછે કે બરાબર લાગે છે કે નહીં? બસ, આવું બે-ત્રણ વાર થયું એટલે તેને એટલો ગુસ્સો આવ્યો કે તેણે મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું. તેને એવું લાગે છે કે હું બધી જ છોકરીઓ સાથે ફ્લર્ટ કરું છું. માંડ મનાવીને પૅચ-અપ કર્યું. ત્યાં વળી બીજી ઘટના ઘટી. મારા ઘરે મારી બહેનની બહેનપણી આવી હતી તેને મોડી રાતે ઘરે જવાનું હતું એટલે તેણે મને મૂકી આવવા કહ્યું. હું તેને બાઇક પર બેસાડીને ઘરે મૂકવા જઈ રહ્યો હતો એ વખતે મારી ગર્લફ્રેન્ડે મને જોઈ લીધો. રાતના ૧૧ વાગ્યાના અરસામાં છોકરી સાથે બાઇક પર જોઈને તેને શંકા થઈ અને તેણે ફરીથી મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. આ વખતે બે મહિનાથી તેને ખૂબ મનાવું છું અને છતાં તે મને સાચો માનવા તૈયાર નથી. મારે શું કરવું?

જવાબ : નવો-નવો પ્રેમ હોય ત્યારે પઝેસિવનેસ એટલી તીવ્ર હોય કે તમારો સાથી બીજી વિજાતીય વ્યક્તિ સાથે વાત પણ કરે તોય જાણે એવું લાગે કે તમારો ગરાસ લૂંટાઈ ગયો. પ્રેમમાં આવાં રૂસણાં-મનામણાં ન હોય તો જ નવાઈ. નવા સંબંધોમાં આવું થાય ત્યારે મોટા ભાગે તમે થોડાક પ્રેમથી મનાવો તો વ્યક્તિ માની જ જાય.

જોકે આ વાત એવી જરાય નથી કે એ માટે તમારે બે મહિનાના રિસામણાં ચાલે. શું તમે ખરેખર માત્ર છોકરીને મૂકવા જ ગયા હતા? ધારો કે હા, તો શું તમે આ વાતની સ્પષ્ટતા કરી? જો તે સાંભળવા તૈયાર ન હોય તો હજી તમે મેસેજમાં લખીને પણ ચોખવટ કરી જ શકો છો. જો વાત માત્ર કોઈકને મૂકવા જવાની હોય અને એટલો પણ ભરોસો તે તમારા પર ન મૂકતી હોય તો ચોક્કસપણે તમારે વિચારવું જોઈએ કે આખી જિંદગી તમે આ રીતે થોડી કાઢી શકવાના છો?

જોકે મને એવું લાગે છે કે તમે કંઈક અધૂરી વાત કહી રહ્યા છો. તમારા પર આળ નથી લગાવવું, પણ તમે માફી માગીને વાતને ત્યાં પતાવતાં ખચકાઈ રહ્યા હો એવું લાગે છે. ધારો કે તમે ખરેખર કંઈક મોટું અને ખોટું કામ કર્યું હોય અને જેને કારણે તમે સામી છાતીએ જઈને આંખમાં આંખ પરોવીને ગેરસમજ દૂર કરી શકતા નથી તો એ પણ કબૂલી લો. ધારો કે તમે કોઈક ભૂલ કરી પણ હોય તો માફી માગી લેવામાં કશું ખોટું નથી.

બાકી જો તમે લખ્યું છે એવું જ હોય અને માત્ર એક-બે વારની ગેરસમજમાં તેણે આટલો મોટો તાયફો ક્રીએટ કર્યો હોય તો તમારે એક વાર દિલથી તેને સફાઈ આપવાની કોશિશ કરી લેવી. બાકી તો પછી જેવી હરિઇચ્છા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK