અર્પણા ચોટલિયાટિપિકલ લીલી-પીળી બાંધણી આજની જનરેશનની યુવતીઓને એટલી આકર્ષક નથી લાગતી, પરંતુ કલારક્ષા મહાવિદ્યાલયના કેટલાક આજના જમાનાના ડિઝાઇનરોએ ડિઝાઇન કરેલી આ બાંધણીઓ દરેક એજ અને જનરેશનને લોભાવે એવી છે. હાલમાં કાલા ઘોડામાં આવેલી આર્ટીશન ગૅલેરીમાં ચાલી રહેલા એક પ્રદર્શનમાં આવી જ મૉડર્ન બાંધણીઓ જોવા મળશે.
ટ્રેડિશનલ મીટ્સ મૉડર્ન
આ કૉન્સેપ્ટ હેઠળ બનેલી આ બાંધણીઓમાં આંબાડાળ, શિકારી, બાવનબાગ જેવી જ ટિપિકલ પૅટર્નનો બેઝ છે, પરંતુ થોડી મૉડર્ન રીતે. ડિઝાઇનો વધુ ઝીણી અને શાર્પ જણાય છે તેમ જ ડિઝાઇનમાં પરફેક્શન જોવા મળશે. આ ઉપરાંત બાંધણી સાથે બ્લૉક પ્રિન્ટિંગનો પલ્લુ અને બૉર્ડર લેવામાં આવ્યા છે, જે ખરેખર એક ફ્યુઝન છે. આવી અજરખ બ્લૉક પ્રિન્ટ અને ટાઇ ઍન્ડ ડાઇના કૉમ્બિનેશનવાળી સાડીઓ ચંદેરી કૉટન સિલ્ક, ગજી સિલ્ક, ટસર સિલ્ક અને ઇટાલિયન ક્રેપ આટલી વરાઇટીઓમાં જોવા મળશે. આ પ્રદર્શનમાં સોહેલ ખત્રી, વણકર મુરજી હમીર અને સીજુ નામોરી આ ત્રણ આર્ટિસ્ટોની જાતે વણેલી તેમ જ ડિઝાઇન કરેલી સાડી, સ્ટોલ અને શાલની વરાઇટીઓ જોવા મળશે.
બાંધણીમાં બનારસી હૅન્ડ વુવન સાડી પર બનાવેલી બાંધણીઓ પણ ખૂબ સુંદર છે. આ સાડી ઘરચોળાની ડિઝાઇનમાં બનાવેલી છે, જેમાં ગોલ્ડન બૉર્ડર અને બુટીવાળી લાલચટક સાડી પર ચોકડીઓમાં ટાઇ-ઍન્ડ ડાઇની પૅટર્ન મૂકવામાં આવી છે. આ સિવાય ટસર સિલ્કમાં વિવિંગ કરીને બનાવેલી સાડીઓ પાર્ટીવેઅર માટે સારી લાગે એવી છે. બાંધણીઓના રંગ પણ ટ્રેડિશનલને બદલે થોડા જુદા રાખવામાં આવ્યા છે. એટલે કે નેવી બ્લુ, ટકોર્ઇઝ, બ્રાઉન, ઑરેન્જ, અન્યન સાથે ગ્રે, રેડ ઍન્ડ બ્લૅક, બ્લૅક ઍન્ડ ગ્રે વગેરે.
વિન્ટર સ્ટાઇલભુજના આર્ટિસ્ટ વણકર મુરજી હમીર અને સીજી નામોરીએ બનાવેલા વુલનના સ્કાર્ફ અને શાલ ઠંડીમાં હૂંફ મેળવવા માટે બેસ્ટ રહેશે. સિલ્ક પર ઝીણી બાંધણી પૅટર્નમાં બનાવેલા આ સ્કાર્ફ મૉડર્ન આઉટફિટ્સ સાથે પહેરવા માટે પણ બેસ્ટ રહેશે. આ આર્ટિસ્ટોએ પોતાના પૂર્વજોએ શરૂ કરેલા બાંધણીના બિઝનેસને આગળ વધારવા માટે મૉડર્ન જમાના સાથે હાથ મિલાવ્યો છે. જેથી આ આર્ટ આજની જનરેશનને પણ પસંદ પડે. વૂલન સિવાય કૉટન, સિલ્ક અને ઇટાલિયન ક્રેપના સ્ટોલ અને સ્કાર્ફ પણ અહીં જોવા મળશે. વૂલનમાં વણતી વખતે જ રંગબેરંગી દોરાથી વિવિંગ કરવામાં આવ્યું છે. દરેક સ્કાર્ફમાં કચ્છી એમ્બþૉડરીની છટા જોવા મળશે.
કિંમતસ્કાર્ફ અને સ્ટોલની કિંમત આ પ્રદર્શનમાં ૬૫૦ રૂપિયાથી શરૂ થાય છે, શાલની કિંમત ૨૦૦૦ રૂપિયાથી અને સાડીઓની કિંમત ૭૦૦૦ રૂપિયાથી શરૂ થઈને ૩૦,૦૦૦થી ૩,૫૦,૦૦૦ રૂપિયા સુધીની છે. ઘરચોળા અને સિલ્કની બનારસી વિવિંગ પર બનાવેલી બાંધણીઓનો સમાવેશ હાઇ રેન્જમાં થાય છે.