ભલે દિવાળીના નાસ્તા ઘરે ન બનાવો, પણ ગુજરાતના ગૃહઉદ્યોગોની વાનગીઓ અચૂક ચાખવા જેવી છે

Published: Oct 21, 2019, 16:17 IST | પૂજા સાંગાણી | મુંબઈ

ફરસાણની મોટી દુકાનોને ભારે સ્પર્ધા પૂરી પાડતા મૉલ જેવા મોટા ગૃહઉદ્યોગો ગુજરાત રાજ્યમાં જ નહીં, દેશભરની જાણીતી વસ્તુઓનો સ્ટૉક રાખે છે. આ કહેવાતા ગૃહઉદ્યોગોની શૉપમાં એટલીબધી ભીડ હોય છે કે તમારે બિલ માટેય વેઇટિંગ કરવું પડે. નવસારીનાં િક્રસ્પી પાતરાં, સુ

દિવાળી સ્પેશ્યલ

દિવાળી આવી છે અને ચારેકોર ઉત્સાહનું જ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે સોમવારથી તો તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે અને એયને પછી તો નાસ્તા બનાવવાના, ખરીદવાના, શૉપિંગ અને મજા જ મજા. દિવાળી આવે એટલે સૌપહેલાં તો મઠિયાં જ યાદ આવે. મઠ અને અડદના લોટના સુપરક્રિસ્પી, સહેજ મીઠાં અને તીખાં મઠિયાં ખાખરા બાદ ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે. મઠિયાં વગર દિવાળીની કલ્પના જ ન થઈ શકે.

પહેલાં તો બધા સંયુક્ત પરિવારમાં રહેતા એટલે દિવાળીના સપ્તાહ પહેલાં મહિલાઓ ભેગી થઈને મોટા વાસણમાં લોટ બાંધે અને દિવાળી પછી પણ મહિનો ચાલે એટલાં મઠિયાં તળીને રાખે. મઠિયાં જેટલાં ઊજળાં અને ક્રિસ્પી થાય તો એ બનાવનારની સફળતા કહેવાય. એને માટે લોટને ખૂબ કૂટવો અને ખેંચવો પડે એટલે મહિલાઓ તો કરે જ, પરંતુ ઘરમાં પહેલવાન જેવાં બાળકોને પણ કહે કે લોટને કૂટો અને ખેંચો. બાળકો પણ હાથની જેટલી તાકાત હોય એટલી લગાવીને કૂટે. બાજુના ઘરમાં મઠિયાં બનતાં હોય તો ખબર કેવી રીતે પડે? મઠિયાં તીખાં બનાવવા માટે અંદર મરચાનું ગરમાગરમ પાણી નાખવામાં આવે છે. આ પાણી ઊકળતું હોય ત્યારે આજુબાજુ જબરદસ્ત સોડમ આવે. ઘરની અંદર તો તીખી સોડમની ઉધરસ થવા માંડે. બીજું કે મઠિયાં તળાતાં હોય ત્યારે તો ચાર ઘર દૂર પણ ખબર પડી જાય.
આ ઉપરાંત ચોળાફળી, સુંવાળી, પૌંઆનો ચેવડો, મીઠાઈમાં ઘૂઘરા, ગુલાબજાંબુ અને મગસ એ ચુસ્ત ગુજરાતી પરિવારની ઓળખ છે. સુંવાળી તો હવે આજકાલ બહુ ઓછા ઘરમાં બને છે. સુંવાળી એટલે કે મીઠી ક્રિસ્પી પૂરી. ઘઉં અને મેંદો સરખા પ્રમાણમાં લઈને ખાંડનું પાણી બનાવીને એનો લોટ બાંધવામાં આવે છે. એની અંદર ભરપૂર માત્રામાં તલ નાખવામાં આવે અને પછી માત્ર ઘીમાં તળવામાં આવે ત્યારે આખું ઘર સુગંધ-સુગંધ થઈ જાય અને તહેવાર આવી ગયો એની એક સાક્ષી પૂરે એ સુંવાળી. આ સુંવાળી નામ એટલા માટે આપ્યું છે કે એ કાગળ જેટલી પાતળી હોય. જેટલી પાતળી સુંવાળી બને એ બનાવનારની આવડત પર હોય છે. તમામ ઘરે બનાવેલો નાસ્તો દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપવા મહેમાનો આવે તેમને પીરસવામાં આવે. મઠિયાં અને ચોળાફળી જેટલાં સ્વાદિષ્ટ હોય એટલા પ્રમાણમાં ઘરની ગૃહિણી રસોઈની નિષ્ણાત ગણાય અને તેમના ઘરે કેવું સરસ ભોજન બનતું હશે એનો અંદાજ નીકળે.
પરંતુ ભાઈ, આ બધા તો દિવસો ગયા. હવે સંયુક્ત પરિવારની પ્રથા ગઈ, ઘરના લગભગ દરેક સભ્યો નોકરી કરતા હોય. જુવાન સંતાનો પણ અભ્યાસ અને પોતાની મસ્તીમાં મસ્ત હોય છે ત્યારે હવે બહારથી જ મઠિયાં સહિતનું ફરસાણ લાવવામાં આવે છે. હા, હજી પણ શોખીન ગૃહિણીઓ છે કે ખૂબ પ્રેમપૂર્વક ઘરમાં જ બધા નાસ્તા બનાવે છે. પહેલાં એવું હતું કે ૮૦ ટકા નાસ્તા ઘરમાં બનતા અને ૨૦ ટકા બહારના, પરંતુ હવે આ ગુણોત્તર ઊંધો થઈ ગયો છે. મઠિયાંની જ વાત કરીએ તો ઉત્તરસંડાને કેમ ભુલાય. વિશ્વમાં જેટલાં મઠિયાં ખવાય છે એમાંથી ૯૦ ટકા મઠિયાં ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં બને છે. ઉત્તરસંડા એ ખેડા અને નડિયાદ જિલ્લાને મળીને મળતા ચરોતર પ્રદેશનો ભાગ છે. આ લીલાછમ પ્રદેશમાં પટેલોની ખૂબ વસ્તી છે અને લગભગ ઘરે-ઘરે એક સભ્ય વિદેશમાં સ્થાયી થયો હોય છે.
વિદેશમાં ભલે ગયા, પરંતુ ઘર અને ઘરનું ભોજન થોડું ભુલાય? એટલે જ ઉત્તરસંડા અને એની આસપાસ પહેલાં ઘરે ગૃહઉદ્યોગ તરીકે શરૂ થયેલાં મઠિયાં અને ચોળાફળી વિશ્વના ખૂણે-ખૂણે પહોંચે છે. આખું વર્ષ અહીં મઠિયાનાં કારખાનાં ધમધમે છે અને એમાં ૨૦થી ૨૦૦ હજારની વસ્તી ધરાવતા આ ગામની મહિલાઓ રોજગાર મેળવે છે. માત્ર દિવાળીની સીઝનમાં જ અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો વેપાર થતો હશે તો નવાઈ નહીં. ઉત્તરસંડાને કારણે પહેલાં માત્ર દિવાળીના તહેવારોમાં ખવાતાં મઠિયાં હવે બારેમાસ ખાઈ શકાય છે.
પણ મારે તમને એક સવાલ કરવો છે કે હવે દિવાળીમાં મહેમાન આવે ત્યારે તમે શું પીરસો છો? ભાઈ સૌપહેલાં તો એક વાત કહું કે હવે તો બધા વેકેશન કરવા બહારગામ ઊપડી જાય છે. ઘરે મહેમાન આવે તો દિવાળીનો નાસ્તો પીરસવાનો ટ્રેન્ડ ધીરે-ધીરે ઓસરી રહ્યો છે, કારણ કે લગભગ તમામના ઘરે આ પ્રકારનો નાસ્તો હોય છે. હવે ચૉકલેટ, નાનખટાઈ અને ડ્રાયફ્રૂટ પીરસવાનો ટ્રેન્ડ હોય છે. ખાલી મોઢું મીઠું કરાવવાનું અને પછી વાતોનાં વડાં, પરંતુ જો તમારે ગામોગામની ટેસ્ટી વાનગીઓ પીરસીને મહેમાનોમાં વટ પાડી દેવો હોય તો મારી પાસે એક વિકલ્પ છે, અમદાવાદનો ગૃહઉદ્યોગ.
હવે તો અમદાવાદ અને ગુજરાતનાં બીજાં શહેરોમાં ગૃહઉદ્યોગ જે પહેલાં ગૃહિણીઓ ઘરે ખાખરા, પાપડ અને બીજા સામાન્ય નાસ્તા બનાવીને ચાલુ કર્યો હતો એ વટ વૃક્ષબની ગયો છે. હવે ઘરના રૂમ કે સામાન્ય દુકાનમાંથી ઍરકન્ડિશન્ડ મૉલ બની ગયા છે, જ્યાં ગુજરાત જ નહીં, આખા દેશની અલગ-અલગ વસ્તુઓ બને છે. તમે નામ ન સાંભળ્યાં હોય એવી વરાઇટી મળી રહે છે. ગુજરાતમાં સુરતની નાનખટાઈ, ભાઠાની કણી (ક્રિસ્પી ગાંઠિયા જેવી સેવ), ઘારી, લીંબુ-મરીની સેવ અને પોંક, નવસારીનાં પાતરાં, સુરેન્દ્રનગરનાં સેવ-મમરા અને કચરિયું, લોનાવલા અને રાજકોટની ચિક્કી, ઉપલેટા-ધોરાજીના ગાંઠિયા, કોલ્હાપુરના અંબાભડંગ (તીખાતમતા મમરા), રંઘોળાની ફૂલવડી, સાઉથ ઇન્ડિયાની ચકરી અટલે મુરુક્કુ, નડિયાદી ભૂસું, ભાદરણના મગ, કેરળની નારરિયેળના તેલમાં તળેલી પીળી કેળા વેફર, રતલામની સેવ, ભરૂચની જાતજાતના સ્વાદની શિંગ, અરબસ્તાનનાં ખજૂર, ભાવનગરની શિંગપૂરી, બદામપૂરી અને કાજુપૂરી, હૈદરાબાદની કરાચી બેકરીનાં બિસ્કિટ, સીઝનમાં નાગપુરની ઑરેન્જ બરફી અને બૅન્ગલોરનો મૈસુરપાક વગેરે વસ્તુઓનું બહુ લાંબું લિસ્ટ છે.
આ ગૃહઉદ્યોગોએ છેલ્લાં ૧૦ વર્ષમાં એટલીબધી જમાવટ કરી છે કે એણે મધ્યમ અને મોટા કદના ફરસાણવાળાઓને પડકાર ફેંક્યો છે. બારેમાસ અહીં ભીડ રહે છે. અમદાવાદમાં ઇન્દુબહેન ખાખરાવાળાં, સોનલબહેન ખાખરાવાળાં, સત્યમ ગૃહ ઉદ્યોગ, મહાવીર ગૃહ ઉદ્યોગ, રતલામી જૈન સેવ ભંડાર, ઉલ્હાસબહેન ખાખરાવાળાં અને ગણેશ ગૃહ ઉદ્યોગવાળાઓનો દબદબો છે. એક જણની બેથી ત્રણ શાખાઓ છે. શૉપિંગ મૉલની જેમ ત્યાં સેલ્ફ સર્વિસ એટલે કે મૉલની જેમ જાતે વસ્તુ પસંદ કરીને લેવાની હોય છે. આ બધા પોતાની દુકાનમાં ૧૦૦થી લઇને ૫૦૦ જેટલી અલગ-અલગ વસ્તુઓનો સ્ટૉક રાખે છે. પાંચ-દસ હજાર રૂપિયાનું ફરસાણ ઘડીક વારમાં ખરીદી લેવાય. અહીં ઓછામાં ઓછા ૫૦ જાતના ખાખરા, ૨૦થી વધુ જાતનાં ચવાણાં, ૨૦થી વધુ જાતની સેવ, ૧૫થી વધુ જાતની પૂરી અને કલ્પના ન હોય એવા ટેસ્ટની વરાઇટી મળે છે.
તો આ દિવાળીના તહેવારમાં તો ખાઈ પીને મોજ જ કરવાની હોય તો. ઘરે બનાવો અથવા પહોંચી જાઓ આ ફરસાણ અને મીઠાઈના ખજાના જેવા ગૃહઉદ્યોગોમાં અને ઊજવો દિવાળી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK