પાંચ જાતની પૂરીએ છ પેઢી તારી

Published: Oct 15, 2019, 13:33 IST | મુંબઈ ડેસ્ક

ટૅક્સી-ડ્રાઇવર હોય કે બિઝનેસમૅન, દરેક વર્ગના લોકો અહીં ખાવાનું પ્રિફર કરે છે એનું કારણ અહીંની વાનગીઓ ટેસ્ટી હોવા ઉપરાંત પૉકેટ-ફ્રેન્ડ્લી પણ છે.

ફેમસ ફૂડ અડ્ડા

એ જગ્યા છે સુપરસ્ટાર રાજેશ ખન્ના અને સંગીતકાર ખૈયામસાહબ જેવા લેજન્ડ્સનો મનગમતો અડ્ડો ગણાતી ૧૭૦ વર્ષ જૂની પંચમ પૂરીવાલા રેસ્ટોરાં. અહીં મહાત્મા ગાંધી અને સ્વતંત્રતાસેનાનીઓએ પણ ખાધું છે. છત્રપતિ શિવાજી ટર્મિનસ બન્યું એ પહેલાંથી અસ્તિત્વ ધરાવતી આ રેસ્ટોરાંએ હજીયે એ જ ખાસિયત અને ટેસ્ટને બરકરાર રાખ્યાં છે. ઃ પાંચ પૂરીઓની સાથે કઠોળ, શાક, સ્વીટ્સનાં વેરિએશન્સવાળી પંચમ થાળી અચૂક ટેસ્ટ કરવા જેવી છે

food

મુંબઈની સૌથી જૂની રેસ્ટોરાંની વાત કરવી હોય તો એમાં પેરિન નરીમાન સ્ટ્રીટમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની સામે અને જનરલ પોસ્ટ ઑફિસ પાસે આવેલી પંચમ પૂરીવાલાનું નામ સૌથી પહેલું યાદ આવે. બહારથી જુઓ તો એકદમ સામાન્ય, પણ જો ત્યાં જઈને ગરમાગરમ પૂરીઓ ખાવાનો લહાવો મળે તો અચૂક લેવા જેવો. અહીંની પૂરીઓ જેટલી સ્વાદિષ્ટ છે એનાથીયે ઇન્ટરેસ્ટિંગ છે પંચમ પૂરીવાલાનો ભવ્યાતિભવ્ય ઇતિહાસ.
જ્યારે દેશમાં રેલવેની શરૂઆત પણ નહોતી થઈ એ વખતે ઉત્તર પ્રદેશના આગરા પાસેના આધેટ ગામના પંચમદાસ શર્મા બળદગાડામાં થોડીક જીવનજરૂરિયાતની ચીજો અને ધોતી પહેરીને બ્રિટિશ રાજ સમયની બૉમ્બે પ્રેસિડન્સીમાં સેટલ થવા માટે આવી પહોંચ્યા હતા. ખાસ ભણેલાગણેલા નહીં એટલે ઘરે ખાવાનું બનાવીને વેચવાનું શરૂ કર્યું. વહેલી સવારે મજૂરો માટે પેટ ભરાય એવી પૂરીભાજી બનાવીને વેચતા. એમાંથી ૧૮૪૮માં તેમણે સ્થાયી સ્ટૉલ નાખ્યો. એ વખતે પેરિન સ્ટ્રીટ બાઝાર ગેટ તરીકે ઓળખાતી હતી અને અહીં સ્ટ્રીટ-લાઇટ્સ પણ નહોતી. સવારના છ વાગ્યાથી અહીં ગરમાગરમ પૂરીભાજી મળતી એટલે લોકોએ જ નામ આપી દીધું પંચમ પૂરીવાલા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી લઈને અગણિત સ્વતંત્રતાસેનાનીઓ અહીં ભોજન લઈ ચૂક્યા છે. આ એવી રેસ્ટોરાં છે જેણે બ્રિટિશ રાજના અત્યાચારોને નજરોનજર જોયા છે અને આઝાદ ભારતને વિકસતું પણ જોયું છે. જ્યારે વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન અસ્તિત્વ નહોતું ધરાવતું એ પહેલાંથી આ રેસ્ટોરાં અહીં છે. ઇતિહાસકારો કહે છે કે હાલનું છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન નિર્માણ પામ્યું એ પહેલાં એ જગ્યાએ ફાંસી તળાવ હતું જ્યાં ગુનેગારોને સજા અપાતી. પંચમ પૂરીવાલાનો સ્ટૉલ આ ફાંસી તળાવની સામે જ પડે. જ્યારે પણ કોઈકને સજા આપવાની હોય ત્યારે બહુ મોટી સંખ્યામાં મેદની અહીં આવતી. એ વખતે પણ લોકો પંચમદાદાની પૂરીભાજી ખાઈને જતા. અહીંના ભોજનની એક ખાસિયત છે કે એ ઘર જેવું હલકુંફૂલકું છે. જરાય એકસ્ટ્રા મસાલેદાર નહીં અને ખિસ્સાને પણ પરવડે એવું. શરૂ કર્યું એ સમયે અહીં ચાર આનામાં પાંચ પૂરી અને શાક/છોલે મળતાં, હવે એ જ ડિશ ૪૫ રૂપિયામાં મળે છે. આજે પંચમદાસ શર્માની છઠ્ઠી પેઢી આ રેસ્ટોરાં ચલાવે છે. ૧૭૦ વર્ષના ગાળામાં મોંઘવારીને કારણે ભાવ વધ્યા છે, લોકોને વરાઇટી મળે એ હેતુથી મેનુ પણ થોડુંક વિસ્તર્યું છે. પરંતુ હજીયે અહીંની મુખ્ય હિરોઇન તો પૂરી જ છે.
પાંચ જાતની પૂરીઓ પંચમની ખાસિયત છે. એમ છતાં અહીં મળતી બીજી વાનગીઓ પણ ટેસ્ટ કરવી હોવાથી અમે પંચમ થાળીનો ઑર્ડર આપીને આસપાસમાં નજર દોડાવી. આ રેસ્ટોરાંની મુલાકાત લેશો તો બહારથી એકદમ સિમ્પલ છે. કૉર્નર પર હોવાથી તરત આંખે ચડી જાય, પણ કોઈ ભભકો કે વિશેષ સજાવટ જેવું નહીં. એકમાંથી બે માળ બનાવેલા છે અને સ્ટીલની બેન્ચ સાથે લાકડાનું ટેબલ ધરાવતી સીટિંગ અરેન્જમેન્ટ. અહીં તમે ઑર્ડર આપો એટલે પાંચ મિનિટમાં તો સર્વ થઈ જાય અને લોકો ઝટપટ ખાઈને રવાના થતા જાય. નીચે છ ટેબલ અને ઉપર સાત ટેબલ. લંચ કે ડિનરના સમયે તો તમારે અજાણ્યા લોકો સાથે ટેબલ શૅર કરવું જ પડે. દરેક પ્રકારનાં શાક, કઠોળ વગેરે બધું એક જ વારમાં બની જાય. કૅશ-કાઉન્ટર પર બેઠેલો પંચમદાસજીની સાતમી પેઢીનો દીકરો શિવાંગ શર્મા કહે છે, ‘રોજ બધું બની જાય એ પછીથી અમે જાતે ટેસ્ટ કરીને ફૂડ પાસ કરીએ. કાઉન્ટર પર જે બેઠું હોય તે અહીંનું જ ખાવાનું ખાય. અમે અહીં ઘર જેવું ખાવાનું જ રાખ્યું છે એટલે અલગથી ઘરનું ખાવાનું મગાવવું નથી પડતું.’

Pancham Puriwala

વાતો ચાલતી હતી એવામાં વેઇટર મોટા બોલમાં લીંબુ-મરચાંનું અથાણું મૂકી ગયો. હળદર-રાઈના કુરિયામાં આથેલાં લીંબુમરચાં અહીં દરેક ટેબલ પર આ જ રીતે સર્વ થાય. એમાંથી જોઈએ એટલું અથાણું ચીપિયા વડે કાઢી લેવાનું. મોઢું ચોખ્ખું થાય એટલી મરચાની તીખાશ હતી. એવામાં પંચમ થાળી સર્વ થઈ. ત્રણ શાક, બે કઠોળ, ડબકાં કઢી, ફરસાણમાં દહીંવડાં, સ્વીટ ડિશ, વેજિટેબલ રાઇસ, પાંચ પૂરીઓ અને પાપડ અને છેલ્લે મસાલા છાશ. કમ્પ્લીટ ડિશ ઍટ જસ્ટ ૧૫૦ ઑન્લી. પાલક-પનીરમાં પનીરની ક્વૉલિટી સૉફ્ટ અને ક્વૉન્ટિટી સારીએવી હતી. આલૂમેથીના શાકમાં એટલી પ્રમાણસર તીખાશ હતી કે મેથીની કડવાશ એમાં દબાઈ જતી હતી. છોલે ખાઓ તો ખરેખર ઑથેન્ટિક નૉર્થ ઇન્ડિયન સ્ટાઇલ છોલે એટલે શું એ ખબર પડે. જરાય ઓવર મસાલા નહીં, પણ ફ્રેશ ખાંડેલા માઇલ્ડ મસાલાની ફ્લેવર ફીલ થાય. ડબકાં કઢી થોડીક વધુ જાડી લાગી, પણ દહીં પ્રમાણસર ખાટું હતું.
હથેળીમાં સમાય એવડી પાંચ મોટી પચરંગી પૂરીઓ જોઈને જ ધરાઈ જવાય. કદાચ પાંચ એકસરખી પૂરી હોય તો અબખી જવાય, પણ પાંચેય અલગ-અલગ ફ્લેવરની પૂરીઓ ખાવાની મજા આવી. એક હતી સફેદ દાળપૂરી. બહારથી સાદી જ લાગે, પણ અંદર દાળનું પૂરણ છે. બીજી પીળી પૂરીમાં હળદર-મરચું અને અજમાનો મસાલો છે. ત્રીજી બીટરૂટ પૂરી લાલ છે જેમાં બીટને કારણે નૅચરલ સ્વીટનેસ ફીલ થશે. ચોથી લીલા રંગની પાલક પૂરીને ખાસ ફ્લેવર આપવા અંદર વરિયાળી અને ચિલીફ્લેક્સ પણ હતાં જેને કારણે એનો ટેસ્ટ વિશિષ્ટ હતો. પાંચમી પૂરીમાં પનીર છે. એમાં દાળની જેમ પૂરીમાં પણ પનીરનું પૂરણ ભરેલું છે. આ પૂરી ખાવામાં પણ ભારે છે.
અમે પૂરીઓ ચાખવામાં મશગૂલ હતા ત્યાં વેઇટર બીજી બે શાકની વાટકીઓ મૂકી ગયો, કહે આ પણ અમારી ખાસિયત છે. જો તમે માત્ર પૂરીભાજી મગાવો તો એમાં બટાટાનું રસાવાળું શાક અથવા કોળાનું શાક મળે. નૉર્થ ઇન્ડિયન સ્ટાઇલ બટાટાનું શાક એટલું સિમ્પલ છે કે ન પૂછો વાત. જીરું, લાલ મરચું અને મીઠું જ એમાં છે. ગરમ મસાલો નહીંવત જેવો એમ છતાં ચોળી નાખેલા બટાટાને કારણે એકરસ થઈ ગયેલો. જોકે કોળાનું શાક બધા શાકોમાં બાજી મારી જાય એવું નીકળ્યું. પર્સનલી કોળું બહુ ભાવે નહીં, પણ આ શાક ચાખ્યા પછી ખબર જ ન પડી કે આ કોળું છે. જોકે અહીં ખુલ્લા જ મૂકી રખાતા ભાત થોડાક ડ્રાય થઈ ગયા હોય છે. પુલાવ કે ભાતને બદલે અહીં પૂરીઓની જયાફત જ માણવી. ફરસાણ તરીકે દહીંવડાં અને સ્વીટડિશમાં ગુલાબજાંબુ પણ મજાનાં છે. છેલ્લે સંચળ-કોથમીર નાખેલી છાશ ટાઢક આપનારી છે.
મોકાનું લોકેશન હોવાને કારણે અહીં તમે કોઈ પણ સમયે જાઓ, સતત લોકોનો આવરોજાવરો રહે જ છે. જોકે તમે નિરાંતે લંચ કરવા માગતા હો તો સાડાબાર પહેલાં અને ડિનર માટે સાડાછ પહેલાં પહોંચી જવું. ત્યાર બાદ એટલી ભીડ રહે છે કે ક્યારેક તો વેઇટિંગમાં પંદર-વીસ મિનિટ ઊભા પણ રહેવું પડે. ટૅક્સી-ડ્રાઇવર હોય કે બિઝનેસમૅન, દરેક વર્ગના લોકો અહીં ખાવાનું પ્રિફર કરે છે એનું કારણ અહીંની વાનગીઓ ટેસ્ટી હોવા ઉપરાંત પૉકેટ-ફ્રેન્ડ્લી પણ છે.
પંચમદાસની છઠ્ઠી પેઢી સંદીપ શર્મા અને અનુપમ શર્મા હાલમાં આ રેસ્ટોરાં સંભાળે છે. અન્ય રેસ્ટોરાંની જેમ હવે પૂરીનાં કૉમ્બો અને વેજિટેબલ્સ અલગથી લેવાં હોય તો એ રીતે મેનુ પણ તૈયાર કર્યું છે. તળેલી પૂરી ન ખાવી હોય તો રોટલી અને ભટુરા પણ મળી શકે, પરંતુ પંચમ પૂરીવાલાને ત્યાં આવીને પૂરી ન ખાવી એ તો નાઇન્સાફી જ કહેવાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK