Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બટેટી-ભૂંગળા ઉપરાંત ભાવનગરવાસીઓનાં ફેવરિટ છે દાળ-પૂરી, ગાંઠિયા-પાંઉ

બટેટી-ભૂંગળા ઉપરાંત ભાવનગરવાસીઓનાં ફેવરિટ છે દાળ-પૂરી, ગાંઠિયા-પાંઉ

22 June, 2020 06:32 PM IST | Mumbai
Pooja Sangani

બટેટી-ભૂંગળા ઉપરાંત ભાવનગરવાસીઓનાં ફેવરિટ છે દાળ-પૂરી, ગાંઠિયા-પાંઉ

દાળ-પૂરી

દાળ-પૂરી


ભાવનગરનું નામ પડે એટલે મગજમાં સૌથી પહેલાં વિચાર ગાંઠિયાનો જ આવે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભાવનગરના લોકો સવારે નાસ્તામાં ગાંઠિયા નહીં પરંતુ દાળપૂરી ખાવાનું વધારે પસંદ કરે છે. ભાવનગરમાં ગાંઠિયાની સાથે દાળ-પૂરી ખૂબ જ પ્રખ્યાત છે. અમદાવાદ સહિતનાં અનેક શહેરોમાં સવારના પહોરમાં ગરમાગરમ બટાટાપૌંઆ અથવા ફાફડા, કઢી, લીલી ચટણી, પપૈયાનું છીણ અને મરચાની મોજ માણવામાં આવે છે ત્યારે વિશ્વમાં ગાંઠિયા માટે પ્રખ્યાત એવા ભાવનગર શહેરના લોકોને તો સવારે દાળ-પૂરી ખાતા જોવા મળે છે. ભાવનગરના શહેરના ખૂણે-ખૂણે અલગ-અલગ લારીઓ અથવા રેસ્ટૉરાંમાં દાળ-પૂરી તો ખાસ જોવા મળી રહે છે અને તમે માનશો નહીં, જેમ લૉકડાઉનમાં કરિયાણાની દુકાનોમાં જેવી ભારે ભીડ જોવા મળતી એવી એ દાળ-પૂરીની લારી કે રેસ્ટોરન્ટમાં સવારે જોવા મળે છે.
ભાવનગરની સૌથી જૂની અને ફેમસ જગ્યાની વાત કરું તો એ છે પદુબા ઝાલાની દાળ-પૂરી જે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે આવેલી છે. અહીં શિંગતેલમાં તળાતી ગરમ-ગરમ પોચી પૂરી સાથે તીખી તમતમતી ચણાની દાળ પીરસાય છે. આ દાળ-પૂરી બધી જ ઉંમરના લોકો માણવા આવે છે. અહીં દાળ-પૂરી સાથે છાશ, પાપડ, ડુંગળી અને મરચાં પીરસવામાં આવે છે. આ દાળ-પૂરીનો સ્વાદ ખાટો-મીઠો અને ચટાકેદાર લાગે છે. જે લોકો તીખું ખાવાના શોખીન છે તેમના માટે અલગ તીખી તરી રાખવામાં આવે છે ને માગે એ પ્રમાણે તીખી દાળ-પૂરી તૈયાર કરી આપવામાં આવે છે.
સ્ટ્રીટ ફૂડ હોવા છતાંય અહીં ચોખ્ખાઈ જાળવવામાં આવતી હોય છે. સવારે 7થી બપોરે ૧૨ વાગ્યા સુધી તેઓ નાસ્તા તરીકે દાળ-પૂરી સ્વાદરસિયાઓને પીરસે છે. ઘણાં વર્ષોથી લોકો અહીં આ સ્વાદની મજા માણે છે. અહીંની દાળમાં બટાટાના શાકનો લાલ તીખો રસો અને માથે ખાટીમીઠી ચટણી નાખી આઠ પોચી પૂરી સાથે પીરસાય છે.
આ ઉપરાંત અહીં બીજી પ્રખ્યાત જગ્યા શ્યામ દાળ-પૂર વાળાની છે જે ભાવનગર શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલી છે. અહીં દાળ-પૂરી સાથે ડુંગળી, મરચાં અને છાશ પીરસાય છે જે ત્રીસ રૂપિયામાં મળે છે. અહીં દાળ-પૂરી સાથે પૂરીની બદલે ઘણી વખત સિંધી પકવાન પણ પીરસાય છે જે તમારે અલગથી લેવા પડે. માત્ર પંદર રૂપિયામાં એક પકવાન મળે છે.
જો રેસ્ટોરન્ટની વાત કરીએ તો એમાં જય સોમનાથની દાળ-પૂરી ખૂબ વખણાય છે. આ રેસ્ટોરન્ટ ભાવનગરના મધ્યમ વિસ્તાર એમ. જી. રોડ ઉપર ભાયાણીના ડેલા પાસે આવેલી છે. છેલ્લાં ૩૨ વર્ષથી વિરુભાઈ નામના યુવક અહીં દાળ-પૂરી, દાળ-પકવાન અને દાળ-કચોરી નાસ્તા તરીકે પીરસે છે. સવારના ૭થી બપોરના ૩ સુધી એની મોજ માણી શકાય. ૩૦ થઈ ૪૦ રૂપિયામાં વ્યક્તિ તૃપ્ત અને સંતુષ્ટ થઈ જાય છે. અહીં લીલી ફુદીનાની ચટણી પીરસાય છે એ પણ ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

પાંઉ-ગાંઠિયા એક વિશેષ નાસ્તો
પાંઉ-ગાંઠિયા એ ભાવનગરનો એક અનોખો અને વિશિષ્ટ નાસ્તો હોય છે. પહેલી નજરે તો એવું લાગે કે પાંઉ અને ગાંઠિયાનો ક્યાં મેળ ખાય? પરંતુ પાંઉ અને ગાંઠિયા ખાવાની રીતને ભાવનગરના લોકોએ શોધી છે. એની અંદર ભરપૂર માત્રામાં ખાસ પ્રકારની ડુંગળીની અને ખાટી-મીઠી ચટણીઓ નાખીને ખાવામાં આવે છે. મેં અગાઉ કહ્યું એમ ભાવનગરના લોકોને ચટણી અને રસા વગર ન ચાલે. તો અહીં પણ એમ જ છે. ગાંઠિયા વિશિષ્ટ પ્રકારના હોય છે. તમે જાણો છો એવા પોચા ગાંઠિયા નહીં પરંતુ દાંતમાં મૂકીને તોડો તો કટક કટક..... અને કુરરરમ....કુરરરમ અવાજ આવે એ રીતના કડક ગાંઠિયા હોય છે. આથી ચટણીમાં ડુબાડ્યા હોય તો ઓગળી ન જાય. તો પાંઉ-ગાંઠિયા કેવી રીતે ખવાય એની વાત કરું. ભાજીપાંઉના પાંઉ આવે એના નાના ટુકડા કરીને ગાંઠિયા સાથે મિક્સ કરી દેવામાં આવે છે. એની અંદર ડુંગળીની છીણની તીખી-મીઠી ચટણી, લસણની ચટણી અને મરચાં-કોથમીર અને ફુદીનાની ચટણી નાખવામાં આવે છે. આખી પ્લેટ ચટણીમાં ડૂબી જાય એટલીબધી ચટણી નાખવામાં આવે અને ચટણીમાં એકરસ થઈ ગયેલા પાંઉ અને ગાંઠિયા ખાવાની મોજ માણવામાં આવે છે. ભાવનગરમાં ઘોઘા સર્કલ  પાસે આવેલા લચ્છુના એટલે કે લચ્છુભાઈના પાંઉ-ગાંઠિયા પ્રખ્યાત છે અને લોકોમાં ભારે પ્રિય છે. આ ઉપરાંત આ દુકાનની મિની સૅન્ડવિચ તો હૉટ ફેવરિટ છે. અહીં બે જ પ્રકારની સૅન્ડવિચ મળે. એક પાઇનૅપલ જૅમ અને બીજી લીલી ચટણીની. એકદમ નાના કદની સૅન્ડવિચ આવે છે અને મોટી સૅન્ડવિચથી તદ્દન અલગ જ હોય છે. લોકો અડધો ડઝન-ડઝન એટલી માત્રામાં સૅન્ડવિચ પાર્સલ કરાવીને લઈ જાય. રવિવારે લોકો પિકનિકમાં દરિયાકિનારે જાય ત્યારે આ સૅન્ડવિચ પાર્સલ કરાવી લે એટલે મોજ જ મોજ.  




ભૂંગળા-બટાટા અને ચણા-મઠ
ભાવનગરમાં ઠેર ઠેર આ વાનગી મળે અને અરે પાનના ગલ્લે પણ તમને ભૂંગળા અને બટાટા મળે. ઘણા લોકો એને બટેટી અને ભૂંગળા પણ કહે છે. લગ્નપ્રસંગમાં છપ્પન પ્રકારનાં પકવાન હોય પણ જો બટાટા અને ભૂંગળા ન હોય તો એ જમણવાર અધૂરો ગણાય છે. લારીઓમાં લાલ ચટ્ટક બટાટાનો ઢગલો હોય અને સાથે ભૂંગળાનાં પૅકેટ પડ્યાં હોય. આ ઉપરાંત ત્યાં ચણા-મઠ બહુ પ્રખ્યાત હોય છે. બાફેલા ચણા અને મઠને તેલ-મસાલા સાથે વઘારવામાં આવે છે. ત્યાર બાદ એમાં જાત જાતની ચટણીઓ, ડુંગળી, લીંબુ અને ચાટ મસાલો નાખીને પીરસવામાં આવે છે. એની સાથે ઘણી વખત ચોખાનો તળેલો પાપડ પણ ખાવામાં આવે છે.


આવતી કાલે ભગવાન જગન્નાથજીને ધરાવો જાંબુનો હલવો અને ફણગાવેલા મગના લાડુ

દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ મંદિરની ઐતિહાસિક રથયાત્રા હવે દેશ માટે અનોખી કોમી એકતા, પ્રેમ, આસ્થા અને સામાજિક સમરસતાનો સંદેશ પૂરો પાડનારી બની ગઈ છે. અષાઢ મહિનાની બીજના દિવસે વર્ષમાં એક વાર બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી સાથે જગન્નાથજી શ્રદ્ધાળુઓને દર્શન આપવા નીકળતાં હોય છે. રથયાત્રા નીકળે ત્યારે એનાં દર્શન કરવા આવનારાઓને ફણગાવેલા મગ અને જાંબુનો પ્રસાદ અચૂક મળતો હોય છે. આ વર્ષે રથયાત્રા તો નહીં નીકળે, પણ જો તમે પોતે ફણગાવેલા મગ અને જાંબુની કોઈક વાનગી ઘરે બનાવીને ભગવાનને ધરો તો કેવું? ચાલો તો આજે કંઈક નવું બનાવીએ.


જાંબુનો હલવો
એક બાઉલ જાંબુ કટ કરીને ક્રશ કરેલા ચાર ચમચી મિલ્ક પાઉડર ત્રણ ચમચી ખાંડ ત્રણ ચમચી ઘી બે ચમચી રવો (સોજી) અડધો કપ દૂધ એક ચમચી ઇલાયચી પાઉડર ત્રણ ચમચી કાજુ-બદામની કતરણ બે તુલસીનાં પાન
રીત :
સૌપ્રથમ પેણી ગરમ કરી એક ચમચી ઘી ગરમ કરવું. એમાં જાંબુની પેસ્ટ નાખી શેકી લેવું.
હવે શેકાઈ જાય એટલે એમાં બે ચમચી મિલ્ક પાઉડર અને એક ચમચી ખાંડ ઉમેરવાં. હવે સરખું મિક્સ કરી એક બાઉલમાં કાઢી લેવું. એ જ પેણીમાં ફરી બે ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે એમાં રવો ઉમેરવો. રવાને સરખો શેકી લેવો. ઘી ઉપર આવે ત્યાં સુધી શેકવો. પછી એમાં દૂધ ઉમેરવું. દૂધ એકદમ બળી જાય અને ઘી છૂટે ત્યારે બે ચમચી ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરવાં. સરખું મિક્સ કરી લેવું. પછી એમાં જાંબુનું મિશ્રણ નાખી એકદમ બધું સરસ મિક્સ કરી લેવું.
હવે એમાં ઇલાયચી પાઉડર અને બદામની કતરણ ઉમેરવી. એક બાઉલમાં લઈ તુલસીનું પાન મૂકી ભગવાન જગન્નાથજીને ભોગ ચડાવવો.


ફણગાવેલા મગના લાડુ
એક બાઉલ ફણગાવેલા મગ એક નાની વાટકી સૂકું કોપરાનું છીણ ચાર ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક ચાર ચમચી ઘી એક ટી-સ્પૂન તજ પાઉડર બે ચમચી ઇલાયચી પાઉડર ચાર ચમચી બદામ અને કાજુની કતરણ

બનાવવાની રીતઃ
સૌપ્રથમ મગને મિક્સર જારમાં લઈ ક્રશ કરવાં.
પૅનમાં ઘી ગરમ કરવા રાખવું. એમાં મગને સારી રીતે શેકી લેવા. હવે એમાં કોપરાનું છીણ નાખી ફરી મિક્સ કરી લેવું. શેકાઈ ગયા પછી એમાં કન્ડેન્સ્ડ મિલ્ક, તજ પાઉડર, ઇલાયચી પાઉડર, કાજુ-બદામની કતરણ નાખી સરખું મિક્સ કરી લેવું. થોડું ઠંડું થયા બાદ લાડુના મોલ્ડમાં નાખી બધા લાડુ તૈયાર કરી લેવા.

અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ
‘મઠો અસાયો કચ્છ’
‘મઠી અસાયી ગાલીયું’
‘મઠા અસાયા માંડુ’
‘મઠી અસાયી પ્રીત’
‘હલો હલો આવઈ’
‘આષાડી બીજ’

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2020 06:32 PM IST | Mumbai | Pooja Sangani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK