અમદાવાદના ઓટલા અને ગોખલામાં વેચાતી મોંમાં પાણી લાવી દેતી વાનગીઓના વિશ્વમાં લટાર

Updated: Jul 14, 2020, 01:27 IST | Pooja Sangani | Mumbai

માણેકચોકમાં આવેલું જૂનું શૅરબજાર એક ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં એક સમયે પૌરાણિક બિલ્ડિંગમાં શૅરબજાર ધમધમતું હતું. ત્યારે તો રૂબરૂ હાજર થઈને અને ઘાંટા પાડીને જ શૅરના સોદા કરવા પડતા હતા

 આ શૅરબજારની બાજુની ગલીમાં અનોખાં ફૂડ જૉઇન્ટ્સ છે જે જોઈને તમને સુખદ આશ્ચર્ય થશે.
આ શૅરબજારની બાજુની ગલીમાં અનોખાં ફૂડ જૉઇન્ટ્સ છે જે જોઈને તમને સુખદ આશ્ચર્ય થશે.

શૅરબજારની ગલીમાં અનોખાં ફૂડ જૉઇન્ટ્સ
માણેકચોકમાં આવેલું જૂનું શૅરબજાર એક ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં એક સમયે પૌરાણિક બિલ્ડિંગમાં શૅરબજાર ધમધમતું હતું. ત્યારે તો રૂબરૂ હાજર થઈને અને ઘાંટા પાડીને જ શૅરના સોદા કરવા પડતા હતા (તમને યાદ હોય તો અભિષેક બચ્ચનવાળી ‘ગુરુ’ મૂવીમાં સોદા થતા અદ્દલ એવી જ રીતે. આથી અહીં આવતા વેપારીઓને ભૂખ લાગતી અને એના માટે આજુબાજુમાં આખું ખાણીપીણીનું બજાર ઊભું થઈ ગયું છે અને આજે પણ એ અસ્તિત્વ ધરાવે છે. આ શૅરબજારની બાજુની ગલીમાં અનોખાં ફૂડ જૉઇન્ટ્સ છે જે જોઈને તમને સુખદ આશ્ચર્ય થશે. તમે ફુટપાથ ઉપર બેસેલા કે લારી ઉપરનાં ફૂડ જૉઇન્ટ્સ તો જોયાં હશે, પરંતુ અહીં તો પગથિયા પર અને ઓટલા પર જ ધંધો. અમુક તો દીવાલ પર ઊંચો ઓટલો બનાવીને પાણીપૂરીવાળા પણ જોવા મળશે.
જો આપણે જૂના અમદાવાદના મકાનના બાંધકામની ખાસિયતોની વાત કરું તો દરેક મકાનની બહાર ઓટલો તો હોય જ. અત્યારે ફ્લૅટ કે બંગલોના જમાનામાં લોકો હવે આવા ઓટલા બનાવતા નથી. પરંતુ જૂના સમયમાં ઘરના સભ્યો કે બહારના લોકો બેસી શકે એ માટે ઓટલા બનાવવામાં આવતા. બહારના લોકો પણ વિસામો લે. એવી જ રીતે શૅરબજારના હાલમાં બંધ પડેલા ઐતિહાસિક બિલ્ડિંગમાં મુખ્ય દરવાજાની આજુબાજુમાં બે ઓટલાઓ છે.
એમાંના એક ઓટલા પર જૂના શૅરબજાર ચવાણાવાળા આવેલા છે. આ ભાઈ એટલા પ્રખ્યાત થયા છે કે અમદાવાદના બહારના વિસ્તારોમાં પણ તેમના નામની દુકાનો છે, પરંતુ હજી ઓટલો છોડ્યો નથી. બહાગામથી આવતા લોકો હંમેશાં અહીંનું ચટપટું ચવાણું અને નમકીન લઈ જાય. પચાસ વર્ષ કરતાં જૂનું હોવાથી હવે તો અમદાવાદ હેરિટેજ સિટી થઈ ગયું હોવાથી આ જગ્યાની પણ વૅલ્યુ થઈ ગઈ હોવાથી ‘હેરિટેજ વૉક’ કરવા આવતા લોકો અહીં ખાસ આવે છે.
બસ, આ જ ગલીમાં તમે સહેજ આગળ ખસો એટલે એક ભજિયાવાળા ભાઈ છે. આ કાકાનાં ભજિયાં અને ફુદીના-મરચાની લીલી ચટણી એટલી ફેમસ છે કે ન પૂછો વાત. હા, પણ આ દુકાનની ખાસિયત એ છે કે આ દુકાન છે કે ગોખલો એ ખબર જ ન પડે. હા, તમારે અડધા નીચા નમીને માલ લેવો પડે, કારણ કે આ દુકાન છે જ માંડ ત્રણ ફૂટ ઊંચાઈની. એમાં ભજિયાં બનાવવા અને પીરસવાવાળા ભાઈ નીચે જ બેઠા હોય અને તમારે નીચા નમીને જ ભજિયાં લેવાં પડે (બોલો ભજિયાં લેવા માટે આપણે નમવાનું! પણ ભાઈ સ્વાદ-સ્વાદની વાત છે).  લોકો પછી સાઇડમાં ઊભા રહીને હોંશથી ખાય.
એની સહેજ આગળ વધો ત્યારે અડધા ફુટની પહોળાઈ ધરાવતાં પગથિયાં ઉપર ‘મહારાજ ચેવડાવાળા’ કે જે ‘ડબ્બાવાળાનો ચેવડો’ તરીકે ઓળખાય છે, કારણ કે તેલના જૂના તેમ જ ઍલ્યુમિનિમયના ડબ્બામાં લાવવામાં આવે છે અને એમાંથી જ વજન કરીને વેચવામાં આવે છે. ચેવડાવાળા તરીકે એટલા માટે પ્રખ્યાત છે કે તેમનો તીખો અને મોળો પૌંઆનો તળેલો ચેવડો, સેવ અને મમરી નાખીને જે મિશ્રણ તૈયાર કરીને આપવામાં આવે છે એના લોકો દીવાના છે. તેની સાથે લીલી લચકો ચટણી તો લોકો કોળિયા ભરી-ભરીને ખાઈ જાય એટલી ટેસ્ટી હોય છે. ત્યાર પછી તો મહારાજના નામે અનેક ચેવડાવાળા થઈ ગયા છે, પરંતુ આ જગ્યા હજી પણ એટલી જ ફેમસ છે અને માણેકચોક આવે એટલે અહિનો પૌંઆનો ચેવડો લઈ જવાનું ભૂલે નહીં.
ત્યાંથી બે ડગલાં ચાલો એટલે ભેળ અને પાણીપૂરીવાળા એક ભાઈ છે. હવે તો તેમની મસ્ત મજાની દુકાન છે, પરંતુ આ દુકાનની દીવાલ પર નાનકડી એવી ઊંચી ઓટલી બનાવી દેવાઈ છે અને એના પરથી પાણીપૂરી પીરસાય છે. ભેળ, ચટણીપૂરી, ચાટ, બાસ્કેટ પૂરી, સેવપૂરી ખાવી હોય તો દુકાનમાંથી લેવાની અને જ્યારે પાણીપૂરી ખાવી હોય તો ઓટલીવાળા જોડે જવાનું. એનું પાણી એટલું ટેસ્ટી હોય છે કે લોકો પાણીપૂરી ખાધા બાદ ડિશ ભરી-ભરીને પાણી પીને ઓડકાર ખાઈ લે.

દીવાલ પર જડેલું શશીનું ચવાણું
લકી રેસ્ટોરન્ટની જમણી તરફની ગલીમાં શશીનું ચવાણું ખૂબ વખણાય છે. ઉપર એક ખાસ પ્રકારનો મસાલો, લીંબુ અને કાચા પપૈયાનું છીણ નાખીને પીરસવામાં આવતું હોવાથી એ શશીનું રિમઝિમ ચવાણું તરીકે ઓળખાય છે. પરંતુ આ જગ્યાની શરૂઆત ફુટપાથ પર થઈ હતી અને એની દીવાલ પર ખાનાં બનાવીને ચવાણાની સામગ્રી રાખવામાં આવે છે. હવે તો એ લોકોએ કાઉન્ટર બનાવ્યું છે, પરંતુ એ ખાનાંઓ હજી પણ સાબૂત છે. તેમણે એક વિશાળ દુકાન નારણપુરા ખાતે બનાવી છે.

ન્યુ લકી રેસ્ટોરન્ટ, એક વિસ્મયકારક જગ્યા
જૂના અમદાવાદના છેડે લાલ દરવાજા વિસ્તાર શરૂ થાય અને વિશ્વ વિખ્યાત સિદી સૈયદની જાળી આવેલી છે. એની જમણી તરફની સામેની બાજુ ન્યુ લકી રેસ્ટોરન્ટ આવેલી છે. લોકોએ એનું ખૂબ નામ સાંભળ્યું હશે, પરંતુ ત્યાં જાઓ તો વિસ્મય પામી જાઓ, કારણ કે અંદર કબરોની આસપાસ ટેબલો ગોઠવેલાં છે અને ત્યાં બેસીને તમારે ચા, મસ્કાબન કે બીજા ભોજનનો સ્વાદ માણી શકાય. કહેવાય છે કે આ બાર જેટલી કબરો કોઈ સૂફી સંતોની છે અને તેમના આશીર્વાદના કારણે આ જગ્યાની  બરકત છે. કબરોની પવિત્રતા જાળવવા માટે આજુબાજુ સ્ટીલની ગ્રિલ બનાવાઈ છે અને રોજ ફૂલહાર થાય છે. વિખ્યાત તસવીરકાર એમ. એફ. હુસેન અહીંની ચાના દીવાના હતા અને તેમણે બનાવીને ભેટમાં આપેલું પેઇન્ટિંગ પણ અહીં શોભાયમાન છે.

જૂના અમદાવાદની ફૂલવડી
અનોખી દુકાનોની જ વાત કરીએ તો જૂના અમદાવાદના બીજા વિસ્તારોમાં તો લટાર મારવી જ પડે. એમાં પ્રખ્યાત ગાંધી રોડ કે જ્યાં હાલમાં ઇલેક્ટ્રિકની ફૅન્સી વસ્તુઓ, ચશ્માં તેમ જ બાળકોની સાઇકલનું આખા ગુજરાતનું સૌથી મોટું બજાર આવેલું છે. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છે એ રસ્તે ગાંધી રોડ તરફ આગળ જાઓ તો પતાસા પોળના નાકે ‘રાધે ખમણ’ નામની દુકાન આવેલી છે. ત્યાં વાટી દાળનાં અને નાયલૉન ખમણ સાથે ઉપર નાખેલી સેવ આરોગવા માટે જબરદસ્ત ભીડ જામે છે. હાલમાં આ દુકાન ચાર ફુટ ઊંચા ઓટલા પર આવેલી છે, પરંતુ એના ભૂતકાળની વાત કરું તો એ પહેલાં રસ્તાથી ચાર ફુટ નીચે દુકાન હતી (આશ્ચર્ય પામી ગયાને?)! સાચું કહું છું. ગાંધી રોડ દેરાસરની સામે પતાસા પોળના નાકે તમે જાઓ તો લોકો નીચા નમી-નમીને ખમણ લેતા હોય અને પછી રોડ પર ઊભા રહીને ખાતા હોય. એટલે આ નાનકડી દુકાન ભોંયરામાં હતી અને એનું કારખાનું અંદર પોળના એક મકાનમાં હતું. એટલે આ ભાઈ ભોંયરાની ઉપરની બાજુ બેઠા હોય અને ખમણ તોલી-તોલીને ગ્રાહકોને આપે. બે પાંદડે થયા એટલે ગાંધી રોડ પર જ મોકાની દુકાન મળી અને તેઓ લોકોને સ્વાદની મોજ કરાવે છે.
આવી જ એક ફૂલવડીની દુકાન છે કે જેનું કોઈ નામઠામ નથી પણ લોકો સુંગધ લેતા-લેતા આ જગ્યાએ પહોંચી જાય છે. હા, જૂના અમદાવાદથી ગાંધી રોડથી આગળ સીધા જાઓ એટલે ખાડિયા ચાર રસ્તા પર સાઇકલનું બજાર ચાલુ થાય. આ બજારમાં લટાર મારતા હો એટલે ફૂલવડીની સુગંધ આવવા લાગે. તમને એમ લાગે કે કોઈ મોટી દુકાનમાં જથ્થાબંધ રીતે ફૂલવડી બનતી હશે. પણ આ શું? આ તો ગોખલો છે.  હા, આ ઓટલો પણ નહીં અને પગથિયાં પણ નહીં, પરંતુ ગોખલો છે અને એમાં નીચા નમીને ફૂલવડી તમારે લેવાની હોય છે. પાંચ કૂવા દરવાજા પહોંચો એ પહેલાં જમણી બાજુ એક નાનકડી ગલી આવે છે. ત્યાં ગરમાગરમ પોચી ફૂલવડી મળે છે અને ધૂમ મચાવે છે. હંમેશાં ગરમ જ પીરસાય અને એની સાથે પપૈયાનું છીણ તેમ જ કઢીના સબડકા ભરીને પીવાની અનોખી મોજ જ છે.

જય ભવાની વડાપાંઉ
જય ભવાની એટલે કે જે.બી.નાં વડાપાંઉનું નામ ન સાંભળ્યું હોય તે ગુજરાત બહારનો કહેવાય એવી વાત છે. પરંતુ આ વડાપાંઉની શરૂઆત સી. જી. રોડ પર આવેલી મ્યુનિસિપલ માર્કેટની બહાર ધાબે જવાનાં પગથિયાં પર થયેલી છે અને હાલમાં પણ ત્યાં વડાપાંઉ અને દાબેલી મળે છે. રવિવારે અડધો કલાક પછી વારો આવે. આ જગ્યાએથી એટલી સફળતા મળી કે હવે તો એની અનેક બ્રાન્ચો ગુજરાતભરમાં છે, પરંતુ અહીં આ અનોખી જગ્યા જોવા જેવી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK