જાતે ચૂલો બનાવો, જાતે રસોઈ બનાવો

Published: Mar 11, 2020, 18:12 IST | Aarjav Trivedi | Mumbai

‘છેલ્લો દિવસ’થી પોતાની ઍક્ટિંગ-કરીઅર શરૂ કરનાર ઍક્ટર આર્જવ ત્રિવેદીએ સ્તરનો ફૂડી હતો કે તેનું વેઇટ ૧૦પ કિલો થયા પછી પણ તેને કોઈ ચિંતા નહોતી અને તે પેટ નહીં, મન ભરાય ત્યાં સુધી ખાઈ લેતો. હવે આર્જવે જીભ પર કન્ટ્રોલ કર્યો છે.

‘છેલ્લો દિવસ’થી પોતાની ઍક્ટિંગ-કરીઅર શરૂ કરનાર ઍક્ટર આર્જવ ત્રિવેદીએ ત્યાર પછી પાંચ ગુજરાતી ફિલ્મો કરી અને અત્યારે તે બે સિરિયલમાં પણ દેખાઈ રહ્યો છે. આર્જવ એ સ્તરનો ફૂડી હતો કે તેનું વેઇટ ૧૦પ કિલો થયા પછી પણ તેને કોઈ ચિંતા નહોતી અને તે પેટ નહીં, મન ભરાય ત્યાં સુધી ખાઈ લેતો. હવે આર્જવે જીભ પર કન્ટ્રોલ કર્યો છે. કૅમ્પિંગનો અનહદ શોખ ધરાવતો આર્જવ અત્યારે પણ લોનાવલા પાસેની એક વેરાન જગ્યાએ કૅમ્પ પર છે. કૅમ્પ દરમ્યાન જાતે પોતાનું ટિફિન તૈયાર કરતા આર્જવ ત્રિવેદી પોતાના કુકિંગ-એક્સ્પીરિયન્સ રશ્મિન શાહ સાથે શૅર કરે છે.

મેં મારી લાઇફનું સૌથી પહેલાં કંઈ કુક કર્યું હોય તો એ મમરાઅને આનો જો કોઈને જશ જાય તો એ મારા પપ્પાને જાય. મારા પપ્પા પ્રણવ ત્રિવેદી બહુ સરસ કૂક છે. તેમને બધી રસોઈ બનાવતાં આવડે અને માત્ર આવડે એટલું જ નહીં, બધી રસોઈ તેઓ ખૂબ સરસ અને ટેસ્ટી બનાવે. નૅચરલી, પપ્પાને આવડતું હોય એટલે ઑબ્વિયસ એવી અપેક્ષા હોય કે દીકરાને પણ આવડે. મને રસોઈ પ્રત્યે ખાસ કોઈ રુચિ નહીં, પણ પપ્પાની ઇચ્છા હતી એટલે હું મન મારીને પણ એ કામ કરી લઉં. તમે માનશો કે હું નાનો હતો ત્યારે જ પપ્પાએ મને મમરા વઘારતાં શીખવી દીધું હતું. શાક સુધારતાં પણ તેમણે જ મને શીખવ્યું હતું અને કિચનનાં નાનાં-મોટાં કામ પણ તેમણે જ મને શીખવ્યાં હતાં. આ કામ વચ્ચે ઍક્ટિંગનો શોખ એટલે હું બહાનાં કાઢી-કાઢીને નીકળી જાઉં, પણ એમ છતાં પપ્પા મને શીખવતાં જરાય ખચકાય નહીં કે થાકે પણ નહીં.

હું એક વાત કહીશ તમને, હું ફૂડી છું. તમે કલ્પના ન કરી હોય એવો ફૂડી છું અને સારું ખાવાનો કોઈ સમય મારો નક્કી નથી હોતો. નાનપણની મારી કોઈ એક વાતને યાદ કરવાનું કહેવામાં આવે તો મને એ જ દેખાય કે હું ખાઉં છું. હમણાં સુધી મારો આ જ સ્વભાવ હતો. રાતે જમી લીધા પછી પણ જો ચક્કર મારવા બહાર નીકળ્યા હોઈએ અને કંઈ ખાવાનું મન થઈ જાય તો હું ચિંતા કર્યા વિના ખાવા બેસી જાઉં અને એ પણ પેટ ભરાય એટલું નહીં, મન પણ ભરાવું જોઈએ. મારું નાનપણ અમદાવાદમાં પસાર થયું છે. અમદાવાદના શ્રીજી અને બજરંગનાં વડાપાંઉ મારાં ફેવરિટ છે. તમે માનશો કે એક વખત તો મેં બધું જમી લીધા પછી ૮ વડાપાંઉ ખાધાં હતાં અને એ પછી પણ મને રોક્યો એટલે હું અટક્યો, બાકી આપણી ઇચ્છા તો એકાદ-બે હજી ખાવાની હતી જ. વડાપાંઉ આમ પણ આપણાં ફેવરિટ, અમદાવાદમાં તમે જે એરિયામાં હો એ એરિયામાંથી ફોન કરીને મને કહો એટલે હું નજીકમાં મળતાં વડાપાંઉનું ઍડ્રેસ આપી શકું. મારી પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ રિલીઝ થઈ ત્યારે આખા યુનિટમાં બધા મને મજાકમાં મેન્યૂ કહેતા.

‘છેલ્લો દિવસ’ સમયે મારું વેઇટ ૧૦પ કિલો હતું. એ પછી હું થોડો મારી જાત સાથે સ્ટ્રિક્ટ થયો અને મેં ખાવા પર કન્ટ્રોલ શરૂ કર્યો. બીજી ફિલ્મ ‘શુભારંભ’ વખતે મારું વેઇટ ૮૮ કિલો હતું અને હમણાં આવી એ ‘હેલ્લારો’ વખતે વેઇટ ૮૩ કિલો હતું. હવે ડાયટ-કૉન્સિયશ થયો છું, પણ એમ છતાં વડાપાંઉની વાત આવે તો મોઢામાં પાણી આવી જાય અને એકાદ ખવાઈ પણ જાય, પરંતુ હવે જીભને આનંદ મળે એટલું ખાઉં છું, પેટ અને મનને મારતાં શીખી ગયો છું.

મેં તમને કહ્યું એમ કુકિંગ મને વારસામાં મળ્યું છે. પપ્પા સારા કુક એટલે મને પણ બનાવતાં આવડે, પણ મને રોટલી-રોટલા કે ભાખરી બનાવતાં નથી આવડતું અને મેં એને માટે ટ્રાઇ પણ નથી કરી, પરંતુ મને અમુક શાક બનાવતાં ફાવે, ભાત અને કઠોળ બનાવી જાણું, સૅન્ડવિચ સાથે એક્સપેરિમેન્ટ કરી લેતો હોઉં છું અને એ બધામાં પણ જો કંઈ બેસ્ટ બનાવી લઉં તો હું કૉફી બેસ્ટ બનાવી લઉં. કૉફીમાં મારાં જાતજાતનાં એક્સપરિમેન્ટ્સ હોય. એવું જ સૅન્ડવિચમાં પણ હોય. અત્યારે હું મુંબઈમાં એકલો રહું છું એટલે મોટા ભાગે મારું કામ મારા હાથે જ કરવાનું આવે, પણ એમાં સૌથી વધારે જો કંઈ બનાવ્યું હોય તો મેં સૅન્ડવવિચ અને કૉફી બનાવ્યાં હોય. મારા ફ્રેન્ડ્સ ખાસ પ્રોગ્રામ કરીને આ આઇટમ ખાવા માટે ઘરે આવે છે.

ફૂડની શરૂઆત મેં કૅમ્પમાં જવાનું ચાલુ કર્યું ત્યારથી થઈ. કૅમ્પિંગ મારી ફેવરિટ ઍક્ટિવિટી છે. અમે ફ્રેન્ડ્સ પ્રી-ડિફાઇન્ડ કૅમ્પ પ્લાન નથી કરતા. ૬થી ૮ કલાકનો ટાઇમ આપીએ એકબીજાને અને અમે નીકળી જઈએ. કોઈ પણ જગ્યાએ જવાનું અને ત્યાં જઈને જગ્યા શોધીને અડ્ડો જમાવવાનો. કૅમ્પિંગ માટે ડાંગનું જંગલ અમારું ફેવરિટ છે. હનુમાન કુંડ, અંજલિ કુંડ, ઝાંઝરી ધોધ અને એની આજુબાજુની જગ્યાએ અમે કૅમ્પિંગ કર્યું છે તો અનેક એવી નવી જગ્યા શોધી પણ છે જ્યાં હજી સુધી લોકો પહોંચ્યા નથી. અમારા કૅમ્પનો નિયમ છે. ઘરેથી સીધું અને વાસણ સાથે રાખવાનાં. મુકામ એવી જગ્યાએ જ કરવાનો જ્યાં આજુબાજુમાં પાણીનો ધોધ કે નદી હોય. પાણીની કોઈ ચિંતા રહે નહીં અને જે પાણી મળે એ પણ ફ્રેશ હોય એવું મનમાં હોય એને લીધે આવી જગ્યા પસંદ કરીએ. જગ્યા મળી ગયા પછી પહેલું કામ ચૂલો બનાવવાનું કરવાનું અને એ પછી જાતે રાંધવાનું. શક્ય હોય ત્યાં સુધી સાથે ચોખા હોય, શાકભાજીમાં કાંદા, બટાટા, ટમેટાં અને બીજું જે મળે એ લઈ લીધું હોય અને ધારો કે ન મળ્યું હોય તો આજુબાજુના ગામમાં જઈને લઈ આવીએ. ફૂડની વાત કરતાં પહેલાં એક વાત કહું તમને. ઘણા લોકો અમને આ રીતે રોકાવાની ના પાડતા હોય છે અને એ લોકો ખોટા પણ નથી. રિસ્કી છે આ રીતે રોકાવું પણ અમને મજા આવે છે. કોઈ કોઈ વાર તો એવું પણ બન્યું છે કે આજુબાજુવાળા અમને કહે પણ ખરા કે અહીં જંગલી જાનવર આવે છે કે પછી ભૂત થાય છે કે એવું, પરંતુ એ પછી પણ અમે રહીએ છીએ, કારણ કે અમને એમાં જ ઍડ્વેન્ચરની કિક મળે છે.

ફૂડની વાત કહું. અમે સાથે જે વાસણ લઈ જઈએ એમાં માત્ર પ્લેટ અને બોલ હોય. કુકર કે એવું કશું હોય નહીં એટલે બનાવેલા ચૂલામાં જ બધું બાફવાનું, રાંધવાનું. મૅગી બનાવીએ, એમાં અખતરા કરીએ. ભાત બનાવીએ, એમાં અખતરા થાય. આ અખતરામાં કોઈ વાર રસોઈ બગડી પણ જાય અને ભૂખ્યા પણ રહેવું પડે.

એક વખત અમે ડાંગના જંગલમાં દૂર એક મંદિર હતું ત્યાં પહોંચ્યા. ત્યાં બે શાસ્ત્રીજી જેવા મહારાજ હતા. તેમનો આગ્રહ હતો કે આગળ નહીં જાઓ, અહીં જ રોકાઈ જાઓ એટલે અમે રોકાઈ ગયા. થોડી વાર પછી રસોઈ બનાવવાનું શરૂ કર્યું. મંદિર પાસે પહેલેથી ચૂલો હતો એટલે અમે એના પર જ બનાવવા માંડ્યું. એ ચૂલો બહુ મોટો હતો અને અમને નાના ચૂલાની આદત. અમે મસાલા ખીચડી બનાવવાનું ચાલુ કર્યું પણ મોટા ચૂલાના કારણે તાપ વધી ગયો. વાસણ તો અમારી સાઇઝનું નાનું, બન્યું એવું કે વાસણમાં તેલ મૂક્યું અને તેલે આગ પકડી લીધી અને મોટો ભડકો થયો. પેલા બન્ને મહારાજ દૂરથી આ જોઈને એવા ડરી ગયા કે રીતસર ત્યાંથી ભાગ્યા. અમારે માટે પણ આ નવું જ હતું, પણ અમે આગ કાબૂમાં લીધી અને પછી સાદી ખીચડી બનાવીને ખાધી. મહારાજને પણ ખીચડી ખવડાવી.

બીજો એક કિસ્સો કહું. સવારે શૂટિંગ પર મારું ટિફિન સાથે લઈ જાઉં. ટિફિનમાં સ્પ્રાઉટ, વઘારેલા મગ, બોઇલ વેજિટેબલ્સ કે પછી સાદી સૅન્ડવિચ હોય. એ દિવસે મને મન થયું રાજમા લઈ જવાનું. ઘરે સવારે રાજમા બનાવતો હતો. રાજમા ગૅસ પર મૂકીને હું શાવર માટે ગયો અને પાછો આવીને જોયું તો રાજમા બળી ગયા હતા, બધું પાણી ઊડી ગયું. હવે કરવું શું? મેં રસ્તો કાઢ્યો અને દહીં લઈને રાજમામાં મિક્સ કરી દીધું. એક નવી વરાઇટી બની ગઈ. બળી ગયેલા રાજમામાં દહીં હોય તો ટેસ્ટ પણ સાવ જુદો અને મજા આવે એવો આવે છે. એ દિવસે મારી આ નવી વરાઇટી સેટ પર બહુ બધાએ ટેસ્ટ કરી અને કેટલાકે તો એની રેસિપી પણ પૂછી લીધી. પહેલાં રાજમા ખવડાવી લીધા પછી મેં બધાને કહ્યું કે આજે ભગો થઈ ગયો હતો.મારી રેસિપીથી રશિયન સૅન્ડવિચ બનાવી જોજો.

અત્યારે હું કલર્સ ચૅનલની એક સિરિયલ કરું છું. સિરિયલના સેટ પર બધાને મારી રશિયન સૅન્ડવિચ બહુ ભાવે છે. મારે બધા માટે બનાવીને લઈ પણ જવાની. રશિયન સૅન્ડવિચ નામ જેવું ભારેખમ છે એનાથી સાવ ઊલટું રેસિપીનું છે. મેયોનીઝ અને મસ્ટર્ડ સૉસમાં તમને ભાવતાં હોય એ બધાં વેજિટેબલ્સ ડીપ કરી દેવાનાં. કઠોળ નાખવાના, પણ બીન્સ નહીં નાખવાના. જો બીન્સ નાખ્યા તો એ મેક્સિકન સૅન્ડવિચમાં ફેરવાઈ જાય પણ હું તો નાખું છું. આપણા પેટને ક્યાં વાંચતાં આવડે છે કે આ મેક્સિકન આવ્યું ને આ રશિયન આવ્યું. બ્રેડના એક લેયર પર ટમૅટો કૅચઅપ લગાડીને આ જે મિક્સચર તૈયાર કર્યું છે એ પાથરી દેવાનું અને એને આછી ટોસ્ટ કરી લેવાની. ટોસ્ટ કર્યા પછી આ સૅન્ડવિચ પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકીને એના પર રૉ વેજિટેબલ્સ પાથરી દેવાનાં અને પછી એના પર મેયો, મસ્ટર્ડ, રેડ ચિલી અને બ્લૅક પેપર સૉસ ઍડ કરવાનો. ટ્રાય કરજો તમે પણ, મજા આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK