કંડલા પાસે ખાડીમાં ગાંધીજીનાં અસ્થિ વિસર્જન થયાં ત્યાં વસ્યું ગાંધીધામ!

Published: Apr 07, 2020, 17:02 IST | Kishor Vyas | Kutch

લાખેણો કચ્છ: ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા પછી સિંધ અને પંજાબમાં રહેતા હિન્દુ લોકોએ પાકિસ્તાન છોડવાની હિજરત શરૂ કરી હતી અને તેમાંના ઘણા લોકોએ કચ્છ આવવાનું પસંદ કર્યું હતું.

મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધી

૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા પછી સિંધ અને પંજાબમાં રહેતા હિન્દુ લોકોએ પાકિસ્તાન છોડવાની હિજરત શરૂ કરી હતી અને તેમાંના ઘણા લોકોએ કચ્છ આવવાનું પસંદ કર્યું હતું. આમ તો સિંધ અને કચ્છ વચ્ચે જૂનો નાતો! વળી સિંધી અને કચ્છી ભાષામાં પણ ઘણું સામ્ય! એ વખતના કચ્છી રાજવી મહારાઓ શ્રી વિજયરાજજી કે જેને લોકો માધુભા તરીકે હુલામણા નામથી બોલાવતા હતા તેઓ રાજવી તરીકે બહુ ભલા હતા. આ શરણાર્થીઓને વસાવવા માટે તેમણે કંડલા પાસેની રાજ્યની જમીન આપી ને નવી વસાહત સ્થાપવાની તૈયારી બતાવી હતી. એ યોજના આખરી મંજૂરી માટે મહાત્મા ગાંધી સમક્ષ રજૂ કરવાનું નક્કી થયું હતું. એ વસાહત બાંધવા માટે સિંધુ રિસેટલમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ નામની જૉઇન્ટ સ્ટૉક કંપની રચવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

મહારાઓશ્રીએ પ્રતીક ભાડાથી ૧૫,૦૦૦ એકર જમીન અને બાજુમાં આવેલાં શિણાય અને વીડી પાસેનાં પાણી માટેનાં પ્રાપ્તિ સ્થાનો આપવા પણ સંમતી આપી હતી. એ બધા સારા સમાચાર ગાંધી બાપુને મળ્યા હતા અને તેઓ ખૂબ ખુશ થયા હતા. એ સમાચારો તેમને તાર દ્વારા ૧૯૪૮ની ૩૦ જન્યુઆરીએ સવારે મળ્યા અને એ જ દિવસે સાંજે રાષ્ટ્રપિતા, બિરલા ભવન પાસે દિલ્હીમાં ગોડસેની ગોળીએ વીંધાયા હતા. ૧૯૪૮ની ૧૨ ફેબ્રુઆરીએ એસ.આર.સી.ના પ્રથમ ચૅરમૅન અને દેશના એક વરિષ્ઠ નેતા આચાર્ય જે. બી. કૃપલાનીએ કંડલા પાસેની નકટી ખાડીમાં, અશ્રુભીની આંખે ગાંધીજીનાં અસ્થિનું વિસર્જન કર્યું હતું અને ત્યારથી ગાંધીધામ નામ પડ્યું હતું. પ્રથમ વસાહત જ્યાં સ્થપાઈ એનું નામ આદી એટલે કે પ્રારંભ, એના પરથી એ પહેલી વસાહતનું નામ આદિપુર પડ્યું! આ રીતે ગાંધીધામ શરણાર્થીઓની વસાહતનું ભગીરથ કાર્ય શરૂ થયું હતું!

કંડલા મહાબંદરનો પાયો ભારે ધામધૂમથી નાખવામાં આવ્યો હતો. એ દિવસ હતો ૧૯૫૨ની ૧૦ જાન્યુઆરીનો અને એ ધન્ય ક્ષણો હતી જ્યારે પંડિત જવાહરલાલ નેહરુએ શિયાળાની કડકડતી ઠંડીમાં કચ્છને હૂંફ પૂરી પાડવા સીમાચિહનરૂપ કંડલા મહાબંદરનો પાયો નાખ્યો ત્યારે વિમાનમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. આમ એ વિસ્તાર ધીરે-ધીરે વિકાસના માર્ગે ડગ માંડી રહ્યો હતો

જ્યાં વર્ષો પહેલાં માંડ ફાનસના ઝાંખા દીવા જોવા મળતા હતા એ વિસ્તાર ધીરે-ધીરે રોશનીથી ઝળહળી રહ્યો હતો! આ બધું કેમ થયું હશે? વિકાસનાં એ બીજ કઈ રીતે રોપાયાં અને કોણે રોપ્યાં એની કલ્પના કરવી કઠીન છે. ૧૮૫૧માં રૉયલ નેવીએ કંડલા માટે સૌપ્રથમ સર્વેક્ષણ હાથ ધર્યું હતું અને કંડલાનું બારું ભવિષ્યમાં એક સારું બંદર બની શકે એમ છે એવું પાકું સર્વેક્ષણ એક અંગ્રેજ કૅપ્ટન બેરીએ જાહેર કર્યું હતું. મહાબંદરનું બીજ રોપવાનો યશ તેમને જાય છે. ૧૯૩માં મહારાઓશ્રી ખેંગારજી ત્રીજાએ કંડલાને બંદર તરીકે વિકસાવવાની વાતને સમર્થન આપ્યું હતું. છેક ૧૯૪૬માં પોર્ટ ટેક્નિકલ કમિટીએ એવો અભિપ્રાય આપ્યો હોવાનું કહેવાય છે કે મુંબઈ અને કરાચી વચ્ચે કચ્છના અખાતમાં એક બંદરની અત્યંત જરૂર છે અને એના માટે કંડલા એ યોગ્ય સ્થળ છે.

પછી તો દેશનો સર્વાંગી નકશો બદલાયો. ભાગલા પડતાં કરાચી પાકિસ્તાનમાં ગયું! ત્યાર પછી તો ભારતના પશ્ચિમ કિનારે એક મહાબંદરની મોટી આવશ્યકતા ઊભી થઈ અને એને વેગ પણ મળ્યો! એમાં પણ એક રસપ્રદ ઘટના એ બની હતી કે જામનગરના જામ સાહેબે કંડલાની સામે તેમના રાજ્યના સિક્કા બંદરનો પ્રસ્તાવ રજૂ કર્યો અને કંડલા કરતાં સિક્કા વધારે યોગ્ય બંદર બની રહેશે એવી જોરદાર રજૂઆત કરી. પરિણામે કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલચંદની અધ્યક્ષતા હેઠળ વેસ્ટકોસ્ટ મેજર પોર્ટ ડેવલપમેન્ટ કમિટીની રચના કરી હતી. એ કમિટીએ ૧૯૪૮માં જ કંડલાની પસંદગી કરતો ભલામણ પ્રસ્તાવ કેન્દ્ર સમક્ષ રજૂ કર્યો હતો, પરંતુ હજી પડદા પાછળની વાત એ નિર્ણય વિશે થોડી જુદી જ છે!

કચ્છના પહેલા ડેવલપમેન્ટ કમિશનર હતા શ્રી કે. કે. મીત્તર જેમની કંડલા બંદર વિકસાવવા પાછળ અથાગ મહેનત હતી. તેમણે એવું નોંધ્યું છે કે ‘વેસ્ટકોસ્ટ સમિતિના અહેવાલ પરથી મહાબંદર તરીકે કંડલા કે સિક્કા એ બેમાંથી કયું સ્થળ પસંદ કરવું એ વિશેનો આખરી નિર્ણય સરદાર પટેલે લેવાનો હતો. તેમણે પોતાના બંગલે જ એક બેઠક બોલાવી જેમાં હું (મીત્તર) પણ હતો. સરદાર પટેલ સમક્ષ સિક્કા બંદરની પસંદગી કરવામાં આવે એ માટે જામ સાહેબના નિષ્ણાત પ્રતિનિધિએ રજૂઆત કરી. સરદારે તેને પાંચ મિનિટ સુધી સાંભળ્યા પછી તેને અટકાવીને પૂછ્યું કે કંડલા માટે કોણ રજૂઆત કરવાનું છે? મેં (મિત્તરે) કંડલા વિશેની વાત માંડી. હું ચાર મિનિટ બોલ્યો. સરદારે અત્યંત શાંતિપૂર્વક સાંભળીને એક વેધક સવાલ મને પૂછ્યો હતો. એવા સવાલ વિશેની કોઈને કલ્પના પણ નહોતી! સવાલમાં સરદારની વિદ્વતા છલકાતી હતી. મેં જવાબ આપવાનું શરૂ કર્યું. બે મિનિટ મને તેમણે સાંભળ્યો અને મને કહ્યું, ‘સીટ ડાઉન’ પછી તેમણે પોતાના એ રૂમમાં બે-ત્રણ આંટા માર્યા ને પછી એક જ વાક્ય બોલ્યા ‘કંડલા ઇઝ સિલેક્ટેડ’ એટલું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા! ૧૦ મિનિટમાં નિકાલ! અમે સૌ સ્તબ્ધ બની ગયા હતા. તેમની વિરાટ પ્રતિભાનાં એ રીતે દર્શન થયાં અને આમ કંડલાને મહાબંદર બનવાની તક મળી હતી!

કંડલા બંદરનો શિલાન્યાસ કર્યા પછી પંડિત નેહરુ પણ કંડલાને ભૂલ્યા નહોતા. ‘ક’ વર્ગનું રાજ્ય ૧૯૫૬ના ઑક્ટોબર મહિનાના અંતમાં પૂરું થયું એ પહેલાં ૧૯૫૬ની ૧૮ ઑગસ્ટે તેઓ ફરી કંડલા બંદરની પ્રગતિ જોવા માટે કચ્છ આવ્યા હતા. આમ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પંડિત નેહરુ જેવી પુનીત પ્રતિભાશાળી વ્યક્તિઓને કચ્છ આજે પણ યાદ કરે છે. ૧૯૪૯માં કંડલાથી ૧૭ કિલોમીટર દૂર ગાંધીધામનું બાંધકામ શરૂ થયું હતું અને એજ વર્ષમાં ૧૪૬ મકાનો બંધાઈ જતાં ૧૫ નવેમ્બર, ૧૯૫૦માં વિકાસ કમિશનરની કચેરી ભુજથી ગાંધીધામ સરદારગંજ ખાતે ખસેડવામાં આવી હતી. ગાંધીધામની બન્ને બાજુ આઠ-આઠ કિલોમીટરના અંતરે આદિપુર અને સરદારગંજની વસાહતો થઈ હતી. શરણાર્થીઓને પાકિસ્તાન છોડીને ભારત આવતા થયેલા નુકસાન પેટે વચગાળાના વળતર પેટે કેટલીક શરતોને આધીન ઘર અને દુકાનો આપવામાં આવ્યાં હતાં.

માર્ગો બંધાયા, વૃક્ષો રોપાયાં અને ૧૫૨૦ કે.વી.નો પાવર હાઉસ ઊભો થયો. પાણી યોજનાઓ અને દવાખાનાં વગેરે શરૂ થયાં. અતિ વેગવાન રીતે વસાહતો વિકસાવવામાં આવી હતી. ગાંધી સમાધિ પણ ત્યાં ઊભી કરવામાં આવી. ૧૯૫૧માં જે વસાહતોની લોકસંખ્યા માત્ર ૬૦૦૦ની હતી એ વધીને ૧૯૫૬માં ૪૦,૦૦૦ની થઈ ગઈ. એમ ગાંધીધામ કચ્છનું નૂતન પ્રવેશદ્વાર બની ગયું ! આ પ્રવૃ‌ત્ત‌િમાં અપ્રતિમ સેવા આપી ભાઈ પ્રતાપ દયાલદાસ અને તેમના સાથીઓએ. સિંધથી આવેલા ભાઈ પ્રતાપે ગાંધીધામને માનસિક દત્તક લીધું એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં બની રહે. ઇટલીથી બોલાવવામાં આવેલા નિષ્ણાત સ્થપતિ મેરીઓ બેકાશીએ ૧૯૪૯માં બનાવેલા માસ્ટર પ્લાન મુજબ ગાંધીધામની ૩૦,૦૦૦ એકર જેટલી જમીન પર ૧૦થી ૧૨ લાખની વસ્તી વસી શકે એવી જોગવાઈ કરવામાં આવી હતી. ૧૪ જાન્યુઆરી ૧૯૫૪ના દિવસે એ વખતના ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને વિશાળ મકાનોની એક વસાહતનું ઉદ્ઘાટન કર્યું અને એનું નામ કેન્દ્રના પહેલા વાહનવ્યવહાર પ્રધાન સ્વ. ગોપાલ સ્વામી આયંગરની સ્મૃતિમાં અપાયું અને ત્યારથી એ ગોપાલપુરી કહેવાયું.

કંડલા મહાબંદર તરીકે સુવર્ણ અક્ષરે નોંધાય એવા નિર્ણયની જાહેરાત ૮ એપ્રિલ ૧૯૫૫ના એ વખતના વાહનવ્યવહાર પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ કરી અને ઇતિહાસમાં એક યાદગાર પાનું ઉમેરાયું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK