વરસાદની આ મોસમમાં આ હોમશેફના હાથની રેઈનબો રેસિપી ટ્રાય કરવા જેવી છે

Updated: Jul 24, 2020, 20:04 IST | Mihir Shah | Mumbai

આ વર્ષે લૉકડાઉનને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે અને હવાની શુદ્ધતા ચરમ પર છે ત્યારે આકાશમાં સપ્તરંગી પટ્ટો વધુ જોવા મળ્યો છે.

રેઇનબો કૅકપૉપ્સ
રેઇનબો કૅકપૉપ્સ

સત્તરમી સદીમાં સર આઇઝૅક ન્યુટને શોધેલું કે પાણીના ટીપામાંથી જ્યારે સફેદ પ્રકાશ પસાર થાય છે ત્યારે એમાંથી નીકળતો પ્રકાશ સપ્તરંગી દૃશ્યમાન થાય છે. પ્રકાશના વિકિરણની આ પ્રક્રિયાને રેઇનબો એટલે કે મેઘધનુષ તરીકે આપણે ઓળખીએ છીએ. વરસાદી વાતાવરણમાં અનેક વાર આકાશમાં રેઇનબો જોવા મળે છે ત્યારે નયનરમ્ય નજારો સર્જાય છે. આ વર્ષે લૉકડાઉનને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી છે અને હવાની શુદ્ધતા ચરમ પર છે ત્યારે આકાશમાં સપ્તરંગી પટ્ટો વધુ જોવા મળ્યો છે.
તમને થશે આપણે ફૂડને બદલે સાયન્સની વાતે કેમ ચડી ગયા? તો એવું જરાય નથી. ફૂડમાં પણ હવે રેઇનબો થીમ ખૂબ ઇન થઈ રહી છે. અત્યારે વરસાદની સીઝન છે ત્યારે વાતાવરણની સાથે તમારી ભોજનની થાળીને પણ મેઘનધનુષી બનાવી શકો છો.
રેઇનબો થીમના ડીઝર્ટથી લઈને ડિમસમ સુધીની દરેક વાનગી પર અનેક પ્રયોગો કર્યા છે ઘાટકોપરમાં રહેતી હોમશેફ આયુષી શાહે. હજી જસ્ટ ૨૧ વર્ષની આ હોમશેફ બેકિંગનું જબરું પૅશન ધરાવે છે. તેણે ખૂબ પર્ફેક્શન સાથે રેઇનબો થીમની જાતજાતની ચીજો ડેવલપ કરી છે. તો ચાલો આયુષી પાસેથી જાણીએ મોસમની મજાને બમણી કરી નાખે એવી મેઘધનુષી રેસિપીઓ.

food

રેઇનબો કુકીઝ
સામગ્રી
અડધો કપ બટર (સૉલ્ટ વગરનું હોય તો વધુ સારું)
અડધો કપ બૂરું સાકર
દોઢ કપ મેંદો
એક ટીસ્પૂન વૅનિલા એસેન્સ
એક ટીસ્પૂન બેકિંગ પાઉડર 
અડધી ટીસ્પૂન બેકિંગ સોડા
રીત
બટરને ફ્રિજમાંથી કાઢીને રૂમ ટેમ્પટચર પર આવવા દો. એ પછી મિક્સિંગ બાઉલમાં લઈને એમાં સાકર ઉમેરો.
બટર અને સાકરને બે મિનિટ સુધી હલાવો. પછી એમાં વૅનિલા એસેન્સ ઉમેરો. એક મિનિટ સુધી મિક્સ્ચરને હલાવો.
પછી એમાં મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા ઉમેરો અને હલાવતા જાઓ જેથી એમાં ગઠ્ઠા ન રહે. (મોળું બટર ઉમેર્યું હોય તો થોડું મીઠું ઉમેરો. અગર સૉલ્ટેડ બટર ઉમેર્યું હોય તો મીઠું સ્કિપ કરો.)
એકદમ સારી રીતે હલાવી લોટ તૈયાર કરો. અગર વધુ કડક લાગે તો થોડું પાણી ઉમેરો.
આ લોટ પ્લાસ્ટિકથી કવર કરી ફ્રિજમાં ૧૦ મિનિટ માટે સેટ થવા મૂકો.
ત્યાર બાદ લોટના છ એકસરખા ભાગ કરો.
એમાં દરેકમાં એક-એક કલર લાલ, કેસરી, પીળો, લીલો, બ્લુ, જાંબલી વગેરે ઉમેરો. અગર કેસરી કલર ન હોય તો લાલ ને પીળા કલરનું મિશ્રણ કરીને કેસરી કલર બનાવો. એવી જ  રીતે લીલો અને જાંબલી રંગ પણ બનાવી શકાય.
દરેક લોટના લૂવા બનાવીને ગોળ એકસરખા આકારની રોટલી વણો અને ત્યાર બાદ મેઘધનુષના રંગ પ્રમાણે એક ઉપર એક લાલ, કેસરી, પીળો, લીલો, બ્લુ, જાંબલી એમ બધી રોટલી ગોઠવો.
ત્યાર બાદ એને સ્લાઇસમાં કાપો જેથી સ્લાઇસમાં દરેક રંગ દેખાય અને પછી એને ફરી ઉપરથી વણીને કુકીઝનો શેપ આપો.
પ્રી-હીટેડ અવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૦થી ૧૨ મિનિટ બેક કરો. ત્યાર બાદ અવનમાંથી કાઢીને બીજી ટ્રેમાં ઠંડી થવા દો.
ત્યાર બાદ વાઇટ તેમ જ ડાર્ક ચૉકલેટથી ડેકોરેટ કરો ને ચોકોચિપ્સ તેમ જ રેઇનબો, કોન ફેટી, ગોલ્ડન તેમ જ શુગર બાઉલનું ટૉપિંગ કરો.

રેઇનબો પૅનકેક

food
સામગ્રી
બે કપ મેંદો
એક કપ બૂરું સાકર 
એક કપ દૂધ
અડધો કપ બટર 
એક ટીસ્પૂન વૅનિલા એસેન્સ
એક ટીસ્પૂન બેકિંગ પાઉડર 
અડધી ટીસ્પૂન બેકિંગ સોડા
એક ચપટી મીઠું
ફૂડ કલર - લાલ, કેસરી, પીળો, લીલો, બ્લુ, જાંબલી 
રીત
સૂકી સામગ્રી જેવી કે મેંદો, મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ચાળણીથી ચાળીને મિક્સ કરો.
હવે એમાં બટર-દૂધને એકદમ સારી રીતે હલાવો ને કેકના બૅટર કરતાં સૉફ્ટ બૅટર તૈયાર કરો.
બૅટરને ૬ એકસરખા ભાગમાં 6 બાઉલ‍માં નાખો અને દરેક બાઉલમાં આપેલા કલર મુજબ એક એક ફૂડ કલર ઉમેરો.
હવે નૉનસ્ટિક પૅનમાં થોડુંક બટર લગાવો. ત્યાર બાદ એમાં રેડ કલરનું બૅટર નાખો ને સ્પ્રેડ કરી એક મિનિટ માટે ઢાંકીને પકાવો. હવે જ્યારે એમાંથી બબલ દેખાવા માંડે એટલે એને ઊથલાવો ને ફરી એક મિનિટ માટે પકાવો. પછી એને એક બાજુ પર મૂકો.
હવે દરેક કલર સાથે એક પછી એક આવી જ રીતે પકાવીને દરેક પૅનકેકને તૈયાર કરો. હવે એને રેઇનબોના કલરના ઑર્ડર પ્રમાણે ગોઠવો.
હવે ટૉપ પર બટર લગાવો. એના ઉપર મેપલ સિરપ અથવા ચૉકલેટ સિરપ નાખી ઉપર ફ્રૂટ્સ જેવા કે કેળાં, સ્ટ્રૉબેરી, મૅન્ગો, બ્લુબેરી, રાઝબરી વગેરે તમને જે પસંદ હોય એવાં ટૉપિંગ્સથી ડેકોરેટ કરો.

રેઇનબો કેક પૉપ્સ
સામગ્રી
અડધો કપ સાકર
અડધો કપ દહીં
એક ટીસ્પૂન બેકિંગ પાઉડર
અડધી ટીસ્પૂન બેકિંગ સોડા
પા કપ તેલ
એક ટીસપૂન વૅનિલા એસેન્સ
એક કપ મેંદો
ફૂડ કલર : લાલ, પીળો, કેસરી, લીલો, બ્લુ, જાંબલી
રીત  
એક મિક્સિંગ બાઉલમાં દહીં, સાકર, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો અને સારી રીતે હલાવી એકરસ કરો અને પાંચ મિનિટ માટે બબલ આવે ત્યાં સુધી એને એમ જ બાઉલમાં રહેવા દો.
ત્યાર બાદ એમાં ઑઇલ અને વૅનિલા એસેન્સ ઉમેરો અને હલાવો. એમાં મેંદો ઉમેરી ધીરે-ધીરે હલાવો અને એક ચપટી મીઠું ઉમેરો.
આ બૅટરને ૭ ભાગમાં એકસરખા ભાગ કરો અને ૭ જુદા-જુદા કન્ટેનરમાં નાખો અને દરેકમાં અલગ-અલગ ફૂડ કલર ઉમેરો.
હવે ગ્રીસ કરેલા કપમાં બૅટર ઉમેરો અને પ્રી-હીટેડ અવનમાં બારથી પંદર મિનિટ બેક કરો. બેક થઈ જાય એટલે પાંચ મિનિટ માટે ઠંડા થવા દો.
હવે ક્રશ કરીને અને મેલ્ટ કરેલી મિલ્ક અથવા વાઇટ અથવા ડાર્ક ચૉકલેટ અથવા ફ્રેશ ક્રીમ / શુગર સિરપ નાખી ડિપ કરવા માટે સિરપ તૈયાર કરો.
હવે તૈયાર કરેલા રંગીન લોટની એકસરખી ગોળ રોટલી વણી લો અને એને એક ઉપર એક એમ રેઇનબોના કલરના ઑર્ડર પ્રમાણે ગોઠવો અને પાંચથી ૧૦ મિનિટ માટે ફ્રિજમાં સેટ થવા મૂકો.
હવે સ્ટ્રાઇપ્સમાં કાપી એના બૉલ બનાવી બૉલ્સને સફેદ/ મિલ્ક/ ડાર્ક ચૉકલેટના સિરપથી કવર કરી તમારા ફેવરિટ ટૉપિંગથી શણગારો.

રેઇનબો ડિમસમ

food
સામગ્રી
બે કપ મેંદો
બે ટીસ્પૂન ઑઇલ
સૉલ્ટ અને પેપર
એક કપ બારીક સમારેલા કાંદા 
એક કપ બારીક સમારેલાં ગાજર
એક કપ બારીક સમારેલી કોબી
એક કપ બારીક સમારેલાં કૅપ્સિકમ
એક ટીસ્પૂન સમારેલું લસણ
બે બારીક સમારેલાં મરચાં
ફૂડ કલર - લાલ, કેસરી, પીળો, લીલો, બ્લુ, જાંબલી વગેરે 
જરૂર મુજબનો સૉય સૉસ
રીત
એક કડાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે લીલાં મરચાં, લસણ ઉમેરી એક મિનિટ માટે પકાવો.
ત્યાર બાદ એમાં કાંદા, ગાજર, કોબી, કૅપ્સિકમ ઉમેરીને 5 મિનિટ માટે બધું પકાવો. ત્યાર બાદ ગૅસ બંધ કરો અને એમાં મીઠું-મરીને એક ટીસ્પૂન સૉય સૉસ ઉમેરો.
આ મિક્સ્ચરને બાજુમાં મૂકો અને ડિમસમનો લોટ તૈયાર કરો.
મેંદાના લોટમાં તેલ અને એક ચપટી મીઠું ઉમેરી મિક્સ કરી પાંચ મિનિટ માટે રહેવા દો.
ત્યાર બાદ આ લોટના ૬ એકસરખા ભાગ કરી દરેકમાં અલગ-અલગ ફૂડ કલર ઉમેરો અને લોટ બાંધો.
ત્યાર બાદ દરેક કલરના એક લૂવામાંથી નાની-નાની પૂરી જેવું વણી એમાં એક ચમચી જેટલું તૈયાર કરેલું શાકભાજીનું પૂરણ ભરી તમને મનપસંદ એવો શેપ આપી મોમોઝ તૈયાર કરો.
એક વાસણમાં તેજ આંચ પર પાણી ગરમ મૂકો અને એક ટ્રેને તેલથી ગ્રીસ કરી એમાં છૂટા-છૂટા મોમોઝ ગોઠવો. ધ્યાન રહે કે એકબીજાને ચોંટે નહીં.
આ ટ્રેને વરાળમાં ૧૦થી ૧૨ મિનિટ બફાવા દો.
ત્યાર બાદ શેઝવાન ચટણી અથવા ગ્રેવી સાથે સર્વ કરો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK