બાપ્પાની સવારી આવે ત્યારે બનાવો અવનવા મોદક

Published: Aug 30, 2019, 15:01 IST | મુંબઈ ડેસ્ક

બે દિવસ પછી ગણેશોત્સવ શરૂ થશે. વિઘ્નહર્તાને પ્રિય એવા મોદક બજારમાંથી તૈયાર લાવવાને બદલે ઘરે જ બનાવી શકાય છે. આવો જોઈએ અલગ-અલગ વરાઇટીના સિમ્પલ અને સ્વાદિષ્ટ મોદક બનાવવાની રીત

મોદક
મોદક

મોદક સ્પેશિયલ

ઉકડીના મોદક

સામગ્રી
☞ ૧ કપ બારીક ચોખાનો લોટ
☞ પોણાબે કપ પાણી
☞ ૧ ટી-સ્પૂન તેલ અથવા ઘી
☞ ચપટીક મીઠું
પૂરણ માટે
☞ ૧ કપ ખમણેલું કોપરું
☞ અડધો કપ ઝીણો સમારેલો ગોળ
☞ ૧/૪ ચમચી એલચી પાઉડર
☞ ૧/૮ ચમચી જાયફળ પાઉડર. (સ્વાદ અનુસાર ગોળ વધુ-ઓછો કરી શકાય),
☞ ૧ ચમચી ઘી.

રીત
મોદકના પડ માટે કડાઈમાં ૧ ચમચી ઘી લેવું, એમાં ચપટી મીઠું તથા પાણી ઉમેરવું. પાણી ઊકળે એટલે ચોખાનો લોટ ઉમેરવો. વ્યવસ્થિત મિક્સ કરવું. થોડું રંધાઈ જાય એટલે ગૅસ બંધ કરી ઠરવા દેવું.
બીજી એક કડાઈમાં ઘી ગરમ કરવું. એમાં કોપરું અને ગોળ મિક્સ કરવો. એલચી અને જાયફળ ઉમેરવા, ૪થી ૫ મિનિટ ગૅસ પર હલાવવું, ઠંડું પડવા દેવું.
હથેળીમાં સાધારણ ઘી લગાડી ચોખાનો લોટ મસળી લેવો. નાની-નાની પૂરી થેપી એમાં ગોળ-કોપરાનું સ્ટફિંગ ભરવું તથા મોદકનો આકાર આપવો. કુકર અથવા કડાઈમાં પાણી મૂકી રિંગ રાખવી. એના પર ઘીથી ગ્રીસ કરીને ચાળણી રાખવી. એમાં બધા મોદક ગોઠવવા. ઢાંકણ બંધ કરી મીડિયમ આંચ પર મોદકને ૫થી ૭ મિનિટ વરાળમાં બાફવા. ઢાંકણ ખોલી દેવું, થોડું ઠંડું થાય એટલે ચાળણી પરથી પ્લેટમાં લેવા.

બ્લુબેરી મોદક લૉલીપૉપ

Blueberry Modak

સામગ્રી
☞ અડધો કપ કાજુ પાઉડર
☞ અડધો કપ બદામ પાઉડર
☞ અડધો કપ દળેલી સાકર
☞ ૧/૪ ટી-સ્પૂન બ્લુબેરી એસેન્સ
☞ ૪થી ૫ ટીપાં બ્લુ કલર
☞ ૬ ટી-સ્પૂન પાણી લૉ
☞ લૉલીપૉપ સ્ટિક.

રીત
કડાઈમાં સાકર તથા પાણી ઉમેરવું. ધીમા તાપે ઉકાળવું, દોઢ તારથી થોડી વધુ ચાસણી કરવી, પછી એસેન્સ અને કાજુ-બદામ પાઉડર ઉમેરવો. કડાઈની કિનારી મિશ્રણ છોડે એટલે પ્લેટમાં કાઢી ઠંડું કરવું. હથેળીમાં ઘી લગાડી મસળવું પછી જરા કલર ઉમેરી અનઈવન મિક્સ કરવું. મોલ્ડમાં રાખી અનમોલ્ડ કરી લૉલીપૉપ સ્ટિક લગાડી સર્વ કરવું.

કેસર માવા મોદક

Kesar Mava Modak

સામગ્રી
☞ અડધો કપ સાદો માવો
☞ અડધો કપ દ‍ળેલી સાકર
☞ બે ટી-સ્પૂન મિલ્ક પાઉડર
☞ બે ટી-સ્પૂન આઇસિંગ શુગર
☞ ૧/૪ ટી-સ્પૂન કેસરનું એસેન્સ
☞ ૪થી ૫ ટીપાં પીળો કલર
☞ કેસરના તાંતણા
☞ ઘી જરૂર મુજબ.

રીત
જાડી કડાઈમાં માવાને ૩થી ૪ મિનિટ શેકવું. માવાની સુગંધ આવે એટલે ગૅસ બંધ કરી દેવો. માવાને વ્યવસ્થિત ઠંડો થવા દેવો પછી હાથેથી મસળવો. બાકીની સામગ્રી મિક્સ કરવી. બાઇન્ડિંગ માટે થોડું થોડું ઘી ઉમેરવું અને મસળવું. પછી મોદકના મોલ્ડમાં વ્યવસ્થિત ભરવું. પ્રેસ કરવું. અનમોલ્ડ કરવું. તૈયાર છે માવા કેસર મોદક.
(માવા મોદકમાં અલગ-અલગ ફલેવર ઉમેરી અલગ-અલગ કલર તથા ફ્લેવરના મોદક બનાવી શકાય; જેમ કે લાલ પેરુ, મુખવાસ ફ્લેવર, મિક્સ ડ્રાયફ્રૂટ્સ, ઠંડાઈ, કૂલફી, મૅન્ગો વગેરે ફલેવર)

હેલ્ધી શુગર-ફ્રી મોદક
સામગ્રી
☞ ૧ કપ ખજૂર
☞ ૧ કપ અંજીર
☞ ૪થી ૫ ટી-સ્પૂન મિક્સ શેકેલાં ડ્રાયફ્રૂટ્સ
☞ ૧ ટી-સ્પૂન ઘી
☞ ૪થી ૫ ટી-સ્પૂન દૂધ.

રીત
અંજીરને બારીક સમારી દૂધમાં એક કલાક પલાળી રાખવા. જાડી કડાઈમાં પલા‍ળેલા અંજીરને બે મિનિટ કુક કરવા. એમાં કાળી ખજૂર ઉમેરવી. વ્યવસ્થિત મિક્સ કરવું. પછી શેકેલું ડ્રાયફ્રૂટ્સ ઉમેરવું. પછી મોદકના સાચાને ઘીથી ગ્રીસ કરી એમાં આ પૂરણ ભરવું પછી અનમોલ્ડ કરી પ્લેટમાં સજાવવા.

કાજુ ચૉકલેટ મોદક
સામગ્રી
☞ ૧ કપ કાજુનો ભુક્કો
☞ અડધો કપ દળેલી સાકર
☞ ૧ ટી-સ્પૂન કોકો પાઉડર
☞ ૬ ટી-સ્પૂન પાણી
☞ ગ્રીસિંગ કરવા ઘી

રીત
કડાઈમાં સાકર અને પાણી મિક્સ કરવાં. ધીમા તાપે ઊકળવા મૂકવું. દોઢ તારની ચાસણી તૈયાર કરવી પછી કાજુનો ભુક્કો ઉમેરવો. ગૅસ પર સતત ચલાવવું. કાજુની પેસ્ટ કડાઈની કિનારી છોડે એટલે ગૅસ બંધ કરી દેવો પછી પૂરણના બે સરખા ભાગ કરવા. એકમાં કોકો પાઉડર ઉમેરવો. હથેળીમાં ઘી લગાડી બન્ને પેસ્ટને વ્યવસ્થિત સ્મૂધ કરવી. હવે મોદક મોલ્ડને ગ્રીસ કરવું. કાજુની પેસ્ટ અને કાજુ કોકો પેસ્ટ થોડી થોડી લઈ મોલ્ડમાં મૂકવી. પ્રેસ કરવું, ધીરેથી મોલ્ડમાંથી અનમોલ્ડ કરવું. પ્લેટમાં સજાવવું.

રોઝ બદામ મોદક
સામગ્રી
☞ ૧ કપ બદામનો ભુક્કો
☞ અડધો કપ દ‍‍ળેલી સાકર
☞ ૧/૪ ટી-સ્પૂન રોઝ ઇમલ્શન
☞ થોડી ટૂટીફ્રૂટી અથવા
રોઝની પેટલ્સ
☞ ગ્રીસ કરવા ઘી
☞ ૬ ટી-સ્પૂન પાણી

રીત
જાડી કડાઈમાં સાકર અને પાણી મિક્સ કરી ઊકળવા મૂકવું. દોઢ તારની ચાસણી તૈયાર કરવી પછી એમાં રોઝનું ઇમલ્શન ઉમેરવું. બદામ પાઉડર ઉમેરવો. કડાઈમાં ચલાવવું. કડાઈ કિનારી છોડે એટલે ગૅસ બંધ કરવો. મિશ્રણને પ્લેટમાં ઠંડું કરવું એ પછી ટૂટીફ્રૂટી ઉમેરવી. મોલ્ડ ગ્રીસ કરવું. એમાં પૂરણ ભરી મોદકનો શેપ આપવો.

ચૉકલેટ બ્લુબેરી મોદક

Chocolate Blueberry Modak

સામગ્રી
☞ બ્લુબેરી ચૉકલેટ સ્લૅબ
☞ મોલ્ડ
☞ ડ્રાયફ્રૂટ્સ ચૉકલેટનું મોદકવાળું મોલ્ડ

રીત
બ્લુબેરી ચૉકલેટને ડબલ બોઇલરથી અથવા માઇક્રોવેવમાં મેલ્ટ કરવી. મોદકના મોલ્ડમાં રેડવી. ફ્રિજમાં ૧૦ મિનિટ સેટ કરવા રાખવી. અનમોલ્ડ કરી ઓપન અથવા રેપ કરવી.
(આ જ રીતે ૨થી ૩ અલગ-અલગ ફલેવર પણ લઈને ૨થી ૩ મિક્સ કલર અને ફલેવરના પણ મોદક બનાવી શકાય)

આ પણ વાંચો : 14 વર્ષ બાદ આટલા બદલાઈ ગયા છે શક્તિમાનના કલાકારો, જુઓ તસવીરો

ચૉકલેટ ડ્રાયફ્રૂટ મોદક
સામગ્રી
☞ ડાર્ક અથવા મિલ્ક ચૉકલેટ સ્લૅબ ૧ કપ
☞ અડધો કપ મિક્સ શેકેલું ડ્રાયફ્રૂટ્સ (કાજુ, બદામ, િપસ્તા, હેઝલનટ વગેરે) મોલ્ડ

રીત
ચૉકલેટને ડબલ બોઇલર અથવા માઇક્રોમાં મેલ્ટ કરવી. એમાં શેકેલું ઝીણું સમારેલું ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરવું. પછી મોલ્ડમાં રેડવું. ૧૦થી ૧૫ મિનિટમાં બહાર કાઢી અનમોલ્ડ કરવું. પ્લેટમાં ડેકોરેટ કરવું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK