ચૌપાટી જાયેંગે, ખીર-પૂરી ખાયેંગે

Published: Nov 19, 2019, 16:24 IST | Divyasha Doshi | Mumbai

ફેમસ ફૂડ અડ્ડા: મુંબઈની ગિરગામ ચોપાટી પોતાના પટમાં અનેક ઇતિહાસ સાચવીને બેઠી છે. મુંબઈકર હોય કે બહારગામથી આવેલા પ્રવાસી હોય, તે એક વખત મુંબઈ ગિરગામ ચોપાટી જરૂર જોવા જશે.

વાનગીઓ
વાનગીઓ

કૉલેજિયનો, સિંગલ નોકરિયાતો અને મધ્યમ વર્ગના લોકોની ફેવરિટ એવી ગિરગામ ચોપાટી સામે આવેલી ક્રિસ્ટલ રેસ્ટોરાં પચાસ વર્ષ પહેલાં જેવી હતી એવી જ આજે પણ છેઃ મેનુ ખૂબ નાનું અને વરાયટી પણ ઓછી હોવા છતાં એનો સ્વાદ અનેકોની જીભે ચડી ગયેલો છે : આ રેસ્ટોરાંમાં જાઓ તો ખીર અને ફ્રૂટ ક્રીમ અચૂક ખાવા જેવું છે.

મુંબઈની ગિરગામ ચોપાટી પોતાના પટમાં અનેક ઇતિહાસ સાચવીને બેઠી છે. મુંબઈકર હોય કે બહારગામથી આવેલા પ્રવાસી હોય, તે એક વખત મુંબઈ ગિરગામ ચોપાટી જરૂર જોવા જશે. જ્યાં ક્વીન્સ નેકલેસ પૂરો થાય ત્યાંથી ગિરગામ ચોપાટી શરૂ થાય છે અને ચોપાટી પૂરી થાય ત્યાંથી મલબાર હિલનો ડુંગર શરૂ થાય છે. એક જમાનામાં આ સ્થળ ખૂબ રળિયામણું હશે એની કલ્પના ચોક્કસ થઈ શકે. આજે તો અર્ધગોળાકારમાં દરિયાની ફરતે સિમેન્ટ કૉન્ક્રીટનું જંગલ રચાઈ ગયું છે. ચોપાટી પર લોકમાન્ય ટિળકની પ્રતિમા છે ત્યાં જ ૧૯૨૦માં તેમના અગ્નિસંસ્કાર થયા હતા. આ ચોપાટી પર અનેક વાર સ્વતંત્રતાસેનાનીઓએ સભાઓ ગજવી છે. નવરાત્રિમાં અહીં દર વરસે રામલીલા થાય છે અને દશેરાને દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. મુંબઈના મોટા ભાગના ગણપતિ (લાલબાગના રાજા સહિત) અહીં જ પધરાવાય છે. એ ચોપાટીની સામે વિલ્સન કૉલેજની જમણી બાજુના કૉર્નર પર નાનકડી રેસ્ટોરાં આવેલી છે. 

છેલ્લાં પચાસ વરસથી ક્રિસ્ટલ નામની નાનકડી રેસ્ટોરાં મધ્યમવર્ગીય લોકોમાં અને કૉલેજિયનોમાં પ્રખ્યાત છે. ક્રિસ્ટલ પ્રખ્યાત વિલ્સન કૉલેજની બાજુમાં અને ચોપાટીની બરાબર સામેની તરફ છે. મૂળ પંજાબી માલિક કે. કે. ખન્નાની આ દુકાનમાં પહેલાં તો પંજાબી નાસ્તો અને ચા જ મળતાં હતાં. એમાંય અહીંના સમોસા પ્રખ્યાત હતા. પરંતુ છેલ્લાં વીસેક વરસથી હવે અહીં લંચ અને ડિનર જ મળે છે. ખન્નાજી હવે ઉંમર અને તબિયતને લીધે આવતા નથી, પણ તેમની દીકરી હવે રેસ્ટોરાંનો વ્યવહાર જુએ છે. સવારે ૧૦થી ૩ અને સાંજના ૭થી ૧૦ વાગ્યા સુધી અહીં તમને ભોજન મળી શકે. છેલ્લાં પચાસ વરસથી આ રેસ્ટોરાંના દેખાવમાં ખાસ કશો જ ફરક નથી આવ્યો એવું આ લખનારે અનુભવ્યું છે. ચાર-પાંચ ટેબલ નીચે અને પાંચેક ટેબલ ઉપર માળિયા જેવા માળ પર રાખવામાં આવ્યાં છે.

મેનુ કદાચ મુંબઈની રેસ્ટોરાંનું સૌથી નાનું હશે. થોડી શાકભાજી, પરાંઠાં, દાલ, રાઇસ અને ખીર જે અહીંની પ્રખ્યાત છે એ ખાવી જ રહી. એક સમય હતો જ્યારે બપોરે બાર વાગ્યાથી ચાર વાગ્યાની વચ્ચે જાઓ તો ક્રિસ્ટલની બહાર એક મોટા તપેલામાં દૂધ અને ચોખા રંધાતા જોવા મળતા, પણ હવે તેઓ ખીર અંદર રસોડામાં જ ઉકાળે છે. સતત ચારેક કલાક ઉકાળીને બનાવાતી ખીરમાં દૂધ, ચોખા અને સાકર જ હોય છે પણ એનો સ્વાદ દાઢે વળગે એવો હોય છે. સતત ઊકળીને દૂધમાં કસ્ટર્ડનો સ્વાદ આવવા લાગે છે. આ ખીરને આઇસ કૂલ ઠંડી કરીને સ્ટીલના આઇસક્રીમના કપમાં તમને પીરસવામાં આવે. ૬૫ રૂપિયાની આ ખીર બારે મહિના અહીં મળે છે. ખીર એક એવું ડિઝર્ટ અથવા કહો કે મીઠી વાનગી છે કે તમને નુકસાન નથી કરતી. તમને ડાયાબિટીઝ હોય તો વાત અલગ છે, પણ એ પચવામાં હળવી અને પિત્ત હરનારી છે. એટલે જ સારી ખીર ખાવાથી તૃપ્તિનો ઓડકાર આવે છે. હા, યાદ રાખજો કે સોમવારે આ રેસ્ટોરાં બંધ હોય છે.

શાકમાં પણ સૂકી સબ્જીમાં તમને દરરોજ જુદું-જુદું મળે. ક્યારેક ભીંડા હોય તો ક્યારેક કોબી કે પછી બીજું કંઈ. એ સિવાય બીજી કેટલીક સબ્જીઓ હોય જે પંજાબી સ્ટાઇલમાં બનાવેલી હોય, પણ અગેઇન મદ્રાસી હોટેલમાં મળતી પંજાબી વાનગીઓ જેવી નહીં. ઘરનું બનાવેલું ખાવાનું ખાતા હોઈએ એવું લાગે. ગુજરાતી ઘર જેવું નહીં, પણ પંજાબી પારંપરિક ઘર જેવી વાનગીઓ જેમાં શાકભાજીનો અને કઠોળનો મૂળ સ્વાદ જળવાઈ રહે એટલો જ મસાલો નાખવામાં આવે. ૮૫ રૂપિયાથી લઈને ૧૧૫ રૂપિયા સુધીમાં શાક, રોટી ફક્ત આઠ રૂપિયા, પરાંઠાં ૩૫થી લઈને સ્ટફ્ડ પરાંઠાં ૭૦ રૂપિયા સુધી. ફક્ત અઢીસોથી ત્રણસો રૂપિયામાં બે વ્યક્તિઓ પેટ ભરીને ખાઈ શકે. અહીં થાળી પણ મળે છે. એને વેજ કૉમ્બો અને ડિલક્સ કૉમ્બો મીલ કહે છે.

foodie-02

ફક્ત ૨૦૫ રૂપિયામાં મળતું ડિલક્સ કૉમ્બો મીલ ખાવા જેવું છે. એમાં બે શાક એક પનીરનું અને બીજું વેજિટેબલ, સાથે દાલ મખ્ખની કે દાલફ્રાય કે રાજમા એમ અલગ-અલગ કૉમ્બિનેશન રોજ જ હોય. સાથે ત્રણેક રોટલી, છાશ, પાપડ તેમ જ ડિઝર્ટ પણ હોય. બુધ, શુક્ર અને રવિવારે ખીર મળે તેમ જ બાકીના ત્રણ દિવસ ફ્રૂટ ક્રીમ હોય. આ બન્ને ડિઝર્ટનો સ્વાદ ક્રિસ્ટલનો પોતાનો આગવો છે. કેટલાક લોકો ફક્ત આ ડિઝર્ટ ખાવા પણ પહોંચી જતા હોય છે. રાજમા અને દાલ મખનીમાં ખરેખર કઠોળનો ક્રીમી સ્વાદ અનુભવી શકાય.

જેમને સાદું છતાં સ્વાદિષ્ટ જમવાનું ગમતું હોય તો અહીં ચોક્કસ જ જવું જોઈએ. અહીં કશું જ ફૅન્સી નથી. બધું જ કાળના કોઈ સમયખંડમાં જેમનું તેમ સચવાઈ રહ્યું છે, ફક્ત ભોજન અહીં રોજ તાજું બને છે. હા, એના મેનુમાં પણ કોઈ ફરક નથી. જમવાનું પીરસનારા મોટા ભાગે વરસોથી અહીં કામ કરે છે. મૂછોવાળા મોહનસિંહને અમે વરસોથી અહીં જોતા આવ્યા છીએ. તેના કહ્યા મુજબ ૩૫ વરસથી તે અહીં કામ કરે છે. મેનુની જેમ અહીં પીરસવાની રીત પણ જૂની છે. સ્ટીલનાં વાસણો- ડિશ, વાડકી, ગ્લાસ અને ચમચા. ઘરમાં જ પીરસાતું હોય એવો અહેસાસ થાય. સાથે લીલાં મરચાંની વાડકી.

કૉમ્બોમાં જો ખીર હોય તો ખાસ ઑર્ડર કરીને ફ્રૂટ ક્રીમ પણ ચાખવા જેવું છે. તાજાં મળતાં પાંચેક ફ્રૂટને બારીક સમારીને ક્રીમમાં મિક્સ કરીને ફ્રિજ કરી રાખવામાં આવે છે. આ ડિઝર્ટ મોંમાં મૂકતાં જ યમી લાગે છે. આ

લખતાં-લખતાં અને તમને વાંચતાં જ મોંમાં પાણી આવી જાય. એક વાર ચોપાટી જાઓ તો ભેળપૂરી ખાવાને બદલે નૉન-એસી ક્રિસ્ટલમાં જમવા જેવું છે. શક્ય છે બપોરે કે રાત્રે પીક અવરમાં તમારે ટેબલ ખાલી થાય ત્યાં સુધી રાહ જોવી પડે. પરંતુ ઑથેન્ટિક સરસ ભોજન કરવા માટે રાહ જોવાનું ખિસ્સાનેય પરવડે એવું છે. વળી વધુ ચૉઇસ ન હોવાથી શું જમવું એ ડિસાઇડ કરવું અઘરું નહીં લાગે. અહીં સૌથી વધુ કૉલેજિયનો આવે છે જેઓ હોસ્ટેલમાં રહીને ભણતા હોય અને ચાલુ દિવસોમાં આસપાસની ઑફિસના ઑફિસરો પણ અહીં જ જમે છે. સાદી, સિમ્પલ છતાં સ્વાદિષ્ટ પૈસાવસૂલ ભોજન માટે ક્રિસ્ટલ અમારી ફેવરિટ છે. હા, રાત્રે અહીં પાંઉભાજી પણ મળે છે. જોકે પાંઉભાજી ખાનારા કરતાં ભરપેટ ભોજન કરનારા જ અહીં વધુ આવે છે. જમ્યા પછી પાન ખાવાની ઇચ્છા હોય તો ક્રિસ્ટલની બહાર નીકળતાં જ પાનની દુકાન છે અને બીજી અનેક પાનની દુકાનો એ વિસ્તારમાં ટહેલતાં મળી રહેશે. ગિરગામ ચોપાટી અને ક્વીન્સ નેકલેસ રચાય છે એ મરીન ડ્રાઇવ પર લટાર મારીને ક્રિસ્ટલમાં જમવાનો પ્રોગ્રામ બનાવી જ શકાય. અનેક ફાઇન ડાઇનિંગ અને ફૅન્સી રેસ્ટોરાંઓની સામે આ સસ્તી અને સાદી રેસ્ટોરાંમાં કેટલાય પ્રૌઢો નૉસ્ટૅલ્જિયા ફીલ કરવા આવે છે. કૉલેજમાં ભણતી વખતે અવારનવાર અહીં આવ્યા હોય અને એ જૂની યાદો તાજી કરતા બેઠા હોય એવું દૃશ્ય જોવા મળી શકે. એવું કહી શકાય કે ચોપાટી પર મળતી વાનગીઓ કરતાં અહીં પેટ જ નહીં મન પણ ભરાઈ શકે અને ખિસ્સું પણ હળવું નહીં થાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK